પાઠ – 11 ગ્રાહક સુરક્ષા

0
1441

 

પ્રસ્તાવના (Introduction):- 

 

 મુક્ત અર્થતંત્રમાં ગ્રાહક એ બજારનો રાજા છે. એવું પ્રસ્થાપિત થયું છે. અગાઉના અભિગમ ‘ખરીદનારે સાવધાન રહેવું’ એ હવે બદલાઈ ને ‘વેચનારે સાવધાન રહેવું ’

એમ થઈ રહ્યો છે. સતત વધતી હરીફાઈ અને કુલ વેચાણમાં પોતાનો ભાગ વધારવા માટે વસ્તુ અને સેવાના ઉત્પાદકો અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાનો ઉપયોગ કરતાં જણાય છે. આવી પ્રથાના કારણે ગ્રાહક છેતરપીંડીનો અનુભવ કરી રહ્યું છે.

વસ્તુ કે સેવા ખામીયુક્ત હોવાથી અસલામતી, ભેળસેળ હોવાના કારણે આરોગ્ય સાથે ચેડા, ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોને કારણે છેતરપિંડી, બનાવટી વસ્તુઓના વેચાણ દ્વારા અથવા સંગ્રહખોરી કરીને અથવા વસ્તુનું કાળાબજાર કરીને ગ્રાહકો પાસેથી વાજબી કિંમત કરતા વધુ કિંમત લેવામાં આવે છે.

આમ, ગ્રાહકોને વેપારીઓ દ્વારા અપનાવવામાં આવતી વિવિધ અનૈતિક નીતિઓ સામે રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે.

સૂત્રો:

  • “ગ્રાહક વાદ ની ચળવળ એ મોહક છે અને તે આપણા જીવનની રોજિંદી પ્રવૃત્તિઓ માં અનિવાર્ય છે”.

  •  “ભારતની સુપ્રીમ કોર્ટ અનુસાર ગ્રાહક સુરક્ષા કાયદો 1986 એ ગ્રાહકો અને ઉપભોક્તાઓ માટે સામાજિક આર્થિક સુરક્ષા ના ઇતિહાસમાં માર્ગ સ્તંભ સમાન છે”.

  • “આપણી પાસે સૈનિકોનાં સ્મારકો છે શહીદો ના પૂતળા છે આઝાદીના લડવૈયાઓની શક્તિઓ છે પરંતુ કોઈપણ દેશમાં ત્રાસનો ભોગ બનેલ ગરીબ અને લાચાર ગ્રાહકનું એક પણ સ્મારક નથી”.

 

ગ્રાહક સુરક્ષા નો અર્થ , ખ્યાલ અને મહત્વ (Meaning, Concept and Importance of Consumer):

અર્થ (Meaning) : 

ગ્રાહક સુરક્ષા એટલે વેચાણકારો અને ઉત્પાદકોની અનૈતિક , શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાઓની સામે રક્ષણ પૂરું પાડવું.

ખ્યાલ (Concept) : 

ગ્રાહકો સાથે છેતરપિંડી થવાના કારણો પૈકી મહત્ત્વનું કારણ એ છે કે છેતરાયા પછી ગ્રાહક સંગઠિત અને જાગૃત નથી અથવા કાયદાકીય પગલા ભરી શકાય તેની માહિતી તેમની પાસે હોતી નથી.

ગ્રાહક શોષણ વિશે સમજૂતિ આપો

ગ્રાહકના થતા શોષણને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય.

(1) શારીરિક અને માનસિક શોષણહલકી ગુણવત્તાવાળી વસ્તુ કે બનાવટી વસ્તુના વેચાણના કારણે ગ્રાહકો હતાશા કે ગુસ્સાની લાગણી અનુભવે છે. વસ્તુના ઉત્પાદનમાં વપરાતા અયોગ્ય પદાર્થોને કારણે શારીરિક નુકસાન પણ થઈ શકે છે.

(2) આર્થિક શોષણસંગ્રહખોરી કે કાળાબજાર દ્વારા અથવા વસ્તું કે સેવાની છાપેલી વેચાણ કિંમત કરતાં વધુ કિંમત વસુલ કરીને કરવામાં આવતા વેચાણના કારણે ગ્રાહકને આર્થિક નુકસાન થાય છે.

(3) જાહેર હિતોને નુકસાન : ઘણી બધી પેદાશોનું ઉત્પાદન કરતી વખતે તેમાં કેટલાક વપરાતા પદાર્થોને કારણે પર્યાવરણ દૂષિત થાય છે. આમ, પર્યાવરણને નુકસાન દ્વારા જાહેર હિતોને નુકસાન થાય છે.

ગ્રાહકનો અર્થ (Meaning of Consumer) :

ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહક એટલે ‘‘એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે છે

ખરીદનારની પરવાનગીથી તે વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થાય છે પરંતુ પુન:વેચાણ માટે કે વ્યાપારી હેતુ ખરીદનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થતો નથી.”

ગ્રાહક સુરક્ષાનુ મહત્ત્વ:   ( Importance of Consumer Protection) : 

ગ્રાહક સુરક્ષા કાર્યસૂચિ વિસ્તૃત છે. કાર્ય માત્ર ગ્રાહકોને તેના હક્કો અને જવાબદારી માટે જાગૃત કરવાનું નથી પરંતુ તેમની સાચી ફરિયાદોનું યોગ્ય નિરાકરણ આવે તે પણ છે. 

ગ્રાહક સુરક્ષાના કાર્યમાં ધંધાકીય એકમો પણ તેનું મહત્ત્વ સમજીને જોડાઈ રહ્યાં છે. ધંધાકીય એકમો પણ ગ્રાહકોને મહત્તમ સંતોષ આપી શકાય અને ગ્રાહકોને છેતરપીંડી સામે રક્ષણ આપી શકાય તે માટે નિષ્ઠાવાન પ્રયત્નો કરતા જોવા મળે છે.

ધંધાના દષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનુ મહત્વ સમજાવો .

