પ્રસ્તાવના (Introduction)
19મી સદીના અંત ભાગમાં આગવી ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જડ સાધનસામગ્રી કરતા લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. તેને સમજાયું કે યંત્રો આપોઆપ નથી વ્યવસ્થા ચાલતા પણ કર્મચારીઓ ચલાવે છે. પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિ જરૂરિયાત અનુભવાઈ.
કર્મચારી વ્યવસ્થા (staffing)
એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. કર્મચારી વ્યવશ્થા એ એકમ માં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે.
ખ્યાલ (Concept) : સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે.
વિસ્તૃત અર્થ માં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યો નો સમાવેશ કરવામાં આવે છે.
લાક્ષણિકતાઓ (Characteristics) :
(1) સંચાલનનું અગત્યનું કાર્ય : સંચાલન નાં અન્ય કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ ની જેમ કર્મચારી વ્યવશ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે.
(2) કાયમી પ્રક્રિયા : કર્મચારી વિના એકમ નું અસ્તિત્વ શક્ય નથી. એકમ ની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે.
(3) માનવ સંબંધો સાથે નિસ્બત : કર્મચારી વ્યવસ્થા નો ઉદેશ યોગ્ય કર્મચારી મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. કર્મચારીઓ ઉત્પાદન નું એકમાત્ર જીવંત સાધન છે. તેને લાગણી અને સ્વમાન છે.
(4) પ્રવૃત્તિઓ ગતિશીલ બને : યોગ્ય કર્મચારી વ્યવસ્થાની કારણે એકમ ની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે.
(5) અન્ય કાર્ય સાથે સંબંધ : સંચાલનનાં અન્ય કાર્યો જેવાં કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે.
(6) વિસ્તૃત પ્રવૃત્તિ : કર્મચારી વ્યવશ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેનો વિકાસ કરવાનું કાર્ય કરે છે.
(7) મૂડી ખર્ચ (રોકાણ) : કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણતા તેને જરૂરી મૂડી ખર્ચ (રોકાણ) ગણાવી શકાય.
કર્મચારી વ્યવસ્થા નું મહત્ત્વ (Importance) :
સંચાલન ના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે.
જેમ-જેમ ઉદ્યોગો નો વિકાસ થતો ગયો તેમ-તેમ તેનું મહત્ત્વ વધતું ગયું.
કર્મચારીઓ વિનાનું વ્યવસ્થાતંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે.’
જડ યંત્ર ની માવજત ઉત્પાદન મા વધારો કરી શકે છે, જ્યારે કર્મચારીઓ તો વધુ સારાં પરિણામ આપી શકે.
ધંધાકીય એકમની ભવિષ્ય નો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ છે.
તે એકમ નું એકમાત્ર જીવંત સાધન છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહિ કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાન છે, અલગ-અલગ આવડત, હોંશિયારી અને સમજ છે.
એટલા માટે એવું કહેવામાં આવે છે કે ‘તમે તમારા કર્મચારીઓ નો ખ્યાલ રાખો, તે બાકી બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે.’
(1) ચાલક બળ : સંતુષ્ઠ અને કાર્ય નિષ્ઠ કર્મચારીઓ એકમ નું ચાલક બળ છે. ઉત્પાદનનાં અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે.
(2) પ્રવૃત્તિ ઓ ગતિશીલ રહે : યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે.
(3) સંચાલન નાં અન્ય કાર્ય માટે જરૂરી : સંચાલનના અન્ય કાર્ય જેવાં કે આયોજન, વ્યવસ્થાતંત્રની રચના, સંકલન, દોરવણી અને અંકુશ જેવાં કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે.
(4) એકમ ના હાથ-પગ : સંચાલન માં આયોજન નું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીર ના હાથ-પગ નું સ્થાન ધરાવે છે. તેના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકે નહિ.
