પાઠ- 8 કૃષિક્ષેત્ર

0
1751
CLASS 12 ECONOMICS

પ્રસ્તાવના:

 કૃષિક્ષેત્રે દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખુબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર  છે.આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળ-ફળાદી, ફૂલો જ નહિ પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. દુનિયાના દરેક દેશના કૃષિક્ષેત્રની  ક્ષમતા જુદી-જુદી હોય છે. તે જુદાં-જુદાં પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે.


અર્થતંત્રની  કરોડરજ્જુ (Backbone of the Economy)

ભારતને ખેતીપ્રધાન દેશ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? ( દેશના કૃષિક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે.)

  •  ભારતમાં કૃષિક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે. ભારત કૃષિ-ઉત્પાદન,રોજગારી અને નિકાસ-કમાણી  જેવી બાબતોમાં કૃષિક્ષેત્ર પર ખૂબ નભતું હોવાથી ભારતને ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે.
  • ભારતમાં કૃષિક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે, તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે  છે એટલે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિક્ષેત્ર પર અવલંબે છે. 
  •  તદુપરાંત દેશની  વસ્તીનો મોટો ભાગ (2011ની વસ્તી ગણતરી મુજબ 68.8 % વસ્તીગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતો હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય  તો આ દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય છે.

જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર  ખોરવાય છે અને આ જ રીતે કૃષિક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. આ કારણથી દેશના કૃષિક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે.


ભારતમાં વર્ષ 1956 (બીજી પંચવર્ષીય યોજના)થી ઔદ્યોગિકીકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે ઔધોગીકીકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતીપ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય  છે.


ભારતમાં કૃષિક્ષેત્રની વર્તમાન સ્થિતિ/મહત્વ

 ભારત અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસન દરમિયાન  અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ છે.

દેશમાં આયોજન દરમિયાન ઓદ્યોગિકીકરણને વધુ મહત્વ આપવાને કારણે ભૂતકાળની  કૃષિક્ષેત્રની સ્થિતિ કરતા વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટું પરિવર્તન જોવા મળે છે.  

આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે સમજવા કૃષિની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા નીચેના  મુદ્દાઓ તપાસીએ.


રાષ્ટ્રીય આવકમાં ફાળો

  • સામાન્ય રીતે ખેતીક્ષેત્રની  આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે.
  • જેમાં મરઘા-પાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે.
  • સર્વે 2011-12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક (GDP)માં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1 % હતો. 
  • તે  1956 થી શરૂ કરવામાં આવેલ ઔદ્યોગિકીકરણના મહત્વને કારણે ઘટાડા તરફી રહ્યો છે.રાષ્ટ્રીય આવકમાં કૃષિક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિનકૃષિક્ષેત્રમાં થયેલ ઝડપી  વૃદ્ધિને પરિણામે છે. 

રોજગારી :

  •  ભારતનું કૃષિક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે.
  • આઝાદી સમયે ભારતના 72 % લોકો કૃષિ અને  કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ (પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા-બતકા ઉછેર વગેરે)માંથી રોજગારી મેળવતા હતા. 
  •  આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગો અને સેવાક્ષેત્રનો વિકાસએ કૃષિક્ષેત્ર કરતાં ઝડપી બનતાં કૃષિક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે.

વર્ષ 2001-02માં 58 %, જ્યારે વર્ષ 2014-15 મા 49 % લોકોને રોજગારી પૂરી પાડે છે.

નિકાસ-આવક :

  • ભારતનું કૃષિક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હૂંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે.

 આમ, કૃષિક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હૂંડિયામણની જરૂરિયાત કૃષિક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. દા.ત., ચા, મરી- મસાલા ,ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી હૂંડિયામણ કૃષિક્ષેત્ર દેશ માટે મેળવી (કમાઈ) આપે છે.

આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ-આવક પૈકી ની 70 % આવક માત્ર કૃષિક્ષેત્રેમાંથી મળી રહેતી હતી.

વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ-આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2 % નોંધવામાં આવ્યો હતો.


જીવનધોરણ :

  •  વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિક્ષેત્ર રહ્યો છે.ભારતમાં પણ કૃષિક્ષેત્રે લોકોના જીવનધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે.
  • કૃષિક્ષેત્ર મુખ્યત્વે બે પ્રકારના પાક, અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે.
  •  અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય છે.તેમને ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું છે. તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ. શણ, મગફળી, તેલીબિયાં, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે  અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી,ફળ- ફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે.
  •  જેથી કહી શકાય કે ભારતનું કૃષિક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે.

ભારતમાં અનાજની માથા દીઠ ઉપલબ્ધતા જે  1951માં દૈનિક 395 ગ્રામ હતી તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ થઈ છે.


કૃષિ – ઉત્પાદનમાં વૃદ્ધિ

 

  • ભારતના કૃષિક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે.
  • અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું  ઉત્પાદન-વર્ષ 1951 માં 51 મેટ્રિક ટન હતું તે વધીને 2013-14માં 264.4 મેટ્રિક ટન થયું.જે પાંચ  ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે.
  • કઠોળનુ કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું જે વધીને 2013-14 19.6 મેટ્રિક  ટન થયું. જે વધીને લગભગ 2.5 ગણો વધારો સૂચવે છે.
  •  જયારે શેરડીનું કુલ ઉત્પાદન 1951માં 69.0 મેટ્રિક ટન હતું જે 2013-14વધીને 348 મેટ્રિક ટન થયું. તે પણ લગભગ પાંચ ગણો વધારો સૂચવે છે.

જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેકટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે.

ઔધોગિક વિકાસનો પાયો :

  •  ભારતમાં કૃષિક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે.
  • જેથી ઓધોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે. તદુપ૨ાત માં ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાનું સૌથી મોટું બજાર ગ્રામ્યક્ષેત્રો બને છે. કારણ કે ભારતની લગભગ 69 % વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે.

 અહીં એ નોંધનીય છે કે, આ 69 % ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિક્ષેત્ર છે. જેથી જ ગ્રામ્યક્ષેત્ર  ઔધોગિક ઉત્પાદનની વસ્તુઓ દા.ત., ટી.વી., ફ્રિજ, બાઈક, મોબાઇલ વગેરે જેવી વસ્તુઓની માંગનું સર્જન કરી શકે છે.


કૃષિની નીચી ખેત-ઉત્પાદકતાના કારણો

ભારત ખેતી પ્રધાન દેશ છે છતાં, આ દેશમાં ખેતી-સંલગ્ન ઘણી સમસ્યાઓ

પ્રવર્તે છે. જે પૈકીની એક મોટી સમસ્યા એ નીચી ખેત-ઉત્પાદકતા છે.

જે  માટેના કારણભૂત પરિબળો નીચે મુજબ છે :

  1.  સંસ્થાકીય પરિબળો
  2.  ટેકનોલોજીકલ પરિબળો
  3.  અન્ય પરિબળો


સંસ્થાકીય પરિબળો :

  •  ભારતમાં જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે તેને અસર કરતાં ભૌતિક, સામાજિક, આર્થિક અને ફાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે.
  • આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન-મહેસુલ ઉઘરાવવાની જમીનદારી-પ્રથા, મહાલવારી-પ્રથા અને રેયતવારી-પ્રથા, ખેત-ધિરાણની સવલતો, ખેત-પેદાશોની વેચાણ-વ્યવસ્થા, વાહનવ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે.

આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતીક્ષેત્રે નીચી ખેત-ઉત્પાદકતા જોવા મળે છે.


