પાઠ – 10 ઉદ્યોગક્ષેત્ર

0
929
CLASS 12 ECONOMICS

 

પ્રસ્તાવના (Introduction):

દુનિયાના દેશોમાં ખેતી, ઉદ્યોગ અને સેવાક્ષેત્ર એમ ત્રણ ઉત્પાદકીય ક્ષેત્રોનો સમન્વય જોવા મળે છે. જે પૈકી ઉધોગ એક મહત્ત્વનું ઉત્પાદકીય ક્ષેત્ર હોઈ તે દરેક અર્થતંત્રમાં ખૂબ જ અગત્ય ધરાવે છે.

સામાન્ય રીતે વિકસિત દેશોનો અભ્યાસ કરતાં સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોને બાદ કરતા મોટા ભાગના વિકસિત દેશો ઔદ્યોગિક દેશો છે.દા.ત., અમેરિકા, બ્રિટન, જાપાન

વિશ્વમાં  ખેતીને મુખ્ય વ્યવસાય ગણતા દેશો પણ વિકસિત હોઈ શકે છે.

દા.ત., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ 

ઉદ્યોગક્ષેત્રનું મહત્વ :

દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે અને લોકોના જીવનધોરણને સુધારવા માટે ઔદ્યોગિકીકરણ જરૂરી છે.

ઉદ્યોગક્ષેત્રનું મહત્વ દર્શાવતા મુદા


રાષ્ટ્રીય આવકમાં ફાળો :

  • ભારતની આઝાદી સમયે ખેતીક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું. જે ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસને કારણે ઘટ્યું  છે અને તેની સામે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા પામ્યો છે.
  • અર્થતંત્રના આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉધોગોએ રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોવા છતાં તે પૂરતો છે તેમ કહી શકાય નહિ.
  • રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધવા પામ્યો છે. અહીં પણ નોંધનીય છે કે સેવાક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિકક્ષેત્રનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે.
  •  ભારતની રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો 2013-14 મા 27% હતો.

 રોજગારી :

  • ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. 
  • અર્થતંત્રમા રોજગારીની તકોના અભાવને કારણે બેરોજગારીનો પ્રશ્ન વિકટ સ્વરૂપનો જોવા મળે છે. ઉદ્યોગક્ષેત્ર દ્વારા આયોજન પ્રયાસોના ભાગરૂપે વિકાસ હાંસલ કરતા તેની રોજગાર-ક્ષમતામાં વૃદ્ધિ થયેલ જોવા મળે છે.
  • 2011-12 મા ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ 24.3% હતું.

નિકાસ આવક :

  • ખેતીક્ષેત્રની જેમ ઉદ્યોગક્ષેત્ર પણ પોતાનુ ઉત્પાદન-પ્રમાણ વધારીને, અર્થતંત્રમાં બચતપાત્ર અધિષેશ ની નિકાસ કરીને વિદેશી હૂંડિયામણની કમાણી સર્જે છે.
  • જે હૂંડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. 

અર્થતંત્રનો સમતોલ વિકાસ :

  • ઔદ્યોગિક ક્ષેત્ર એ સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે.
  • તદુપરાંત ઉત્પાદનક્ષેત્રે સરકાર જાહેર, સાહસો સ્થાપી અલ્પવિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલપણે વિકાસ થાય છે.


ખેતીનું આધુનિકીકરણ :

  • ખેતીક્ષેત્રે ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકીકરણ જરૂરી જણાય છે.
  • ઉદ્યોગક્ષેત્ર દ્વારા ખેતીક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેક્નોલોજીની મદદ પૂરી પાડી શકાય છે. ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના સંયંત્રો જેવાં આધુનિક સાધનો પૂરાં પાડી શકાય છે તેમજ ઉદ્યોગ-ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન પણ કરી શકાય છે. 

સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવાયેલ નવીન ટેકનોલોજીની મદદ દ્વારા ખેતીક્ષેત્રનો વિકાસ શક્ય બને છે.

