Category: Essay Writing

  • Bhrashtachar essay in gujarati-ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી દુષણ

    Bhrashtachar essay in gujarati-ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી દુષણ

                     

                      ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી દુષણ .

    આજે અત્ર  તત્ર સર્વત્ર ભ્રષ્ટાચાર નો ભોરિંગ સૌને સતાવી રહ્યો છે. ભારતનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં ભ્રષ્ટાચાર નું વરવું સ્વરૂપ પ્રગટ  થતું ન હોય. રાષ્ટ્રના 95 ટકા લોકો ભ્રષ્ટાચાર નો વ્યવહાર સમજવા લાગ્યા છે.

    વર્ષો વીતી ગયાં છે એ વાતને !   નવનિર્માણનું આંદોલન થયું હતું જેના પેટાળમાં ભ્રષ્ટાચાર સામેનો પુણ્ય પ્રકોપ પ્રજ્વલિત  થયો હતો. ભ્રષ્ટ અને અધમ આચરણ નો અખાડો છે આજનું રાજકારણ.

    રાજકારણ ના પડદા પાછળ ખેલાય  છે અનેક અપકૃત્યો અને અધમ લીલાઓનું તાંડવ. સંસારના સર્વ ક્ષેત્રોમાંથી સાદાઈ ,સરળતા અને પ્રમાણિકતા મરી પરવાળી છે .

    નિરાડંબર,નિદૅભ,  અને વંદનીય રિતિમાં  કોઈને રસ નથી રહ્યો. સૌ ખાવામાં લાંચ લેવામાં પડ્યા છે. પોતે પાછળ રહી જશે અને બીજા આગળ નીકળી જશે એવી હોડમાં સો વધુ ખાઉધરા બનતા જાય છે.

    આ પ્રશ્ન ત્યારે ઊભો થાય છે જ્યારે વડીલોના આચાર અને વિચાર વચ્ચે વિભેદ જોવા મળે, કહેવાતા મહાન પુરુષો ઉપદેશ આપે સદાચારનો અને આચરણ કરે દુરાચાર નું  ,વાત ધર્મની કરીવી ને આચરણ કરવું અધર્મનું , વાત નીતિમુલ્યોની કરવી ને આચરણ કરવું અનૈતિક , હાથીના દાંતન જેવી એમની જીવનલીલા હોય છે.

     મોટેરાઓને દુરાચાર સામે  યુવાનો લાલ આંખ બતાવવા માંગે છે. પાખંડ અને દંભના પડદા ચીરી ને મોટેરાઓને ઉઘાડા પાડવા નવી પેઢી ઉત્સુક બની રહી છે, સદાચારનો વિરોધી શબ્દ ભ્રષ્ટાચાર ,દુરાચાર છે.

    સમાજ કે રાષ્ટ્રની સાચી પ્રતિષ્ઠા શિષ્ટ વર્તનને આધારે મુલવાય હોય છે. નૈતિક મૂલ્યોને  નેવે મૂકીને સ્વાર્થવશ દુરાચાર ન આચરે તેવા લોકો રાષ્ટ્રને અવનીતિ તરફ ધકેલે છે .ભ્રષ્ટાચાર એ અસદપ્રવૃત્તિ છે. અસદપ્રવૃત્તિ  એ રાષ્ટ્રનું દૈત્ય હોય છે. ભ્રષ્ટાચાર રાષ્ટ્રહૃદય ને લકવાગ્રસ્ત બનાવી મૂકે છે.

    ભ્રષ્ટાચાર કરનાર લોકો ભ્રષ્ટાચાર કરીને પણ ખુલ્લેઆમ ફરતા હોય છે. ચૂંટણી લડી શકે છે.  લોકોના રૂપિયે તાગડધિન્ના કરી શકે છે. આર્થિક સંપતિના બળના લીધે આવા ભ્રષ્ટાચાર ઓ ખુનામરકી ,લૂંટ ,અપહરણ, કાવાદાવા, બળાત્કાર,  કાળાબજાર ,સંગ્રહખોરી, ભેળસેળ , ખંડણી વસુલવી ભય ફેલાવવો , ધાકધમકી આપવી વગેરે જેવા અનેક પ્રકારના અધમ કૃત્યો કરતા હોય છે.

     જે સામાન્ય પ્રજાના રૂપિયાથી પોતાનું અને પોતાના પરિવારનો સારું કરી લેતા હોય છે. તેમણે દેશ અને દેશબાંધવોની કંઈ જ પડ્યો તે નથી. તેઓ પોતાના લાભ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે .

    થોડા સમય પહેલાં જ ઓઇલ માફિયાઓએ યશવંત સોનવણે  નામના એડિશનલ કલેક્ટરને ભરબજારમાં જીવતા બાળી મૂક્યા હતા. તેમના દોષ એટલો જ હતો કે તેમને ઓઇલ માફિયાઓને ભેળસેળ કરતા રંગે હાથે પકડી લીધા હતા અને તેમનો ફોટો પાડી લીધો હતો .અને આવા લોકોનું કોઈ કશું જ બગાડી શકતું નથી. તેથી તો કોઈ કવિએ કહ્યું છે કે,

    “ન્યાય, નીતિ સૌ‌ ગરીબને ,મોટાને સહુ માફ,

     વાઘે માર્યું માનવી, એમાં શો ઈન્સાફ”

    જેઓ બોલે છે કંઈક ને  કરે છે કંઈક એવા સત્તાલાલચુ નેતાઓએ ચૂંટણીના નામે ,સેવાના  બહાને અને સત્તાના જોરે ભ્રષ્ટાચાર ચોમેર પ્રસરાવી દીધો છે. આખરે આ બધો ભ્રષ્ટાચાર સરકારની આંખમાં ધૂળ નાખીને થઇ  રહ્યો છે કે સરકારની રહેમ નજર હેઠળ ફેલાઈ રહ્યો છે?

    આવું જોવાની પણ કોને પડી છે ? અને કઈ દિશામાં જઈ રહ્યો છે? એની ચિંતા છે કોઈને? મહાત્મા ગાંધીજીએ પોતાની જાત ઘસી નાખી ને જે કઈ શીખવ્યું છે  તે આપણે છ દાયકામાં ધોઈ નાખ્યું! ‘ ન જોઈએ આ ભ્રષ્ટાચાર! ” ભ્રષ્ટાચાર મુર્દાબાદ! શિષ્ટાચાર ઝિંદાબાદ’ હું એક એક ભ્રષ્ટાચારી ને ઉઘાડા પાડિશ !” આવું બોલવાની હિંમત આજે  કોઈનામાં છે ખરી?

    ભ્રષ્ટાચાર ફેલાવાના ઘણા કારણો છે. મનુષ્યે  આજે નીતિમત્તા ,કર્તવ્ય પરાયણતા , પ્રમાણિકતા નિષ્ઠા ,સેવા સમર્પણ, ત્યાગ જેવા ગુણો નેવે મૂકી દીધા છે. આજનો માનવી ઓછી મહેનતે વધુ પૈસા મેળવવા ઈચ્છે  છે .

    સૌને આજે કરોડપતિ થવું છે !સૌને આજે ભૌતિક સમૃદ્ધિ મેળવવી  છે, સૌને મોટા બનવું છે માનવી ને સંતોષ રહ્યો નથી. ભૌતિક વાદની આંધળી દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે.

    સરકારી તંત્રની સડો રાષ્ટ્રની કરોડરજ્જુનો કચરો કરી નાખશે. અહીં ભ્રષ્ટાચારની   બદી વ્યાપક અને ચિંતાજનક છે. ફાઇલોના ઢગલા,લાંચ વિના ફાઈલ આગળ જ ન ચાલે .

    કામચોરી એ  સરકારી કર્મચારીઓનો આત્મા બની ગઈ છે. કોઈ કામ ઉકેલાતું નથી અને મોટા પગારોની  માગણી કરે છે. સરકારી ભ્રષ્ટાચાર દૂર થયા વિના રાષ્ટ્રની ઉન્નતિ નથી.

    વેપારી વર્ગને તો  દેશદાઝ જાણે છે જ નહીં! ધનને ઉસેટવામાં તેઓ ભ્રષ્ટ બની ગયા છે . ભાવવધારો તેમનો ઈજારો બની ગયો  છે .કાળાબજાર, કૃત્રિમ ભાવવધારા, કૃત્રિમ અછત ભેળસેળ વેપારીઓને મન રમત છે . સદાચાર નો દંભ કરતો શેઠ માત્રા વિનાનો શઠ છે

    પોલીસ તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. કાયદો-વ્યવસ્થા અને પ્રજાના રક્ષક પોલીસ આજે ભક્ષક  બની ગયા છે .હપ્તા ઉઘરાવવા, જુગાર ,દારૂના અડ્ડાઓ તરફ આંખ મિચામણા કરવા, કેસ હોય તો લાંચ લેવી –  આ સૌ‌ પોલીસ તંત્રને કોઠે  પડી ગયું છે.કાનૂન રક્ષકો  જો કાયદા ભક્ષકો બને તો કોની સામે રાવ નાંખવી?

    શિક્ષણ ક્ષેત્રે પેપરો  ફુટવા , વધારે ગુણાંક માટે લાંચ આપવી , સપ્લીમેન્ટ્રી  બદલી નાખવી, એકની જગ્યાએ બીજાને પરીક્ષામાં બેસાડવો આ બધા અનિષ્ટો છે . ભ્રષ્ટાચારની સામે  થનાર શિક્ષકો જ સદાચારને નેવે મુકે તો શું કહેવું?

    અહીં  તો સાંદિપની જ દુર્યોધન બનીને  લહેર કરે છે. મુખ્ય પ્રધાનનો પુત્ર કે ગવર્નરના સંતાનો  શિક્ષણના ભ્રષ્ટાચાર માં સંડોવાયેલા હોય છે.

    ” बरबादे गुलिस्तां करने को ,सिर्फ एक ही उल्लू काफी हैं ,

      हर शाख पर उल्लू बैठे हैं, अंजामें  गुलिस्तां क्या होगा।”

    ભ્રષ્ટાચાર હટાવવા માટેનો ઉપાયો ની ચર્ચા શરૂ થઇ જાય છે. જાત જાતના કિમિયા બતાવાય  છે, પણ અંતે અમલના નામે મીંડુ રહે છે. ભ્રષ્ટાચાર હટાવવો અઘરો નથી પણ હટાવવાવનુ કામ જેમના શીરે છે તે પોતે જ ભ્રષ્ટ  હોય છે. કયો નેતા કે અધિકારી પોતાના પગ પર જ કુહાડી મારશે

    કોણ પોતાની જ  આવક બંધ કરશે ? ભ્રષ્ટાચાર હટાવવાના ઉપાય તરીકે આદર્શ વાદીઓ સલાહ આપશે કે પ્રત્યેક નાગરિક જો ભ્રષ્ટાચાર થી દૂર રહેવાનું પ્રણ લે  તો ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય .

    નાગરિક બિચારો  આવું કરી શકે એવી સ્થિતિમાં છે ખરો ?તેને પણ શાંતિથી જીવવું  છે. તે નોટ ન પકડાવે ત્યાં સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ નથી મળતું ,મકાનના પ્લાન પાસ થતાં નથી, નળનું કનેક્શન નથી મળતું.

    અને  બીજી બાબત, જે લોકોને વ્યવહારુ લાગે છે, એ છે કે લાખ રૂપિયાનું કામ સમયસર અને સારી રીતે કરાવવા માટે  દસ હજાર રૂપિયા બાળવા પડે તો બા. તેના માટે લડીને લોહી ઉકાળા કરવા , ઓફિસના પગથિયાં ઘસવા,લખાપટ્ટી કરવી એ બધી ઝંઝટ કરતાં ચાંપી દોને  રૂપિયા.

    ભારતના આજ થઈ રહ્યું છે. પ્રજા વ્યવહાર માનીને લાંચ આપે છે. અને એટલે જ ભારતમાંથી ભ્રષ્ટાચાર હટાવો મુશ્કેલ થઈ ગયો છે. ચાણકય એ અર્થશાસ્ત્રમા લખ્યું છે કે ,

    ‘જેમ તળાવમાં રહેલી માછલી  કેટલું પાણી પીવે છે એ જાણી શકાતું નથી તેમ વહીવટ ચલાવનારા વ્યક્તિ કેટલી ઉચાપત કરે છે તે જાણી શકાતું નથી.’ અહીં તંત્રમાં એટલા બધા છીંડા  છે કે તેને થીગડા મારવાથી કશું વળે તેમ નથી.

    ધર્મની ધજા હેઠળ ,ગાંધીની પવિત્ર ખાદીના નેજા નીચે કે સાદાઈના લિબાસમાં ભ્રષ્ટાચાર સર્વત્ર ફૂલીફાલી રહ્યો છે .ભ્રષ્ટાચારના કેન્દ્રમાં અર્થકેન્દ્રી સમાજ છે. સદાચારનો  એક નાનકડો દીવો સમાજના અંધારા ને રોકી શકે .

    સૌ કમૅઠ બને તો જ આ અનાચાર ને નાથી  શકાશે પ્રમાણિક પુરુષાર્થ દ્વારા, મહિલાઓની મશ્કરી  એ તો આપણો ગૃહ ઉદ્યોગ છે .પુત્રવધૂઓને જલાવી દેવાની કે પરાણે સતી બનાવી દેવાની  તો આપણો કુટીર ઉદ્યોગ છે.

    અંગ્રેજો  તો ગયા પણ અંગ્રેજોનાયે બાપ  કહેવાય એવા ખતરનાક ભ્રષ્ટાચારીઓ  ખાદીના કે ખેસ ઉપર ગરીબ રૈયત માં ઘૂમવા  માંડ્યા છે. અખબારો તારસ્વરે ક્ષણે ક્ષણે આ જંગલી વરુઓના નામ ,સરનામા સાથે

     એમના કૌભાંડો અને લીલાઓની  કથાઓ બોલ્ડ ટાઈપ માં છાપે છે.

    છતાં સમાજથી  જાણે સુન્નત થઈ ગઈ હોય એમ સૌ આ માનવભક્ષી ઓલાદના ઓવારણા  લેવામાં પડ્યા છે. દેશને ચૂસાનારા , રંજાડનાર તથા  શિયળ ઉપર હુમલો કરનારા ડાકુઓની ટોળી છાતી ઉપર ચડી બેસે છે.

    ભ્રષ્ટાચાર ના રાષ્ટ્રવ્યાપી કેન્સર થી રાષ્ટ્રોને  બચાવવું અઘરું જણાય છે પણ અશક્ય તો નથી જ. આપણી પણ એ સમજી લેવું જોઈએ કે લાંચ લેવી એ જ માત્ર ગુનો નથી,  લાંચ આપવી એ પણ ગુનો છે. ભ્રષ્ટાચારની ભયાનકતા ને જોતા અંતે મને લોકનાયક જયપ્રકાશ નારાયણ ના શબ્દો યાદ આવે છે.–

    “ભ્રષ્ટાચારના દાનવને ખતમ કર્યા વિના કોઈપણ વિકાસ યોજના પાર પાડી શકાય નહીં અને કોઈ પણ પ્રશ્નનો અસરકારક ઉકેલ આવી શકે  નહીં.જ્યાં સુધી રાષ્ટ્રના માથા પરનું કલંક કાયમ છે .ત્યાં સુધી ભ્રષ્ટાચાર નો આ દાનવ જીવનના દરેક ક્ષેત્રમાં ફેલાતો જવાનો , વિકાસના સફળ તો અ હજમ કરશે જ ; પણ છેવટ જતા લોકશાહી, આઝાદી , ક્રાંતિના તમામ લાભ અને જેને માટે આપણે ઝુઝ્યા હતા તે જીવનમૂલ્યો એ બધું એના ઉદરમાં સમાઈ જશે.”

  • Pradushan Essay In Gujrati

    Pradushan Essay In Gujrati

    પ્રદૂષણ :  એક સમસ્યા 

      આપણામાં રહેલી દુષ્ટતા એટલે આપણી અંદર નું પ્રદૂષણ


    કેટલીક સમસ્યાઓ મનુષ્ય માટે કુદરતસર્જિત હોય છે, અસાધારણ હોય છે, જ્યારે કેટલીક માણસે પોતે  મૂર્ખ બનીને,અને ઘેલછામાં થી પેદા કરી હોય છે.

    પ્રદૂષણનો પ્રશ્ન એ માનવસર્જિત મહાપ્રશ્ન છે. 

    પ્રદૂષણ એ શેતાન છે. જે સમગ્ર માનવજાતને ભરખી જશે. માનવે જાતે જ પેટ ચોળીને શૂળ –દૂષણ કર્યું તે પ્રદુષણ. માનવના મનમાં રહેલી વિકૃતિનું સંસ્કૃત રૂપ તે પ્રદુષણ, વિજ્ઞાને આપેલા ફળમાંથી પ્રગટેલો કચરો એટલે  પ્રદૂષણ.

    વિશ્વ આજે પ્રદૂષણની સમસ્યાથી ત્રસ્ત છે. ભારત જેવા દેશોમાં પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહયું  છે. આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ચૂૂક્યા છીએ.

    આ સદીમાં કદાચ આપણે વધુ સારી  સુખ સગવડો મેળવી શકીશુ. પરંતુ તેની સાથે સાથે આપણે અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે. એમાં પ્રદૂષણની સમસ્યા આપણા અસ્તિત્વ માટે સૌથી વધુ ખતરનાક સાબિત થાય તેમ  છે.

    સૌપ્રથમ ‘પ્રદૂષણ’ કોને કહેવાય તે જોઈએ. પ્રદૂષણ એટલે બગાડ, સ્વચ્છ ચોખ્ખું કે નિર્મળ છે તેને મેલુ, ગંદુ કે મલિન કરવું તે એટલે પ્રદૂષણ.

    જેકુદરતી રીતે મળેલું છે તેને બગાડવું, તેમાં બગાડ કરવો, પ્રાકૃતિક સૌંદર્ય ને નષ્ટ કરવું તે એટલે પ્રદૂષણ.

    કુદરતી ચક્રમાં આડખીલીરૂપ બનવું તે એટલે પ્રદૂષણ. માનવીએ પોતાની ગાડી વિકાસ રૂપી પાટા ઉપર દોડાવવા કુદરતને પણ છોડી નથી! માનવી આજે કુદરતની આગળ નીકળી જવા માંગે છે તેનાથી સર્જાય છે અનેક સમસ્યાઓ!