જમીન મહેસુલ ઉઘરાવવાની પ્રથા : 

  •  ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન-મહેસૂલ ઉઘરાવવાની ત્રણ પ્રથાઓ પ્રચલિત હતી. જમીનદારી-પ્રથા, મહાલવારી-પ્રથા અને રૈયતવારી-પ્રથા .
  • આ પ્રથાઓમાં  જમીન પર ખેતી ગણોતિયા કે જમીનવિહોણા ખેતમજૂરો દ્વારા કરવામાં આવતી હતી. દરેક પ્રથામા માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસુલ ઉઘરાવવાની જુદી-જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. 
  •  જેમાં જમીનદારો કુલ  ખેત-ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે માત્ર જીવનનિર્વાહ થઈ શકે તેટલું ખેત-ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા.
  • જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત-ઉત્પાદન વધારવામાં રસ ન હતો. તેઓ ખેતીક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા  પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા. 

ખેત-ધિરાણ : 

  • ભારતમાં મોટા ભાગના ખેડૂતો  ગરીબીનો સામનો કરતા જોવા મળે છે, જેમને દરેક પાક અગાઉ ખેત-ધિરાણની આવશ્યકતા રહે છે.
  • આ ખેત-ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે અને ઉત્પાદન-પ્રક્રિયા શક્ય બને છે. પરંતુ, આઝાદી. સમયથી ખેત-ધિરાણમાં ખાનગી નાણા ધીરનારની મોટી ભૂમિકા જોવા મળી છે.
  • ભારતમાં 1951માં અંદાજે 71.6 % ખેત-ધિરાણ નાણા ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું.
  • આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજ-દરે ખેડૂતોને પૂરું પાડતા હતા. આ ઉપરાંત તેઓ હિસાબમાં ગરબડ કરી ગરીબ ખેડૂતોને છેતરતા પણ હતા.
  •  આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કરતાં નાણાં ધીરે ધીરનારનો વ્યવસાય કરતા લોકોનું  મહત્ત્વ ઘટ્યું છે. સરકારે 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોનું અને 1982 થી નાબાર્ડ (NABARD National Bank for Agriculture and Rural Development)ની રચના કરી સંસ્થાકીય ખેત-ધિરાણનો વ્યાપ વધાર્યો છે.

તેમજ આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતાં લોકો દ્વારા માત્ર 27 % ખેત-ધિરાણ પૂરું પાડવામાં આવે છે.

 કૃષિ પેદાશોની વેચાણ-વ્યવસ્થા : 

  •  ભારતમાં નબળા પાયાના માળખા (ઈન્ફ્રાસ્ટ્રક્ચર)ને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અને ખેત-બજારોને જોડતા યોગ્ય રોડ-રસ્તા કે વાહનવ્યવહારની  સગવડ યોગ્ય નથી.
  • ઉપરાંત ખેતબજારોમાં ખેત-ઉત્પાદન પછી તરતના બજારભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. મોટા ભાગે ખેતપેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે.
  • દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત-પેદાશોને ઘણી વાર ઉત્પાદન  પહેલાં જ સ્થાનિક શાહુકાર કે દલાલ (આડતિયા)ને વેચી દેવા પડે છે.

ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર  અંગેની જાણકારી, બજારભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિ જાણકારી વગેરે ન ધરાવતા હોઈ પોતાના ખેત-ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી જેના કારણે તેઓ નિરાશાવાદી બને છે. 


ગ્રામીણ સમાજ-વ્યવસ્થા : 

  • ભારતના ખેડૂતો મોટા ભાગે પ્રારબ્ધવાદી અને અપુરતી માહિતી  ધરાવે છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલ છે.
  • તેઓ મૂળભૂત રીતે  પ્રારબ્ધવાદી હોઈ ઈશ્વરે આપેલ  સમસ્યાઓ અથવા અભાવપણાનો સ્વીકાર કરી લે છે.
  • જેથી તેઓ પોતાના જીવનનિર્વાહ પુરતી ખેતી કરીને સંતોપિત રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ (અભિલાષાઓ) હોતી નથી.
  • તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રોનું  કેન્દ્ર એવું કૃષિક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે.