 અર્થતંત્રનું મજબૂત માળખું :

  • અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવા ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ (સ્ટીલ), સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે.
  • જે દેશ માટેની સિંચાઈ યોજનાઓ, રોડ-રસ્તા, પુલો વગેરે બાંધકામમાં ઉપયોગી બને છે. આ ઉપરાંત ઉદ્યોગ દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે,વિમાન, કાર, દ્રિચક્રીય વાહન વગેરે પુરા પાડવામાં આવે છે જે અર્થતંત્રનું પાયાનું માળખું સબળ બનાવે છે.

આ ઉપરાંત સંરક્ષણના સાધનો (બંદૂક, ગોળી, ટેન્ક વગેરે)નું ઉત્પાદન પણ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા વિદેશો પરનું અવલંબન ઘટે છે અને અર્થતંત્ર મજબૂત બને છે.

સામાજિક માળખામાં ફેરફાર :

  • ઔદ્યોગિકીકરણના ઉપયોગથી નવી  ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે.
  • જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ હરીફાઈ. ટીમ વર્ક, સ્વનિર્ભરતા, સાથ-સહકાર, સમજૂતી, નવા-સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે.
  • જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જડ વલણ વગેરે બાબતોમાં ઘટાડોઆવે છે.

આમ, આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બની રહે છે.

ઔદ્યોગિક માળખું 

મૂડીરોકાણના આધારે ઔદ્યોગિક માળખું ( Structure of Industry):

મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર :

ગૃહઉદ્યોગ : 

મુખ્યત્વે કુટુંબના સભ્યો અને સાદાં ઓજારો વડે વીજળી, યંત્રોના ઉપયોગ વગર  નહિવત્ મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગને ગૃહઉદ્યોગ કહે છે.

ઉદાહરણ : ખાદી, પાપડ, ખાખરા, અગરબત્તી વગેરેના ઉધોગો.

ટચૂકડા ઉધોગો : આ પ્રકારના ઉદ્યોગો સંપૂર્ણ શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા કુલ 25 લાખની મૂડીરોકાણ મર્યાદામાં ચાલતા ઉદ્યોગો છે..

ઉદાહરણ : ધાતુ, ચામડું, માટી  વગેરેના ઉપયોગ વડે કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાના ઉદ્યોગ.

નાના પાયાના ઉદ્યોગો: 

જે ઉઘોગોમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય, માત્ર શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતુ હોય અને મોટા ઉદ્યોગોને સહાયક હોય તેવા ઉદ્યોગ.

ઉદાહરણ : ઓજારો, વાહનોના સમારકામ, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગ.

મધ્યમ પાયાના ઉદ્યોગો : 

જે  ઉદ્યોગોમાં  5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી એવી મૂડી રોકવામાં આવી હોય, જે  શ્રમપ્રધાન અથવા મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય તેવા ઉદ્યોગોને મધ્યમ પાયાના ઉદ્યોગો કહે છે.

ઉદાહરણ : યંત્રો, રસાયણો, ઇલેક્ટ્રોનિક સાધનો વગેરેને ઉદ્યોગો.

મોટા પાયાના ઉદ્યોગો :

જે ઉદ્યોગમાં  10 કરોડથી વધુ મૂડીનો ઉપયોગ થયો હોય અને જે  માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પધ્ધતિનો વધુ ઉપયોગ કરતા હોય તેવા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગો કહે છે.

ઉદાહરણ : રેલવેના સાધનો, મોટા વાહનો, લોખંડ વગેરેના ઉદ્યોગો.


માલિકીના આધારે ઔદ્યોગિક માળખું સમજાવો.

ઉદ્યોગોના પ્રકારો :

(1) જાહેર ક્ષેત્રના ઉદ્યોગો

  • જ્યારે ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય છે ત્યારે તે જાહેર ક્ષેત્રનું એકમ ગણાય છે.

ઉદાહરણ રેલવે, ટેલિફોન, ટપાલ વગેરે સરકારની માલિકીના ઉદ્યોગો છે.જે  જાહેર ક્ષેત્રના ઔધોગિક એકમો તરીકે ઓળખાય છે. આ જાહેર ક્ષેત્રના એકમોને ત્રણ વિભાગમાં વર્ગીકરણ અનુસાર વહેંચવામાં આવે છે.

