નારી તું નારાયણી
બ્રહ્મા નું સર્વ શ્રેષ્ઠ સર્જન એટલે નારી.
નારીનું સર્જન સર્જનહારે અનોખું અને અલૌકિક રીતે કરેલ છે.એનામાં અખૂટ શક્તિ ભરી દીધી છે તો બીજી બાજુ સ્નેહનો સાગર એની રગેરગમાં હિલોળા લે છે.
ભગવાન મનુએ મનુસ્મૃતિના ત્રીજા અધ્યાયમાં કહ્યું છે કે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:” અર્થાત જ્યાં નારીઓને સત્કારવા માં આવે છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે.પૃથ્વી પર માનવ જીવનનો આરંભ થયો ત્યારથી સ્ત્રી અને પુરૂષ અસ્તિત્વમાં આવ્યા.સતિઓ,સન્નારીઓ અને સાધ્વીઓ નો એક જ્વલંત ઇતિહાસ ભારતે વિશ્વ ને પૂરો પાડ્યો છે.વેદ ઉપનિષદ કાળમાં સ્ત્રી-પુરુષનો સમાન દરજ્જો હતો એટલું જ નહીં ગાર્ગી અને લોપામુદ્રા જેવી વિદુષિઓએ સ્ત્રી શક્તિના પ્રભાવને સોળે કળાએ ખીલવ્યો હતો.
શરીરના બંધારણ ની દ્રષ્ટિએ બળ અને બુદ્ધિમા વિશેષતા ધરાવતા પુરુષોએ સમય જતાં પુરુષપ્રધાન સમાજની સ્થાપના કરી. શરીરે નાજુક અને નમણી સ્ત્રીઓએ પુરુષના કુટુંબની સેવાનું કાર્ય પ્રેમથી ઉપાડી લીધુ. પરિણામે પુરુષ કુટુંબનો વડો અને સર્વોપરી વ્યક્તિ બની ગયો અને સ્ત્રી જાણે તેની દાસી બની ગઈ. સદીઓથી ચાલતી આ પરંપરામાં સ્ત્રી જાતિનું ખૂબ શોષણ અને અપમાન થતું રહ્યું છે પણ હવે જમાનો બદલાયો છે.
સ્ત્રીઓ ભણી-ગણીને સમાજમાં પ્રતિષ્ઠિત જગ્યાએ ગોઠવાતી જાય છે. સ્ત્રી જાતિ માં જાગૃતિ આવતાં પુરુષોના દમનનો વિરોધ કરીને કોર્ટમાં જતા પણ આજે સ્ત્રી અચકાતી નથી. આ બધું જોતાં વિચારતા પ્રશ્ન થાય છે કે પુરૂષો નારી પ્રત્યે આવા વિચારો કેમ રાખે છે? સ્ત્રીને દાસી માનવાની ભૂલ કેમ કરે છે? સ્ત્રી વિનાનો પુરુષ એટલે એકડા વિનાનું મીંડું.
ભારતીય સમાજમાં નારી નો દરજ્જો જોવા જઈએ તો કાયમ એકસરખો રહ્યો નથી. વાલ્મીકિએ સીતા જેવા પ્રેરક પાત્રોનું સર્જન કર્યું તો ત્યાગ અને સહનશીલતાની મૂર્તિ સામે લક્ષ્મણ ની પત્ની ઉર્મિલાને પણ બિરદાવી. રામાયણ-મહાભારતમાં અને પુરાણમાં સીતા, ઉર્મિલા,રાધા, યશોદા, દેવકી, દમયંતી, કુંતી, દ્રૌપદી જેવી અનેક નારીઓ તેમના ઉત્તમ ગુણોથી નારી જગતના ઈતિહાસમાં અમર બની છે.
ભૂતકાળમાં રાણી લક્ષ્મીબાઈ, જીજાબાઇ, દુર્ગાવતી, અહલ્યાબાઇ હોલ્કર જેવી વીરાંગનાઓ એ દેશને ખાતર લડીને ભારતની ગૌરવરૂપ નારીઓમાં સ્થાન મેળવ્યું છે.
“સ્ત્રી અને પુરુષ તો સંસાર રથના બે ચક્રો છે” આવી મહાન આદર્શોની વાતો કરનારા ભારત દેશમાં હજી આજે પણ એકવીસમી સદીના પ્રથમ દાયકામાં સ્ત્રીઓની દયાજનક હાલતમાં ખાસ સુધારો થયો નથી.લાખો સ્ત્રીઓ હજુ આજે પણ ઘરની ચાર દીવાલો વચ્ચે નિરક્ષરતા અને અજ્ઞાનતાના ઘોર અંધકારમાં અટવાઈને પશુવત જીવન જીવી રહી છે.