(5) કર્મચારીઓ માં સંતોષ : કર્મચારીઓની ફરિયાદ, મુશ્કેલીઓને સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય છે. એ કમનાં કાર્યોનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે.
(6) સંબંધો માં સંવાદિતા : યોગ્ય કર્મચારી વ્યવસ્થાની કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા જળવાય છે.
(7) એકમ ની પ્રતિષ્ઠા માં વધારો : સંતુષ્ઠ અને કાર્ય નિષ્ઠ કર્મચારીઓ એકમ ની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમ ની પ્રતિષ્ઠા માં વધારો કરે છે.
(8) સતત ચાલતી પ્રક્રિયા : કર્મચારી વિના એકમ નું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે.
માનવ સંસાધન સંચાલન ના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા:
માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારી આયોજન કરવું. તેમની પ્રાપ્તિ. જાળવણી અને તેના વિકાસની પ્રક્રિયા છે.
કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતે ભરતી, પસંદગી, તાલીમ વગેરે જેવી પ્રવૃત્તિઓની સમાવેશ થાય છે.
ભૌતિક સુખ-સુવિધામાં વધારો, ઉત્તેજક વતન પ્રથા અને કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે.
વર્તમાન સમયમાં મોટા ભાગનાં એકમો હવે કર્મચારી વ્યવસ્થાની વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે.
આજના વૈશ્વિક હરીફાઈના સમયમાં માનવ સંસાધન નું મહત્વ ખૂબ વધ્યું છે.
દરેક એકમમાં ઉત્પાદનનાં અન્ય સાધનો સરખા હોય તો પણ કર્મચારીઓ ની કદર, કાર્ય સંતોષ, કુશળતા, વફાદારી અને જાળવણીથી સારાં પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.
માનવ સંસાધન સંચાલન કામગીરી ને બે ભાગમાં વહેચી શકાય :
(A) આયોજન સાથે સંબંધિત બાબતો :
(i) એકમ માં જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું.
(i) સમય, સંજોગ અને પરિસ્થિતિ મુજબ જરૂર જણાય ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવો.
(ii) દરેક કર્મચારીઓ ને તેની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવી.
(B) વળતર અને વિકાસ સંબંધી બાબતો :
(i) જરૂર પડે ત્યારે કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી.
(i) કર્મચારીઓ તેમના કાર્ય માં નિષ્ણાત બને અને વિચાર શક્તિ વધે તેવું વાતાવરણ અને તક પૂરી પાડવી.
(ii) કર્મચારી લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને લાભ આપવા.
માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને ઉત્પાદનનું સાધન નહીં પણ તેથી વિશેષ – એક માનવી તરીકે સ્વીકારવામાં આવે છે.
કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા
એક ઉદ્યોગપતિ ના જણાવ્યા અનુસાર સારો, અનુભવી, કલ્પનાશીલ અને પ્રામાણિક કર્મચારી એ ધંધાકીય મિલકત સમાન છે.
ભરતી : ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામુ આપે અને મૃત્યુ કે નિવૃત્તિ જેવાં કારણોસર દરેક એકમે ભરતી કરવી પડે છે.
અર્થ (Meaning) : સામાન્ય અર્થમાં, ‘ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા.’
વિશાળ અર્થમાં, ‘ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા.’
ભરતી માટેનાં પ્રાપ્તિસ્થાન :
(A) આંતરિક પ્રાપ્તિસ્થાનો :
(1) બઢતી આપીને : આ પદ્ધતિમાં જ્યારે એકમમાં નવી જગ્યા ઉભી થાય કે ખાલી જગ્યા પડે ત્યારે સંચાલકો વર્તમાન કર્મચારીઓ નું કામ, હોંશિયારી, પ્રામાણિકતા તથા વફાદારી જેવી બાબતોનું મૂલ્યાંકન કરી તેના આધારે બઢતી આપે છે.