ખાતાકીય ઉદ્યોગ

  • જ્યારે સરકારે કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ, એક ખાતા તરીકે ચલાવે છે.

ઉપરાંત આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈઓ અંદાજપત્રમાં સામેલ કરવામાં  આવે છે. તેવા ઔધોગિક એકમોને ખાતાકીય એકમો તરીકે ઓળખવામાં આવે છે. 

દા.ત., રેલવે, ટપાલ વગેરે.

જાહેર નિગમો : 

  • જે એકમોની  માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય છે. પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ (કૉપોરેશન) દ્વારા કરવામાં આવે છે.

પરંતુ નિગમના સંચાલન અને નિર્ણય-પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ઉદાહરણ જીવનવીમા નિગમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ, ઍર ઇન્ડિયા, ખાતર-ઉત્પાદન વેચાણ કરતા (GSFC, GNFC વગેરે) એકમો જાહેર નિગમ તરીકે ઓળખાય છે.

સંયુક્ત મૂડી કંપનીઓ : 

  • જે એકમનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપનીધારા મુજબ કરે છે. ઉપરાંત, આ એકમોનો નિશ્ચિત માલિકી હક સરકાર જે-તે એકમના શેર બહાર પાડી. લોકો કે સંસ્થાઓને વેચી મૂડી એકઠી કરે છે.
  • આ એકમો સરકારના સીધા અંકુશોથી મુક્ત હોય છે. આવા એકમો ખાતાકીય એકમો અને જાહેર નિગમોથી જુદા પ્રકારના હોય છે.

ઉદાહરણ : હિન્દુસ્તાન મશીન ટુલ્સ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન વગેરે.

(2) ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો : 

  • જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા એકમને ખાનગી એકમ કહે છે.
  • અહીં નોંધનીય છે કે આવા એકમોનું સંચાલન વ્યક્તિગત માલિકીનું કે ભાગીદારી હેઠળનું હોય છે. 

ઉદાહરણ : કાર, ટીવી, બૂટ-ચંપલ બનાવતા એકમો.

(3) સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો : 

જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં ચાલતા સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે તફાવત હોય છે.

સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોએ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોનો મોલિકી  હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને 51 % કે તેથી વધુ પ્રમાણમાં આપે છે.

જેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રનું હોવા છતાં, તે સરકારના અધિકાર ક્ષેત્રમાં જ રહે છે. ઉદાહરણ : GSPC


(4) સહકારી ક્ષેત્રના ઉદ્યોગો : 

  • નાના (સીમાંત) માલિકોનું શોષણ અટકાવવા, શ્રમિકોનું શોષણ અટકાવવા કે ગ્રાહકોના  શોષણને અટકાવવા અને બધાના લાભ (ભલા) માટેના મુખ્ય આશયથી કરવામાં આવતી  પ્રવૃત્તિઓને સહકારી ક્ષેત્રના ઉધોગો કહે છે.

જેમાં જીવનજરૂરી (આવશ્યક) વસ્તુઓની કેટલીક દુકાનો, દૂધની ડેરીઓ, કેટલીક બૅન્કો વગેરેનું સંચાલન સહકારી ધોરણે થાય છે. ઉદાહરણ : IFFCO, KRIBHCO


ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકારો :

(1) વપરાશી વસ્તુઓના ઉદ્યોગો

જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે છે તેવી વસ્તુઓ વપરાશી વસ્તુઓ કહેવાય છે. આવી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને વપરાશ વસ્તુઓના ઉદ્યોગો કહેવાય છે.

ઉદાહરણ : ઘી, તેલ, સાબુ, શેમ્પુ, પાઉડર વગેરે બનાવતા ઉધોગ.


(2) અર્ધતૈયાર વસ્તુના ઉદ્યોગો : 

  • જે વસ્તુઓનું ઉત્પાદન અર્ધ સ્વરૂપનું થાય છે એટલે કે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થયું છે.