(1) સમાજના સાધન-સંપત્તિનો ઉપયોગ:

કોઈપણ  ધંધો તેની શરૂઆત અને વિકાસ માટે સમાજના સાધન  સંપત્તિનો ઉપયોગ કરે છે ત્યારે ધંધાની જવાબદારી  બને છે સમાજને એવી પેદાશો કે સેવા આપવી જોઇએ કે જે સમાજને ઉપયોગી બને અને સમાજના સાધન-સંપત્તિમાં સુખાકારીમાં વધારો કરનારા બને.

(2) સામાજિક જવાબદારી:

ધંધામાં હિત ધરાવતા વિવિધ જૂથો પ્રત્યે ધંધો સામાજિક જવાબદારી ધરાવે છે તે સાબિત થઈ ચૂક્યું છે. ધંધામાં આવક વેચાણ દ્વારા થાય છે; અને વેચાણ ગ્રાહકોને થાય છે. આમ ગ્રાહકો પણ ધંધામાં હિત ધરાવતા જૂથો પૈકીનું એક મહત્ત્વનું જૂથ છે. 

(3) સમાજનો એક ભાગ :

કોઈપણ ધંધો એ સમાજનો ભાગ છે. દરેક વેપારી અન્ય આર્થિક વ્યવહારમાં બીજા વેપારીનો ગ્રાહક બને છે. દરેક ધંધાએ પોતાના ધંધા પર ગ્રાહકોનો વિશ્વાસ વધતો રહે તેવી નીતિ અપનાવવી જોઈએ અને ગ્રાહક શોષણથી દૂર રહેવું જોઈએ.

(4) સમાજ પર પ્રભાવ :

ધંધાનો સમાજ પર પ્રભાવ હોય છે. જાહેરાત દ્વારા સમાજના લોકોની ટેવો, આદતો, રહેણીકરણી, વિચારધારા, ખાણીપીણીની બાબતો, કપડાં પહેરવાની રીત વગેરે ઉપર અસર ઊભી થાય છે. આ જ કારણથી સમાજના હિતો માટે ધંધાની નીતિ યોગ્ય રાખવી તેવી નૈતિક જવાબદારી પૂરવાર થાય છે.

(5) ગ્રાહકોના રક્ષણમાં ધંધાનું હિત :

ધંધાકીય એકમો ગ્રાહકના હિતોના રક્ષણને પોતાના ધંધાકીય હિતોને પાર પાડવા માટે આવશ્યક ગણતા થયા છે. સ્પર્ધાત્મક બજારની મૂળભૂત શરત એ છે કે ધંધાએ  ગ્રાહકો સુધી પહોંચવું, તેમની ઈચ્છા કે જરૂરિયાતને જાણી તે અનુસાર ઉત્પાદન કરવું.

(6)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા :

ગાંધીજી ના વાલીપણા (Trusteeship)ના સિદ્ધાંત મુજબ જેને જે સંપત્તિ આપી છે તેનો ઉપયોગ તેમણે સમાજની વ્યક્તિઓ માટે કરવો જોઈએ.

ગ્રાહકો માટે ગાંધીજી કહે છે કે “ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. એ આપણો (ધંધાર્થીઓ) પર આધારિત નથી,પરંતુ આપણે તેના પર આધારિત છીએ, એ આપણા કાર્યમાં દાખલ કરતો નથી પરંતુ એ આપણા કાર્યનો હેતુ છે.

એ આપણા ધંધાની બહારનો માણસ નથી પરંતુ એ ધંધાનો ભાગ જ છે. આપણે તેને જોઈતી વસ્તુ આપીને ત૨ફેણ નથી કરતા પરંતુ તે આપણને તેમ કરવાની તક આપીને આપણી તરફેણ કરે છે.”

ગ્રાહક સુરક્ષા નુ મહત્વ: GR (ગ્રાહક)

(અતિ સરળ અને ટૂંકમાં)

સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ સામાજિક સમાજનો એક ભાગ છે સમાજ પર ગ્રાહકોના રક્ષણમાં trusteeship નો સિદ્ધાંત G.R. નુ મહત્વ છે.

Short: સમા સંપતિ સામા જવા સમા ભાગ સમા પર પ્રભા ગ્રાહકો ટ્રસ્ટી  G.R. નું મહત્વ છે.


ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો

(1) ગ્રાહકોનુ વ્યાપક શોષણ ; 

ધંધાકીય એકમો અસુરક્ષિત પેદાશો, ભેળસેળ, ખોટી અને ગેરમાર્ગે દોરે તેવી જાહેરખબરો, કાળાબજાર, સંગ્રહખોરી જેવી અનૈતિક અને શોષણયુક્ત નીતિઓ દ્વારા ગ્રાહકોનું શોષણ કરી વધુ નફો મેળવવા માટે પ્રયત્ન કરતા જોવા મળે છે. ધંધાકીય એકમની આવી ખોટી અને ગેરવાજબી નીતિની સામે ગ્રાહકોને સુરક્ષા આપવી અત્યંત જરૂરી બને છે


(2) ગ્રાહકોને માહિતીનો અભાવ : 

ગ્રાહકોને પોતાના હક્ક અને કાયદા દ્વારા મળતી રાહતો વિશે જાણકારી નથી અથવા જાણે છે પરંતુ આવા પગલાં ભરતા અચકાય છે કારણ કે તેઓ આ અંગેની કાયદાકીય પ્રક્રિયા વિશે પૂરતી માહિતી ધરાવતા નથી અથવા ખોટી માહિતી ધરાવે છે.

ગ્રાહકોને પોતાના હક્કો અંગે જાગૃત કરવા અત્યંત જરૂરી છે

(3) બિન-સંગઠિત ગ્રાહકો : 

એક વ્યક્તિ તરીકે ગ્રાહક નબળો પૂરવાર થઈ શકે પરંતુ ઘણા બધા ગ્રાહકો સંગઠિત થઈને પોતાના ગ્રાહક સુરક્ષા એકમ દ્વારા પોતાના હિતનું રક્ષણ ખૂબ સારી રીતે કરી શકે છે. ભારતમાં પણ આવી ગ્રાહક સુરક્ષા માટેની સંસ્થા કાર્ય કરતી થઈ છે. 