પોતાના જ કર્મચારીને ઉચ્ચ હોદ્દા પર લેવાથી તેના કાર્યજૂસ્સો અને વફાદારી વધે છે. બઢતીના કારણે કર્મચારી નો પગાર, હોદ્દો, સત્તા અને જવાબદારી માં વધારો થાય છે.
(2) બદલી કરીને :
એક ના એક વિભાગમાં કર્મચારીઓની અછત હોય તેવા સંજોગોમાં એકમના જ અન્ય વિભાગ માં જરૂર કરતાં વધુ કર્મચારીઓ હોય ત્યારે વધારાના કર્મચારીઓની લાયકાત ધ્યાનમાં રાખી યોગ્ય જગ્યાએ બદલી કરી કર્મચારીઓની અછત દૂર કરી શકાય છે.
(3) કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને:
એકમમાં ખાલી પડતી જગ્યાઓ ભરવા માટે વર્તમાન કર્મચારીઓને માહિતી આપવામાં આવે છે.
યોગ્ય લાયકાત ધરાવતા તેના સગા કે મિત્રોની ભલામણ કરવા જણાવવામાં આવે છે.
તેઓ પાસેથી અરજી મેળવી ભરતી કરવામાં આવે છે. પોતાના સગા કે મિત્રોની ભરતી માં સહભાગી થવા તક મળવાથી વર્તમાન કર્મચારીઓનો ઉત્સાહ અને ધગશ વધે છે અને તેઓ ગર્વની લાગણી અનુભવે છે.
(4) અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવી ને :
ભૂતકાળમાં જે કર્મચારીઓ એકમમાં કામ કરતા હતા તેને કોઈ કારણસર છૂટા કરવા પડ્યા હોય અથવા પોતાની મરજીથી અન્ય એકમમાં જોડાયા હોય તેમાંથી સંચાલકો અનુભવી, જ્ઞાન ધરાવતા અને કાર્યદક્ષ કર્મચારીઓને પરત બોલાવી ભરતી કરી શકે છે.
(5) બઢતી સાથે બદલી કરીને : આ પદ્ધતિમાં એકમ ના હાલના કર્મચારીઓને આ જ સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમ મા કર્મચારીની કાર્યક્ષમતા, વફાદારી અને અનુભવ ને ધ્યાનમાં રાખી બઢતી સાથે બદલી કરવામાં આવે છે.
દા. ત., મનપસંદ શહેરમાં કે વતનની નજીક બઢતી સાથે બદલી કરવામાં આવે. આથી કર્મચારીનો કાર્યજુસ્સો અને ઉત્સાહ વધી જાય છે.
(6) પ્રતિક્ષા યાદી : ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી, જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની એક યાદી તૈયારકરવામાં આવે છે, જેને પ્રતિક્ષા યાદી કહે છે.
(B) બાહ્ય પ્રાપ્તિસ્થાનો :
(1) જાહેરાત દ્વારા :
અસરકારક ભરતી માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. વર્તમાનપત્રો, ધંધાકીય સામયિકો કે વિશિષ્ટ વ્યવસાય માટે ના સામયિકોમાં જાહેરાત દ્વારા અરજીઓ મંગાવવા માં આવે છે.
આ ઉપરાંત ઉમેદવાર ટેલિવિઝન, ઇન્ટરનેટ અને વેબસાઇટ પર જાહેરાત જોઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
દૂર-દૂરના સ્થળેથી વધુ સંખ્યામાં અરજી મંગાવી શકાય છે. તેમાંથી યોગ્ય કર્મચારીની પસંદગી થઈ શકે છે.
(2) રોજગાર વિનિમય કચેરી દ્વારા :
સરકારી અને ખાનગી રોજગાર વિનિમય સંસ્થાઓ નોકરી શોધતા
ઉમેદવારોનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કૌશલ્યો જેવી બાબતોની નોંધણી કરી યાદી તૈયાર કરે છે.