ધીમે ધીમે ભારતીય સમાજમાં સ્ત્રીઓની અવનતિ ની શરૂઆત થઈ ધીમે ધીમે એટલી હદે પહોંચી કે મધ્યયુગમાં સ્ત્રી એક વસ્તુ મનાવવા લાગી. સ્ત્રી માત્ર ઉપભોગનું સાધન બની ગઈ આ સમયમાં સ્ત્રીઓના સોદા થવા લાગ્યા લોહીનો વેપાર કરનાર ટોળકીનો ઉદય થયો. આ સમય માં નારીનું સ્થાન માત્ર રસોડામાં અને ઘરની ચાર દીવાલો વચ્ચે જ હતું. સ્ત્રીઓનું જીવન નર્કથી પણ બદતર થઈ ગયું હતું.
રાજપુતો ના સમયમાં દીકરી ને દૂધ પીતી કરવાનો રિવાજ શરૂ થયો. બીજી બાજુ બાળ લગ્નની પ્રથા અનિવાર્ય બની ગઈ એની સાથે સાથે દીકરી ને ગાય દોરે ત્યાં જાય તે કહેવત પ્રમાણે દીકરીને પોતાના જીવનસાથીની પસંદ કરવાની સ્વતંત્રતા પણ છીનવી લેવામાં આવી.
આજ કાળમાં સતી થવાના રિવાજ, બહુપત્ની પ્રથા, વિધવાવિવાહની મનાઈ વગેરે જેવા દૂષણો ઘર કરી ગયા
જોકે આવા અનેક સંઘર્ષોનો સામનો કરતી નારીઓ એ પ્રગતિ કરી છે.તેમ છતાં આજે દેશમાં નારી સલામત છે ખરી? આમ છતાં આ વીરાંગનાઓ એમ જલદીથી હારી જાય એવી નથી. તેઓ સમય આવ્યે સમાજને પોતાની નારી શક્તિનો પરચો બતાવી જાણે છે.
નારીના જીવનમાં ભગવાને સદગુણોનો સંચય કર્યો છે તે અદભુત છે. પ્રકૃતિગત સુંદરતા અને નાજુકતા તો એનામાં છે જ તે સાથે તેનામાં ધરતી જેટલી અપાર સહનશીલતા પણ છે. સ્નેહ અને સમર્પણની તે મૂર્તિ છે. માતા, બહેન, પત્ની અને પુત્રી તરીકે તે પુરુષના જીવનને સીંચે છે.ગમે તેવા દુષ્ટ પુરુષને સન્માર્ગે વાળે છે તો સાવ નાસ્તિકને આસ્તિક બનાવી શકે છે આમ નારી અનેક રૂપે અને ગુણે પુરુષને મદદરૂપ નીવડે છે.પુત્રી, પત્ની, બહેન, માતા દેરાણી-જેઠાણી, નણંદ-ભાભી ,સાસુ ,નાની જેવી અનેક ભૂમિકા જીવનના વિવિધ તબક્કે સ્ત્રીને ભજવવાની રહે છે અને આવી પડકારજનક ભૂમિકા ને સંતોષકારક ન્યાય આપવાનું આ ભગીરથ કામ ફક્ત ભારતીય નારી જ કરી શકે.
આજની સ્ત્રી ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી છે. કોર્પોરેટ જગતમાં, સરકારી કચેરીઓમાં, દવાખાનાઓમાં, વિમાનોમાં, દુકાનોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, નિર્ભયતાથી આજે સ્ત્રીઓ કામ કરી રહી છે અને રાજકારણના ક્ષેત્રમાં પણ સ્ત્રીઓએ પોતાનો પરચો બતાવી દીધો છે.
સમાજનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં નારી એ પોતાના ઓજસ ના અજવાળા પાથર્યા ના હોય રમતગમત ક્ષેત્રે સાનિયા મિર્ઝા, સાઇના નેહવાલ, મેરિકોમ તો અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ રાજકારણમાં ઈન્દિરા ગાંધી તથા સુષ્મા સ્વરાજ કલાક્ષેત્રે મલ્લિકા સારાભાઈ, વૈજયંતિમાલા સંગીત ક્ષેત્રે લતામંગેશકર થી લઈ શ્રેયા ઘોશાલ સામાજિક કાર્યક્ષેત્રે ઈલા ભટ્ટ લેખનક્ષેત્રે અરુંધતી રોય, સુધા મૂર્તિ વ્યાપાર બેન્કિંગ જેવા ક્ષેત્રોમાં પણ અરુંધતી ભટ્ટાચાર્ય, ઇન્દિરા નૂયી કે પછી રિલાયન્સના નીતા અંબાણી.માત્ર આપણા દેશમાં જ નજર કરીએ તો નારીની સફળતાઓ સમાજના તમામ ક્ષેત્રોમાં આકાશને આંબી ગઈ છે.