ટેકનોલોજીકલ પરિબળો :

  •  ભારતના કૃષિક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત  એવી જૂની ઉત્પાદન પદ્રતિનો ઉપયોગ જોવા મળે છે.
  • ખેતીના  જુના સાધનો, જુનવાણી વિચારધારાઓ,પદ્રતિઓ વગેરે કૃષિક્ષેત્રને નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે  હળ અને બળદનો ઉપયોગ કરતાં જોવા મળે છે.
  • સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે જે ઉત્પાદકતાના આપે છે. રાસાયણિક ખાતરોની  જગ્યાએ છાણીયા ખાતરોનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. 

 પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી ભારતનું કૃષિક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે.

અન્ય પરિબળો :

 વસ્તીનું ભારણ :

  •  ભારતના કૃષિક્ષેત્રની નીચી ઉત્પાદકતા  પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું  વધુ પડતુ ભારણ છે.
  • કૃષિક્ષેત્ર પર વસ્તીના વધુ  પડતાં ભારણને કષિક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના  પ્રમાણને આધારે સમજી શકાય છે.
  • ભારતની આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતીક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આ ટકાવારી વર્ષ 2001-02માં ઘટીને 58% થઈ જ્યારે 2013-14માં ખેતીક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49 % નોંધવામાં આવ્યું છે. 

 આમ, ખેતીક્ષેત્ર પર રોજગારીનું  ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે અને વિદેશોની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે. અહીં ખેતીક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વહેચાતું હોઈ શ્રમની ઉત્પાદકતા ઘણી નીચે જોવા મળે છે.


આર્થિક આયોજનનો અભાવ : 

 ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય-ફાળવણી, ખર્ચ કરે છે તેટલું પ્રદાન તેણે ખેતીક્ષેત્રને  આપેલ નથી.

સરવાળે એમ કહી શકાય કે, ભારતનું કૃષિક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી અને આ જ કારણથી ભારતના કૃષિક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની છે.

ખેત- ઉત્પાદકતા વધારવાના ઉપાયો

 ભારતના કૃષિક્ષેત્ર ની નીચી ખેત-ઉત્પાદકતા એ કૃષિક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. કૃષિક્ષેત્ર ભારતના મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જરૂરી  છે.

કૃષિક્ષેત્રની ખેત-ઉત્પાદકતા વધારવા ના ઉપાય નીચે મુજબ છે :

1. સંસ્થાકીય સુધારા 2. ટેકનોલોજીકલ સુધારા 3. અન્ય ઉપાય

સંસ્થાકીય સુધારાઓ:

 જમીનવિષયક સુધારાઓ:

  •  ભારતમાં ખેડૂતોને જમીનની  માલિકી મળે તથા ગણોતીયાને ખેડહકોની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના  કાયદા, ખેડ-હકની સલામતી તથા સાંથ (ગણોત) નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે.

જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત-ઉત્પાદનનો  મોટો ભાગ પ્રાપ્ત કરી શકે.


સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ : 

  •  ભારત દેશમાં કૃષિક્ષેત્ર  સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ  1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું.
  • આ ઉપરાંત ખેત- ધિરાણ  પ૨ પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતીક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બૅન્કનું અંગ એવું NABARD (National Bank for Agriculture and Rural Development)ની સ્થાપના 1982માં કરવામાં આવી. 

તેના અંતર્ગત  RRBs (Regional Rural Banks) પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને LDBs (Land Development Banks) જમીન વિકાસ બેંકોનો વિકાસ કરવામાં આવ્યો જેથી ભારતીય ખેડૂતોને સમયસર, પુરતું અને સસ્તું  ધિરાણ મળી શકે.

 

કૃષિપેદાશની વેચાણ-વ્યવસ્થામાં સુધારો :

 કૃષિપેદાશોની વેચાણ-વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાંઓ લેવામાં આવ્યા છે.

 (1) નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે.

 (2) ખેત-ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા ‘એગમાર્ક (AGMARK) = Agriculture Marketing) પ્રથા દાખલ કરવામાં આવી છે.

 (3) ખેડૂતો ખેત-પેદાશોનો સંગ્રહ કરી  શકે તે હેતુથી ‘ રાષ્ટ્રીય કોઠાર નિગમ’ અને  રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા છે.