ગ્રાહક સુરક્ષા કાયદો-1986 –

ગ્રાહક સુરક્ષા માટે લેવાયેલા વિવિધ પગલાઓમાં ગ્રાહક સુરક્ષા કાયદો એ સૌથી વધુ મહત્વ ધરાવતું પગલું છે. આ કાયદાનો મુખ્ય હેતુ ગ્રાહકોના હિતોને સુરક્ષિત બનાવી તેમના અધિકારોનું રક્ષણ કરવાનો છે.

ગ્રાહક સુરક્ષાનો અર્થ 

વેપારીઓ અને ઉત્પાદકો દ્વારા મહત્તમ નફો મેળવવાની લાલચમાં વિવિધ તરકીબ અજમાવીને જે શોષણ કરવામાં આવે છે તેના વિરોધમાં વિવિધ પગલા દ્વારા ગ્રાહકોના હિતને જાળવવાના કાર્યને ગ્રાહક સુરક્ષા કહે છે.

ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકના અધિકારો 

 ગ્રાહકના અધિકારો : 

દરેક ગ્રાહકને યોગ્ય અધિકાર મળવા જોઈએ કે જેથી તેનું શોષણ સામે રક્ષણ કરી શકાય. ગ્રાહક સુરક્ષા ધારામાં પણ ગ્રાહકોને કુલ 6 અધિકારો આપવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષાના કાયદા હેઠળ નિમાયેલા ગ્રાહક ફોરમ ગ્રાહકોના અધિકારોને પ્રોત્સાહન પૂરું પાડે છે અને રક્ષણ પણ આપે છે.

(1) સુરક્ષા  : 

ગ્રાહક સુરક્ષાનો અધિકાર એટલે ગ્રાહક આરોગ્યને જોખમકારક હોય તેવી ચીજવસ્તુ કે સેવા સામે .દા. ત. હલકી ગુણવત્તાવાળા વીજળી ઉપકરણો ગંભીર ઇજા પહોંચાડી શકે છે. તેથી આવા  ઉપકરણો વાપરવા જોઈએ નહી. પ્રમાણિત કરેલા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો વાપરવા જોઈએ જેથી ગ્રાહકની સુરક્ષા સચવાય.

(2) જાણકારી  : ગ્રાહક જે વસ્તુ કે સેવા ખરીદવા માંગતો હોય તેની બધી જ માહિતી ગ્રાહકને મળવી જોઈએ જેવી કે તેના ઘટકો, ઉત્પાદનની તારીખ, ઉપયોગ કરવાની રીત, કિંમત, જથ્થો, શુદ્ધતા, ગુણવત્તા વગેરે.


(3) પસંદગી  : દરેક ગ્રાહકને પસંદગીનો અધિકાર છે એટલે વિવિધ વસ્તુઓ કે સેવામાંથી પસંદગી કરીને હરીફાઈયુક્ત કિમતે ખરીદવાની સ્વતંત્રતા છે. ગ્રાહકને તેની પસંદગીની વસ્તુઓ કે સેવા યોગ્ય કિમતે, યોગ્ય જથ્થામાં, યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે મળવી જોઈએ. 

દા. ત., દ્વિચક્રી વાહનોની શ્રેણીમાં વિશાળ પસંદગી ગ્રાહકોને મળે છે અને આ પૈકી મોટરસાયકલ ખરીદવી હોય તો એન્જિનનો પાવર, દેખાવ, રંગ વિગેરે દ્વારા પસંદગીનો અવકાશ મળે છે.


(4) રજૂઆત :  જો ગ્રાહકોને વસ્તું કે સેવાના વપરાશથી અસંતોષ જણાય તો તે માટે ફરિયાદ કરવાનો અધિકાર છે. આ અધિકારના કારણે ઘણાં બધાં ધંધાકીય એકમોએ પોતે જ પોતાના ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ખાસ વિભાગ સ્થાપ્યો છે. 


(5) નિવારણ  : 

જો વસ્તુ કે સેવા ગ્રાહકને આપવામાં આવેલી ખાત્રી કરતાં ઉતરતી કક્ષાની હોય તો ગ્રાહકોને તે માટે યોગ્ય રાહત મળવી જોઈએ. ગ્રાહક સુરક્ષા ધારામાં ગ્રાહકોને ઘણી બધી રાહતો મળી શકે છે. જેવી કે વસ્તુની કે સેવા પુનઃ બદલી, વસ્તુ કે  સેવાની ખામી દૂર કરવી, ગ્રાહકોને જો કોઈ હાનિ કે નુકસાન થયું હોય તો તે માટે વળતર વગેરે. 


(6) ગ્રાહક શિક્ષણ  :

ગ્રાહકને યોગ્ય જથ્થામાં, યોગ્ય ગુણવત્તાવાળી, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે અને વાજબી કિંમતે વસ્તુ મળે તેમજ આ બધી બાબતોની ખાતરી કરી શકે તે માટે જરૂરી યોગ્ય શિક્ષણ મેળવવાનો તેનો અધિકાર છે.

ઘણા બધા ધંધાકીય એકમો અને ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલી સંસ્થાઓ, ગ્રાહકોને તેમના અધિકારોનું શિક્ષણ આપવા માટે સક્રિય ભાગ ભજવે છે.

આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘે બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર ગ્રાહકોને બે વધારાના અધિકાર મળે તેવી ત૨ફેણ કરી છે. (i) પ્રાથમિક જરૂરિયાતો (ii) આરોગ્યપ્રદ વાતાવરણ.

ગ્રાહકોના અધિકારો: GR (ગ્રાહક) ADH (અધિકાર):

(અતિ સરળ અને ટૂંકમાં) 

દરેક ગ્રાહકે પોતાની સુરક્ષાની જાણકારી રાખવી તેમજ પસંદગી અને રજૂઆત કરીને નિવારણ ગ્રાહક સુરક્ષા દ્વારા કરવું. GR ના ADH છે.

Short: સુર જાણ પસંદ રજુ નિવા ગ્રાશિ GR ના ADH છે.