જે એકમો આ સંસ્થા ની સેવા માંગે તેમને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી મોકલવામાં આવે છે. તેમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી શકાય છે..
(3) શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા :
વર્તમાન સમયમાં ઘણાં બધાં એકમો આ પદ્ધતિથી ભરતી કરે છે. વ્યાવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ, કોલેજ અને યુનિવર્સિટી સંપર્ક કરી તેમાં તૈયાર થતા વિદ્યાર્થીઓની સીધી ભરતી કરે છે.
એકમમાં જે પ્રકારની લાયકાતવાળા કર્મચારીઓની જરૂર હોય તે અંગે કોલેજ કેમ્પસ માં રૂબરૂ મુલાકાત ગોઠવીને ભરતી કરી શકાય.
દા. ત., IIM (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ), IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) જેવી સંસ્થા દર વર્ષે આવા ભરતી મેળા યોજે છે.
(4) મજૂર સંઘ દ્વારા :
મજૂર સંઘો ધંધાકીય એકમ ના કામદાર સભ્યોની નોંધણી કરતા હોય છે.
ક્યારેક એકમમાં કામ ઓછા થતા અથવા અન્ય કારણોસર કામદારોને છુટા કર્યા છે.
કામમાં વધારો થતાં મજૂર સંઘોની મદદથી આવા કામદારની ભરતી કરવામાં આવે છે. દા.ત., કાપડ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ વગેરે.
(5) ઠેકેદાર (Contractor) દ્વારા : આ પદ્ધતિમાં ઠેકેદારો કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે.
અહીં ધંધાકીય એકમ અને ઠેકેદાર વચ્ચે કામદાર પુરો પાડવાનો કરાર થાય છે. ઠેકેદાર જુદા-જુદા કામના કામદારોના સંપર્કમાં રહે છે.
એકમને જરૂર પડે ત્યારે વાજબી દરે કામદાર પુરા પાડે છે. દા. ત., બાંધકામ ઉદ્યગ, ખાણ ઉદ્યોગ, ચાના બગીચા વગેરે.
આ પદ્ધતિમાં કામદારોના શોષણ થવાની શક્યતા રહેલી છે. સામાન્ય રીતે બિનકુશળ કામદારો આ રીતે પુરા પાડવામાં આવે છે.
(6) દ્વાર (Gate) પર ભરતી :
એકમ કે સંસ્થાના દરવાજે કામ અંગેની જાણકારી દર્શાવતું બોર્ડ મૂકીને કર્મચારીઓ મેળવી શકાય છે. ખાસ કરીને રોજમદાર કર્મચારી માટે આ પદ્ધતિ વધુ અનુકૂળ છે.
(7) આધુનિક પદ્ધતિ : વર્તમાન સમયમાં ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કર્મચારીઓ મેળવી શકાય છે.
જુદી-જુદી એજન્સી પોતાની વેબસાઈટ પર સંભવિત ઉમેદવારોની જરૂરી વિગતો નોંધે છે.
એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે આ એજન્સીઓ અથવા એકમ તેનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવાર મેળવી શકે છે.
આ માટે ઘણી વખત બધી પ્રક્રિયા ઓનલાઇન થાય છે.
પસંદગી (selection) : પસંદગી એટલે આવેલી અરજીની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી.
પસંદગી એ ભરતીની પ્રક્રિયા નો એક ભાગ છે.
જુદાં-જુદાં એકમોમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે છે. તેનો આધાર એકમ નું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે.
દરેક મોટા એકમોમાં સંચાલનના ત્રણ સપાટી હોય છે. ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી. દરેક સપાટીએ જુદી-જુદી લાયકાત ધરાવતા કર્મચારી ની જરૂર હોય છે.