    આ પ્રદૂષણનું ઝેર આવ્યું ક્યાંથી એમ તમે પૂછશો તો તમને જવાબ મળશે કે, અણુ બોમ્બ કરતાંય સોગણી વિનાશક શક્તિ ધરાવતા અણુશસ્ત્રોના પ્રયોગાત્મક અખતરા વિશ્વની મહાસત્તાઓ એ રણમાં,  દરિયામાં ને અવકાશમાં કર્યા,  તેને લીધે જે કિરણોત્સર્ગી રજકણો ઊંડયા, તેણે પ્રદૂષણની ‘ માં ‘ થઈને પ્રદૂષણને જન્મ આપ્યો.

    માણસે વિજ્ઞાનનો સહારો લઇને અને સંશોધન ની પાંખે ઉડી ને છેલ્લા ચાર પાંચ દાયકામાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે એની આપણે ક્યાં ના કહીએ છીએ? 

    પરંતુ એક એકથી ચડીયાતા વિનાશક શસ્ત્રો બનાવવાની આંધળી દોટમાં થી જેમ આર્થિક કટોકટી, અનાજની તંગી, મોંઘવારી, હાડમારી, ભ્રષ્ટાચાર ,ભેળસેળ વગેરેની ‘ આડપેદાશ ‘ પ્રાપ્ત થાય ;તેમ પ્રદૂષણની ભયંકર વિષવેલ પણ પ્રાપ્ત થઈ.

    આજે તો ઝેર પણ ચોખ્ખું મળતું નથી.એટલી હદે જેમ ભેળસેળ વ્યાપક બની છે તેમ  ‘હવા અને પાણી પણ ચોખ્ખા મળતા નથી’  એટલી હદે પ્રદૂષણનું ઝેર ચારે બાજુ પ્રસરી ચૂક્યું છે.

    Pradushan Essay In Gujrati

    જેમ બંદુક સ્ટેનગનની ગોળીએ મહાત્મા ગાંધી અને ઇન્દિરા ગાંધી જેવાને પણ નથી છોડ્યા તેમ, પ્રદૂષણના ઝેરે  પણ ગંગા જેવી પવિત્ર નદીને અને તાજમહેલ જેવી બેનમૂન અજાયબીને પણ છોડ્યા નથી.

    હવા, પાણી તથા ઘ્વનિ આ ત્રણ પ્રદૂષણો એ આજની  પ્રચંડ સમસ્યાઓ છે. એમાં સૌથી ખતરનાક પ્રદૂષણ હોવાનું છે. હવાના પ્રદૂષણથી માનવીની જિંદગી નિરર્થક બની જાય છે.

    કદાચ ખોરાક વિના જીવાય, પાણી વિના પણ કેટલાક દિવસ જીવાય ,પણ હવા વિના તો એક  પળ પણ ન જીવી શકાય. શુદ્ધ હવા નું વાતાવરણ પૃથ્વી પર ચોતરફ લહેરાય છે.

    જે નિસર્ગની માનવીને અમૂલ્ય ભેટ છે. આ વિના મૂલ્ય ની અનોખી દોલત છે જેની માનવ ઉપેક્ષા કરે એ મહા દુઃખની વાત છે. નગરીની ગીચતા કારખાનાઓ માથી વહેતા ઝેરી  ધુમાડા ઓ તથા ઝડપી ઉદ્યોગીકરણ થી થતી ઝેરી હવા એ શુદ્ધ હવા ની સમસ્યા ઉભી કરી છે.

    વૃક્ષો પર નિબંધ ગુજરાતી

    તાજમહેલ પણ ધુમાડાને કારણે કલંકિત બની રહ્યો છે. અણું અખતરાઓ ને લીધે ઝેરી  રજકણો હવાને પ્રદૂષિત બનાવે છે. ઓક્સિજન થી સભર પરિશુદ્ધ પવનના ફાંફાં પાડવા લાગ્યા છે. જીવલેણ રોગો એ હવાના પ્રદૂષણ ના સંતાનો છે.

    વીસમી સદીમાં બે વિશ્વ યુદ્ધો થયા હતા, તેમાં અણુ બોમ્બનો ઉપયોગ થયો હતો .જાપાનના હિરોશીમા અને નાગાસાકી જેવા શહેરો નો સંપૂર્ણપણે નાશ થઈ ગયો હતો.

    અને હજારો માણસો મૃત્યુ પામ્યા. પરંતુ આજે તો પ્રદૂષણ જ અણુ બોમ્બ જેવું ભયજનક બની ગયું છે. પ્રદૂષણને લીધે આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે બોમ્બ ઝીંકયા વગર પણ માનવી પ્રદૂષણના કારણે રીબાઈ રિબાઈને કમોતે મૃત્યુ પામે.

    પ્રદૂષણ થી માનવ જીવન પર ઘાતક અસરો થાય છે. હવા, પાણી, અવાજ અને ઝેરી ગેસના પ્રદૂષણના કારણે માનવજીવન જોખમાયું છે. વિશ્વના પ્રકૃતિ પ્રેમી અને સમજદાર લોકો તેનાથી ચિંતિત છે.

    હવા પ્રદુષણ ને કારણે શ્વાસ ના રોગો, આંખના રોગનું પ્રમાણ વધવા લાગ્યું છે. અવાજ પ્રદુષણ ને કારણે હવે કાનની બહેરાશ એ તો સામાન્ય રોગ બની ગયો છે. 

    આ ઉપરાંત મગજનો ઉશ્કેરાટ બી.પી.  હૃદયરોગના હુમલાનો ભોગ બની રહ્યા છે. પ્રદૂષિત પાણીને કારણે કોલેરા, કમળો, વાળો જેવા રોગો થાય છે.

    આમ પ્રદુષણને કારણે માનવીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.

    Pradushan Essay In Gujrati

    સમગ્ર વાયુમંડળ ની ભૂમિ, જળ, નગર, ગામ વન, વન્ય જીવો, નદીઓ તથા જળાશયો નો પર્યાવરણમાં સમાવેશ થાય છે. આ પર્યાવરણ પણ  પ્રદૂષણ નો ભોગ બનેલ છે.

    પર્યાવરણને પ્રદૂષણ રહિત રાખવા પ્રાચીન કાળમાં યજ્ઞયાગાઆદિ થતાં ઋષિઓ વાતાવરણને પરિશુદ્ધ રાખતા અને વિવિધ પ્રકારના સુગંધિત દ્રવ્યો ની યજ્ઞમાં આહુતિ આપતા.

    વાનપ્રસ્થ લોકો જંગલમાં જીવન વિતાવતા. ગૃહસ્થી લોકો તપપૂણૅ જીવન  જીવતા, સાધનો ઓછા, સંતાનો ઓછા, જેથી પ્રદૂષણનો પ્રશ્ન જ ઉભો થતો નથી, સંધ્યા વંદના તથા સ્નાનાદિ કાર્યો સરિતા તટે થતાં.

    સરિતાકે સરોવર નો સમગ્ર વિસ્તાર સ્વચ્છ રખાતો. અશુદ્ધિ ક્યાંય ન પ્રવેશે તે માટે તેઓ સજ્જ રહેતા.

    હવા ,પાણી ,અવાજ અને ઝેરી ગેસના પ્રદૂષણને લીધે આજે માનવ જીવન ભયમાં મુકાઈ ગયું છે. આ ભય ઘટાડવાના ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે. 

    ૫મી જૂન  ‘વિશ્વ પર્યાવરણ દિન ‘ તરીકે ઉજવવામાં આવે છે .વળી દર વર્ષે ‘વૃક્ષારોપણ દિન ‘ ઉજવવામાં આવે છે. હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ ઘટે તેવા ઉપાયો નો લોકોમાં પ્રચાર કરવામાં આવે છે.

    “જ્યોત સે જ્યોત જલે”

    આ સૂત્ર પ્રમાણે દરેકે શરૂઆત કરવી જોઈએ, અને આવા ભગીરથ કાર્યમાં ઝંપલાવવું  એ આજની જરૂરિયાત છે .

    પ્રદૂષણ અજગરને નાથવાની જવાબદારી માત્ર સરકારની કે વહીવટ તંત્ર ની જ નથી. દરેક માનવીએ આ બાબત પ્રત્યે ધ્યાન રાખવું પડશે.

    નહીં તો સમગ્ર વિશ્વમાં શુદ્ધ હવા પણ વેચાતી મળતી શરૂ થઈ જાય તો નવાઈ નહીં! પ્રદૂષણ રૂપી રાક્ષસને અંકુશમાં નહીં લેવાય તો બોમ્બ ઝીક્યા વગર પણ માનવી રિબાઈ રિબાઈને ને કમોતે મૃત્યુ પામશે.

  • Maro yadgar pravas essay in gujarati/પ્રવાસનુ જીવન ઘડતરમા સ્થાન.

    Maro yadgar pravas essay in gujarati/પ્રવાસનુ જીવન ઘડતરમા સ્થાન.

                       મારો યાદગાર પ્રવાસ તથા

                     પ્રવાસનુ જીવન ઘડતરમા સ્થાન.

    પ્રવાસનો શોખ વિદ્યાર્થી અવસ્થામાં વિકસાવ્યો હોય તો મોટપણે માનવી પ્રવાસ થી કંટાળતો નથી. પ્રવાસ એ તો હૃદય, મન અને આત્માને વિશાળ, ઉદાર અને દ્રઢ બનાવનારી ઉદાર  પ્રવૃત્તિ છે.

    સાહસિકતા , સહિષ્ણુતા  માનવતા, વ્યવહારકુશળતા અને નિયમિતતા જેવા જીવન ઘડતરના મૂલ્યવાન ગુણો  પ્રવાસ દ્વારા ખીલે છે છે ,વિદ્યાર્થીઓમાં સૌંદર્ય દ્રષ્ટિ વિકસે છે .સહકારની ભાવના કેળવાય છે.

    મુશ્કેલી ને હસતા હસતા પાર કરવાની તાલીમ મળે છે,અને ઝીણામાં ઝીણી બાબતનું પણ ચોકસાઈથી આયોજન કરવાની ટેવ પડે છે. 

    પ્રવાસથી માનવી ઘડાય  છે ,અવનવા અનુભવો કરવાની શક્તિ તેનામાં પેદા થાય છે. પ્રવાસના કારણે માનવીમાં સહિષ્ણુતા અને સહનશીલતાની ભાવના જાગે છે. ભારતીય સંસ્કૃતિમાં તો જૂના સમયથી પ્રવાસનું મહત્વ સ્વીકારાયેલું છે.

    વેદોમાં પણ કહ્યું છે:चरैवेति  चरैवेति (ચાલતા રહો , ચાલતા રહો) પહેલા પ્રવાસ પગે ચાલીને ખેડાતા ,જેને યાત્રા કહેવામાં આવતી .આજે પ્રવાસનો રેઈન્જ પદયાત્રાથી માંડીને વિમાન યાત્રા સુધી પહોંચ્યો છે !

    માનવી ત્રણ વૃત્તિઓ  સાથે પ્રવાસ ખેડતો રહે છે. (૧) યાત્રા વૃત્તિ  (૨)સહેલાણી વૃત્તિ (૩) પ્રવાસ શ્રુતિ.

    અમારી શાળામાંથી બે દિવસોનો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો ,જેમાં તારંગા, અંબાજી અને માઉન્ટ આબુ ના સ્થળો મુખ્ય હતાં .નક્કી કરેલી તારીખે વહેલી સવારે ૬:૦૦વાગે બસ નીકળી અને તરત જ સવારનું અજવાળું ચારે બાજુ ફેલાઈ ગયું .

    આસપાસ લીલાછમ ખેતરો પસાર થઈ રહ્યા હતા. સાથે જ પૂર્વમાંથી સૂર્યના કિરણોનો સ્ત્રોત બધે ફેલાવા લાગ્યો.

    એકાદ કલાક નયનરમ્ય વિસ્તારોમાં બસ દોડી  એટલે અંબાજી આવ્યું. ઉત્તર ગુજરાતમાં અંબાજી માતાનું મંદિર ઉત્તમ યાત્રાધામ તરીકે વર્ષોથી ખ્યાતનામ છે. સમગ્ર મંદિરનું શિલ્પ ,ચોક અને કુંડ વગેરે ની શોભા ભવ્ય લાગી .

    ચારે બાજુ ડુંગરોની વચ્ચે  સમથળ ભૂમિ પર આવેલું આ મંદિર પ્રાકૃતિક રીતે પણ શોભાને વધારી દેનારું છે .ત્યાં મંદિર પછી આકર્ષણ ગબ્બર નું છે .અમે  બધા વિદ્યાર્થી ભાઈ-બહેનો અમારા શિક્ષકો ની આગેવાની હેઠળ શિસ્તબદ્ધ રીતે ઉપર ચઢયા .ચડાણ કપરું  અને પડકારરૂપ છે. ક્યારેક તો એકબીજાના હાથનો સહારો પણ લેવો પડતો હતો .

    એક માન્યતા પ્રમાણે આ ગબ્બરના ડુંગરના પોલાણમાં માતાજી હીંચકે હીંચે છે ,તેનો કિચૂડ કિચૂડ અવાજ ભક્તજનોને સાંભળવા મળે છે. અમે પથ્થરો ઉપર કાન દઈને એ અવાજ સાંભળવા પ્રયત્ન કર્યા .બપોરે નીચે પાછા ઉતરી ભોજન કર્યું. 

    આબુ પ્રાકૃતિક પ્રવાસધામ છે. રમણીય ટેકરીઓની વચ્ચે આવેલું છે. સૌ પ્રથમ અમે નખી તળાવ ઉપર આવ્યા .આટલી ઊંચાઈ પર ભવ્ય એક અદભુત વાત જેવું લાગ્યું.

     કેટલાકે શિક્ષકોની મંજૂરી લઈ નૌકા‌ વિહાર કર્યો .તળાવમાંથી દૂર નજર કરતા દેડકા જેવા આકારનો પથ્થર જોયો. ત્યાંથી સ્કેન્ડલ પોઇન્ટ ,અર્બુદા દેવી, અધરદેવી ,અચલગઢ ,દેલવાડાના દેરા અને ગુરુશિખર સુધીનો પ્રવાસ કર્યો.

    બીજા પણ અનેક સ્થળોએ જિજ્ઞાસા અને ભક્તિભાવપૂર્વક ફર્યા.સાંજે છ વાગે સનસેટ પોઈન્ટ ઉપરથી સૂર્યને આથમતો સગી આંખે જોવાની મજા કંઈક જુદી હતી .

                          “ડુંગરા ચઢવા સહેલા ના ,

                             છતાં શિખરે ચઢી

                            પ્રકૃતિ દેવીની લીલા ન્યાળવી,

                             રમ્ય એ ઘડી.”

    ત્યાં પવિત્ર વાતાવરણમાં અમને અપૂર્વ  શાંતિનો અનુભવ થયો. ઉપર પવનના ભારે સુસવાટા થતાં હતાં . ધીમે ધીમે સૂર્ય પશ્ચિમ દિશામાં નમી રહ્યો  હતો .

    કેટલોક સમય પૂજા-અર્ચનામા  ગાળી ,સૂર્યાસ્ત પહેલા પ્રકૃતિના સૌંદર્યને જોતા જોતા અમે નીચે ઉતર્યા.

    આ મારો યાદગાર પ્રવાસ સાબિત થયો .કારણ કે આમ પહેલા તો મેં  કદી આ સ્થળો જોયા-જાણ્યા નહતા .આથી મારી જિજ્ઞાસા અને કુતુહલ વૃત્તિથી મને ખૂબ મજા આવી.

    આવા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ થકી મને ઘણો જ આનંદ આવ્યો .કદી ન ભૂલાય તેવો અવિસ્મરણીય અનુભવ થયો. કોઈએ સાચું જ લખ્યું છે કે,

    “સંભારણા  ફરી-ફરી ચીતરે છે  ચિત્ર કાંઈ,

     ભિનપ છે   આંખે અશ્રુની   ને ઉષ્ણ શ્વાસ છે.”

    આ ટૂંકા પણ મહત્વપૂર્ણ પ્રવાસનું મારા મનમાં સંભારણું રહી ગયું છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ,ગબ્બર ગઢ ,કોટેશ્વર ,મહુડી અને ઇડર નો  આ પ્રવાસ મારા માટે ખૂબ જ યાદગાર સાબિત થયો.

     કાકા કાલેકટર ના મતે “પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી સગવડ” છતાંય  પ્રવાસનો કાર્યક્રમ જો આયોજનબદ્ધ હોય તો કેવી મજા પડે એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો, જે કદાચ  હું જીવનભર નહીં ભૂલું ! અંતે મારા મતે પ્રવાસ એટલે,

    ”  ખુશીઓનો સરવાળો ,દુઃખોની બાદબાકી, સંઘર્ષનો ભાગાકાર,

             પ્રેમ અને મૈત્રીનું  વિસ્તરણ અને જગતની પહેચાણ.”

            પ્રવાસનુ જીવન ઘડતરમા સ્થાન.

    વિદ્યાર્થીઓના  સોનેરી જીવન ઘડતરમાં જે રીતે રમત-ગમતનું તહેવારોનું, સમયપાલનનું , પુસ્તકોનું  અને શિસ્તનું મહત્વ છે તેમ દરેક વિદ્યાર્થી કે વ્યક્તિના જીવન ઘડતરમાં પ્રવાસનો શોખ મહત્વનો છે.

    પ્રવાસ દિલોદિમાગ અને આત્માને મજબૂત , વિશાળ ને  ઉદાર બનાવે છે. સાહસ, સહનશીલતા, નિયમિતતા ,વ્યવહાર કુશળતા, માનવતા જેવા ગુણો પ્રવાસ દ્વારા જ ખીલે છે અને વિકસે છે.

    પ્રવાસ પૂર્વે અને પ્રવાસ દરમિયાન ઝીણામાં ઝીણી બાબતો નું ચીવટ  ભર્યું ને ચોકસાઇ ભર્યું આયોજન કરવાની ટેવ વિકસે છે. પ્રવાસમાં પડતી મુશ્કેલીઓને હસતા હસતા પાર પાડવાની તાલીમ પણ મળે છે. શિક્ષણમાં કે જીવનમાં સમયાંતરે પ્રવાસ જરૂરી જ  છે .