પરંતુ, ઉત્પાદનના વધુ એક તબક્કો બાકી હોય તેવા પ્રકારની વસ્તુઓને મૂડી વસ્તુઓ કહે છે અને તેવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો ને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કહે છે.

 ઉદાહરણ : સૂતર, લોખંડના પતરાં, યંત્રો વગેરેના ઉદ્યોગો



ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલાં પગલાં સમજાવો.

દેશના સર્વાંગી વિકાસ માટે અન્ય ક્ષેત્રોની જેમ ઔદ્યોગિક ક્ષેત્રની પણ જરૂરિયાત છે. જેથી સરકારે તેને સહાયક એવા પગલાંઓ ભરે છે


રાજ્યની માલિકીના સાહસો:

  • સરકાર દ્વારા પાયાના અને ચાવીરૂપ એવા ઉધોગાની ૨ચના કરવામાં આવે છે. 
  • આવા ક્ષેત્રોમાં ખૂબ વધુ મૂડીની  જરૂરિયાત હોય છે. તેમજ તે વધુ પ્રમાણમાં સાહસવૃત્તિ  ધરાવતા હોય છે.

જેના માટે સામાન્ય રીતે ખાનગી ક્ષેત્ર તૈયારી દાખવતા નથી. આ ઉપરાંત આ એવા એકમો હોય છે જે અન્ય ઉધોગોને ખૂબ ઉપયોગી સાધન-સામગ્રી તૈયાર કરી આપે છે. 

ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન : 

  • ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ચાલુ કરવા તેમજ તેને સફળ રીતે ચલાવવા વિવિધ મદદ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.
  • જેમ કે નવા શરૂ થતા ઉદ્યોગોને રાહત દરે જમીન, વીજળી, પાણી ઉપરાંત કરરાહતો પણ આપવામાં આવે છે.

આ ઉપરાંત સસ્તુ અને પૂરતું ધિરાણ પૂરું પાડવામાં આવે છે. આમ, અનેક રીતે ખાનગી ક્ષેત્રોને મદદ પૂરી પાડી તેઓને હરીફાઈમાં સક્ષમ બનાવવા સરકાર ઉત્તેજન પૂરું પાડે છે. 

આયાત-જકાત : 

  • આયાત-જકાત એટલે આયાત પર વેરો સરકારે આંતરરાષ્ટ્રીય કક્ષાની  હરીફાઈમાં સ્થાનિક ઉદ્યોગોને ૨ક્ષણ પૂરું પાડવા માટે આયાત-જકાત નામનું શસ્ત્ર ઉપયોગમાં લે છે.
  • જેનાં કારણે વિદેશી ચીજવસ્તુઓ (કરવેરાના કારણે) મોંઘી બને છે અને આપણા દેશની ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ અર્થે થતા ખર્ચ સમકક્ષ બને છે.

આ કારણે વિદેશી વસ્તુઓ સામે સ્વદેશી વસ્તુઓ હરીફાઈક્ષમ બને છે અને આ રક્ષણ પૂરું પાડે છે.

ટેકિનકલ કૌશલ્ય અને તાલીમ:

  • ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના સમયમાં સ્થાનિક ઉદ્યોગો હરીફાઈમાં સક્ષમ બની રહે તેમજ તે હરીફાઈમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે હેતુથી સરકારે ઉદ્યોગોના માલિકોને ટેક્નિકલ તેમજ વ્યાવસાયિક તાલીમ આપે છે.

આર્થિક સહાય :

  • સરકાર દ્વારા ઉદ્યોગોને વિવિધ આર્થિક સહાય પૂરી પાડી તેમના ઉત્પાદન-ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે.

જેથી નીચા ઉત્પાદન-ખર્ચને લીધે જે-તે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય   બજારમાં નીચા ભાવે સ્થાનિક ઉદ્યોગો વેચી શકે અને શક્ય તેટલો  કિંમત-લાભ મેળવી પોતાની વસ્તુની માંગને મહત્તમ બનાવી સફળતા પ્રાપ્ત કરી શકે.

પાયાની સુવિધાઓ :

  • ઉદ્યોગોના વિકાસ માટેની પાયાની સુવિધાઓ જેમ કે રોડ- રસ્તા, પાણી, વીજળી, બેન્કો , વીમા, ગટર વ્યવસ્થા જેવી અનેક સગવડો પૂરી પાડવામાં આવે છે.