 (4) ખેત-પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

 (5) ખેડૂતોને બજારના ભાવ ફેરફારોની સુરક્ષિત કરવાના હેતુથી ‘ તળિયાના ભાવ’ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે.

કૃષિ-સંશોધનો : 

  •  ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ-સંશોધનો જાતે કરી શકતા નથી માટે આ જવાબદારી NABARD ને સોંપવામાં આવી છે.
  • જે વિવિધ પ્રકારના કૃષિ-સંશોધનો  કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી પૂરી પાડે છે. જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે.

આ ઉપરાંત કૃષિ – સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા, સામુહિક ગ્રામ-વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, સંકલિત ગ્રામવિકાસ યોજનાઓ,જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિક્ષેત્ર આધુનિકીકરણ તરફ પ્રેરી  ખેત-ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે.

2. ટેકનોલોજીકલ સુધારાઓ:

  •  સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં, ટેક્નોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે.

તેથી ખેત વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આ સુધારાઓ નીચે મુજબ છે:

સુધારેલાં બિયારણો : 

  •  વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલાં બિયારણો (હાઇબ્રિડ બિયારણો) વિકસાવવામાં આવ્યા  છે.
  • આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતાં બિયારણો વધુ પેદાશ આપે છે. ઝડપી પાક  તૈયાર કરી આપે છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે. 

 ભારતમાં અન્ન- ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટો ભાગ ભજવે છે. તેથી અન્ન- ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને ‘કૃષિક્રાન્તિ’ ને સ્થાને ‘બીજકાંતિ’ (Seed Revolution)ના નામે પણ ઓળખવામાં આવે છે.

રાસાયણિક ખાતરનો વપરાશ : 

  • સુધારેલાં બિયારણાના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે.
  • જે-તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી જે-તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્કેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. 

આ ઉપરાંત ખેડૂતોને નીચા ભાવે (સબસિડી ભાવે) ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

સિંચાઈની સગવડમાં વધારો : 

  •  ભારતનું કૃષિક્ષેત્ર મોટા ભાગે આકાશી  ખેતી કરે છે. એટલે કે ખેતી મુખ્યત્વે વ૨સાદ પર નભે છે પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે .
  • જેની સીધી અસર ખેત-ઉત્પાદન અને ખેત-ઉત્પાદકતા ઉપર  પડે છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો અપૂરતી છે.

 

ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર ‘સિંચાઈક્ષેત્ર વિકાસ યોજના’ અને ‘આંતર  માળખાકીય વિકાસ ભંડોળ’ ની રચના કરવામાં આવી છે.

યંત્રોનો ઉપયોગ:

  •  ભારતમાં કૃષિક્ષેત્રની નીચી ખેત-ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધન કે યંત્રો છે.
  • વાસ્તવમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ઈલેક્ટ્રિક પમ્પ સેટ, ઓઈલ એન્જિનો, દવા છાંટવાના  પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે.

આવાં યંત્રોની મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાનું શક્ય બનતા, ઉત્પાદકતા વધી છે.

જંતુનાશક દવાઓ : 

  •  તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં હોય છે.
  • પાકને થતા જુદા-જુદા રોગો સાથે રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ  વિવિધ જંતુનાશકોનો કારગત ઉપાય શોધવામાં આવેલ છે.

 

ભૂમિ-પરીક્ષણ : 

  •  વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલાં ભૂમિ-પરીક્ષણ (soil testing)કરવાની રીત પ્રચલિત બની છે.
  • તે પરીક્ષણ જે-તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહિ અને જે- તે જમીનમાં  ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની માહિતી આપે છે.

 અન્ય ઉપાયો :

  •  કૃષિક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા  અથવા ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાથી ખેડૂતની કાર્યપ્રણાલીમાં ફેરફારો થાય છે.
  • તે અને  ગ્રામ્ય અર્થતંત્રના કુરિવાજો વગેરે બાબતમાં તેને જાગૃત કરી તેમજ માત્ર પ્રારબ્ધવાદને સહારે બેસી ન રહેવા બાબત તેમની સમજૂતી આપી શકાય છે.
  • કૃષિમેળા જેવા તમામ નવીનતમ ઉપાયો ખેત-ઉત્પાદકતા વધારવા ઉપયોગી  સાબિત થાય છે.

આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પશુપાલન,  મરઘા-બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો, જંગલ જેવા સંશોધનોના વ્યાપક ઉપયોગથી પણ ખેતીક્ષેત્ર પરનું ભારણ ઘટે છે.


આધુનિક ખેતીના વિવિધ પાસાઓ   (Modern Agriculture):

  •  ભારતની પરંપરાગત ખેતી જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીનાં પ્રાથમિક સાધનોનો ઉપયોગ દ્વારા કરવામાં આવતી હતી.
  • આ સાધનો ખૂબ ઓછી ઉત્પાદકતા આપતા હતા. તેથી તેઓના  ઉપયોગ દ્વારા આખા દેશની ખેતીજન્ય જરૂરિયાત સંતોષવી  શક્ય ન હતી. તેથી વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. 
  •  આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે હાઈબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા યંત્રો, સિંચાઈ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ થયો.

જેના કારણે ખેત-ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો જેને એક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવી. આ ક્રાંતિ ખેતીક્ષેત્રમાં ‘હરિયાળી ક્રાંતિ’ ના નામે ઓળખવામાં આવી.

હરિયાળી ક્રાંતિ (Green Revolution) :

  •  વર્ષ 1960-61માં ખેતીક્ષેત્રની નવી ટેક્નોલોજીનો ઉપયોગ ભારતના માત્ર સાત જિલ્લાઓમાં “પાઇલટ પ્રોજેક્ટ’ રૂપે કરવામાં આવ્યો.
  • જેણે શરૂઆતમાં   IADP (Intensive Agricultural District Program) એટલે કે જિલ્લાઓ માટેનો ‘સઘન ખેતીનો કાર્યક્રમ’ સ્વરૂપે ઓળખાયો.
  • સમય જતાં તેની અદભુત સફળતાને કારણે તે આખા દેશ પર લાગૂ પાડવામાં આવ્યો ત્યારે તેને  HYVP (High Yielding Varieties Program) એટલે કે ‘ઊચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ’ નામથી ઓળખાયો.

 જેને ‘હરિયાળી ક્રાંતિ’ ના નામથી ઓળખવામાં આવે છે.આ  ઉપરાંત તેને ‘આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ’ અથવા  ‘બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પાકની ફેરબદલી (Multiple Cropping) 

  •  પાકની ફેરબદલી એ  દેશમાં લેવાતા જુદા-જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ  પામેલ જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય છે.
  • પાકની ફેરબદલી એ ખેતીકાર્યોનું સ્વરૂપ દર્શાવે છે. સામાન્ય રીતે બે પ્રકારના  પાક હોય છે :

(1) અનાજનો પાક અને (2) અનાજેત્તર પાક, જેને રોકડિયા પાક તરીકે પણ ઓળખવામાં આવે છે.

  • અનાજના  પાકમાં ઘઉં, ચોખા, બરછટ અનાજ (બાજરી, જુવાર, મકાઈ વગેરે) અને કઠોળનો સમાવેશ થાય છે.
  • જયારે રોકડિયા પાકમાં વિવિધ તેલીબિયાં મગફળી, તેલ, એરંડા, સોયાબીન, અળસી, સૂર્યમુખી વગેરે ઉપરાંત શેરડી, રબર, કપાસ, શણ વગેરેનો સમાવેશ થાય છે.

 પાકની ફેરબદલી માટેના બે મુખ્ય કારણો છે : (1) ટેક્નોલોજિકલ પરિબળો (2)આર્થિક પરિબળો.

 ટેકનોલોજીકલ પરિબળો : 

  •  કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન, આબોહવા, વરસાદ વગેરેબાબતો પર આધાર રાખે છે.
  • દા,ત, મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લીધા બાદ ચોખાનો પાક  લેવામાં આવે છે.