     જેમાંથી સહકારની ભાવના કેળવાય છે અને સૌંદર્ય દ્રષ્ટિ નો વિકાસ થાય છે. પ્રવાસના અનેક લાભો છે.પ્રવાસથી પ્રવાસીના શરીરમાં શ્રમ‌ કરવાની અને અનેક પ્રકારની અગવડો સહન કરવાની શક્તિ આવે છે.

    પ્રવાસીનું શરીર ખડતલ  બને છે, તેને અનેક માણસો ના સત્સંગમાં આવવું પડે છે, એટલે સ્વભાવનું સુંદર દર્શન તે કરી શકે છે, તેની બુદ્ધિ વિકાસ પામે છે, તેના ધાર્મિક અને ઐતિહાસિક વલણો કેળવાય છે.

    જે પ્રકૃતિના અનેક રહસ્યો  સમજે છે તેનો જનસંપર્ક વધી જાય છે અને તેના  પ્રાકૃતિક ,ભૌગોલિક, સામાજિક અને રાજકીય જ્ઞાનમાં  વધારો થાય છે. પ્રવાસને લીધે સ્વાસ્થ્ય, વાણિજ્ય વગેરેનો સારો એવો પરિચય થઈ શકે છે.

     ‘પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન ‘ એ વિષય  પર ‘શ્રી ધૂમકેતુ ‘ એ  લખ્યું છે કે ‘જે વ્યક્તિમાં શાળા કક્ષાએથી પ્રવાસનો શોખ વિકસે છે તે વ્યક્તિનું વ્યક્તિત્વ  ક્રમશ : સોળે કળાએ નીખરતું જાય છે; અને પછી મોટપણે એનો આ શોખ એને નોકરી ધંધામાં ,સાહસ યુક્ત કાર્યો કરવામાં ,જીવનના કોઈપણ પડકારને પહોંચી વળવામાં પરોક્ષ રૂપે ભારે મદદરૂપ થઈ પડે છે.’

    શ્રી કાકાસાહેબે તો ત્યાં સુધી કહી દીધું છે કે – ‘જેમ કુંભાર માટીને ઘાટ આપે છે ,તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે. ‘ ટૂંકમાં , પ્રવાસથી માનવીના તનમનની તંદુરસ્તી જ  નહીં; એના હૃદયની પ્રસન્નતા અને એના  વિચારોની વ્યાપકતા પણ અપેક્ષિત કક્ષાએ સુવિકસિત થાય છે.

    પ્રવાસની શૈક્ષણિક કિંમત ઘણી  જ છે .જો પ્રવાસ યોજનાબદ્વ હોય અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો વિદ્યાર્થીઓને તે અનેક રીતે લાભદાયી છે. શાળાના જીવનથી કંટાળેલા વિદ્યાર્થીઓને પ્રવાસને કારણે માનસિક તાજગી  મળે છે .

    વિદ્યાર્થીઓ એકબીજાના ગાઢ સંપર્કમાં આવે છે. તેમનામાં રહેલી શક્તિઓ અને ત્રુટીઓનો સ્પષ્ટ  ખ્યાલ આવે છે . શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાની વધારે નિકટ આવે છે.

    પરિણામે એકબીજાને સમજતા થાય  છે. વિદ્યાર્થીઓમાં સ્વાવલંબનની ટેવ પડે છે .જુદી જુદી મૂશ્કેલીઓ અને અડચણો નો સામનો  કેવી રીતે કરવો તેનો તેમને ખ્યાલ આવે છે તેનાથી વિદ્યાર્થીઓમાં સંશોધનની દ્વષ્ટિએ કહેવાય છે ,અને સાહસિક જીવનનો આનંદ  મળે છે.

    પ્રવાસનો  શોખ એક બાજુ ,વ્યક્તિના સર્વાંગી વિકાસમાં અને સુસંવાદી જીવન ઘડતરમાં નોંધપાત્ર ફાળો આપે છે ; તો બીજી બાજુ,પ્રવાસ  દ્વારા મળતું અનેકવિધ પ્રકારનું નામ વ્યક્તિના દિલોદિમાગ પર , કદી ન ભૂંસાય એ રીતે અંકિત થઈ જાય છે.

    કેમ કે , પ્રવાસથી મળતું જ્ઞાન  પુસ્તકિયા જ્ઞાન જેવું શુષ્ક અને નિરાશ નથી હોતું;  એ તો જીવંત અને અનુભવજન્ય હોય છે. પ્રવાસ દ્વારા પ્રાપ્ત થતા વિવિધ રંગી અનુભવોથી મનુષ્યને જે પાયાની કેળવણી મળે છે તે વર્ષોના શેક્ષણિક અભ્યાસથી પણ નથી મળતી.

    પ્રવાસ પછી એ કુદરતી સૌંદર્યધામનો હોય, ઐતિહાસિક સ્થળનો હોય કે કોઈ ધાર્મિક  તીર્થસ્થાન નો હોય એ માનવીની દૃષ્ટિને બનાવે  છે ; અંતર્મુખીપણુ દૂર કરી એને બહિર્મુખી બનાવે છે.

    એની સંકુચિત વિચારસરણીને  વિશાળ ફલક પર વિસ્તૃત કરી આપે છે. પ્રવાસ દ્ધારા થતા આંતરિક આનંદનું મુલ્ય  રૂપિયા કે પૈસામાં અાંકી શકાતું નથી. પ્રવાસ માનવીના જીવનને રસસભર અને સુંદરતમ બનાવે છે.

    શિક્ષણમાં રહેલું પ્રવાસનું આ મહત્વ હવે સૌને  સમજાવા લાગ્યું છે, એટલે તેનો લાભ લેવા માટે પ્રયત્નો પણ થાય છે .શાળાઓમાં ઘણી રજાઓ મળે છે, એ બધાનો ઉપયોગ  જો પ્રવાસમાં કરવામાં આવે તો તેેથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ, સમજ અને બુદ્ધિનો વિકાસ થાય છે . 

    રેલવે વિભાગ પણ આવા પ્રવાસો માટે મુસાફરીના દરમાં રાહત આપે  છે. માધ્યમિક શાળઓમાં વિધાર્થી ઓની સત્ર ફી લેવામાં આવે છે. તેમાંથી પણ પ્રવાસ પાછળ થતો ખર્ચ કરી શકાય છે. 

     કોઈ પણ સ્થળનો પ્રવાસ ગોઠવતાં  પહેલા જો એ પ્રવાસની સંપૂર્ણ યોજના કરવામાં આવે, વિદ્યાર્થીઓને શિક્ષકો તરફથી યોગ્ય માર્ગદર્શન અને જે જે સ્થળોની મુલાકાત લેવાની હોય તે તે સ્થળોની મુલાકાત શક્ય બને તે માટે અગાઉથી જરૂરી પરવાનગી મેળવવામાં આવે તો આ પ્રશ્ન ખૂબ લાભપ્રદ થયા વિના રહે નહીં.

    વિદ્યાર્થીઓમાં નોંધ રાખવાની ટેવ પાડવામાં આવે અને જો તેમની સ્વાધ્યાય અને અવલોકન શક્તિ ને વેગ આપવામાં આવે તો તેનો  વધારેમાં વધારે લાભ ઉઠાવી શકાય તેમ છે.

         

  • Swachhta Tya Prabhuta Gujarati Nibandh/Essay

    Swachhta Tya Prabhuta Gujarati Nibandh/Essay

    “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”


     ‘જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ cleanliness is next to godliness 

    સ્વચ્છતા ઉત્તમ સંસ્કારો ની કેળવણીની નીપજ છે . જીવનમાં સ્વચ્છતાનું મૂલ્ય ને મહત્વ આગવું  ને અનેક ગણું છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા , પવિત્રતા અને દિવ્યતા શોભી ઊઠે છે.

    જ્યાં સ્વચ્છ ત્યાં તન-મનની તંદુરસ્તી. જો આપણું ઘર ,શરીર, મન , આંગણું, ફળિયું , ગામ, શહેર, રાજ્ય, દેશ – બંધુ જ સ્વચ્છ જ સ્વચ્છ હોય ત્યાં જીવવાનો અનેરો આનંદ વધી જાય. 

    જોવાલાયક પ્રાકૃતિક સ્થળો અને તીર્થધામો સ્વચ્છ હોય, જ્યાં ગંદકી બિલકુલ ન હોય ત્યાં હરવા-ફરવાની કેવી મજા આવે !

    હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી.  દિવાળી આવે એટલે એક ઘર એવું ના હોય કે જ્યાં સફાઈ કામ ચાલુ ન થાય. આખું ઘર ધોવાઈને ચોખ્ખું ચણાક થઈ જાય. દિવાળીમાં મહેમાનોને મળવા આવે એટલે ઘર તો ચોખ્ખું જોઈ ને!વળી ઘર ગંદુ હોય તો લક્ષ્મીજી પણ આપણા ઘરે ના વધારે એવી માન્યતા છે.

    પરંતુ આ સ્વચ્છતા રાખવા પાછળ વૈજ્ઞાનિક કારણ છે. દિવાળી આવે તે પહેલા ચોમાસાના ચાર મહિના આવી ગયા હોય. વાતાવરણ ભેજવાળું બની ગયું હોય.

    મચ્છર માખી નો ઉપદ્રવ પણ વધી ગયો હોય એટલે ચોમાસા પછી નો રોગચાળો ટાળવા  દિવાળીના તહેવાર નિમિત્તે ‘સફાઈ‘ ને આપણે પરંપરા અને રીવાજો બનાવ્યો.

     હા, સ્વચ્છતા આપણી સંસ્કૃતિનું અગત્યનું પાસું છે.

     ‘ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા ‘  એટલે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુ પણ વાત કરતા હોય. માનવ જીવનમાં સ્વચ્છતાનું અપાર મહત્વ છે. સ્વચ્છતા એટલે પવિત્રતાનું જ એક રૂપ. ઈશ્વરત્વ પછી બીજું સ્થાન સ્વચ્છતાનું આવે છે, એમ માનવામાં આવે છે.

    આથી જ તો કહેવાય છે કે  “cleanliness is next to godliness” સ્વચ્છતા તો ઉમદા સંસ્કારોની નીપજ છે.જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં  સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં ઉતારવા જોઈએ.

    શ્રી રવિશંકર મહારાજ કહેતા, ‘આપણા દેશમાં ગંદકી કરે તે ખાનદાન કહેવાય અને ગંદકી સાફ કરે તે નીચો કહેવાય’ આપણે સ્વચ્છતાના કાર્યને અમુક જ્ઞાતિ પૂરતું સીમિત કરી દીધું છે જે યોગ્ય નથી.

    ઘરની ,શહેરની, રાજ્યની અને સમગ્ર દેશની સ્વચ્છતા  આપણા સૌની ફરજ છે.

    આપણે ગમે ત્યાં થૂંકી એ, પાનની  પિચકારી મારી એ, મળ મૂત્ર નો ત્યાગ જાહેર રસ્તા પર કરીએ, કચરો ગમે ત્યાં નાખીએ, એઠવાડ રસ્તા પર ફેંકી એ, ઢોરને રસ્તા પર રખડતા મૂકી દઈએ. આ બધું કરીએ પણ ખરા અને પાછા  એક બીજાના માથે દોષનો ટોપલો ઢોળી મોં પણ બગાડીએ.

    બુનિયાદી કેળવણીના હિમાયતી મહાત્મા ગાંધીજીએ તો વર્ષો પહેલા સ્વચ્છતાની બાબતને વિશેષ મહત્વ આપ્યું હતું. તેમણે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” નુ સૂત્ર આપ્યું. તેમણે આશ્રમમાં રહેતા લોકોને સ્વચ્છતાના પાઠ શીખવ્યા અને રોજ સવારે સૌની સાથે જોડાઈને પોતે પણ સફાઈ કામ કરતા હતા.

    એમના સર્વ રચનાત્મક કાર્યક્રમો કે જીવનનો પાયો જાણે કે સ્વચ્છતા પર જ બંધાયેલો હતો. સ્વચ્છતામાં પ્રભુતાનો દિવ્ય વાસ છે. સ્વચ્છતા બધે જ જરૂરી ને આવશ્યક છે. ચામડી, આંખ, દાત, નાક, કાન, વાળ,કપડા ને ખોરાકની સ્વચ્છતા જેટલી આરોગ્ય માટે જરૂરી છે  તેટલી જ આપણા ઘરને, શાળાને, સંસ્થાને, રસ્તાઓને, ઓફિસોને, કારખાના કે ફેક્ટરીઓને, મંદિરો કે મસ્જિદોને, ગામ કે નગરોને, જળાશયો કે રાજમાર્ગો ને વર્ગખંડો અને રમતના મેદાનોને હંમેશા સ્વચ્છ, સુંદર ને સુઘડ રાખવા જોઈએ.

    અમેરિકન કે જાપાની પ્રજાનો મોટો ગુણ સ્વચ્છતાનો છે. ત્યાં રસ્તામાં કે જાહેર સ્થળોએ કોઈ થુક્તું પણ નથી, કચરો નાખતું  નથી તેથી ત્યાં જીવાત કે માખી મચ્છરનો ઉપદ્રવ નથી. ત્યાં ગંદકી કરનારને ભારે દંડ ચૂકવવો પડે છે.

    ગામડાઓની સ્થિતિ પણ સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણી બેકાર છે. ગામડા ઓમાં અસ્વચ્છતાનું મુખ્ય કારણ કેળવણીનો અભાવ છે. ત્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. લોકો સ્વચ્છતા નું મહત્વ સમજતા નથી.

    લોકોના ઘરના આંગણામાં જ ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. તેથી ત્યાં માખી અને મચ્છરનું પ્રમાણ વધે છે. ગમે ત્યાં થૂકવાથી અને નાક સાફ કરવાની લોકોની આદત ખોટી છે. આવા કારણોથી ગામડાના લોકો રોગોનો ભોગ બને છે.

    સ્વચ્છતા થી વ્યક્તિનો આદર જળવાઈ રહે છે. આનાથી ઉલટુ, અસ્વચ્છતાથી નુકસાન પણ થાય છે. તેનાથી ઓરી,  અછબડા,  મલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો થાય છે. અસ્વચ્છ માનવીનું  માન સન્માન હણાઈ જાય છે.

    આપણી જીવાદોરી સમાન લોકમાતા નદીઓને આપણે ધર્મના નામે અંધશ્રદ્ધા ના આવરણ હેઠળ દૂષિત કરી નાખી છે. આપણા જાહેર સ્થળો ગંદકીના ધામ બની જાય છે, કેમ કે આપણે “જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા” નો મંત્ર ભૂલી ગયા છીએ.

    એટલે જ મલેરિયા, ડેન્ગ્યુ, કોલેરા, સ્વાઈન ફ્લુ જેવા રોગોનો ભોગ બનીએ છીએ. ગંદકી કરવાની આપણી આ આદત બહારથી આવનારા વિદેશીઓ સમક્ષ આપણા દેશની ખરાબ છાપ ઊભી કરે છે.

    ઇસ્લામ ધર્મ માં પણ દૈનિક પ્રાર્થના માટે યોગ્ય સમયે સ્વચ્છ થવું  જરૂરી છે. દેવસ્થાનોની બહાર પગરખાં ઉતારવાની પરંપરા ના મુળમાં આ ભાવના જ વિશેષ ભાગ ભજવે છે.

    ગંદકી એ તો આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. સ્વચ્છતા નથી ત્યાં રોગચાળો ફેલાય છે ને આરોગ્ય જોખમાય છે. સ્વચ્છતાના અભાવે લાખો લોકો અનેક રોગોના ભોગ બની બીમાર જ રહ્યા કરે.

    સરકારને પણ તે દૂર કરવા કરોડો રૂપિયા દવાઓ પાછળ ખર્ચવા પડે છે. અભણ જ નહીં, પરંતુ ભણેલા  લોકો સ્વચ્છતા બાબતે જો બેદરકાર ને આળસુ બને તો શું થાય ?

    Swachhta tya Prabhuta Gujarati Nibandh/ Essay

    કુદરતી આફ્તો પછી જો સફાઈ ના થાય તો શું થાય? એ આપણે ક્યાં નથી જાણતા? જાહેર આરોગ્ય માટે ઘર અને શેરી સેક્ટરો, પોળો, મહોલ્લા કે ફળિયાઓની નિયમિત સફાઈ થવી જરૂરી  છે.

    બધેજ કચરાપેટીઓ ની સગવડ કે કચરો લેવા આવતી ગાડીઓની સગવડ કરી તેમાં જ ભીનો અને સૂકો કચરો નાખવો જોઈએ. ગામડાઓમાં ખુલ્લામાં કુદરતી હાજત અને ઠેર ઠેર ઉકરડાના ઢગલા થતા હોવાથી અનેક લોકો રોગોના ભોગ બની જાય છે.


    પંદરમી ઓગસ્ટ નિબંધ

    આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ સ્વચ્છતાના આગ્રહી હતા .આશ્રમમાં વાસણ માંજવા નું  કામ તેઓ પોતે કરતા. પોતે વાપરતા એ શૌચાલય પણ જાતે સાફ કરતા .ગાંધીજી માનતા કે , ‘જીવનમાં  માં સ્વચ્છતા ના કાર્ય સિવાય વળી બીજું મોટું કાર્ય કર્યું ?’  સાચી વાત છે.

    ‘સ્વચ્છતા’ ને જો આપણે નિયમ તરીકે અપનાવી લઈએ તો દેશના વિકાસમાં તે સિંહફાળો બની રહે. દેશની સફાઈ માત્ર એ માત્ર સફાઈ કર્મચારીઓની જ જવાબદારી નથી પણ બધા દેશવાસીઓની છે. આની શરૂઆત આપણા થી કરીને આપણા ધાર્મિક સ્થળો સુધી કરવાની જરૂર છે.


    સ્વચ્છતા હશે તો જ મન પ્રફુલ્લિત અને શાંત બનશે .ઘરથી ગંગા સુધી ગંદકીનો  ‘ગ’ દૂર થશે તો જ ગતિશીલ ગુજરાત અને ભવ્ય ભારત નિર્માણની ઈંટ મુકાશે.

    हम सब का एक ही नारा, साफ सुथरा हो देश हमारा।

    આપણા ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી એ  ‘સ્વચ્છ ભારત અભિયાન’ કાર્યક્રમમાં “Make in India” મા સ્વાવલંબનનો સિદ્ધાંત, સ્વચ્છતા અને ટોયલેટ ની વાત કરી દર વર્ષે 2 ઓક્ટોબર ગાંધી જયંતી, વિશ્વ અહિંસા દિન સાથે સ્વચ્છતા દિન ની ઉજવણી કરવા અનુરોધ કર્યો છે.