ગ્રાહકની જવાબદારીઓ સમજાવો

ગ્રાહકે  અધિકારો ભોગવતા પોતાની જવાબદારી અચૂકપણે નિભાવવી પડે છે. દરેક ગ્રાહકે વસ્તુ કે સેવાની ખરીદી વ૫રાશ અને વપરાશ બાદની તેની જવાબદારીઓ પ્રત્યે સભાન હોવું જરૂરી છે.

(1) અધિકારોનો સભાનપણે ઉપયોગ :

ગ્રાહકને ઘણા બધા અધિકારો કાયદા દ્વારા આપવામાં આવ્યા છે અને બધા અધિકારોનો ઉપયોગ માટે પૂરતી જાણકારી હોવી અત્યંત જરૂરી છે.

(2) ખોટી જાહેરાતોથી સાવધાન : 

ઘણી વખત ઉત્પાદકો કે વિતરકો વસ્તુ કે સેવાના વધુ વેચાણ માટે જાહેરાતમાં ખોટા દાવા કરે છે અથવા ખોટી એને ગેરમાર્ગે દોરતી માહિતી ગ્રાહકોને આપે છે. દા. ત., અમુક  ઉત્પાદનોનું સેવન કરવાથી ગ્રાહકની ઊંચાઈમાં વધારો થશે કે અમુક પ્રકારના પીણાં પીવાથી શરીરમાં તાત્કાલિક શક્તિનો સંચાર થશે વગેરે.

ગ્રાહકે ખરીદીનો નિર્ણય કરતી વખતે આવી ગેરમાર્ગે દોરનારી જાહેરાતોને અવગણવી જોઈએ અને અન્ય ઉત્પાદકોની વસ્તુઓ કે સેવાની સરખામણી કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

(3) ખરીદી વખતે સાવધાની :

‘ખરીદનારે સાવધાન રહેવું’ એ સૂત્રને પણ યાદ રાખવું પડે. ખરીદી વખતે ગ્રાહકે વેચાણકર્તા કે ઉત્પાદકના ખોટા પ્રલોભનથી દોરવાઈને ખરીદી કરવી જોઈએ નહીં. ગ્રાહકે વસ્તુ કે સેવાની ખરીદી સમયે યોગ્ય અને જરૂરી માહિતીનો આગ્રહ રાખવો જોઈએ.

જેવી કે ઉત્પાદકનું નામ અને સરનામું, ગુણવત્તા, જથ્થો, ઉપયોગ માટેની રીત, ઉપયોગ માટેની છેલ્લી તારીખ, ઉત્પાદનના ઘટકો, ઉત્પાદનની તારીખ, વજન, ગેરંટી અથવા વોરંટીનો સમયગાળો તથા તેની શરતો વગેરે.


(4) બિલ માટે આગ્રહ :

જ્યારે ગ્રાહક કોઇપણ વસ્તું કે સેવા ખરીદે ત્યારે તો વેચાણકર્તા પાસેથી યોગ્ય બિલ મેળવી લેવું જોઈએ, ખરીદેલી વસ્તુ કે સેવા જો નુકસાનવાળી કે આપેલા વચનથી ઉતરતી કક્ષાની હોય કે ગ્રાહકના અધિકારોનો ભંગ કરતી હોય અને તે માટે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરવી હોય તો ખરીદીના પુરાવા તરીકે  બિલ રજૂ કરવું ફરજીયાત છે. દરેક વેચાણકર્તા વેચાણ સમયે ખરીદનારને બિલ આપવા માટે કાયદાથી બંધાયેલા છે.


(5) ગુણવત્તા માટે વિશેષ આગ્રહ : 

ઉતરતી કક્ષાની વસ્તુઓ કે સેવાઓ, ભેળસેળની સમસ્યા, બનાવટી વસ્તુની સમસ્યા વગેરેનો કાયમી ઉકેલ એટલે ગ્રાહકનો ગુણવત્તા માટેનો વિશેષ આગ્રહ. વસ્તુ કે સેવાની ખરીદી વખતે ગુણવત્તાનું પ્રમાણપત્ર કે ચોક્કસ ગુણવત્તાની ખાત્રી આપતા પ્રમાણિત ચિહ્ન છે કે નહીં તેની ખાત્રી કરવી જોઇએ.

(6) સાચી ફરીયાદની નોંધણી : 

વસ્તુ કે સેવાની ખરીદી બાદ ગ્રાહકોના અધિકારો પૈકી કોઈ હક કે હકોનો ભંગ થયો હોય તો ગ્રાહકે ફરિયાદની નોંધણી યોગ્ય કક્ષાના તંત્ર સમક્ષ કરવી જોઈએ.

ઘણી વખત ગ્રાહક નાની બાબતો માટે વેચાણકર્તા સામે ફરિયાદ ન કરવાનું વલણ દાખવે છે જે વાજબી નથી. ગ્રાહકના આવા વર્તનને કારણે વેચાણકર્તા શોષણની પ્રવૃત્તિ ચાલુ રાખે છે. તે સાથે ગ્રાહકો તેમને કાયદા દ્વારા મળેલા અધિકારોનો દુરુપયોગ કરીને તેમને થયેલા ઓછા નુકસાન માટે ખૂબ મોટી રકમના વળતરની ફરિયાદ નોંધાવી તે પણ યોગ્ય નથી.


(7) ગ્રાહકવાદનો ફેલાવો :

ગ્રાહકોની સંગઠિત ચળવળ એટલે ગ્રાહકવાદ.દરેક ગ્રાહકે સુરક્ષા સમિતિની સ્થાપના અને સંચાલનમાં સક્રિય ભાગ લેવો જોઈએ અને ગ્રાહકોમાં અધિકારોની જાગૃતિ લાવવા; હિતોની જાળવણી કરવા અને જરૂરી જ્ઞાન તેમને મળે તેવી વ્યવસ્થામાં ભાગીદાર બનવું જોઈએ.


(8) પર્યાવરણનું જતન :

દરેક ગ્રાહકે પર્યાવરણ જાળવણીનું મહત્વનું કાર્ય કરવું જોઈએ. વસ્તુના ઉપયોગ પછી તેના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ અને ગંદકી ન ફેલાવવી જોઈએ, તે તેની પ્રાથમિક જવાબદારી છે.