ભારતના ઘણા રાજયોમાં સિંચાઈની સગવડોના આધાર પર શેરડી, તમાકુ જેવા પાક લેવામાં આવે છે. આમ, પાકની ફેરબદલી મૂડી, નવા બિયારણો, ખાતરો, ધિરાણની સગવડો વગેરેના આધારે શક્ય  બને છે.

 આર્થિક પરિબળો :

પાકની ફેરબદલી માટે આર્થિક પરિબળો પણ અગત્ય ધરાવે છે. આ આર્થિક પરીબળો નીચે મુજબ છે :

(1) કિંમત અને આવક મહત્તમ બનાવવી (2) ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા (3) ખેતરનું કદ (4) વીમા-૨ક્ષણ (5) મુદત (જમીન માલિક પાસેથી મળેલ જમીનની મુદત) વગેરે.

 આ પરિબળોની ઉપલબ્ધતા કે ઉણપ જે-તે પાકની પસંદગી કે ફેરબદલી માટે જવાબદાર હોય છે.

  પાકની  ફેરબદલીના કારણે વર્ષ 2010- 11માં અંદાજે અનાજનો પાક 66 % અને રોકડિયો પાક 34 % લેવાયેલ હતો. તેવું એગ્રિકલ્ચરલ સ્ટેટિકસ્ટિક્સ એટ અ  ગ્લાન્સના 2010-11 ની આવૃત્તિમાં દર્શાવવામાં આવ્યું છે જેના આધારે કહી શકાય છે.


પાક-સંરક્ષણ (Crop Protection) :

  •  જંતુનાશક દવાઓના ઉપયોગ વડે ખેત-ઉત્પાદકતા વધવી જોઈએ પરંતુ ભારતમાં જંતુનાશકોનો હેક્ટર દીઠ  વપરાશ ઘણો ઓછા છે.
  • અધિક સર્વે 2015-16 મુજબ ભારતમાં માત્ર 0.5 કિગ્રા પ્રતિ હેક્ટર જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. જ્યારે અમેરિકામાં પ્રતિ હેકટરે 7.0 કિગ્રા, યુરોપમાં 2.5 કિગ્રા, જાપાનમાં 12 કિગ્રા અને કોરિયામાં 6.6 કિગ્રા જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. 
  •  જેના કારણે ભારતમાં 15 થી 25 % પાક જંતુઓ, રોગો, નીંદણ અને પશુ -પંખીઓના કારણે નુકસાન પામે છે. જેને બચાવી શકાય છે.
  • જંતુનાશક દવાઓ વિશેની પોગ્ય માહિતીનો અભાવ, નીચી ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ અને જંતુનાશક દવાઓના વપરાશ અંગેની માહિતીનો અભાવ એ ભારતના મોટા  પ્રશ્નો છે. ભારતમાં થતા જંતુનાશક દવાઓનો અયોગ્ય ઉપયોગ પર્યાવરણ અને માનવજાત માટે મોટા પ્રાણઘાતક બની રહ્યા છે.


ભારતના ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા-જુદા પ્રકારો અને તેમના ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે CIBRC (Central Insecticide Board and Registration Committee) કાર્યરત છે.

કૃષિ-સંશોધન (Agriculture Research):

 

  • ICAR (Indian Council of Agricultural Research) એ એવી એક માત્ર સંસ્થા છે. જે ભારતમાં વિવિધ કૃષિ-સંશોધનો  કરાવે છે.
  • તે માટેની વ્યવસ્થાઓ કરે છે અને તે માટેની મદદ પૂરી પાડે છે.આ ઉપરાંત દેશમાં ખેતી સહિત બાગાયતી ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન વિજ્ઞાન વિશે જ્ઞાન ફેલાવવામાં મદદ કરે છે.

  ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે. તેણે રાષ્ટ્રીય  અનાજ-પ્રાપ્તિ અને પોષણયુકત રક્ષણ મળી રહે તે માટે શક્ય તેટલા પ્રયત્નો પણ કર્યા છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here