બિન સંચાલકિય કર્મચારીઓ માટે પસંદગીની વિધિ ટૂંકી અને સરળ છે
પસંદગીની પ્રક્રિયા (મુદ્દા ખાસ યાદ રાખો વિભાગ c)
(1) આવકાર અને પ્રાથમિક મુલાકાત :
આ તબક્કે સૌ પ્રથમ એકમમાં ઉમેદવારને આવકાર આપવામાં આવે છે.
સ્વાગત કરતા પ્રાથમિક પૂછપરછ કરી યોગ્ય લાગે તો ભરતી અધિકારી પાસે મોકલે છે.
ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી જ્ઞાન, કૌશલ્ય અને કામગીરી અંગે પૂછપરછ કરી માહિતી મેળવે છે.
(2) અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી :
અરજીપત્રક દ્વારા ભરતી અધિકારીઓને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો, અનુભવ, જ્ઞાન અને કૌશલ્ય અંગેની માહિતી મળે છે.
ભરેલ અરજી પત્રકની ચકાસણી કરવામાં આવે છે. જો અરજીપત્રકમાં માહિતી અધૂરી કે ખોટી જણાય તો તેવાં અરજીપત્રક રદ ગણવામાં આવે છે.
(3) જરૂરી કસોટીઓ લેવી :
જેમનાં અરજી પત્રકો માન્ય કરવામાં આવ્યા છે તેવા ઉમેદવારોની વિવિધ કસોટીઓ લેવામાં આવે છે.
દરેક ધંધાકીય એકમ કે સંસ્થા પોતાની રીતે કસોટીઓ લેતી જોવા મળે છે.
તેના દ્વારા ઉમેદવારની માનસિક ક્ષમતા, ચપળતા, આવડત અને અભિરુચિ વગેરે બાબતો અંગે જાણકારી મેળવી શકાય છે.
(i) બુદ્ધિ કસોટી : આ કસોટી દ્વારા ઉમેદવારોની બુદ્ધિ, ચપળતા, યાદ શક્તિ, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ વગેરે જાણી શકાય છે.
(ii) અભિરુચિ કસોટી : જે કાર્ય માટે ઉમેદવાર ને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય છે.
(iii) ધંધાકીય કસોટી : ઉમેદવારો જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહિ તે જાણી શકાય છે.
(iv) મનોવૈજ્ઞાનિક કસોટી : આ કસોટી દ્વારા ઉમેદવારો નો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ અંગે જાણી શકાય છે.
(4) રૂબરૂ મુલાકાત :
વિવિધ કસોટીમાં જે ઉમેદવાર સફળ પુરવાર થાય તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે.
પસંદગી સમિતિ માં વિવિધ નિષ્ણાંતો ઉપરાંત સંચાલકો ના પ્રતિનિધિ, વિભાગીય વડા, કર્મચારી વિભાગના વડા વગેરેનો સમાવેશ થાય છે.
(5) ભૂતકાળની કારકિર્દી ની તપાસ :
ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા ભૂતકાળમાં જ્યાં-જ્યાં કામ કર્યું હોય તેવા એકમો પાસેથી ઉમેદવાર અંગે ખાનગી માહિતી મંગાવવામાં આવે છે અને અરજીપત્રકમાં ઉમેદવારે આપેલ માહિતી સાથે સરખાવી ચકાસવા માં આવે છે.
(6) પ્રાથમિક પસંદગી :
જો રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દિ વિશેની બાબતો હકારાત્મક હોય તો પસંદગી સમિતિ ઉમેદવારોની યાદી બનાવે છે.
આ યાદીમાં જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવે છે.
(7) તબીબી તપાસ :
જેટલા કર્મચારીઓ ની જરૂર હોય તેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી એકમે નક્કી કરેલ ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે.
આ તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી તો નથી ને તે જાણવાનો છે.
(8) નિમણૂક પત્ર :
આખરી પસંદગી બાદ ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવે છે જેમાં ઉમેદવારને કયા સ્થળે, કઈ જગ્યા માટે, કઈ સતા, ફરજો અને જવાબદારીઓ તથા કર્મચારીઓને મળવા પાત્ર પગાર અને અન્ય આર્થિક અને બિન આર્થિક બાબતોની જાણકારી આપવામાં આવે છે.