જેના કારણે ઉદ્યોગો તેમના ખર્ચને  કાબૂમાં રાખી શકે. જેના દ્વારા આ હરીફાઈમાં સક્ષમ બની રહે અને તેઓને તેમના ઉદ્યોગો ચલાવવાનું પ્રોત્સાહન પૂરું પડે.

વિવિધ સંસ્થા અને નીતિઓની રચના : 

  • સરકાર વિવિધ ઔદ્યોગિક નીતિની રચના કરી તેમજ સમય અનુસાર તેમાં જરૂરી ફેરફાર કરી ઉદ્યોગોને મદદ કરે છે.
  • આ ઉપરાંત આયાતનીતિ, નિકાસનીતિ, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, કરવેરા નીતિ વગેરે નીતિઓ ઉદ્યોગોને અનુકૂળ રહે તેવી વ્યવસ્થા ગોઠવે છે.

 તદુપરાંત IDBI, SIDBI, ICICI, IFCI, LIC, GIC વગેરે સંસ્થાઓ ઉઘોગોનો જરૂરી નાણાકીય મદદ પૂરી પાડવા માટે રચવામાં આવી છે. 



વિશિષ્ટ આર્થિક વિસ્તાર (Special Economic Zone):

 

  • વિશિષ્ટ આર્થિક વિસ્તારોને  અગ્રેજીમાં Special Economic Zone તરીકે ઓળખવામાં આવે છે.
  • ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ 1 એપ્રિલ, 2000થી શરૂ થયો. જેનો મુખ્ય આશય વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું અંકુશોમુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું. જેથી દેશની નિકાસ વધે અને દેશના ઉત્પાદનક્ષેત્રો વિશ્વ સમકક્ષ બને. 
  • વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા ક૨- રાહતો આપી વિદેશી મૂડી રોકાણકારોને આકર્ષવામાં આવે  છે.

વિશિષ્ટ આર્થિક  વિસ્તારનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફીલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે. 

કોઈ પણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે.

ભારતમાં 8 આર્થિક વિસ્તારો છે.


નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ:

(Importance of Small Scale Industries):

નાના પાયાના ઉદ્યોગો છેલ્લા પાંચ દાયકાઓ દરમિયાન ખૂબ અગત્યના અને પ્રગતિશીલ રહ્યા છે. 

ભારતમાં નાના પાયાના ઉદ્યોગો એ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બની દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે.

વાસ્તવમાં ,જે ઉદ્યોગોમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગને નાના પાયા ઉધોગ કહે છે. 

સામાન્ય રીતે આ ઉદ્યોગો શ્રમપ્રધાન  ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે, આ ઉપરાંત આ ઉદ્યોગો મોટા ઉદ્યોગોની સાપેક્ષમાં ખૂબ ઓછી મૂડીનો ઉપયોગ કરતા હોવા છતાં તે મોટા ઉદ્યોગોને સહાયક ઉદ્યોગો હોય છે.


નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ :

(1) રોજગારી સર્જન :

  • નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારી-સર્જનની શક્યતા રહેલી હોય છે.જેનું મુખ્ય કારણ તે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તે છે.
  •  નાના પાયાના ઉદ્યોગો ઉત્તરોત્તર રોજગારી-સર્જનની ક્ષમતા વધારતા રહ્યો છે, જે ભારત જેવા દેશો કે જેમાં અતિવસ્તી અસ્તિત્વ ધરાવે તેમના માટે આશીર્વાદ રૂપ છે.

(2) ઉત્પાદન-વૃદ્ધિ : 

સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગો યંત્રોનુ ઉત્પાદન કરે છે અને દેશમાં જરૂરિયાત ધરાવતી વસ્તુઓનું નાના પાયાના ઉદ્યોગો દ્વારા કરવામાં આવે છે અને આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદન વૃદ્ધિ કરી શકાય છે. 