    બાળકોને સ્વચ્છતાના પાઠ ગળગુથી માં જ મળે, શિક્ષણ કાર્ય ની શરુઆત સફાઈ કાર્યક્રમ થી થાય, સૌ દર વર્ષે નહીં, પરંતુ દરરોજ આ યજ્ઞ કાર્યમાં જોડાઈ અને રોજ આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ કરે અને સ્વચ્છતા જાળવવાની જવાબદારી ઉપાડે તો જ “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” સૂત્ર સાર્થક બને. જો કે આપણી સરકાર ,ટીવી, રેડિયો અને વર્તમાન પત્રો જેવા પ્રચાર માધ્યમો લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા ઘણા પ્રયત્નો કરી રહી છે. સરકારે  પણ આ અંગે કડક નિયમો કે કાયદા અમલી બનાવી સફાઇ ઝુંબેશ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ.

  • varsha ritu nibandh in gujarati

    varsha ritu nibandh in gujarati

    varsha ritu nibandh in gujarati     

    વર્ષાઋતુ

    ગ્રીષ્મ ઋતુના પ્રખર આતપથી  કંટાળેલું જનજીવન વર્ષા ઋતુનું આગમન થતાં ની સાથે જ કંઈક હળવાશ અનુભવે છે.    હાશ ! અનુભવે છે. ગ્રીષ્મ આકરા તાપની ઋતુ છે ,

    ગરમીથી  સમગ્ર સૃષ્ટિ  ત્રાસી જાય છે. ઉનાળાની ગરમી, લૂ , અને યાતના સહન કર્યા પછી ઠંડો પવન, શીતળતા અને ઝરમર વરસાદને પરિણામે સમગ્ર માનવજાત સુખ, શાંતી અને રાહતનો અનુભવ કરે છે.

     ‘ ઉફ ‘ આ  ગરમીથી તો તોબા ! નું રટણ  રટતો માનવ સમુદાય, હાશ !

    નિરાંત થઈ  ! નું રટણ કરતો થઈ  જાય છે . વૈશાખ જેઠ માસ પૂરા થયા ,અને તપ ગરમીનું સામ્રાજ્ય ઓસરી ગયું.

    બધી ઋતુ વર્ષા ની ઉપયોગીતા સૌથી વિશેષ છે .વસંતની સૃષ્ટિ શોભાથી  કે શરદની શીતળતા થી જીવન ની ભુખ નથી ભાંગતી .દીન ,દરિદ્ર, દુઃખી અને ભૂખ્યા લોકોને વર્ષા આશીર્વાદરૂપ  છે .

    વેરાન જમીનમાં અનાજના ઢગલા કરવાની  વર્ષામાં તાકાત છે . વર્ષા પ્રેયસી નથી, માતા છે .કલ્યાણકારી   ભાવના વર્ષામાં છે, જીવનને ભર્યુંભર્યું બનાવનારી વર્ષાઋતુ પ્રકૃતિના સર્જનનો ઉલ્લાસ છે.

    તે સુજળ ,સફળ અને શીતલ છે. તેનું ધાવણ ધાવી પૃથ્વી  ખીલી ઊઠે છે. મનુષ્યો માટે અન્ન , પશુઓ માટે ઘાસ અને પક્ષીઓ માટે ફળફળાદિ વર્ષા જ આપે છે .વર્ષા અન્નપૂર્ણા દેવી છે.

    કવિઓએ અને કુદરતપ્રેમીઓએ  જેને ‘ મહારાણી’ કહી છે તે વર્ષાઋતુ સૃષ્ટિનું સૌભાગ્ય ,માનવજીવનની ગંગોત્રી ,જીવન માત્રનો આધાર , દેશની ભાગ્યવિધાત્રી અને આપણી એ અન્નપૂર્ણા છે.

    “Rainy season is queen of all seasons”

    ઉનાળાના આકરા અને અસહ્ય તાપ પછી સમયસર વર્ષાના. વધામણાં  થતાં જ પ્રકૃતિમાં પ્રાણ પુરાય જાય છે . નદી ,સરોવર ,કૂવા ,વાવ ,તળાવો ,નાળા, ઝરણાને જળાશયો પાણીથી છલકાઈ જાય છે.

    ઉનાળાની  નિષ્પ્રાણ  ને સૂકી ધરતી  વરસાદમાં નાહીને લીલીછમ બની જાય છે ને સમગ્ર  કુદરતમાં નવી તાજગી પ્રસરી જાય છે. વનોની     વનસ્પતિ , વૃક્ષો 

    નવપલ્લવિત થઈ  વરસાદના તોફાની પવન સાથે ડોલી ઊઠે છે.

    ધરતીએ જાણે લીલી ચુંદડી ધારણ કરી હોય કે ધરતી પર જાણીને નીલમના ગાલીચા પથરાઈ ગયા હોય એવી શોભા ચોતરફ વધી જાય છે.

    “વર્ષા આવી વર્ષા આવી ધન-ધાન્યની પતરાળી લાવી”.


    varsha ritu nibandh in gujarati

    દૂર  દૂર ગગન માં  વાદળો ના ગડગડાટ અને વીજળીના ચમકાર શરૂ થઈ જાય છે. પવનના સુસવાટા સાથે મેઘરાજાની ભવ્ય સવારી આવી  પહોંચે છે .વરસાદ 

    વરસવા  માંડે એક કે સર્વત્ર આણંદ મોજું ફરી વળે છે. બાળકો વરસાદના પાણીમાં છબછબીયા કરી ગીત ગાય છે,

     

                  ‘આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ,

                                 ઉની ઉની રોટલી ને કારેલાનું શાક’ .


    મોર કળા કરે છે ,નાચે છે અને એના ટહુકા થી સમગ્ર વાતાવરણ સંગીતમય બની જાય છે .કોયલની કુક અને દેડકાનું ‘ ડ્રાઉ ….ડ્રાઉ …:વર્ષાનું સ્વાગત કરી વાતાવરણ આહલાદક બનાવી મૂકે છે .ભીની માટીની સુવાસ આપણને તરબતર કરી દે છે.

    વર્ષા કલ્યાણકારી છે અને સાથે સાથે તેની સૌંદર્ય શોભા પણ તે ઊતરે તેમ નથી. વર્ષા ઋતુમાં પ્રકૃતિ આનંદમય થઈ જાય છે. પવન  ગાંડોતૂર થાય ,વૃક્ષો પવન ના હીંચકે હિંડોળા ખાય ,બપૈયા અને તેના સ્વાગતગીત ગાય,

    ત્યારે આકાશમાં થતી અંધારી રાતની મેઘગર્જના ,વિજળીનો ચમકાર અને મોરલીના ટહુકાર આકાશમાં કોઈ મહાયુદ્ધ થઈ રહ્યું હોય એવો ભાસ પેદા કરે છે.


    varsha ritu nibandh in gujarati

    ઇન્દ્ર ધનુષ્યની સતરંગી શોભા પ્રકૃતિમાં રહેલ આ રંગોનો પરિચય કરાવે છે. ભૂમિ સર્વત્ર જળબંબાકાર થઈ જાય છે. નદીઓ   ઉન્માદી યૌવન ધારણ કરે છે અને ક્યારેક સંયમયની પાળ તોડી વિનાશ પણ સર્જે છે.

    પશુ પંખીઓ પણ વર્ષામાં સ્નાન ની મજા માણે છે .માનવ જીવન સુખ અને  આનંદ માણવા ઉત્સવ અને મેળા યોજે છે, ધાર્મિક પર્વો ઉજવે છે અને ઈશ્વરના આ ઉપકાર પ્રત્યે  પોતાની કૃતકૃત્ય તા નો અનુભવ કરે છે.

    ઋતુરાજ વસંત છે, તો  ઋતુરાણી વર્ષા છે .વર્ષા ની ઉદારતા વિશાળતા અને કવિતા કારી વૃત્તિનો જગમાં જોટો નહીં  જડે .એટલે તો વર્ષાને ‘ મેઘરાજ ‘ ની ઉપમા આપી છે માનવજીવનની પ્રાથમિક જરૂરિયાતો મેળવવામાં વર્ષા ઘણી ઉપયોગી  ઋતુ છે.

    વરસતા વરસાદમાં બહાર નીકળી ભજીયા અને ચાનો આનંદ માણવા સૌ કોઈ ઉપડી પડે છે .લોકો છત્રી ઓઢીને   કે રેઇનકોટ પહેરીને જાય છે .પવનની સાથે વરસાદ હોય ત્યારે છત્રી ને ‘કાગડો ‘બનતી જોવાની ખૂબ મજા પડે છે.

    વરસાદમાં નહાવાની  ખૂબ મજા આવે છે. નદી નાળા તળાવ, પાણીથી ભરાઈ જાય છે , વૃક્ષો  આનંદથી નાચી ઉઠે છે, ખીલી ઊઠે છે .

    કાગડોળે વરસાદની રાહ જોતા ધરતીપુત્ર ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે વાવણી કરે છે અને થોડા દિવસો પછી તો ધરતી લીલીછમ બની જાય છે.ધરતી માતા એ જાણે લીલી સાડી પહેરી હોય તેવું સુંદર દ્રશ્ય રચાય છે ખેતરોમાં હરિયાળો પાક લહેરાવા લાગે છે .

    વર્ષાઋતુ એટલે મજા માણવાની ઋતુ ,આનંદની ઋતુ તેમજ અવનવા તહેવારોની ઋતુ ,રક્ષાબંધન ,જન્માષ્ટમી ,ગણેશ ચતુર્થી ,પર્યુષણ, સ્વાતંત્ર્ય દિન ,નવરાત્રિ જેવા તહેવારો આ ઋતુમાં જ આવે છે.

    ઉત્સવપ્રિય લોકો આ બધા તહેવારો આનંદથી ઉજવે છે.

    વર્ષાનો વૈભવ ભલે અનેરો હોય કે તેની શોભાને  સૌંદર્ય ભલે ઋતુરાજ વસંત કરતાય શ્રેષ્ઠ હોય પરંતુ જો તેનો વૈભવ અતિવૃષ્ટિ આદરી વિકરાળ રૂપ ધારણ કરે ત્યારે મહાવિનાશ જાય છે .

    ‘જે પોષતું તે મારતું’ એવો દિસે ક્રમ કુદરતી ના નિયમ અનુસાર વર્ષા  વિનાશક બને ત્યારે જનજીવન છિન્નભિન્ન થઇ જાય છે. જાનમાલની પારાવાર હાનિ થાય છે. અતિવૃષ્ટિથી ખેતરોમાં મબલખ પાક નો નાશ કરીને કે ,

    નદીઓમાં વિનાશક ઘોડાપૂર લાવી ,બંધો છલકાવી દેતી વર્ષાઋતુ કેટલીકવાર જનસૃષ્ટિ માટે પ્રલયકારી બની જાય છે.

    અતિવૃષ્ટિથી ગામના ગામ  ડૂબી જાય છે ,મહાનગરો ભયમાં  મુકાય છે ,ઘરવખરી તણાઈ જાય છે, પશુ-પંખીઓની દશા બગડે છે, ગામના કે શહેરના રસ્તા ધોવાઇ જાય છે ,વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, તાર ટપાલ  ને બસ સેવા ખોરવાઈ જાય છે.

    પંદરમી ઓગસ્ટ વિશે નિબંધ


    કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. જુના ખખડધજ મકાનો  ભોંય ભેગા થઈ જાય છે, ને પૂર સાથે વાવાઝોડાથી તોતિંગ વૃક્ષો જમીનદોસ્ત થઇ જાય છે.

    આમ, પ્રાણીઓના પ્રાણ સમો  વરસાદ જરૂર પૂરતો વરસે તો બધાને અમૃત  જેવો મીઠો લાગે ;પણ જો હદ કરતાં વધુ વરસે  તો મોતનો મહાસાગર બની સર્વત્ર વિનાશ વેરે છે.

    ખરેખર વર્ષાઋતુ અન્નપૂર્ણા છે .તેનું જ પ્રાકૃતિક સૌંદર્ય અનોખું અને અનુપમ છે. તેના વગર ચેતન સૃષ્ટિને ચેતનવંતી રાખવી મુશ્કેલ છે. તેનું મહત્વ ખુબ જ છે.

    આથી જ કવિઓએ તેને ‘ ઋતુઓની રાણી ‘ કહી છે. વરસાદના સુંદર રૂપ વિશે કવિ બાલમુકુંદ દવે કહે છે કે,

     

            “આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી,

                    પેલાં રેલી ચાલ્યાં રૂપ કોઈ ઝીલો જી”.

     

  • 15 August Essay In Gujarati

    15 August Essay In Gujarati

    15 August-Independence Day Essay In Gujarati                                                                              

    પંદરમી ઓગસ્ટ

    આ નિબંધની સાથે સાથે  વિદ્યાર્થીમિત્રો 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ વંદન  ના કાર્યક્રમમાં શાળામાં તમને ખૂબ જ ઉપયોગી થાય તેવી ખૂબ જ સુંદર સ્પીચ પણ  અહીં આપેલી છે. આ સ્પીચ જરૂરથી તૈયાર કરજો.

    હાથી જેવો વિશાળ જીવ હોય કે મામૂલી એવી કીડી! દરેક જીવમાત્રને આઝાદી સ્વતંત્રતા પ્રિય  હોય છે . મુકિત ,સ્વાતંત્ર્ય આઝાદીનું મહત્વ જેણે ગુલામી જોઈ હોય તેને જ વધુ સમજાય છે.

    ભારત દેશ વર્ષો સુધી અંગ્રેજોનો ગુલામ રહ્યો. તેના જુલ્મો ,અત્યાચારો સહન કર્યા, અપમાન અવહેલનાના  કડવા ઘૂંટડા ગળે ઉતાર્યા અને આખરે પંદરમી મી ઓગસ્ટ ,

    ૧૯૪૭ની મધરાતે આપણા આકાશમાં સ્વતંત્રતાનો સુરજ ઊગ્યો , આપણને આઝાદી મળી.

    ઓગસ્ટ મહિનાની પંદરમી તારીખ ભારત માટે સૌથી અગત્યની તારીખ છે. તે દિવસે લાલ કિલ્લા પર ભારતનો ત્રિરંગી અશોક ચક્ર યુક્ત  ધ્વજ ફરકી રહ્યો. બ્રિટિશરોએ વિદાય લીધી .ભારત આઝાદ બન્યું.એ દિવસે લોકો આનંદથી ઘેલા બની ઊંઠેલા . સ્વાતંત્ર્ય ની લડત માટે બંદીગૃહે પુરાયેલા દેશબંધુઓ મુક્ત થયા .સર્વત્ર આનંદ આનંદ થઈ ગયો .દરેક મકાન રોશનીથી ઝળહળ  બન્યું .

    ચારે બાજુ લોકોની ભીડ અને પ્રકાશનો ઝળહળાટ .આજે તો એ પ્રસંગને અડધી સદી પૂરી થઈ ગઈ છે. કેટકેટલા શહીદ થયા . કારાવાસની કારમી વેદના વેઠી.

    કેટલાયના  બલિદાન પર આપણને આઝાદી પ્રાપ્ત થઈ.

    15 august essay in gujarati
    15 august essay in gujarati

    આજે કમ્પ્યુટર યુગમાં ભારત દુનિયાના શ્રેષ્ઠ દેશોમાંનો એક છે ત્યારે આજની પેઢીને આઝાદીનું મહત્વ ,આઝાદીની ચળવળ અને શહીદો ની કુરબાની નો ઇતિહાસ જણાવવાની જરૂર છે.

    વર્ષો સુધી અંગ્રેજોની ગુલામી માં રહેવાથી અહીંની પ્રજા નબળી ,નિર્માલ્ય થવા લાગી હતી . ગુલામીને  જાણે કે તેણે સ્વીકારી લીધી હતી .

    ત્યારે ગાંધી, તિલક, ભગતસિંહ  જેવા અનેક નેતાઓએ, મહાન સાહિત્યકારોએ આ દેશની જનતાને જાગૃત કરી.

    આઝાદ ભારતના આપણે નાગરિક છીએ .આઝાદીની લડત જેણે  જોઈ અનુભવી એવા સ્વાતંત્ર વીરોને જ આઝાદી નુ મુલ્ય સમજાય. એ દિવસને યાદ રાખીને સમગ્ર રાષ્ટ્ર ૧૫ મી ઓગસ્ટ  સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવે છે .

    આપણા પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર  ધ્વજ ફરકાવી પ્રજાજોગ સંદેશો પાઠવે છે. દેશમાં શહેર ,નગર ,ગામ ,કસબા ,પોળો દરેક સ્થળે ધ્વજવંદન ઉત્સાહથી કરાય છે. રાજ્યપાલ અને મંત્રીઓ ધ્વજ લહેરાવી ,સલામી ઝીલે છે.


    નાના મોટા કાર્યક્રમો યોજાય છે .શાળામાં પણ વિદ્યાર્થીઓ આનંદથી આ રાષ્ટ્રીય તહેવાર ઉજવે છે .દરેક પોતપોતાના વર્ગખંડો શણગારે છે .સુંદર શણગારેલા વર્ગને ઇનામ આપવાની પણ વ્યવસ્થા હોય છે .

    નિબંધ સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા એમ વિવિધ સ્પર્ધાઓ યોજાય છે ઠેર રેલીઓ કાઢવામાં આવે છે લાગતા વળગતા નેતા પણ પોતપોતાના વિસ્તારમાં જઇને ધ્વજવંદન

    ભાષણ વગેરે કાર્યક્રમો માં ભાગ લે છે .

    15 august essay in gujarati
    15 august essay in gujarati


    રાષ્ટ્રપતિ એ દિવસે  કેટલાય સારા કેદીઓની  સજા ઘટાડીને તેને જેલમાંથી મુક્ત કરે છે. આજે પણ આ દિવસ એટલા જ આનંદ થી ઊજવાય છે .

    ગુલામીમાંથી મુક્ત થઈ આઝાદ થવાની ચળવળ શરૂ કરી .વર્તમાનપત્રોમાં આઝાદીની ચળવળ માટે ઉત્સાહ પ્રેરતા  લેખો લખવા લાગ્યા. સાહિત્યકારોએ વાર્તા, કવિતા ,ગીતોમાં દેશાભિમાન જાગ્રત કર્યું.