(9) એકમ પરિચય અને કાર્ય ની સોંપણી :
આધુનિક એકમો, નિમણૂંક પત્ર આપ્યા પછી અને કાર્યોની સોંપણી કરતા પહેલા કર્મચારીને એકમની નીતિ, પર્યાવરણ, ઉપરી અધિકારીઓ, સહકર્મચારીઓ અને તાબેદાર સાથે પરિચય કરવામાં આવે છે અને ત્યારબાદ કાર્યની સોંપણી કરવામાં આવે છે.
તાલીમ અને વિકાસ
તાલીમ એ કામચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે.
તાલીમનો ખ્યાલ (Concept) :
સરળ શબ્દોમાં, તાલીમ એટલે કર્મચારીઓને તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન,
એક વિચારક ના મત પ્રમાણે, “એકમના કાર્યોને ધ્યાનમાં રાખી જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન અને ટેકનિકલ સમજ માં વધારો કરવા કર્મચારી અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે તાલીમ.”
‘તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્ય માં કુશળતા મેળવવાની હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ.’
તાલીમનું મહત્ત્વ :
(1) આધુનિક જાણકારી : ઔદ્યોગિક જગતમાં નવા સંશોધન તથા ટેકનિકલ જ્ઞાન ની ક્ષિતિજો વિસ્તરી રહી છે.તેની સાથે કદમ મિલાવવા માટે દરેક કર્મચારીને તાલીમ આપવી જરૂરી છે.
(2) સલામતી : ખાસ કરીને મશીનરી સાથે કામ કરતા કર્મચારીઓને તાલીમ દ્વારા અકસ્માતથી બચાવી શકાય છે. તે થાક કે કંટાળો અનુભવ્યાં વિના ઉત્સાહથી કામ કરી શકે છે.
(3) કાર્યસંતોષ વધે : તાલીમ દરમિયાન કર્મચારીઓને જે કાર્ય અંગે તાલીમ આપી હોય તે જ કામ માટે તેને કામગીરી સોપવામાં આવે છે જેથી તે વધુ જુસ્સા સાથે કાર્ય કરે છે અને કાર્યસંતોષની લાગણી અનુભવે છે.
(4) કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો : કર્મચારી તાલીમ આપી તેના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી બઢતી માટે તૈયાર કરી શકાય છે. તાલીમ પામેલ કર્મચારી વધુ કાર્યદક્ષ બનતાં તેને વધુ આર્થિક લાભ મળે છે. તેથી, તે નોકરી બદલવાનો વિચાર ઓછો કરે છે. તેથી કર્મચારી ફેરબદલી દર ઘટે છે.
(5) નફામાં વૃદ્ધિ : તાલીમ દ્વારા ઉત્પાદન અને ઉત્પાદકતા માં વધારો કરી શકાય છે તેથી વસ્તુની પડતર કિંમત ઘટે છે, જેના કારણે નફામાં વૃદ્ધિ થાય છે.
(6) ખર્ચમાં ઘટાડો : તાલીમ ને કારણે કર્મચારીઓની કાર્ય દક્ષતા માં વધારો થતાં ઉત્પાદન વધે છે, કાચા માલના બગાડ માં ઘટાડો થાય છે. નિરીક્ષણ ખર્ચ માં ઘટાડો થાય છે. પરિણામે કુલ ખર્ચમાં ઘટાડો થાય છે.
(7) કર્મચારી વિકાસ : તાલીમ ને કારણે કર્મચારીઓમાં જ્ઞાન, આવડત, હોશિયારી અને કૌશલ્યોમાં વધારો થાય છે તેથી તેનો વ્યક્તિગત વિકાસ થાય છે.