આજે નારી ની આ સહનશીલતાને આપણે તેની નબળાઈ ગણી લીધી છે. દીકરા-દીકરીની અસમાનતાના સંકુચિત વાડામાં આપણે દીકરીનો વિકાસ રૂંધી રહ્યા છીએ. દિકરી તુલસી ક્યારો છે ઉંબરા પરનો દિપક છે જે બંને ઘર અજવાળે છે. દહેજપ્રથા, ભૃણ હત્યા, બાળ લગ્ન જેવા કુરિવાજો એ નારીની શક્તિ ને પાંજરામાં પૂરી દીધી છે. પણ નારી પોતે જ શક્તિ છે.નારી સર્જન પણ કરી શકે છે અને વિસર્જન પણ એટલી જ આસાનીથી કરી શકે છે.
ત્યાગ, સમર્પણ, સહનશીલતા, બુદ્ધિ ,જ્ઞાન,મમતા સુંદરતા આ બધાનો સંગમ એટલે નારી. સરસ્વતી સાધના કે લક્ષ્મીની ઉપાસના એટલે નારી. સમાજ ને સંસ્કારબદ્ધ અને શિસ્તબદ્ધ કરવામાં કોઈ નો સૌથી મોટો ફાળો હોય તો તે નારી છે.
નારી કુટુંબ, સમાજ અને દેશના હિત ખાતર સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાન આપી શકે છે તો કુટુંબના, સમાજના કે દેશના હિતમાં રણચંડી પણ બની શકે છે. જીવનના સર્વ ક્ષેત્રોમાં પદાર્પણ કરી ચૂકેલી યુવા નારી પર પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર પડેલી દેખાય છે એ વાત ખરી પણ ભવિષ્યમાં તો ચોક્કસ પોતાની ઉચ્ચ સંસ્કારિતા તે જાળવી રાખશે કારણકે તેના લોહીમાં ભારતીય સંસ્કારિતા વહે છે.
ભારતીય નારી સાચા અર્થમાં નારાયણી બને. પુરુષ સમોવડી બને અને આદર્શ માતા એમાં જ આખા સમાજ અને સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ સમાયેલું છે. ભારતીય નારીની ગઈકાલ ઉજ્જવળ હતી. આ જ ભવ્ય છે અને આવતીકાલ સ્વર્ણિમ બનશે. જીવનભર આટલા બધા સંઘર્ષો વેઠતા વેઠતા અગ્નિમાં તપી અને સુવર્ણ બનેલી નારી માટે તેમજ કહેવું પડે કે “નારી તું ના હારી”. તું જ છે સૌની તારણ હારી”.
નિબંધ માં તથા સ્પીચમાં લખી શકાય તેમજ બોલી શકાય તેવા કેટલાક સૂત્રો અને પંક્તિઓ:
“દરેક નારીના હૃદયમાં દિવ્ય અગ્નિનો એક તણખો હોય છે જો સમૃદ્ધિના સૂર્યપ્રકાશમાં રહે છે અને દુઃખના ગાઢ અંધકારમાં જાગી ઉઠી બધુ ઝળહળતું કરી દે છે.”
“જેવી રીતે ઝાડના મૂળિયા પથ્થર જેવી જમીન ને તોડી અને ઉંડા ઉતરી જાય છે એમ નારી શક્તિ માં પણ આવું જ બળ રહેલું છે.”
“જગતના સર્જનહારે ચંદ્રનું બિંબ લીધું, કોમળ લતાઓ લીધી વેલમાંથી વૃક્ષ ને વળગતી પાતળી ડાળી લીધી, બાળકની નાજુકતા ને પુષ્પનો પરાગ લીધા, સૂર્યકિરણ ની ઉષ્ણતા લીધી ,અને મેઘ નું રુદન લીધું, વાયુની અસ્થિરતા લીધી, અને સસલા નો ભય લીધો, વજ્રની કઠોરતા લીધી અને મધની મીઠાશ લીધી, મોર નો ગર્વ લીધો અને શુક હૃદયની કોમળતા લીધી, વાઘની ક્રૂરતા લીધી અને અગ્નિની ઉગ્રતા લીધી હિમ ની શીતળતા, કોયલનો ટહુકાર, ચક્રવાતની પ્રેમ પરાયણતા લીધી અને આ સર્વ નો સમન્વય કરીને આ સૃષ્ટિના સર્જનહારે આ જગતમાં સ્ત્રી નું સર્જન કર્યું.”
Good essay.
Very useful essay…thanks