(3) ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ : 

  • નાના પાયાના ઉદ્યોગો દેશને અનેકવિધ લાભ અાપતા હોવાથી દેશની સરકાર અને લોકો (પ્રજા) તેમાં ખુબ રસ ધરાવતા હોય છે.
  • ઉત્પાદનમાં થતી વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોની વૃદ્ધિને  કારણે જ શક્ય બને છે. 

જે દર્શાવે છે કે નાના પાયાના એકમોનો વિકાસ ભારતમાં ઔદ્યોગિકીકરણની સ્થાપના તરફનું પ્રયાણ છે.

(4) નિકાસો : 

  • ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે તેમાં નાના પાયાના ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર છે.  
  • આમ, નાના પાયાના ઉદ્યોગોની નિકાસ  એ ભારતની વસ્તુઓ અને સેવાઓની વિદેશમાં વધતી માંગ દશાવે છે.

તદુપરાંત ભારત માટે તે વિદેશી  હૂંડિયામણની આવક સર્જે છે જે દેશ માટે જરૂરી એવી વસ્તુઓ અને સેવાઓની આયાત માટે ખૂબ જરૂરી બને છે.

(5) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ :

  • ઉત્પાદન પદ્ધતિઓ બે  પ્રકારની હોય છે:મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ. 
  • જે પૈકી મૂડીપ્રધાન ઉત્પાદન પદ્વતિમાં  મુખ્યત્વે મૂડી આધારિત હોય છે. તેમાં વધુ મૂડી અને ઓછા શ્રમનું સાધનો  ઉત્પાદન-પ્રક્રિયા માં જોડવામાં આવે છે.

શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા દેશો કે જ્યાં શ્રમની અછત છે તેમના માટે આશીર્વાદરૂપ  જણાય છે.

(6) વિદેશી હૂંડિયામણની બચત:

  • નાના પાયાના ઉધોગો ભારત દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે એક તરફ નિકાસો  વધારીને દેશને વિદેશી હૂંડિયામણની આવક મેળવી આપે છે.

જયારે બીજી તરફ મોટા ભાગની જરૂરિયાત વસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોના પ્રમાણમાં  ઘટાડો થાય છે. જેથી વિદેશી હૂંડિયામણનો ખર્ચ ઘટે છે 

(7) સમયનો ટૂંકો ગાળો : 

  • નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ટૂંકા સમયગાળામાં શરૂ કરી શકાય છે.
  • ઉધોગોમાં મુડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ નાનો ગાળો ઉપયોગી થઈ પડે છે.

(8) સમતોલ પ્રાદેશિક વિકાસ :

  • મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી, સાધનસામગ્રી, ઓછા સંસાધનો દ્વારા દેશના  કોઈ પણ ભાગમાં શરૂ કરી છે.
  • તેના દ્વારા દેશના કોઈપણ ભાગમાં શરૂ કરી શકાય છે. જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ અટકી ન રહેતાં તે સમતોલ  વિકાસ થવો શક્ય બને છે.

આમ, નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિકો અને ગરીબો, વિકસિત અને અલ્પવિકસિત પ્રદેશો જેવી અસમાનતા ધટાડવી શક્ય બને છે.

(9)  વિકેન્દ્રીકરણ :

  • મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે.
  • કારણ કે તેમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા હોય છે. જેથી મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રકરણ કરે છે તેમ કહી શકાય.

જ્યારે નાના પાયાના ઉદ્યોગોમાં ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાતો હોઈ તે અર્થતંત્રના નાના-નાના ઉત્પાદનો દ્વારા શરૂ થઈ શકે છે અને તે દ્વારા તેઓ તેના લાભ મેળવી શકે છે. 

(10) ઊંચો વિકાસ-દર : 

  • મોટા પાયાના ઉદ્યોગોમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયેલ હોવાથી તેમાં ઊંચા નફાની આવશ્યકતા હોય છે.

તદુપરાંત તેઓ દ્વારા થયેલ મૂડીરોકાણથી અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે પ્રાપ્ત થાય છે. કારણ કે તેવા ઉદ્યોગોને બજારના ફેરફારો અનુસાર ઝડપથી બદલવો શક્ય હોતા નથી.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here