    અને આ બધાના પરિણામરૂપે  સમગ્ર ભારત દેશમાં ,તેના દરેકે દરેક

    નાગરિકમાં જાગૃતિ આવી.

    આપણને વારસામાં મળેલી આ આઝાદીને સાચવવાની છે . આપણી મા ભોમની સ્વાધીનતા ને હવે અંદરોઅંદરના વર્ગ-વિગ્રહ, ક્લેશ,  કુસંપના ઝેરી ડંખ લાગી ન જાય તે જોવાની ફરજ દરેક વ્યક્તિની છે.


    યોગ પર નિબંધ

    સ્વતંત્ર થવું કદાચ એટલું મુશ્કેલ નથી ,પરંતુ સ્વતંત્રતા જાળવવી વધુ કઠિન કામ છે. સ્વતંત્રતા સ્વચ્છંદતા બની  જાય ,લોકો મનસ્વી પણે વર્તવા માંડે તો અંધાધૂંધી .જ સર્જાઈ

    આ પવિત્ર દિનને  યાદ રાખીને આપણી રાષ્ટ્રીયતાની ભાવનાને નિશ્ચલ રાખવાનીછે. કોમ, નાત ,જાત, ધર્મ ,પ્રદેશ વગેરે ના વાડા થી  મુક્ત સ્વાધીન ભારતવાસીનું ગૌરવ જાળવવા નું છે.


    આપણને આઝાદીનું અણમોલ   રત્ન વારસામાં મળ્યું છે .એનું રક્ષણ કરવું, એને  જાળવવું આજની પેઢીના વારસદારોના હાથમાં છે.

    આપણા શિક્ષણ, સંસ્કારો અને સત્કાર્યો દ્વારા આપણા દેશને વિશ્વમાં સૌથી સહુથી  વધુ મહત્ત્વનો સર્વશ્રેષ્ઠ બનાવીએ તે જ ખરો દેશપ્રેમ,ખરી રાષ્ટ્રીયતા છે .

     

    આ નિબંધની સાથે સાથે  વિદ્યાર્થીમિત્રો 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ વંદન  ના કાર્યક્રમમાં શાળામાં તમને ખૂબ જ ઉપયોગી થાય તેવી ખૂબ જ સુંદર સ્પીચ પણ અહીં આપેલી છે. આ સ્પીચ જરૂરથી તૈયાર કરજો.

    મારા બધા આદરણીય શિક્ષકો, વાલીઓ અને પ્રિય મિત્રોને

    સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    આજે આપણે આ મહાન રાષ્ટ્રીય પ્રસંગની ઉજવણી માટે અહીં એકઠા થયા છે. 

    આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા દિવસ એ આપણા બધા માટે એક શ્રેષ્ઠ પર્વ છે. 

    આ બધા ભારતીય નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે અને તેનો ઇતિહાસમાં કાયમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

    આ તે દિવસ છે જ્યારે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા વર્ષોના સખત અને સતત સંઘર્ષ પછી આપણે બ્રિટીશ શાસનમાંથી સ્વતંત્રતા મેળવી. 

    ભારતની આઝાદીના પ્રથમ દિવસને યાદ રાખવા માટે, આપણે દર વર્ષે 15 Augustના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ અને સાથે સાથે ભારતની આઝાદી માટે પોતાના જીવનું  બલિદાન આપનારા તે બધા મહાન નેતાઓના બલિદાનોને યાદ કરીએ છીએ.

    ભારતને બ્રિટીશ શાસનથી 15 Augustગસ્ટ, 1947 ના રોજ આઝાદી મળી. 

    આઝાદી પછી, આપણને  આપણા રાષ્ટ્રમાં અને આપણી માતૃભૂમિમાં તમામ મૂળભૂત અધિકાર મળે છે. 

    આપણને આપણા ભારતીય હોવા પર ગર્વ અનુભવવો જોઈએ અને આપણા સારા નસીબની કદર થવી  જોઈએ કે આપણે ભારતની સ્વતંત્રતાની ભૂમિમાં જન્મેલા છીએ.

    ભારતનો ગુલામીનો ઇતિહાસ કે જેમાં કેવી રીતે આપણા પૂર્વજોએ અમાનવીય ત્રાસ સહન કર્યો,અને યોદ્ધાઓની માફક લડત આપી.

    આપણે અહીં બેસીને કલ્પના નહીં કરી શકીએ કે બ્રિટીશ શાસનમાંથી મુક્તિ મેળવવી કેટલું મુશ્કેલ હતું. 

    અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓનું બલિદાન આપ્યું છે અને 1857 થી 1947 સુધી ઘણા દાયકાઓ સુધી લડત આપી છે. 

    ભારતની આઝાદી માટે બ્રિટિશરો સામે પહેલો અવાજ  સૈનિક મંગલ પાંડેએ ઉઠાવ્યો હતો.

    પાછળથી ઘણા મહાન સ્વતંત્રતા સેનાનીઓ લડ્યા અને પોતાનું આખું જીવન સ્વતંત્રતા માટે ન્યોછાવર કરી દીધું.આપણે બધા ભગતસિંહ, ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદને કદી ભૂલી શકીએ નહીં. 

    જેમણે દેશની લડત દરમિયાન યુવાનીમાં પોતાનું જીવન બલિદાન આપ્યું છે.  ગાંધીજી એક મહાન વ્યક્તિત્વ હતા જેમણે ભારતીયોને અહિંસાનો પાઠ ભણાવ્યો હતો. 

    તેઓ એકમાત્ર નેતા હતા જેમણે અહિંસાના માધ્યમથી સ્વતંત્રતાનો માર્ગ બતાવ્યો. અને છેવટે લાંબા સંઘર્ષ પછી, 15 Augustગસ્ટ, 1947 ના રોજ, ભારતને આઝાદી મળવાનો દિવસ આવ્યો.

    આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણા પૂર્વજોએ આપણને શાંતિ અને ખુશીની ભૂમિ આપી જ્યાં આપણે આખી રાત ડર્યા વગર સૂઈ શકીએ અને શાળા અને ઘરે આખો દિવસ મોજ મજા કરી  શકીએ છીએ. 

    આપણો દેશ ટેકનોલોજી, શિક્ષણ, રમતગમત, નાણાં અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે, જે આઝાદી વિના શક્ય ન હતું. 

    અણુ ઉર્જાના સમૃદ્ધ દેશોમાં એક ભારત છે. આપણે ઓલિમ્પિકસ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ જેવી રમતોમાં સક્રિયપણે ભાગ લઈ આગળ વધી રહ્યા છીએ. 

    આપણને આપણી સરકાર પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે અને આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ઉપયોગ કરી રહ્યા છીએ. હા, આપણે મુક્ત અને સંપૂર્ણ સ્વતંત્રત છીએ, જોકે આપણે આપણા દેશ પ્રત્યે પોતાની જાતને જવાબદારીથી મુક્ત ન માનવી જોઈએ. 

    દેશના જવાબદાર નાગરિક હોવાને લીધે, આપણે કોઈપણ કટોકટી માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ.

     

    Speech-2

    અહીં હાજર મારા પ્રિય મિત્રો અને આદરણીય શિક્ષકોને હાર્દિક શુભેચ્છાઓ. 

    15 મી ઓગસ્ટે, આપણે બધા સ્વતંત્રતા દિવસના આ શુભ પ્રસંગની ઉજવણી કરવા માટે એકઠા થયા છીએ. 

    આ દિવસની આપણે સંપૂર્ણ ઉત્સાહ અને ખુશીથી ઉજવણી કરીએ છીએ, કારણ કે આ દિવસે, ભારતને બ્રિટીશ શાસનથી 1947 માં સ્વતંત્રતા મળી. અહીં આપણે _ માં  સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા આવ્યા છીએ. 

    આ બધા  જ ભારતીય માટે એક ખૂબ જ મહાન અને મહત્વપૂર્ણ દિવસ છે. ભારતીય લોકોએ ઘણાં વર્ષોથી બ્રિટીશરોનું જોહુકમી,તેમજ  ઘાતકી વર્તન સહન કર્યું. 

    આજે આપણે શિક્ષણ, રમતગમત, પરિવહન, વેપાર વગેરે જેવા લગભગ તમામ ક્ષેત્રોમાં મુક્ત છીએ કારણ કે તે ફક્ત આપણા પૂર્વજોના સંઘર્ષોને કારણે જ શક્ય બન્યું હતું. 

    1947 પહેલાં, લોકો પર ઘણા નિયંત્રણો હતા, તેમના પોતાના મન અને શરીરનો પણ તેમના પર કોઈ અધિકાર નહોતો. તેઓ અંગ્રેજોના ગુલામ હતા અને તેઓના  દરેક હુકમનું પાલન કરવાની ફરજ પડતી હતી. 

    બ્રિટીશ શાસન સામે સ્વતંત્રતા મેળવવા માટે ઘણા વર્ષોથી સખત લડત ચલાવનારા મહાન ભારતીય નેતાઓને કારણે આજે આપણે કંઇપણ કરવા માટે સ્વતંત્ર છીએ.

    સ્વતંત્રતા દિવસ ભારતભરમાં ખૂબ આનંદ સાથે ઉજવવામાં આવે છે. આ બધા ભારતીયો માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.

    કારણ કે તે આપણને તે મહાન સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવાની તક આપે છે કે જેમણે આપણને શાંતિપૂર્ણ અને સુંદર જીવન આપવા માટે પોતાનું જીવન બલિદાન કરી દીધું. 

    આઝાદી પહેલાં, લોકોને આપણા જેવા સામાન્ય જીવન જીવવા,, લખવા, ખાવા અને બોલવા પર પ્રતિબંધ હતો. 

    લોકોનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો અને જો કોઈ અવાજ ઉઠાવે તો તેને બેરહમીથી કચડી નાખવામાં આવતો.

    બ્રિટીશરોએ ભારતીય સાથે ગુલામો કરતા પણ વધુ ખરાબ વર્તન કર્યું.

    ભારતના કેટલાક મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, બાલ ગંગાધર તિલક, લાલા લાજપત રાય, ભગતસિંહ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ વગેરે.

    આ પ્રખ્યાત દેશભક્તો હતા જેમણે તેમના જીવનના અંત સુધી ભારતની સ્વતંત્રતા માટે સખત લડત આપી હતી. 

    આપણા પૂર્વજો સંઘર્ષની તે ડરામણી ક્ષણોની કલ્પના પણ  કરી શકતા નથી. આપણો દેશ આઝાદીના વર્ષો પછી વિકાસના સાચા માર્ગ પર છે. 

    આજે આપણો દેશ એક લોકશાહી દેશ તરીકે સમગ્ર વિશ્વમાં સારી રીતે સ્થાપિત થઈ ચૂક્યો છે. ગાંધીજી એક મહાન નેતા હતા જેમણે આપણને અહિંસા અને સત્યાગ્રહ જેવી સ્વતંત્રતાની અસરકારક પદ્ધતિઓ ભેટમાં આપી. ગાંધીજીએ અહિંસા અને શાંતિથી સ્વતંત્ર ભારતનું સ્વપ્ન જોયું.

    ભારત આપણું વતન છે અને આપણે  તેના નાગરિક છીએ. આપણા દેશને દુષ્ટ લોકોથી બચાવવા માટે આપણે હંમેશાં તત્પર રહેવું જોઈએ. આપણા દેશને આગળ લઈ જવો અને તેને વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવવાની જવાબદારી આપણા સૌની છે.

    આજના દિવસના માનનીય મુખ્ય અતિથિ, આદરણીય શિક્ષક, વાલી અને મારા પ્રિય મિત્રોને મારા નમસ્કાર. 

    હું તમને બધાને સ્વતંત્રતા દિવસની ખુબ  ખુબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આજે આટલી મોટી સંખ્યામાં ભેગા થવાનું કારણ આપણે બધા જાણીએ છીએ. 

    આપણે બધા આ મહાન દિવસને અદભૂત રીતે ઉજવવા માટે ઉત્સાહિત છીએ. આપણે બધા અહીં આપણા રાષ્ટ્રનો _મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા માટે ભેગા થયા છીએ. 

    પહેલા આપણે આપણો રાષ્ટ્રધ્વજ લહેરાવીએ, ત્યારબાદ સ્વાતંત્ર્ય સેનાનીના વીર કાર્યને સલામ કરીએ. મને ભારતીય નાગરિક હોવાનો ગર્વ છે મને આપ સૌની સામે સ્વતંત્રતા દિવસ પર ભાષણ આપવાની એક ઉત્તમ તક મળી છે. હું મારા આદરણીય શિક્ષકોનો આભાર માનું છું કે તેમણે મને ભારતની સ્વતંત્રતા પરના બધાની સામે મારા વિચારો રાખવા માટેની તક આપી.

    આપણે દર વર્ષે 15 ઓગસ્ટના  રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ, કારણ કે 14 august મધ્યરાત્રિના1947 ના દિવસે, ભારતને આઝાદી મળી છે. 

    ભારતની આઝાદી પછી તરત જ, પંડિત જવાહર લાલા નહેરુએ નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પર ભાષણ આપ્યું. જ્યારે વિશ્વભરના લોકો સૂતા હતા, ત્યારે ભારતના લોકો  બ્રિટીશ શાસનથી કાયમી સ્વતંત્રતા મેળવવા જાગૃત હતા. 

    હવે, આઝાદી પછી, ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આપણો દેશ વિવિધતામાં એકતા માટે પ્રખ્યાત છે. તેની બિનસાંપ્રદાયિકતાની ચકાસણી કરવા માટે તેણે ઘણી ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. 

    ભારતીય લોકો તેમની એકતાનો પરચો આપવા માટે હંમેશા તત્પર રહે છે.

     

    આપણા પૂર્વજોના સખત સંઘર્ષોને લીધે આપણે આપણી સ્વતંત્રતા પ્રાપ્ત કરી શક્યા છીએ અને આપણી ઇચ્છાથી ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ. 

    બ્રિટિશરો પાસેથી આઝાદી મેળવવી એ ખૂબ જ અશક્ય હતું, પરંતુ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ એસતત પ્રયત્નોથી તે મેળવી.. 

    આપણે તેમના કાર્યને ક્યારેય ભૂલી શકીશું નહીં અને ઇતિહાસ દ્વારા હંમેશા તેમને યાદ રાખીશું. આપણે ફક્ત એક જ દિવસમાં બધા સ્વાતંત્ર્ય સેનાનીઓના કાર્યો  યાદ રાખી શકતા નથી.

    જો કે તેમને આપણે સાચા હૃદયથી યાદ કરી સલામ કરી શકીએ છીએ.. તેઓ હંમેશાં આપણી યાદોમાં રહેશે અને સમગ્ર જીવન માટે પ્રેરણા માટે કાર્ય કરશે. 

    આજનો દિવસ બધા ભારતીય લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.જેમને આપણે દેશના સ્વાતંત્ર્ય અને સમૃદ્ધિ માટે પોતાનો જીવ આપનારા મહાન ભારતીય નેતાઓના બલિદાનોને યાદ કરવા ઉજવીએ  છીએ. સહકાર, બલિદાન અને તમામ ભારતીયોની ભાગીદારીને કારણે ભારતની આઝાદી શક્ય બની છે. 

    આપણે બધા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ આઝાદીના ઘડવૈયા ઓ તેમજ શહીદોને મહત્વ આપવું જોઈએ અને સલામ કરવી જોઈએ કારણ કે તે અસલી રાષ્ટ્રીય નાયક હતા.

    આપણે એકતા જાળવવા માટે ધર્મનિરપેક્ષતામાં વિશ્વાસ રાખવો જોઈએ અને તેનાથી અલગ ન થવું જોઈએ, જેથી કોઈ તેને તોડી ના શકે અને ફરીથી આપણા ઉપર શાસન ન કરીશકે.

    આપણે આવતીકાલ માટેના જવાબદાર અને શિક્ષિત નાગરિક બનીશું. આપણે ગંભીરતાથી આપણી ફરજો નિભાવી વ્યવહાર કરવો જોઇએ અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. 

    આ લોકશાહી દેશને સફળતાપૂર્વક નેતૃત્વ આપવું જોઈએ.

    [amazon text=Amazon][amazon text=Amazon]

  • Monghvari  Essay  In Gujarati

    Monghvari Essay In Gujarati

    Monghvari Essay In Gujarati

    હાય રે મોંઘવારી

    પુસ્તકમાં  વાંચેલું અને બાપ-દાદાઓને  મોઢે સાંભળેલું કે ભારતમાં એક સમયે   દૂધ ઘીની નદીઓ વહેતી હતી. તે તો આજની કાળઝાળ  મોંઘવારી ને જોઈને અવાસ્તવિક જ લાગે છે.

    નિરંકુશ રીતે વધતી જતી મોંઘવારી દેશના અર્થતંત્ર પર  કારમાં ઘા સમાન છે. ‘ગુલામીના મિષ્ટાન્ન કરતા આઝાદીનો સૂકો રોટલો અમને વધુ મીઠો લાગશે ‘.

    નેતાજી એ આઝાદ હિન્દ ફોજની રેલીને  સંબોધતા કહેલા આ શબ્દો, આઝાદી મળ્યા પછીના ૪૭ વર્ષોમાં એવા તો ફળ્યાં છે કે હવે તો સૂકો રોટલો પણ મિષ્ટાન્ન  જેવો થઈ પડ્યો છે!

    એક બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે અને બીજી બાજુ ‘ગરીબીની રેખા નીચે’ જીવતા  લાખો કુટુંબો ,કાળી મજૂરી કરવા છતાં એક ટંકનું ધાન પણ મેળવી શકતા નથી.

    આજે મોંઘવારીએ માઝા મૂકી છે .આઝાદી પહેલા જે આઝાદ ભારત ના સ્વપ્નો જોવાતા  હતા ,જે. સુખસાહેબી ની કલ્પના કરી હતી તે બધું આજે પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈ ગયું !આજે મોંઘવારી ચોતરફ પ્રસરી ગઈ છે.

    બીજી બાજુ ‘ગરીબીની રેખા ‘નીચે જીવતા લોકો તનતોડ મહેનત કરવા છતાં બે ટંકનું  પૂરતું ભોજન મેળવી શકતા નથી.

     

    monghvari essay in gujarati
    monghvari essay in gujarati

    મોંઘવારીની ઝપટમાં માત્ર ગરીબો જ નહીં પણ મધ્યમવર્ગના લોકો પણ આવી ગયા છે .મોંઘવારી એટલી  વ્યાપી ગઈ છે કે માનવીનો મોંઘો દેહ લાચાર બની ગયો  છે.