(9) નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવું નહીં : 

જયારે ગ્રાહક વસ્તુ કે સેવાની ખરીદી કરે ત્યારે તેણે કાયદાકીય બાબતોનો આગ્રહ રાખવો જોઈએ, કાળાબજાર, સંગ્રહખોરી વગેરેને ઉત્તેજન આપે તેવી કોઈ પણ પ્રવૃત્તિમાં  જોડાવું જોઈએ નહિ.

આમ, આ બધી જવાબદારીઓ ગ્રાહક નિભાવે તે ગ્રાહકોના અધિકારો ભોગવવા માટેની પ્રથમ શરત છે.

 ગ્રાહકોની જવાબદારી: (અતિ સરળ અને ટૂંકમાં)

અધિકારોનો સભાન ઉપયોગ ખોટી AD થી અને ખરીદી વખતે સાવધાની બિલ અને ગુણવત્તા માટે આગ્રહ સાચી ફરિયાદ ગ્રાહક વાદ પર્યાવરણનું નીતિમતા GR ની જવાબદારી છે.

Short: અધિકારો ખોટી ખરીદી બિલ ગુણવત્તા સાથે ગ્રાહક કર્યા નીતિ જીઆર ની જવાબદારી.

ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ સંસ્થાઓ :

ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ત્રિસ્તરીય તંત્રની રચના કરવામાં આવી છે. આ ત્રણ સ્તર એટલે જિલ્લા  કક્ષાનું સ્તર, રાજ્ય કક્ષાનુ સ્તર અને રાષ્ટ્રીય કક્ષાનું સ્તર.ગ્રાહક એટલે સામાન્ય પરિભાષામાં એવી વ્યક્તિ કે જે વસ્તુનો ઉપયોગ કે વપરાશ કરે છે અથવા સેવા મેળવે છે.

જિલ્લા કક્ષાનું ફોરમ  : 

  • આ પ્રાથમિક સ્તર છે. દેશના દરેક જિલ્લામાં આ ફોરમની  સ્થાપના જે તે રાજ્ય સરકાર કરે છે. પ્રમુખની સાથે અન્ય બે વ્યક્તિ એમ ઓછામાં ઓછી કુલ ત્રણ વ્યક્તિની નિમણુંક રાજય સરકાર દ્વારા થાય છે.
  • પ્રમુખ તરીકે ન્યાયતંત્ર અનુભવી વ્યક્તિની નિમણૂંક થાય છે. આ રીતે નિમણૂંક પામતી વ્યક્તિઓમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા હોય છે.
  • જે વસ્તુ કે સેવાને માટે તકરાર છે તેની કિંમત અને માગેલ વળતરની રકમ  20 લાખ સુધીની હોય તો તેનો નિકાલ જિલ્લા કક્ષાએ થાય છે. 
  • ફરિયાદ મળ્યા પછી જિલ્લા ફોરમ આ ફરિયાદ જે વ્યક્તિ કે પક્ષકાર સામે થઈ છે તેને મોકલે છે.
  • જરૂરિયાત જણાય તો જિલ્લા ફોરમ વસ્તુ કે તેના નમૂના પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલે છે.
  • જિલ્લા ફોરમ બંને પક્ષકારોને સાંભળીને, જરૂરિયાત મુજબ પ્રયોગશાળાના પરીક્ષણ અહેવાલને ધ્યાનમાં રાખીને તકરાર નિવારણ કરે છે.
  • જો જિલ્લા ફોરમના હુકમથી કોઈપણ પક્ષકારને સંતોષ ન થાય તો હુકમ થયાથી 30 દિવસમાં ફરિયાદ પુનઃ વિચારણા માટે રાજય કક્ષાના સ્તરમાં લઈ જઈ શકે છે.

 રાજ્ય કક્ષાનું આયોગ  :

  • દેશના દરેક રાજ્યમાં આ આયોગની સ્થાપના કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
  • પ્રમુખ સાથે અન્ય બે વ્યક્તિઓ, એમ ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિની નિમણુંક આ આયોગમાં થાય છે.
  • પ્રમુખ તરીકે ન્યાયતંત્રની અનુભવી વ્યક્તિની નિમણૂંક થાય છે, આ રીતે નિમણૂક પામતી વ્યક્તિઓમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા હોય છે.
  • જે વસ્તુ કે સેવાના માટે તકરાર છે તેની કિંમત અને માંગેલ વળતરની રકમ રૂપિયા વીસ લાખ થી વધુ પરંતુ એક કરોડ સુધી હોય તો તેનો નિકાલ રાજય કક્ષાના આયોગ દ્વારા થાય છે.
  • જીલ્લા ફોરમમાં થયેલા હુકમ સામે કોઈ પક્ષકારને  વાંધો હોય તો તેવા દાવા પણ રાજ્ય કક્ષાના આયોગ સમક્ષ થઈ શકે છે.
  • ફરિયાદ મળ્યા પછી રાજ્ય કક્ષાનું આયોગ આ ફરિયાદ જે વ્યક્તિ  કે પક્ષકાર સામે થઈ છે તેને મોકલે છે.
  • રાજય કક્ષાના આયોગ બન્ને પક્ષકારોને સાંભળીને, જરૂરિયાત મુજબ પ્રયોગશાળાના પરીક્ષણ અહેવાલને ધ્યાનમાં રાખીને તકરાર નિવારણ કરે છે.

જો રાજ્ય કક્ષાના આયોગના હુકમથી કોઇ પણ પક્ષકારને સંતોષ ન થાય તો તે ફરીયાદ હુકમ થયાના 30 દિવસની અંદર પુન: વિચારણા માટે રાષ્ટ્રીય કક્ષાના આયોગ સમક્ષ કરી શકે છે.