(8) અન્ય લાભ : તાલીમ ને કારણે વસ્તી ની ગુણવત્તા વધતાં એકમની પ્રતિષ્ઠા વધે, કર્મચારીઓમાં માનસિક તણાવ ઘટે, એકમમાં સહકાર ભર્યું વાતાવરણ ઊભું થાય, કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિષ્ઠા અને વફાદારીમાં વધારો થાય છે.
મોટા એકમો તાલીમ માટે અલગ વિભાગ અને યોગ્ય તાલીમી અધિકારી રાખે છે.
જ્યાં નવા કામદારોને તાલીમ આપવામાં આવે છે.
જેમાં કાચા માલ નો બગાડ થાય છે અને તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ આપવું પડે છે. આમ, તાલીમનું કાર્ય ખર્ચાળ છે, પરંતુ તેના કારણે એકમ ને મળતા ફાયદા ખર્ચની સરખામણીમાં વધુ હોય છે.
માટે એમ કહેવામાં આવે છે કે ‘તાલીમ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તેથી તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતાં મૂડી રોકાણ ગણવું જોઈએ.
વિકાસ (Development) :
એકમના ઉચ્ચ સંચાલક તથા વિભાગીય અધિકારી કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે.
તેઓને વિશિષ્ઠ તાલીમ આપવામાં આવે છે.
આ તાલીમનો હેતુ તેઓ ની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવાના છે. ઉપરાંત ટેકનિકલ તથા વ્યુહરચનાઓનું ઘડતર વગેરે બાબત માં નિષ્ણાત બને તે માટે તેને તાલીમ આપવાનો છે.
.
ખ્યાલ (Concept) : વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન.
વિકાસનું મહત્ત્વ (Importance) :
(1) ટેકનિકલ જ્ઞાનમાં વધારો : એકમ ના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. તેની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી હોય છે, તેથી
વિકાસ કાર્યક્રમો દ્વારા સાધનો, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
(2) નવા સંશોધન અને ખ્યાલો થી સુસજ્જ રાખવા :
અધિકારીઓને નવાં-નવાં સંશોધનો તથા નવા ઉદ્ભવી રહેલા ખ્યાલો અને વિચારો ની જાણકારી આપી વહીવટી કક્ષાઓ, વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની ગુણવત્તામાં વધારો કરી શકાય છે.
(3) એકમ નો વિકાસ : વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યુહરચનાઓ દ્વારા રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવા વિકાસ કાર્યક્રમોનું આયોજન જરૂરી છે.
(4) સાધનો નો મહત્તમ ઉપયોગ : વિકાસ કાર્યક્રમ દ્વારા એકમ નાં ઉપલબ્ધ તમામ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે.
ઉપરાંત બિનજરૂરી ખર્ચ ઘટાડી, પડતર પર અંકુશ રાખી નફામાં વૃદ્ધિ કરી શકાય છે.
(5) સમસ્યાઓનો ઉકેલ : સંચાલન ની નવીન સમસ્યાઓ અને પ્રશ્નોના ઝડપી અને સફળ ઉકેલ માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે.
(6) અસરકારક નિરીક્ષણ : ટેક્નિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ ધરાવનાર અધિકારી જ એકમની પ્રવૃત્તિ પર અસરકારક નિરીક્ષણ રાખી શકે છે. વિકાસના કાર્યક્રમ દ્વારા આ લાભ મેળવી શકાય છે.
(7) તણાવમાં ઘટાડો : એકમ સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓએ પડકારો અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે. યોગ્ય નિર્ણય લેવામાં મૂંઝવણ અને તણાવ અનુભવે છે. તે ઘટાડવા વિકાસ કાર્યક્રમ જરૂરી છે.
(8) વિકાસ કાર્યક્રમ : ભવિષ્ય માં આવનારા પડકારો અને પરિવર્તનનો ધંધામાં સમાવેશ કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા વિકાસ કાર્યક્રમો જરૂરી છે.