    સામાન્ય રીતે મોંઘવારી નો જન્મ કોઈક  કુદરતી આફત કે યુદ્ધમાં થી થાય છે. તે અમુક ચોક્કસ દિવસે જ શરૂ થાય છે એવું નથી પરંતુ તેની ગતિ સામાન્ય રીતે ધીમી હોય છે .

    તે ઉપરાંત, એકાદ ચીજની મોંઘવારી હોય તો તે મોંઘવારી કહેવાય નહીં પરંતુ જીવનની પ્રાથમિક મૂળભૂત જરૂરિયાતોમાં મોંઘવારી હોય ત્યારે જ મોંઘવારી છે એમ કહેવાય. યુદ્ધ હોય ત્યાં મોંઘવારી હોવાની જ યુદ્ધ દરમિયાન દુનિયાના મોટા ભાગના દેશો યુદ્ધ સામગ્રી ના ઉત્પાદનમાં પડ્યા અને અન્ય જરૂરિયાતો જેવી કે દવાઓ ,યંત્રો, રસાયણો ,રંગો વગેરેનું ઉત્પાદન ઘટયું.

    monghvari essay in gujarati

    પરિણામે એ  વસ્તુઓ મોંઘી થઇ ગઈ પછી તો એના કારણે દેશમાં થતી ઉત્પન્ન  થતી ચીજો જેવી કે કાગળ,ઘી , ગોળ, ખાંડ , કાપડ વગેરે ચીજો પણ મોંઘી થતી ગઇ, અને આ યુગમાં વેપારીને મોંઘવારીનો ઘણો ફાયદો થયો.

    પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન સમય સુધીમાં માનવીએ ખૂબ જ પ્રગતિ કરી છે .માનવીની જરૂરિયાતો પણ તેમ તેમ વધતી ગઈ છે . માનવી ને એની ત્રણ મૂળભૂત જરૂરિયાતો જો સહેલાઇથી ના મળે, રોટલો, કપડા અને મકાન માટે એને ભીખ  માંગવી પડે લાચાર બનીને દેહનું નીલામ કરવું પડે એ દેશોમાં આઝાદી હોય તોયે શું ને  ના હોય તોય શું?

    એક જમાનો એવો હતો કે જ્યારે ‘રૂપિયો ગાડાના પૈડા જેવો  લાગતો હતો!’ એક રૂપિયામાં આખા ઘરની જરૂરિયાતો સંતોષાતી હતી. 

    ક્યાં ગયું આ બધું ?અંગ્રેજો આમાંનું  કશું લઈ નથી ગયા. જે કંઈ કર્યું કે થયું તેના માટે આપણે પોતે જવાબદાર છીએ, આપણી સરકાર જવાબદાર છે. આપણા વેપારીઓ જવાબદાર છે .

    માનવીને મોંઘો ,સસ્તો  ને લાચાર બનાવનારા અને મોંઘવારી નું એક ભયંકર ષડયંત્ર રચનારા આપણા દેશબંધુઓ  જ છે એ પણ એક કિસ્મતની કમનસીબી જ છે ને ?

    મીઠા થી માંડી મીઠાઈ સુધી તમામ ખાદ્યચીજો; પાણીથી માંડીને પેટ્રોલ સુધીના તમામ પ્રવાહી;.ખીલી થી માંડીને ખાસડા સુધીની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને ચડતાં જાય છે.અને માનવી મોં પહોળું કરીને, આખો ઝીણી કરીને, અને પેટે પાટા બાંધીને આ બધું જોયા કરે છે.

    મધ્યમ વર્ગ ,જેની પાસે ઉત્પાદનનું  કોઈ સાધન નથી તેને મોંઘવારીની ભીંસ ખૂબ જ દુઃખ દાયક નીવડે છે.માંદગીમાં દવા જેવી કિંમતી ચીજના ભાવ આસમાને ચઢે છે.ભારતના કરોડો માણસોને કડકડતી ઠંડીમાં અંગ ઢાંકવા કપડાના ટુકડા માટે ફાફા મારવા પડે છે

    આજની મોંઘવારીથી લોકો બે ટંક પૂરૂ ખાવા. પામતા  નથી .મોંઘવારી તો આનિષ્ટ છે જ પણ તે પોતાની સાથે બીજા અનિષ્ટો ને પણ જન્મ આપે છે. તેમાંથી સંગ્રહખોરી પેદા થાય છે .

    સંગ્રહખોરીથી અન્ય બાબતોને પ્રોત્સાહન મળે છે. તેમાંથી લાંચરૂશ્વતવધે છે. રાષ્ટ્રીય વિકાસને નામે સરકાર કરવેરામાં વધારો કરવા માંડે છે. અને મધ્યમ વર્ગ મોંઘવારીના સાણસામાં  બૂરી રીતે સપડાઈ જાય છે.

    મોંઘવારીને સોંઘી બનાવી દેનારા, હાથે કરીને કૃત્રિમ અછત ઉભી કરનારા, જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓની સંગ્રહખોરી કરનારા, કાળા નાણાને ફરતું રાખવા માટે દરેક વસ્તુના ‘કાળા બજાર’ રચનારા અને માનવીને અસહ્ય લાચાર સ્થિતિમાં, પશુથી પણ બદતર જીવન જીવવા માટેની ફરજ પાડનારા ‘નરાધમો ‘ એક વસ્તુ ભૂલી જાય છે કે તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય એ ન્યાયે એમને પણ એક દિવસ કૂતરાના મોતે તે મરવાનો જ વારો આવવાનો છે.

    જેને કોઈની આંતરડી ઠારી  નથી ;કેવળ બાળી જ છે ,એને અંત  ઘડીએ એનો પૈસો કે પદ કશું જ કામ  આવવાનું નથી.

    લાખો માનવીઓના નિસાસા  લેનારો એ જ્યારે આખરી શ્વાસ લેતો હશે ત્યારે એણે કરેલી આ ભયંકર કુસેવાના  પરિણામો એનો પીછો છોડવાના નથી!!

    પ્રશ્ન થાય  કે મોંઘવારીને નાથવાનો કોઈ ઉપાય નથી ?હોય તો છે પણ તેનો અમલ  કડક થવો જોઈએ .સરકારે કાળાબજાર સંગ્રહખોરી, નફાખોરી, ભેળસેળ, કૃત્રિમ ,અછત ઓછું તોલમાપ  જેવા અપરાધો આચરનારા સામે કડક હાથે કામ લેવું જોઈએ.

    શોષણખોર વેપારીઓને  ખુલ્લા પાડવા જોઈએ .વેપારી અનીતિ  કરતા પકડાય તો સરકારે કડકમાં કડક સજા કરીને દાખલો બેસાડવો જોઈએ . સરકારે પણ બધાને પ્રાથમિક જરૂરિયાત રોટી-કપડા અને મકાનની સગવડ મળી રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.

    આજે તો બધું જ મોંઘુ થઇ રહ્યું છે . ફક્ત માણસ સસ્તો થઈ રહ્યો છે. કેટલાક શ્રમિકોને પૂરેપૂરું વળતર મળતું નથી.

    મોંઘવારીના વિષચક્રમાંથી બહાર નીકળવું  ઘણું મુશ્કેલ છે પણ અશક્ય તો નથી જ .સમયની નાડ પારખીને   સૌએ જીવન જીવવું જોઈએ અને સરકારે પણ પોતાની પ્રજા સુખ-શાંતિથી જીવન ગુજારે તેવી વ્યવસ્થા  પોતાની તરફથી કરવી જોઈએ .

    વેપારીઓએ પણ પોતાની નૈતિક ફરજ સમજીને બેફામ ભાવવધારો અટકાવવો જોઇએ .બીજી બાજુ સરકાર તરફથી જે  કાયદો કે નિયમ આવે તેનો આપણ સૌએ  માનવતાવાદી અભિગમ અપનાવી સક્ષમ કરવો જોઈએ.

    આપણા સૌના સહિયારા પ્રયત્નો થકી જ મોંઘવારીને અંકુશમાં લાવી શકાશે એ સનાતન સત્ય કદી ભૂલવું જોઈએ નહીં.


    યોગ પર નિબંધ

  • vruksho nu mahatva in gujarati essay

    vruksho nu mahatva in gujarati essay

    vruksho nu mahatva in gujarati essay

                                વૃક્ષો આપણા સાચા મિત્રો

     

    vruksho nu mahatva in gujarati essay
    vruksho nu mahatva in gujarati essay

    ધરતી નું ઢાંકણ અને અવની  ની શોભા એટલે વૃક્ષ. વૃક્ષો વગરની ધરતીની આપણે કલ્પના કરીએ તો! ધરતી શબ  જેવી લાગે! હવા અને પાણીની જેમ માનવ જીવન માટે વૃક્ષો પણ તેમના અભિન્ન અંગ સમાન છે. 

     

    લીલાછમ ,હરિયાળા અને ઘટાદાર વૃક્ષો ની ધરતી ઉપર દૂર દૂર સુધી હારમાળા જો પથરાયેલી હોય તો, આપણી આ પૃથ્વી એ જાણે લીલી સાડી ન પહેરી હોય! એવું દૃશ્ય સર્જાય છે. કદી વિચાર્યું છે? 

     

    વૃક્ષોનું આ ધરતી પરથી અસ્તિત્વ જો ચાલ્યું  જાય તો…આ પૃથ્વી પરની સમગ્ર સજીવ સૃષ્ટિ નું જીવન જોખમમાં આવી પડે !અને કદાચ તેથી જ વૃક્ષો આપણા  પરમ મિત્રો(best friends) છે.

     

    હમણાં  હમણાંથી વ્યાપક બનેલું આ સૂત્ર ભારતની વર્તમાન સમસ્યાઓનું નિવારણ સૂચવે છે. 

    ‘બે બાળકો બસ’, ‘ઓછા બાળ ,જય ગોપાળ’ , ‘વૃક્ષો વાવો ,વરસાદ લાવો ‘જેવા ખૂબ જ પ્રચલિત બનેલા સુત્રો કરતાં આ સૂત્ર વધુ સચોટ અને દ્વિઅર્થી

    અને અસરકારક સાબિત થયું છે.

     

    આમ તો,  વિશ્વની તમામ ભાષાઓના કોઈને કોઈ  હેતુસર આવા સૂત્રો નો પ્રયોગ સદીઓથી થતો આવ્યો છે, પરંતુ ઉપર્યુક્ત સૂત્રનો ગર્ભિત અર્થ  છે તે એટલો માર્મિક અને હેતુલક્ષી છે કે આપણે તેનો અર્થ સાકાર કરવાની પ્રેરણા મળે છે.

    પુસ્તકોની મૈત્રી નિબંધ


    પ્રસ્તુત સૂત્ર ના   પ્રારંભના બે શબ્દો:’ એક બાળ’ વાંચીને તો કોઈને ઘડીભર        એમ જ લાગે કે આ સૂત્ર ‘ પરિવાર નિયોજન ‘ સાથે સંબંધ ધરાવે છે.

    પરંતુ પાછળ ના બે શબ્દો: ‘એક ઝાડ’વાંચીને ખ્યાલ આવે છે કે,એક ઝાડ અને એક બાળ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરતું  આ સૂત્ર કંઈક બીજું જ કહેવામાં આવે છે અને વાત સાચી છે.

     

    આ સૂત્ર બાળજન્મ અને વૃક્ષ જન્મને સાંકળે છે. એનો સાદો સીધો અર્થ એટલો જ કે ,તમે એક બાળકને જન્મ આપો તેની સાથે એક ઝાડને પણ જન્મ આપો .

    બીજા શબ્દોમાં કહીએ તો ,આ દેશમાં દરરોજ જેટલા બાળકો જન્મે તેટલા જ વૃક્ષો રોપાવા જોઈએ.



    આ પ્રકારનું સુત્ર આપવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, અત્યારે આપણા દેશની બે મુખ્ય સમસ્યાઓ છે:એક ,વસ્તીનો બેફામ વધારો અને બીજી ,વૃક્ષોનું મોટે પાયે થઈ રહેતું છેદન.

     

    ભારતમાં આજે દિન-પ્રતિદિન વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. આપણે જ્યારે આઝાદ  થયા ત્યારે દેશની વસ્તી આશરે 36 કરોડ હતી. આજે વસ્તી ૧૦૨ કરોડનો આંક પણ વટાવી ગઈ છે.

     

    વસતીના વધતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.વધતી જતી વસ્તીના રહેઠાણ માટે મકાનો બાંધવા ,શાળાઓ અને દવાખાનાની ઈમારતો બાંધવા, ઉદ્યોગ અને કારખાના વગેરે માટે વિશાળ જમીન ની જરૂર પડે.



    આ માટે વૃક્ષ છેદન થતું રહયું છે .આમ ,વસ્તી વધારાને કારણે આપણે આડેધડ વૃક્ષો કાપ્યા. પરિણામે જંગલોના ઘટાડા જેવી મોટી સમસ્યા ઉભી થઇ .

    vruksho nu mahatva in gujarati essay
    vruksho nu mahatva in gujarati essay




    વૃક્ષોની ઉપયોગીતા ઘણી જ છે .વૃક્ષો વાતાવરણને શુદ્ધ બનાવે છે. વૃક્ષો વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને  ગ્રહણ કરીને આપણને પ્રાણવાયુ સમાન ઓક્સિજન પૂરો પાડે છે.

    કહેવાય છે કે ‘જળ એ જીવન’ પણ વૃક્ષની ઉપયોગીતા જોતાં કહી શકાય કે’ વૃક્ષ છે તો જીવન છે!’

    vruksho nu mahatva in gujarati essay



    કેમ કે, આપણને પ્રાણવાયુ તો વૃક્ષો પુરો પાડે છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે .જમીનનું ધોવાણ અને રણ ને આગળ વધતું અટકાવે છે. તેથી જ કહેવાય છે કે ,વૃક્ષો ‘વાવો વરસાદ લાવો.’



    પણ આજે વૃક્ષો વવાતા નથી કપાય છે .પરિણામે વરસાદનું પ્રમાણ ઘટયું. ભૂગર્ભજળનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે વળી વૃક્ષોના અભાવે વાતાવરણમાં પ્રદૂષણ વધતું જાય છે.



    ઘેઘૂર વૃક્ષો મોટા વિસ્તારમાં છાયડો પુરો  પાડે છે ,જે થાકેલા- કંટાળેલા મુસાફરોને તેમજ પશુ-પક્ષીઓને સાંત્વના  પૂરી પાડે છે . વૃક્ષોની ઘટાઓ માં પક્ષીઓ કિલ્લોલ કરે છે, તેની ડાળીઓ પર માળા બાંધે છે.




    વૃક્ષો છોડ અને વનસ્પતિ પશુઓને ઘાસચારો પૂરો પાડે  છે ,વરસાદ લાવીને ધરતીને લીલીછમ હરિયાળી બનાવી દે છે! પરંતુ આજનો માનવી કેવો સ્વાર્થી બની ગયો છે!તે પોતાની સગવડતા  વધારવા માટે વૃક્ષોનું મોટાપાયા પર નિકંદન કાઢી રહ્યો છે…!



    સુકાની સાથે સાથે લીલાછમ વૃક્ષો પણ કાપી રહ્યો છે, ત્યારે તો તે જોઈને હૈયું રડી ઊઠે છે…! વૃક્ષોને બચાવવા માટેનું  ‘ચિપકો આંદોલન’ ખુબ જ પ્રેરક હતું., પ્રત્યેક બાળકના જન્મ સમયે એક વૃક્ષનું રોપણ.

    વિશ્વ પર્યાવરણના દિવસે પ્રત્યેક માનવી એક વૃક્ષ વાવે તેવી અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.વાવેલા વૃક્ષો નું જતન અને રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી બને છે.




    આપણા દેશમાં  વૃક્ષોની જાળવણી એક પ્રાણપ્રશ્ન બની ગયો છે .માટે સરકારી અને બિનસરકારી રાહે ‘ વૃક્ષરોપણના ‘ કાર્યક્રમો  પ્રતિવર્ષ યોજાય રહ્યા છે.પરંતુ વૃક્ષારોપણ સપ્તાહ દરમિયાન રોપેલા છોડ , વૃક્ષ રુપે વિકસે ને પાંગરે તે પહેલાં  કોઈને કોઈ કારણસર કરમાઈ જાય છે , ઊખડી જાય છે .



    સુકાઈ જાય છે. પરિણામે એની  પાછળ ખર્ચેલા શ્રમ ,સમય ,શક્તિ ,સાધનસામગ્રી ને સંપત્તિ એળે છે.



    આ ચિંતાજનક પરિસ્થિતિના નિવારણ માટે ‘એક બાળ ,એક ઝાડ’ નુ સૂત્ર પ્રચલિત બન્યું છે ને એને અમલમાં મુકવા અનુરોધ  થઈ રહ્યો છે. આ સૂત્રના બે ફલીતાર્થ;

    એક ,જેના ઘેર એક બાળક જન્મે એણે એ દિવસે એક ઝાડ રોપવું અને પોતાના બાળકની સાથે સાથે, પોતે વાવેલા આ વૃક્ષની  પણ એવી માવજત કરવી કે એ વિકસીને મોટું થાય ,

     

    બીજું, એક બાળ  = એક ઝાડ એ હિસાબે દેશમાં રોજ જેટલી વસ્તી વધે એટલી જ સંખ્યામાં વૃક્ષો પણ ઉગે એવું  સુવ્યવસ્થિત આયોજન થવું જોઇએ.

     

    વૃક્ષો પૃથ્વી પરનું અણમોલ રતન છે .વૃક્ષોથી ધરતીમાતા હરીભરી લાગે છે.     વૃક્ષો જ ધરતીની શોભા છે .વૃક્ષો ધરતી નું આભૂષણ છે વૃક્ષોથી જ પ્રકૃતિની શોભા અનેરી છે.



    વૃક્ષોથી જ સૃષ્ટિ હરિયાળી છે. વૃક્ષો થી સૃષ્ટી સોંદર્ય છે .મણિલાલ પટેલ કહે છે કે “વૃક્ષો તો ધરતી રૂપી શતરંજ ફલક પરના પ્યાદા સમાન છે”.



    ડો.જગદીશ ચંદ્ર બોઝે કહ્યું છે કે ,’વૃક્ષમાં જીવ છે ‘,માટે આપણે બધાએ આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે વૃક્ષોનું જતન કરવું જ રહ્યું.સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે કહ્યું છે કે ‘,છોડમાં રણછોડ છે’.