રાષ્ટ્રીય કક્ષાનું આયોગ  : 

  • આ આયોગની સ્થાપના કરવાની જવાબદારી  કેન્દ્ર સરકારની છે.
  • પ્રમુખની સાથે અન્ય ઓછામાં ઓછી ચાર વ્યક્તિતઓ, એમ ઓછામાં ઓછી પાંચ વ્યક્તિની નિમણુંક થાય છે.
  • પ્રમુખ તરીકે સુપ્રીમ કોર્ટના પ્રવર્તમાન અથવા નિવૃત્ત ન્યાયમૂર્તિની નિમણુક થાય છે.
  • આ ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ પૈકી ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા હોય છે.
  • જે વસ્તુ કે સેવાના માટે તકરાર છે તેની કિંમત અને માગેલ વળતરની રકમ રૂપિયા એક કરોડથી વધતી હોય તો જ તેનો નિકાલ રાષ્ટ્રીય કક્ષાના આયોગ દ્વારા થાય છે. 
  • રાજ્યકક્ષાના આયોગે કરેલા હુકમ સામે કોઈ પક્ષકારને વાંધો હોય તો તેવા દાવા પણ રાષ્ટ્રીય કક્ષાનો આયોગ સમક્ષ થઈ શકે છે.
  • ફરિયાદ મળ્યા પછી રાષ્ટ્રીય કક્ષાનું આયોગ આ ફરિયાદ જે  વ્યક્તિ કે પક્ષકાર સામે થઈ છે તેને મોકલે છે.
  • રાષ્ટ્રીય કક્ષાનું આયોગ જેણે ફરિયાદ કરી છે તેને, જેની સામે  ફરિયાદ થઈ છે તે પક્ષકારને સાંભળીને, જરૂરિયાત મુજબ પ્રયોગશાળાના પરીક્ષણ અહેવાલને ધ્યાનમાં રાખીને તકરાર નિવારણ કરે છે.
  • રાષ્ટ્રીય કક્ષાના આયોગ દ્વારા આપેલા હુકમથી કોઈપણ પક્ષકારને સંતોષ ન હોય તો તે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ પુનઃવિચારણા માટે દાખલ કરી શકે છે.

આનો સીધો અર્થ એવો થયો કે જિલ્લા ફોરમના હુકમથી કોઈ પક્ષકારને અસંતોષ હોય તો રાજ્ય કક્ષાના આયોગ સમક્ષ જઈ શકાય, રાજ્ય કક્ષાના આયોગના હુકમ સામે અસંતોષ હોય તો રાષ્ટ્રીય કક્ષાના આયોગ સમક્ષ જઈ શકાય અને રાષ્ટ્રીય કક્ષાના આયોગના હુકમ સામે અસંતોષ હોય તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય.

ગ્રાહક સુરક્ષા માટે ત્રિસ્તરીય તકરાર નિવારણ વ્યવસ્થા: (અતિ સરળ અને ટૂંકમાં)

જિલ્લા કક્ષાનું ફોરમ: રાજ્ય સરકાર

  • પ્રમુખની સાથે ત્રણ વ્યક્તિઓ
  •  ન્યાયતંત્રની અનુભવી વ્યક્તિ
  •  ઓછામાં ઓછી એક મહિલા
  •  વળતરની રકમ લાખ સુધી 
  • ફરિયાદ જિલ્લા ફોરમમાં  જે વ્યક્તિ સામે થઈ હોય તેને મોકલે.
  • જિલ્લા ફોરમ પ્રયોગશાળાના પરીક્ષણને ધ્યાનમાં લઇ તકરાર નિવારણ કરે
  •  પક્ષકારને સંતોષ ન થાય તો ૩૦ દિવસમાં પુનઃવિચાર માટે રાજ્ય કક્ષાએ જાય.

રાજ્યકક્ષા આયોગ -રાજ્ય સરકાર

  • પ્રમુખ સાથે બે વ્યક્તિ જેમાં  ન્યાયતંત્રની અનુભવી 
  • ઓછામાં ઓછી એક મહિલા
  • વળતરની રકમ ૨૦ લાખથી એક કરોડ 
  • જિલ્લા ફોરમ સામે વાંધો હોય તેવા દાવા અહીં રજુ થાય 
  • ફરિયાદ રાજ્ય ફોરમ માં જે વ્યક્તિ સામે થઈ હોય તેને મોકલે 
  • રાજ્ય ફોરમ પ્રયોગશાળાના પરીક્ષણને ધ્યાનમાં લઇ તકરાર નિવારણ કરે.
  •  પક્ષકારને સંતોષ ન થાય તો ૩૦ દિવસમાં રાષ્ટ્રકક્ષાએ.

રાષ્ટ્રીય કક્ષા આયોગ-  કેન્દ્ર સરકારની જવાબદારી.

  • પ્રમુખ સાથે ચાર વ્યક્તિઓ કુલ પાંચ ઓછામાં ઓછી એક મહિલા
  • પ્રમુખ તરીકે સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા નિવૃત્ત ન્યાયમૂર્તિ
  • વળતરની રકમ એક કરોડથી વધુ. 
  • રાજ્યકક્ષાના આયોગ સામે વાંધો હોય તો એવા દાવા આ કક્ષા પાસે થાય.
  • ફરિયાદ જે વ્યક્તિ સામે થઈ હોય તેને મોકલે છે.
  • રાષ્ટ્રીય કક્ષા આયોગ પ્રયોગશાળાના પરીક્ષણ અહેવાલ ને ધ્યાનમાં લઈને તકરાર નિવારણ કરે છે.

જો સંતોષ ન થાય તો સુપ્રીમ કોર્ટમાં પુનઃ વિચારણા  માટે જઈ શકાય.

ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકને મળવાપાત્ર રાહતો:-

જો ગ્રાહક અદાલત ફરિયાદ સ્વીકારે તો ફરિયાદીની તરફેણમાં નીચે દર્શાવેલી રોહતો પૈકી એક અથવા એક કરતાં વધુનો લાભ આપી શકે છે 

(1) વસ્તુમાં કે સેવામાં રહેલી ખામીને દૂર કરવા હુકમ કરી શકે છે.

(2) વસ્તુ કે સેવા માટે ચૂકવાયેલી રકમ પરત કરવા આદેશ કરી શકે છે.

(3) ખામીયુક્ત વસ્તુને ખામીરહિત નવી વસ્તુથી બદલાવી શકે છે.

(4) સામેના પક્ષની બેદરકારીન કારણે ગ્રાહકને થયેલ નુકસાન કે ઇજા માટે વાજબી વળતર અપાવી શકે છે.

(5) યોગ્ય સંજોગોમાં શિક્ષાત્મક નુકસાની ચૂકવવા ફરજ પાડી શકે છે.

(6) અયોગ્ય અને પ્રતિબંધક વેપાર નીતિ થતી હોય તો તે બંધ કરાવી શકે અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તનનું ન કરવાનો હુકમ કરી શકે છે.

(7) જોખમી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ રોકી શકે છે.

(8) જોખમી વસ્તુઓ વેચાણ માટે રજૂ થતી રોકી શકે છે.

(9) ખામીયુક્ત વસ્તુ કે ઉણપ ધરાવતી સેવા આપવામાં આવી હોય તો કુલ વેચાણના ઓછામાં ઓછી 5% રકમ ગ્રાહક સુરક્ષા ભંડોળમાં અથવા અન્ય સંસ્થા કે વ્યક્તિને કોઈ ચોક્કસ હેતુના ઉપયોગ માટે વાપરવાની શરતે  ચૂકવવા હુકમ કરી શકે છે.

(10) ગેરમાર્ગે દોરતા જાહેરાતની અસર નાબુદ કરવા સુધારાત્મક જાહેરાતની ફરજ પાડી શકે છે.

(11) પક્ષકારને વાજબી ખર્ચ ચૂકવવા હુકમ કરી શકે છે.

ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોને મળતી રાહતો: (અતિ સરળ અને ટૂંકમાં)

  • વસ્તુ કે સેવા માં રહેલી ખામી દૂર કરવી 
  • ચૂકવાયેલી રકમ પરત કરવી
  •  ખામીયુક્ત વસ્તુઓને બદલાવવી 
  • બેદરકારીથી થયેલ નુકસાન કે ઇજા સામે વળતર
  •  શિક્ષાત્મક નુકસાન ચૂકવવા ફરજ 
  • જોખમી વસ્તુનું ઉત્પાદન વેચાણ અટકાવવું 
  • 5% રકમ ગ્રાહક સુરક્ષા કે અન્ય સંસ્થાને ચૂકવવી 
  • ગેરમાર્ગે દોરતી જાહેરાત ને બદલે સુધારાત્મક જાહેરાત 
  • પક્ષકારને વાજબી ખર્ચ ચૂકવવાનો હુકમ.


ગ્રાહક જાગૃતિ કેવી રીતે આવી શકે?:- 

ગ્રાહક જાગૃતિ માટે ગ્રાહક પોતે, ઔદ્યોગિક એકમો, સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ બધા સાથે મળીને કામ કરે રહ્યા છે. મોટાભાગના ગ્રાહકોને તેમના અધિકાર અને જવાબદારી વિષે જ્ઞાન નથી અને જો ગ્રાહકનું શોષણ થાય તો તે માટે કેવી રીતે કાર્યવાહી કરી શકાય તે અંગેની સમજ નથી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ દર વર્ષે 15મી માર્ચના દિવસને ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

(1) લોક અદાલત :

ઘણાં બધાં ઔદ્યોગિક એકમો પોતાના ગ્રાહકોને વાજબી ફરિયાદના નિરાકરણ માટે લોક અદાલત યોજે છે. આ અદાલતમાં ગ્રાહક પોતાની રજૂઆત કરે છે અને મોટાભાગે સ્થળ ઉપર જ  ફરિયાદનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

લોક અદાલત દ્વારા ગ્રાહકોની ફરિયાદનું નિરાકરણ ઝડપી, ઓછા ખર્ચે અને અસરકારક હોય છે. દા.ત., ભારત સંચાર નિગમ લિમિટેડ ગ્રાહકો માટે લોક અદાલતનું આયોજન કરે છે.

(2) જાહેર હિતની અરજી  :

દરેક વ્યક્તિ પોતે અદાલત સમક્ષ  પોતાની ફરિયાદ રજૂ કરવા જેટલું સક્ષમ નથી અથવા આર્થિક કે સમયનો અભાવ જેવાં કારણો પણ જવાબદાર છે.

કેટલીક બાબતો કોઈ વ્યક્તિને કે વ્યક્તિના સમૂહ કરતાં સમગ્ર સમાજને અસરકર્તા હોય છે.

જે વ્યક્તિ કે  સમૂહને નુકશાન થતું હોય તે અથવા કોઈપણ વ્યક્તિ સામાન્ય કાગળ ઉપર એક અરજી સીધેસીધી જે તે રાજ્યની વડી અદાલત (હાઇ કોર્ટ)ને અથવા સર્વોચ્ચ અદાલત (સુપ્રિમ કોર્ટ)ને કરી શકે છે. કોર્ટ અરજી વાંચીને યોગ્ય લાગે તો કેસ તરીકે દાખલ કરીને તેના પક્ષકારોને હાજર કરી સુનાવણી કરે છે અને તે અરજી પર  પોતાનો ચુકાદો આપે છે.


(3) પર્યાવરણ અને સુસંગત પેદાશો  :

જે ઔધોગિક એકમો ઓછામાં ઓછું પ્રદુષણ કરીને ઉત્પાદન કરે છે તેમને ભારત સરકારનું પર્યાવરણ ખાતું ‘ઈકો માર્ક’ વાપરવાની મંજૂરી આપે છે. ગ્રાહકો ‘ઇકોમાર્ક’ ની પેદાશોનો ઉપયોગ કરશે જેથી જે ઉદ્યોગો પર્યાવરણનું જતન કરે છે તેમને મદદ થાય છે.

ગ્રાહક સંગઠનો અને બિનસરકારી સંસ્થાઓની ભૂમિકા :-

 

   ગ્રાહકોના હિતોની જાળવણી અને રક્ષણ માટે ભારતમાં ઘણા બધા ગ્રાહક  સંગઠનો અને બિનસરકારી સંસ્થાઓ (Non Government Organisations : NGOS) કાર્યરત છે.

નફો નહીં કરવાના હેતુથી સ્થપાયેલી બિનસરકારી સંસ્થાઓ જાહેર સુખાકારી માટે કામ કરે છે.