    મહાપુરુષોના આવા  વચનો જ વૃક્ષનું મહાત્મ્ય પ્રગટ કરે છે .વૃક્ષો તો સંતો જેવા પરોપકારી જીવ છે. વૃક્ષોનું જતન કરવું એ આજની તાતી જરૂરિયાત છે.





    વૃક્ષોએ આપણા જીવનને હર્યુંભર્યું અને સમૃદ્ધ બનાવી દીધું છે .એક ગુજરાતી કવિએ કહ્યું છે કે, ‘તરુંનો બહુ આભાર જગત પર તરુનો બહુ આભાર’. વૃક્ષો ન હોય તો?



    આખી ભૂમિ વેરાન રણપ્રદેશ  જેવી બની જવાની ને ! વરસાદ જ ક્યાંથી પડવાનો! અને વરસાદ જ  ન પડે તો અન્ન ,વસ્ત્ર, જળ જેવી પ્રાથમિક જરૂરિયાતો જ ક્યાંથી પ્રાપ્ત થવાની?



    વૃક્ષોએ  આપણા જીવનને રંગબેરંગી અને આનંદદાયક બનાવ્યું  છે. વૃક્ષોના પાંદડા અને ફૂલો એ આપણને કેટકેટલા  રંગોની ભેટ આપી છે.વૃક્ષની છાયા આપણા જીવનને ‘હાશ ‘ બક્ષે છે.

    વૃક્ષોનું મહત્વ,





           દુનિયાભરમાં આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવાઈ રહ્યો છે. તેનો હેતુ કુદરતી સ્ત્રોતોને સુરક્ષિત રાખવા પ્રત્યે જાગૃતિ વધારવા નો છે. વૃક્ષો છોડ અને જંગલો કુદરતી સ્ત્રોતોનો અત્યંત મહત્વનો હિસ્સો છે.





          





          જંગલોની ઘટતી  સંખ્યાના કારણે તેની સુરક્ષા પર ભાર મૂકવો  વધુ જરૂરી બની રહ્યો છે . એક વૃક્ષ ફક્ત છાંયડો , નહીં ઓક્સિજન પણ આપે છે . તેનું મૂલ્ય કેટલું હોય ,તે જાણવાના પ્રયાસ ભારતમાં જ  થયા હતા.




            ૧૯૭૯ માં કોલકાતા યુનિવર્સિટીના પ્રો. તારક મોહન દાસે એક  સંશોધન કર્યું હતું, જેમાં તેમણે એક વૃક્ષની કિંમતનું અનુમાન કર્યું હતું.ડો. દાસે કહ્યું હતું કે, એક વૃક્ષ  ૫૦ વર્ષના આયુષ્યમાં બે લાખ ડોલરની સેવા આપે છે .








            તેમાં ઓક્સિજનનું ઉત્સર્જન ,જમીનનું ધોવાણ અટકાવવું , માટીનેં ફળદ્રુપ બનાવવી, પાણી રિસાયકલ  કરવું અને હવા શુદ્ધ કરવી જેવી અનેક સેવા સામેલ છે.








           જો ૧૯૭૯ ના મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને ગણતરી કરીએ તો ,આજે એક વૃક્ષની સેવાની  કિંમત આશરે રૂ. પાંચ કરોડ છે. 2013મા દિલ્હીની એક એનજીઓ ‘ દિલ્હી ગ્રીન્સ ‘ ના અભ્યાસ પ્રમાણે ,એક સ્વસ્થ વૃક્ષ વર્ષમાં જેટલો ઓક્સીજન આપે છે, તેને ખરીદવામાં આવે તો તેની કિંમત રૂ. 30 લાખથી વધુ હશે. 



           આમ  ,એક –એક વૃક્ષ અમૂલ્ય છે ,પરંતુ આ આંકડા કહે છે કે એક વૃક્ષ વાવવાનો આપણો પ્રયાસ અત્યંત મહત્વનો સાબિત થશે.





         પાણીથી વરાળ બનાવાની પ્રક્રિયા .જળસ્ત્રોત સાથે વૃક્ષોના પાંદડા થી પણ બાષ્પીભવન થાય છે. તેનાથી હવામાં ભેજ વધે છે .

     

        વરાળ ઠંડી પડી પાણીમાં રૂપાંતરિત થાય છે .મોટા અને ગાઢ વૃક્ષો હવાના ભેજ ને વધારે  રોકે છે તેનાથી વરસાદ પડે છે.



         વૃક્ષ જેટલું પાણી સંકોચે છે એટલા નો ઉપયોગ નથી કરતું . પાંદડાં વધારે પાણીને   વરાળ તરીકે હવામા છોડે છે.



         પાણી શોષાઈને જમીન માં જવું .વૃક્ષો ઝડપી વરસાદના પાણીને વહેતા અટકાવે છે .તેનાથી જમીનમાં પાણી શોષાઈ  શકે છે.





          પુરને રોકી શકે છે ,વૃક્ષો કપાય તો પૂરની  શકયતા ૨૮% વધી શકે છે. આઇ.આઇ.ટી ખરગપુરના અભ્યાસ પ્રમાણે ,દેશના જે રાજ્યોમાં જંગલો ઓછા છે ત્યાં પૂરથી  વધુ નુકસાન થયું છે .



          એવી જ રીતે, નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના 56 દેશના આકડાના વિશ્લેષણમાં પણ આ વાત સામે આવી છે .તે પ્રમાણે જે દેશોમાં કુદરતી જંગલોનું ક્ષેત્ર ૧૦%સુધી ઓછું થયું  છે ,ત્યાં પૂરની શક્યતા ૪ થી ૨૮ %સુધી વધી 

    ગઈ છે.








          બીમારીઓથી બચાવે છે .અસ્થમાની શકયતા 33% ઓછી કરે છે ૩૪૩ વૃક્ષ યુકેમાં થયેલા અભ્યાસ   પ્રમાણે ,એક ચોરસ કિ.મી.માં ૩૪૩ વૃક્ષ લગાવવાથી બાળકોમાં અસ્થમાની શક્યતા ૩૩% સુધી ઘટે છે.





          આ જ રીતે જંગલો બીમારીઓથી ફેલાતા જીવો ,ખાસ કરીને મચ્છરો ને  રહેણાંક વિસ્તારમાં આવતા રોકે છે .જેમ કે ,૯૦ના દસકામાં પેરુમાં રસ્તા બનાવવા જંગલો કપાયા હતા .તેનાથી ત્યાં મેલેરિયાના દર્દીઓની સંખ્યા દર

     વર્ષે ૬૦૦ થી વધીને ૧.૨ લાખ થઈ હતી.










         વર્ષે ૩૬હજાર  જીવન બચી શકે છે, ખરાબ પર્યાવરણથી બચાવે છે. પર્યાવરણ  ક્ષેત્રે કામ કરતી સંસ્થા નેચર કન્ઝવેન્સીના એક અભ્યાસ પ્રમાણે ,શહેરોમાં જો વધુને  વધુ વૃક્ષો વાવવામાં આવે તો ખરાબ પર્યાવરણ થી થતા મૃત્યુ ૯% સુધી ઘટાડી શકાય અને દર વર્ષે ૩૬ હજાર લોકોની જાન બચાવી શકાય .

     

      

     એક અભ્યાસ કહે છે કે ,એક વૃક્ષ વર્ષે 20 કિલો સુધી  ધૂળ શોષી લે છે







          તાપમાન નિયંત્રિત કરે છે , સીઓટુ   ઘટાડે છે .વૃક્ષ કોઈ વિસ્તારનું તાપમાન 

    ૧ થી ૫  ડિગ્રી સુધી ઘટાડી શકે છે .એક વૃક્ષ એક વર્ષમાં ૨૨ કિલો સુધી કાર્બન ડાયોક્સાઈડ શોષી શકે છે.







            દર વર્ષે ૧૦૦ કિલો ઓક્સીજન આપે છે .એક વૃક્ષ એક વર્ષમાં ૧૦૦ કિલો સુધી ઓક્સીજન આપે છે .એક વ્યક્તિને એક વર્ષમાં ૭૪૦કિલો ઓકિસજન ની જરૂર પડે છે.









               વરસાદ લાવે છે, ભૂગર્ભજળ વધારે છે. એક  વૃક્ષ ની મદદથી વાર્ષિક ૩૫૦૦ લિટર પાણી વરસી શકે છે. દરેક વૃક્ષ અંદાજે ૩૭૦૦ લિટર  પાણી રોકીને જમીનમાં પહોંચાડે છે .તેનાથી ગ્રાઉન્ડ વોટર વધે છે.








          પાણીનો સંગ્રહ કરે છે ,શહેરમાં પુર અટકાવે છે .વાતાવરણ માં પાણી જાળવી રાખે છે .તેનાથી દુકાળનું જોખમ  ઘટે છે. શહેરોમાં ૫૩૦ લિટર પાણી વહી જતું અટકાવી પૂરતી બચાવે છે.







         હવા શુદ્ધ કરી ફેફસાંને બચાવે છે .એક વૃક્ષ ૬ ટકા સુધી સ્મોગ  (ધુમાડો અને ધુમ્મસ) ઘટાડે છે. પૂર્ણ વિકસિત વૃક્ષ પ્રદૂષિત હવા માંથી ૧૦૮ કિલો સુધીના નાના કણો  અને ગેસ શોષી શકે છે.






           શાંતિ અને બચત પૂરા પાડે છે .ઘરની આસપાસ યોગ્ય સ્થળે વૃક્ષો વાવવાથી એસી ની જરૂરિયાત 30 % ઘટી જાય છે .તેનાથી 20 –50 %  વીજળી બચી શકે. અંદર આવતો ઘોંઘાટ ૫૦% સુધી ઘટાડી શકો છો.







          માટી માંથી ઝેરીલા  પદાર્થ શોષે છે .એક વૃક્ષ માટીમાંથી અંદાજે ૮૦ કિલો  પારો , લિથિયમ, લેડ વગેરે જેવી ઝેરીલી ધાતુઓ શોષી લે છે .તેનાથી માટી વધુ ખાતર અને ખેતીલાયક બને છે.








            જૈવ વિવિધતા બચાવવામાં મદદ કરે છે. એક અભ્યાસ મુજબ, માત્ર એક વૃક્ષ વાવીને પક્ષીઓની ૮૦ પ્રજાતિ બચાવી શકાય છે .વિશ્વમાં ૨૯૯૬  પ્રાણી લુપ્ત થવાના આરે છે ,જેમાંથી ૮૪ ભારતમાં છે.










  • pustako ni maitri essay in gujarati

    pustako ni maitri essay in gujarati

    “ પુસ્તક એ આત્મા ની સવારી માટે નો રથ છે.” આજના વિષમ બનેલા સમાજજીવનમાં કોઈ વ્યક્તિના જીવનમાં ક્યારે પરિવર્તન આવે તે નક્કી ન થઈ શકે. આપણામાં એક કહેવત છે કે ગધેડા સાથે ઘોડાને બાંધવામાં આવે તો તે લાતો મારતા જરૂર શીખે એક બગડેલી કેરી આખા કરંડિયા ની કેરી બગાડી નાખે છે.” સંગ તેવો રંગ.” એક સારા પુસ્તક નો સંગ એક સત્સંગ જેવો છે.

    મિત્રોની જેમ જ પુસ્તકોનો પણ જીવન ઘડતરમાં નિર્ણાયક પ્રભાવ પડે છે. એક સારા મિત્ર ની જેમ પુસ્તક પણ વ્યક્તિને તેના સુખ દુઃખ માં સાથ આપે છે. ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ ચીંધે છે. સહનશીલતા ધીરજ જેવા ગુણ શીખવી ને જીવન ટકાવી રાખવાનો સહારો તેમજ સાંત્વના આપે છે.

    pustako ni maitri essay in gujarati
    pustako ni maitri essay in gujarati

    અભ્યાસ ના પુસ્તકો માંથી મળતું  જ્ઞાન ઘણું જ મર્યાદિત હોય છે ઉપરાંત ઘણી વાર તો તે ફક્ત માર્ક્સ મેળવવા માટે જ વાંચવામાં આવે છે. જો આપણે આપણી જ્ઞાનની ક્ષિતિજ ને વિસ્તારવી હોય તો  પુસ્તક રૂપી નૌકામાં વગર ખર્ચે ને વગર તકલીફે સફર કરવી જોઈએ કે જે આપણને દૂર-દૂરના મુલકમાં માં લઈ જાય છે. એટલે જ અંગ્રેજીમાં એ જાણીતી ઉક્તિ છે કે: “ a good book is man’s  friend, philosopher, and guide.” મતલબ કે એક સારું પુસ્તક માનવીનો મિત્ર જ નહીં પણ તત્વચિંતક અને માર્ગદર્શક પણ બની શકે છે.

    આમ પુસ્તક એક ખુબ જ વિસ્મયકારક માધ્યમ છે જાદુઈ દીવો છે આજના ચિંતાયુક્ત માનવ જીવનમાં સારું અને ઉત્તમ પુસ્તક શ્રેષ્ઠ મિત્ર ની ગરજ સારે છે.સારું ને ઉત્તમ પુસ્તક કંઈ રાતોરાત લખાઈ જતું નથી એના લેખકે એની સર્જન પ્રક્રિયા માં પોતાના વિચારો, લાગણીઓ મનોભાવો, જ્ઞાન, અનુભવ વગેરે કંઈ કેટલુંયે સંયોજીત કરીને ઠાલવ્યું હોય છે.

    આ માટે આપણે થોડા એવા દ્રષ્ટાંત જોઇએ કે જેમાં પુસ્તકને લીધે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવ્યું હોય રસ્કિનના પુસ્તક ‘Un to the Last’   પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહ ની પ્રેરણા મળી રશિયન મહાન લેખક લિયો ટોલ્સટોય નું પુસ્તક what is to be done? નો ગુજરાતી અનુવાદ ત્યારે શું કરીશું? ના વાંચનથી પ્રેરાઈને “ દર્શક” માં પ્રકૃતિપ્રેમ વિકસ્યો એટલું જ નહીં રાજકારણમાં ન જતા તેમણે ખાડાટેકરાવાળી જમીનમાં આંબા, ચીકુ, નાળિયેરીના વૃક્ષો ઉગાડયાં અને પરિશ્રમની મહત્તા સિદ્ધ કરી.

    જૈન મુનિ હેમચંદ્રાચાર્યના વ્યાકરણ ગ્રંથને રાજા સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી પર મૂકીને પાટણમાં તેની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.

    જર્મન કવિ ગેટે કવિ કાલિદાસનું “અભિજ્ઞાન શાકુંતલ “માથે મૂકીને નાચ્યો તો હતો.

    ઉત્તમ પુસ્તકો ની મૈત્રી રાખનાર ક્યારેય ગમે તેવી મુસીબતમાં પણ મૂંઝાતો નથી કે દુઃખી થતો નથી. સારા પુસ્તકો થી ઘડાયેલું મહાપુરુષો નું જીવન દર્શન દુઃખના સમયે ધીરજ અને શાંતિ રાખતાં શીખવે છે તે માનવી ની વેદના ને હળવી બનાવી નાખે છે. શ્રેષ્ઠ પુસ્તકો માનવીના મનનો વહેમ અજ્ઞાન અને અંધશ્રદ્ધાને દૂર કરવામાં મદદરુપ બને છે. તેમને નવું નવું શીખવાડે છે. તેમની જ્ઞાનની સીમાઓ ને વિસ્તારવાની તક આપે છે.

    pustako ni maitri essay in gujarati
    pustako ni maitri essay in gujarati
    CREDIT: PHOTODISC

    બિલકુલ અજાણ બાબતથી પણ માહિતગાર બનાવે છે. સારા પુસ્તકો કદી દગો કરતા નથી તે હંમેશા આપણો સાથ નિભાવે છે. આ માટે એક અંગ્રેજ કવિએ લખેલી પંક્તિ યાદ આવે છે:

    “My never failing friends are they

    With whom I Converse day by day.”

    પુસ્તકો અરીસા જેવા છે. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એક લેખકે સાચું જ કહ્યું છે કે “તમે શું વાંચો છો એ મને કહો તો તમે કેવા છો એ હું તમને કહી શકીશ”. પુસ્તકો સાથે મૈત્રી રાખનાર માનવી ને કદી એકલાપણું સાલતું નથી કેમકે પુસ્તકો ના પાને પાને અક્ષરદેહે અમર થઈ ગયેલા મહાપુરુષો બિરાજે છે.

    “સારા પુસ્તકોનો સંગ્રહ એ ખરેખર એક મોટી યુનિવર્સિટી છે”.

    સારા પુસ્તકોના વાંચનથી આપણને આપણામાં પાંખો ફૂટી હોય તેવો અનુભવ થાય છે.કેટલાક સાહિત્યકારોના પુસ્તકો વાંચવાથી જીવનમાં પરિવર્તન આવી શકે છે. ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” માંથી આપણને જીવનમાં વિનમ્રતા કે નિખાલસતાનો પરિચય થાય છે. આવા તો અનેક દ્રષ્ટાંતો સાહિત્યમાંથી મળી શકે. કાકાસાહેબ કાલેલકર ના પ્રવાસ વર્ણન ના પુસ્તકો વાંચતા આપણે પણ તેમની સાથે એકરૂપતા અને ધન્યતા અનુભવીએ છીએ.

    books are our best friends essay in gujarati
    books are our best friends essay in gujarati

    પ્રાચીન કાળ ના સમયમાં પણ પુસ્તકાલયોનું ખૂબ જ મહત્વ હતું.

    જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારવામાં પુસ્તકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. આજના સમયમાં તો અનેક સેવાભાવી સંસ્થાઓ વિનામૂલ્યે અથવા સાવ નજીવી ફી મા જ્ઞાનનો વિશાળ ખજાનો પુસ્તકાલયના રૂપમાં ખુલ્લો મૂકીને જનતાની મહાન સેવા કરી રહી છે!સારા પુસ્તકો સુવિકસિત જીવનનું પ્રતિબિંબ પાડે છે. પુસ્તકથી વંચિત રહેલો માનવ સમાજ પાછળ રહી જાય છે.