તેમનું પોતાનું અલગ બંધારણ હોય છે. તે સરકારી દખલગીરીથી મુક્ત રહી શકે છે. ગ્રાહકોના હિતાની જાણવણી અને રક્ષણનું કાર્ય કરે છે. આ સંસ્થાના નીચે પ્રમાણે નાં કાર્યો છે :

(1) સેમિનાર, વાર્તાલાપ અને તાલીમ શિબિર દ્વારા સામાન્ય લોકોને ગ્રાહક અધિકારો માટે શિક્ષિત કરવામાં આવે છે.

(2) ગ્રાહકોની મુશ્કેલી, કાયદાકીય જાણકારી, મળવાપાત્ર રાહતો અને અન્ય ગ્રાહક હિત ધરાવતી માહિતીની જાણકારી માટે સામયિક, પત્રિકા, પુસ્તકો વિગેરેનું પ્રકાશન કરાય છે.

(3) બજારમાં ઉપલબ્ધ અને એકબીજા સાથે હરીફાઈ કરતી બ્રાન્ડના સંબંધિત ગુણોની તુલના અધિકૃત પ્રયોગશાળામાં પરીક્ષણ અને તેના પરિણામો ગ્રાહકોને જાણેકારીમાં લાવવામાં આવે છે. 

(4) ગ્રાહકોને કાયદાકીય કાર્યવાહી કરવા માટે સહાય આપવી, કાયદાકીય માહિતી આપવી વગેરે.

(5) વેચાણકર્તાઓની અનૈતિક શોષણયુક્ત અને ગેરવાજબી વેચાણનીતિ સામે ગ્રાહકોને સખત વિરોધ કરવા માટે જરૂરી મદદ કરવામાં આવે છે.

(6) સામાન્ય ગ્રહકોના હિતોનું રક્ષણ કરવા માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરાય છે.

(7) કોઈ ગ્રાહક  તેની ફરિયાદ ગ્રાહક અદાલતમાં કરવા માગતો હોય તો તેને જરૂરી બધા જ પ્રકારની મદદ કરાય છે.

(8) ગ્રાહક સંતોષ અને તેને લગતી માહિતીનું એકત્રીકરણ અને પ્રકાશન કરવામાં આવે છે.

(9) ગ્રાહક શિક્ષણ માટે ફિલ્મો કે માહિતી બહાર પાડવામાં આવે છે.

(10) સ્કુલ-કોલેજમાં ગ્રાહક શિક્ષણના કાર્યક્રમો યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાની કેળવણી આપવામાં અાવે છે.

(11) ખોરાકમાં થતી ભેળસેળ વિરુદ્ધ જાગૃતિ લાવવામાં આવે છે.

(12) ગ્રાહક જાગૃતિ માટે કામ કરતી સરકારી સંસ્થાઓને ટેકો આપવો વગેરે.

ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થા ની ભૂમિકા.

(અતિ સરળ અને ટૂંકમાં) 

જાહેર સુખાકારી માટે અલગ બંધારણ સરકારી દખલગીરી થી મુક્ત ગ્રાહકના રક્ષણ ની જાળવણી.

કાર્યો:

  • સેમી વાર્તા શિબિર દ્વારા ગ્રાહકને શિક્ષિત કરવા
  •  ગ્રાહકની મુશ્કેલી, કાયદાકીય જાણકારી, મળવાપાત્ર રાહતો માટે પુસ્તક પ્રકાશન
  •  બજારમાં મળતી બ્રાન્ડની તુલના
  •  પ્રયોગશાળામાં પરીક્ષણ
  •  ગ્રાહકને કાયદાકીય કાર્યવાહી માટે સહાય
  •  કાયદાકીય માહિતી પૂરી પાડવી વેચાણકારો ની અનૈતિકનીતિ સામે ગ્રાહકોને મદદ
  •  ગ્રાહક અદાલતમાં ફરિયાદ 
  • આ ફરિયાદ માટે જરૂરી તમામ મદદ 
  • ગ્રાહક સંતોષ અને તેને લગતી માહિતીનું એકત્રીકરણ પ્રકાશન. ફિલ્મ કે માહિતી બહાર પાડવી
  • સ્કૂલ-કોલેજમાં ગ્રાહક શિક્ષણ ના કાર્યક્રમો 
  • ખોરાકમાં ભેળસેળ વિરુદ્ધ જાગૃતિ
  •  સરકારી સંસ્થા ને ટેકો.

 

ગ્રાહક જાગૃતિક્ષેત્રે ઘણી બધી જાણીતી સંસ્થાઓ કાર્ય કરી રહી છે 

જેવી કે :

(1) કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (Consumer Education and Research Centre-CERC).

 

(2) કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ  (Consumer Protection Council-CPC), અમદાવાદ.

 

(3) વોલેન્ટરી ઓર્ગેનાઈઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝયુમર એજ્યુકેશન (Voluntary Organisation in Interest of Consumer Education-VOICE). દિલ્હી.

(4)કન્ઝ્યુમર  ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા(Consumer Guidance Society of India-CGSI), મુંબઈ.

(5) કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી  (Consumer Unity and Trust Society-CUTS), જયપુર વગેરે.


 કન્ઝ્યુમર કો- ઓર્ડીનેશન કાઉન્સિલ (Consumer Co-ordination Council-CCC). દિલ્હી એ ગ્રાહક સુરક્ષા માટે કાર્ય કરતી બધી જ સંસ્થાઓનું સંકલન કાર્ય કરે છે. ભારતમાં સ્વૈચ્છિક રીતે કાર્ય કરતી મોટા ભાગની ગ્રાહક સંસ્થાઓ કન્ઝ્યુમર કો-ઓર્ડિનએશન કાઉન્સિલનું સભ્ય પદ ધરાવે છે.

ભારત સરકારના ઉપભોક્તા મંત્રાલય દ્વારા “જાગો ગ્રાહક  જાગો ”વિજ્ઞાપન દ્વારા નેશનલ કન્ઝ્યુમર હેલ્પ લાઈન(NCH ) ટોલ ફ્રી નંબર , વેબસાઈટના માધ્યમથી ગ્રાહક જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.



  



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here