    પુસ્તકો માત્ર મનોરંજન જ નહીં પરંતુ માનવીના જીવન ઘડતરનું પણ એક ઉત્તમ સાધન બની રહેવું જોઈએ. અમુક હલકી કક્ષાના તેમજ અશ્લીલ સાહિત્યનું વાંચન માનવીની વૃત્તિઓને બહેકાવી અને તેને અધઃપતન તરફ દોરી જાય છે.જાતીયવૃત્તિ ભડકાવતા પુસ્તકો આજના યુવાનોને અનૈતિક સંબંધો જોડવા તરફ પ્રેરે છે. આથી પુસ્તકોની પસંદગી પણ વિવેકપૂર્ણ રીતે થવી જોઈએ. પ્રજાનું સાંસ્કૃતિક ઘડતર કરવામાં પુસ્તક અત્યંત ઉપયોગી સિદ્ધ થઇ શકે એમ છે.

    ખરેખર “સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું હોય છે”. ધાર્મિક પુસ્તકોના વાંચનથી આપણને આપણો ભવ્ય વારસો ,સંસ્કૃતિ વગેરે જાણવા મળે છે. ભગવદ ગીતા, રામાયણ, મહાભારત, વેદો, પુરાણો, બાઈબલ, કુરાન, ગુરૂ ગ્રંથ સાહેબ ,અવેસ્તા આવા ધાર્મિક ગ્રંથોએ  માનવીના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવવામાં મોટો ફાળો આપ્યો છે.ભગવત ગીતાના બોજને જીવનમાં પચાવનાર વ્યક્તિ મૃત્યુ થી કદી ડરશે નહીં જૈન ધર્મના પુસ્તકો વાંચનાર અહિંસાનો ઉપાસક બનશે. મહાભારત ના પ્રસંગો માં થી બોધપાઠ લેવા જેવી અનેક ઘટનાઓ છે. રામાયણ તો આદર્શ જીવનનું ઉત્તમ મહાકાવ્ય છે.

    બાળકોએ પણ નાની વયથી જ પુસ્તકો વાંચવાની ટેવ પાડી દેવી જોઈએ. બાળકોને આપણે ભેટો કે રમકડા ભલે આપીએ પણ સાથે સાથે સારા પુસ્તકો પણ વાંચવા આપવા જ જોઈએ. કારણકે નાની ઉંમરે સારા પુસ્તકોનો પ્રભાવ બાળકના ચિત્ત પર ખૂબ જ પ્રબળ અસર પાડે છે. એટલે જ પુસ્તકોની મૈત્રી ખૂબ જ જરૂરી છે.આ જ્ઞાનનો અખૂટ ભંડાર જેટલો  લૂંટાઈ એટલો લૂંટી જ લેવો જોઈએ. સારા પુસ્તકો મનની મલિનતા ને ધોઈ નાખે છે.

    આજના હાઇટેક યુગમાં, ટેલિવિઝન ના જમાનામાં, ઈન્ટરનેટની આંધીમાં લોકોની વાંચન પ્રત્યેની રુચિ બિલકુલ ઘટી ગઈ છે. આજની યુવા પેઢી તેમજ મોટી ઉંમરના લોકો પણ પોતાનો મોટાભાગનો સમય મોબાઇલમાં, ટેલિવિઝનમાં, તેમજ વ્યર્થની ચર્ચાઓ કરવામાં પસાર કરે છે. પુસ્તકાલયો મોટાભાગે સૂમસામ હોય છે.પરંતુ સારા પુસ્તકોનું મહત્વ કાલે પણ હતું ,આજે પણ છે અને હંમેશને માટે રહેશે.

    આમ પુસ્તકો બેશક સારા મિત્રો છે માનવ મિત્રોથી તો આપણે ગમે તે પડે અલગ થઇ જઈશું પણ પુસ્તક મિત્ર તો જીવનની તડકી છાયડી માં  પણ સદા ને માટે આપણો સાથ નિભાવશે.” આપણું વાંચન એ જ આપણા જીવનનું સાચું પ્રતિબિંબ છે”. જીવનને ઉમદા અને સમૃદ્ધ બનાવવા તથા પ્રગતિ સાધવા હંમેશા વિચારપ્રેરક અને ગંભીર પુસ્તકોનું  વાંચન કરવું જોઈએ યોગ્ય પુસ્તકો ઉત્તમ મિત્રની ગરજ સારે છે.

    ખરેખર પુસ્તકોનો સંગ્રહ એ રત્ન ભંડાર છે. પુસ્તકોને ક્યારેય સ્થળ કાળનું બંધન નડતું નથી. પુસ્તકની સાચી કિંમત કોઈ આપી શકતું નથી માત્ર કાગળની અને છાપવાની કિંમત જ અપાય છે.

    મહાન તત્વચિંતક ઉમર ખય્યામ કહેતા: ‘ વેરાન રણમાં, દરિયામાં, પહાડોમાં, ગુફામાં, જેલની કોટડીમાં માણસને જો એક પણ સારું પુસ્તક મળી જાય તો જાણે એને નવી દુનિયા મળી જાય છે!!’

    મોહમ્મદ માંકડે પણ લખ્યું છે કે: ‘ માણસને પુસ્તકો સાથે જો મહોબ્બત બંધાઈ જાય તો તે પુસ્તક સાથે હસે છે, પુસ્તક સાથે ઉદાસ થઈ જાય છે, પુસ્તક સાથે આનંદ પામે છે અને પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો પણ કરવા લાગે છે અને પોતાની જાતને પુસ્તક પાસે જ તે ખુલ્લી પણ કરે છે!!!’

    અંતમાં તો એટલું જ કહેવું પડે કે, ફક્ત આજને માટે જ નહીં હંમેશના માટે આપણા સૌથી સાચા અને સારા મિત્રો જો કોઈ હોય તો તે પુસ્તકો છે, પુસ્તકો છે અને પુસ્તકો જ છે.

  • Dikri Ghar Ni Divdi Essay In Gujaratri

    Dikri Ghar Ni Divdi Essay In Gujaratri

                              

                            દીકરી ઘરની દીવડી

                          

    “દિકરી” શબ્દ કાને પડતાં જ એક કરુણાસભર વ્યક્તિત્વ માનસ પટ પર ઉપસી આવે છે અને સ્નેહનો મહાસાગર ઘૂઘવતો સંભળાય છે.પોતાના વાત્સલ્યથી જિંદગીભર બંને કુટુંબોને ભીંજવતી દીકરીની ત્યાગભાવના ને શબ્દ દેહ  આપવાનું શક્ય નથી.

    “આકાશની શોભા  તારાથી હોય છે. નદીની શોભા કિનારાથી હોય છે. ફૂલોની શોભા સુગંધથી હોય છે અને ઘરની શોભા દીકરીથી હોય છે.”પરંતુ કમનસીબે આજે દીકરીને “માથા પરનો બોજ” “ પારકી થાપણ” “ સાપનો ભારો” આવી રીતે માનવામાં આવે છે. ઈશ્વરે કરેલા આ અદ્વિતીય સર્જન પ્રત્યે ભેદભાવ રાખવો તે ખરેખર ઘોર અન્યાય છે.

    દીકરાઓ તો હજુ પણ તેમના લગ્ન થયા પછી મા-બાપને તરછોડી દેતા હોય છે પણ દીકરી તો આજીવન માતા પિતા નો આશરો બનીને રહે છે.દીકરાઓ દ્વારા પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા ના દાખલા ઘણા જોવા મળે છે પણ કોઈ દીકરીએ અત્યાર સુધી આવું કર્યું હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. એટલે જ કહે છે કે દીકરો એક કુળને તારે છે તો દીકરી બે- બે  કુળને તારે છે.

    Dikri Ghar Ni Divdi Essay In Gujaratri
    Dikri Ghar Ni Divdi Essay In Gujaratri

    દિકરીના જન્મ થયા બાદ પિતા ને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે તેના હૃદય માં હમેશા છુપાયેલી રહે છે. પિતાનો ચહેરો ઓળખવામાં દીકરી  જેટલી કુશળતા ભાગ્યે જ બીજા કોઈ પાત્રોમાં હોય છે. દીકરી એ પિતાના હૃદયનો ધબકાર છે.જીવનમાં કદી ના રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જ્યારે પોતાની દીકરીને વિદાય આપે ત્યારે ચોધાર આંસુએ રડે છે. કાજલ ઓઝા વૈદ્ય ના શબ્દોમાં કહીએ તો: “બાપના શરીરની બહાર ફરતું હૃદય એટલે દીકરી.” નવો દોર નવા યુગની શાન છે દીકરી, માતા-પિતાની આન બાન અને શાન છે દીકરી.દીકરી એટલે કદી DELETE ન થતી અને સદા REFRESH રહેતી લાગણી. જીવનની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી.

    દીકરી મોટી થતાં સર્વપ્રથમ તેની ભૂમિકા બહેનથી શરૂ થાય છે પોતાની બહેન કે ભાઈ સાથે ઉછરતી વખતે તે હંમેશા અન્ય ને ખુશ રાખવા પ્રયત્નશીલ રહે છે. અભ્યાસકાળ દરમિયાન પણ પોતાના ભાઈ-બહેનને તે દરેક પ્રકારે મદદરૂપ થાય છે. “ કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી” જેવા લાગણીસભર લોકગીત ની પંક્તિઓ ભાઇ-બહેનના હેત ને આબાદ રીતે પ્રતિબિંબિત કરે છે.

    રાખડી દ્વારા પોતાના ભાઇની રક્ષા ઇચ્છતી બહેન અંતરના આશિષ આપી પોતાના ભાઇનું દીર્ઘાયુષ્ય ઈચ્છે છે.પોતાના ભાઈ-બહેન ને લાડ કરાવવા દરેક દીકરીઓ બધું જ કરી છૂટે છે જરૂર પડે ત્યારે સમાધાન કરે છે ભોગ આપે છે જતું કરે છે, ઘસાય છે અને અગરબત્તીની જેમ પોતે સળગી ને પણ સુગંધ પ્રસરાવે છે આજ દીકરી મોટી થતા માબાપ પ્રત્યે પોતાનું ઋણ અદા કરે છે.

    Dikri Ghar Ni Divdi Essay In Gujaratri
    Dikri Ghar Ni Divdi Essay In Gujaratri

    દિકરીની જિંદગીમાં ત્યાર પછીનો સૌથી મહત્વનો તબક્કો લગ્ન થયા બાદ પત્નીની ભૂમિકા અદા કરવાનો આવે છે તદ્દન અજાણ્યા કુટુંબમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જઈ પારકાને પોતાના બનાવવાની કળા સ્ત્રી માત્ર ને કુદરતી બક્ષિસ છે. આ બલિદાન તથા યોગદાન શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. માથું આદરથી ઝૂકી જાય તેવી સ્વા પર્ણ  ભાવના આ અઘરી ભૂમિકા ભજવતી વખતે પ્રત્યેક દીકરી ચરિતાર્થ કરે છે.

    પિતાની જગ્યાએ સસરા, માતા ની જગ્યાએ સાસુ, ભાઈ ની જગ્યાએ દિયર કે જેઠ  બહેન ની જગ્યાએ નણંદ આવા નવા સંબંધોનાં સમીકરણો સુલઝાવવા એ સહેલી વાત નથી. આ એક જબરજસ્ત સમર્પણ છે. એક નવા અને અજાણ્યા વાતાવરણમાં પોતાની જાતને ઓગાળી નાખવી એ કલ્પનાતીત છે.સ્ત્રી જીવનની આ સૌથી કપરી અને પડકારરૂપ ભૂમિકા નું મહત્વ ભારતીય સંસ્કૃતિના પરી પ્રેક્ષ્ય માં ઘણું વધારે છે. ડગલેને પગલે સમાધાન કરી બાંધછોડ કરવાની હોય છે, કડવા ઘૂંટડા ગળી જઈને બધાને ખુશ રાખવાના હોય છે ,સતત સામા પ્રવાહે તરવાનું હોય છે, પારકાનું પ્રેમ સંપાદન કરવો એ નાનોસૂનો પડકાર નથી. સમગ્ર અસ્તિત્વને દાવ પર લગાવવું પડે છે અને અન્યોની ઈચ્છાઓને પોતાની ઇચ્છા બનાવવી પડે છે.

    એક હસતી મલકાતી દીકરી ઘરની સજીવતા છે. જેના ચાલવામાં ઝંકાર છે. જેના અસ્તિત્વનો એક આનંદ છે જેના આગમનથી સંપૂર્ણ ઘર સુવાસિત થયું છે પરંતુ એક ઘરની દીવડી ને પ્રગટાવવાને બદલે આપણે ક્યાંક બુઝાવી તો નથી રહ્યા ને? જન્મ દેવામાં માતા જોઈએ, રાખડી બાંધવા બહેન જોઈએ, લાડ લડાવવા મામી જોઈએ, સાથ નિભાવવા પત્ની જોઈએ, વાર્તા સાંભળવા દાદીમાં જોઈએ, પણ આ બધાની પહેલા એક દીકરી તો જોઈશે ને? અને દીકરીને આપણે ક્યાંક દફનાવી તો નથી રહ્યા ને?

    સમાજમાં બધાને દીકરાઓ જોઈએ છે પણ દીકરીઓ નથી જોઈતી. એક નગ્ન સત્ય કોઈને કેમ સમજાતું નથી કે દીકરીઓ વગરના સમાજમાં દીકરાઓને પરણાવશું ક્યાં?દીકરીને સાપનો ભારો ગણતા સમાજને મારે એક વેધક પ્રશ્ન પૂછ્યો છે કે તમારા ખાનદાનનો વંશવેલો આગળ વધારવા માટે કોઈ ના ઘરનો સાપનો ભારો તમારા કુટુંબમાં પુત્રવધુ તરીકે હોંશે હોંશે લાવતી વખતે તમારા સમીકરણો કેમ બદલાઈ જાય છે? યાદ રહે જે સમાજે  દીકરા દીકરી માટે જુદા જુદા કાટલાં રાખ્યા છે તેને તેની આકરી કિંમત ચૂકવવી જ પડશે.

    અત્યારસુધી દીકરીને સાપનો ભારો કહીને વગોવી છે જો તેનું પ્રાયશ્ચિત કરવું હોય તો હવે આપણે દીકરી ને તુલસીનો ક્યારો કહેવાનું શરૂ કરવું પડશે.

    દીકરીને પારકી થાપણ માનવાની આપણી માન્યતા પણ ભૂલ ભરેલી છે કારણ કે દીકરી પારકી થયા પછી એટલે સાસરે વળાવ્યા પછી પણ પોતાના કુટુંબ સાથે પૂરેપૂરા સમર્પણ સાથે જોડાયેલી રહે છે અને દૂર હોવા છતાં પિયર ના સુખ દુઃખ ને  અનુભવી શકે છે. આજના સમયમાં કોઈ વૃદ્ધ માવતર નું મરણ થતાં પુત્ર ન હોય અને પુત્રીઓએ નનામીને કાંધ આપીને અંતિમવિધિ અને તેમના અગ્નિસંસ્કાર કર્યા હોવાના દાખલાઓ પણ જોવા મળે છે. આ રીતે દીકરીઓ માવતર પ્રત્યે પોતાનું ઋણ અદા કરતી જોવા મળે છે.

    દહેજપ્રથાના  કુરિવાજ હેઠળ દીકરી સાસરે જાય ત્યારે સાસરિયાઓ એમ પૂછે છે કે વહુ કરિયાવરમાં શું શું લાવી છે? આવો સવાલ કરનાર ને એમ કેમ નથી સમજાતું કે દીકરી વ્હાલના દરિયા જેવા મા-બાપ ઘર, પરિવાર, ગામ આ બધું છોડીને તમારા હૃદય જીતવા આવી છે. આ સત્ય જ્યારે સમાજને સમજાઈ જશે ત્યારે દીકરીના જીવનમાં સુગંધ આવી જશે.

    દીકરીનું આટલું મોટું યોગદાન હોવા છતાં આજનો નાસમજ સમાજ દીકરીને ભ્રુણ હત્યા ની ભેટે ચડાવી દે છે. આના લીધે છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા સમાજમાં ઝડપથી ઘટી રહી છે.

    ભ્રુણ હત્યા પર સરકારે સખત પગલાં લીધેલા હોવા છતાં પણ ભૃણ હત્યા નો સિલસિલો હજુ સમાપ્ત જ નથી થયો.

    આમ સમગ્ર રીતે જોતાં દીકરીઓ ઘરની આધારશિલા છે દીકરી વિના જીવનની કલ્પના કરવી પણ અસંભવ છે. આ સંદર્ભે એમ કહી શકાય કે” સૃષ્ટિનો છે એક જ પોકાર દીકરી બચાવી કરો ઉદ્ધાર”.

    Dikri Ghar Ni Divdi Essay In Gujaratri
    Dikri Ghar Ni Divdi Essay In Gujaratri

    આ નિબંધ માં તેમજ સ્પીચ માં લખી શકાય તેમ જ બોલી શકાય તેવા સુત્રો તેમજ પંક્તિઓ:

    લગ્ન પછી દીકરી ઘરની દિવાલ પર પોતાના બંને હાથ કંકુ વાળા કરી થાપા મારે છે ત્યારે ભીત પર બે લાલ ગુલાબ ખીલી ઊઠે છે. આ કેવળ હાથની છાપ નથી પણ હૃદય ની છાપ છે- ફાધરવાલેસ

    “દીકરી એટલે ચણ ખાઈને ઉડી જતી ચકલી પછી એ માળા સામું નહીં જુએ પણ એનું સુખ મનમાં મમળાવ્યા કરશે.”

    દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી

    જોઈ-ન-જોઈ ત્યાં તો વહી જતી રે વન પંખી જેવી-બોટાદ કર

    “ઈશ્વરે આપેલા હસ્તાક્ષર એટલે દીકરી”

    “બેટી બચાવો બેટી પઢાઓ

    અપની સોચ કો આગે બઢાઓ”

    “God smiled when he made daughter because he knew he had created love and happiness ever lasting”

    આ નિબંધની સાથે સાથે  વિદ્યાર્થીમિત્રો 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ વંદન  ના કાર્યક્રમમાં શાળામાં તમને ખૂબ જ ઉપયોગી થાય તેવી ખૂબ જ સુંદર સ્પીચ  અહીં આપેલી છે. આ સ્પીચ જરૂરથી તૈયાર કરજો.નીચે આપેલી લિંક પર ક્લિક્ કરો.

    પંદરમી ઓગસ્ટ નિબંધ

Eco-Friendly Impact Calculator

Eco-Friendly Impact Calculator