પાઠ – 8 નાણાકીય સંચાલન

0
1406
economics nanakiy sanchalan
Source: www.addicted2success.com

પ્રસ્તાવના  (Introduction):



  • સરળ અર્થમાં નાણાનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન નાણું એ ધંધા માટે ૨ક્ત સમાન છે.

રૂધિરાભિસરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. તેવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય નથી.

પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ છે. ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. 

સૂત્રો

“નાણાં ધંધા રૂપી યંત્રો માટે સિંચનનું તેલ છે અને તે  યંત્રને આસાનીથી ચલાવવામાં મદદરૂપ થાય છે”.

“નાણા આર્થિક શરીરનું રુધિરાભિસરણ તંત્ર છે”.

“ઉદ્યોગો માટે નાણું જીવનદાતા રક્ત સમાન છે યંત્રમાં ચક્રનું છે સ્થાન છે વિજ્ઞાનમાં અગ્નિનું જે સ્થાન છે રાજકારણમાં મતનું જે સ્થાન છે તેવું જ સ્થાન ઔદ્યોગિક ક્ષેત્રે નાણાનુ છે” 

“જે નાણાં યોજના દ્વારા ભંડોળનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે અને નફાકારકતા મહત્તમ બને તે આદર્શ મૂડી યોજના છે”.

 

નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા

(Concept and Definition of Financial Management):

વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન, ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓનાં પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે.

નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે.

વ્યાખ્યાઓ :

 

  • એફ. ડબલ્યુ. પાઇશના જણાવ્યા મુજબ, “નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણા મળી રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવી.”

 

  •  રેમન્ડ જે. ચેમ્બર્સના જણાવ્યા મુજબ,”નાણાંકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલા લેવા અને તેની આલોચના કરવી.”

 

  • પ્રોફેસર એમ. કિમ્બાલના જણાવ્યા મુજબ, “નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું. તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી.”

ઉપરોક્ત વ્યાખ્યાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં ધંધા શરૂઆતથી તેના વિસ્તરણ અને અંત સુધીના ધંધાના બધા જ  નાણાકીય નિર્ણયોને આવરી લેવાય છે.

નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ (Characteristics):

(1) સંચાલનની શાખા : નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે કે જેમાં નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ થાય છે.

(2) વિશાળ કાર્યક્ષેત્ર : 

નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં નાણાની જરૂરિયાતનું અનુમાન, પ્રાપ્તિ, મહત્તમ ઉપયોગ, યોગ્ય ફાળવણી અને તેના આયોજન તથા અંકુશનો સમાવેશ થાય છે. 

(3) સંચાલકીય નિર્ણયોનો આધાર : 

સંચાલકીય નિર્ણય માટેનો આધાર નાણાકીય સંચાલન પૂરો પાડે છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન વિકાસ વગેરે અંગેના નિર્ણયો નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે.

(4) નાણાકીય નિર્ણયો સાથે સંબંધ : 

રોકાણ, મૂડીમાળખું અને ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન સંબંધ ધરાવે છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

(5) માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ : 

માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન વે અભિગમો અપનાવે છે: (i) નફાનું મહત્તમીકરણ (ii) સંપત્તિનું મહત્તમીકરણ.(

6) ચાવીરૂપ સ્થાન : નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય  એકમના વ્યવસ્થાકિય માળખામાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે.

(7) સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ : 

 નાણાકીય સંચાલન એ સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવા કે, ઉત્પાદન સંચાલન, બજા૨ સંચાલન, કર્મચારી સંચાલન સાથે સંબંધ ધરાવે છે. 

(8) બે ભાગમાં વિભાજન : 

નાણાકીય સંચાલનને બે ભાગમાં વહેચી શકાય છે. દા.ત., કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે મકાન, યંત્રો, જમીન વગેરેના વિસ્તરણ માટેના  આયોજનનો સમાવેશ થાય છે, જ્યારે કાર્યશીલ મૂડીનું સંચાલન રોજબરોજના ખર્ચા માટે જરૂરી છે.

નાણાકીય સંચાલન ની લાક્ષણિકતાઓ

સંચા વિશાળ સંચા નાણા માલિક ચાવી સંચા બે ભાગમાં નાણા સંચા ની લાક્ષ.


નાણાકીય સંચાલનના હેતુઓ

(Objectives of Financial Management) : 

નાણાકીય સંચાલનનો હેતુ ‘માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ’ નો હોવો જોઈએ. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા ‘માલિકના આર્થિક મહત્તમીકરણ’ નો હેતુ રાખે છે કે તે કંપનીના શેર હોલ્ડરો છે. આ માટે નીચેનાં બે અભિગમ છે :

(A) નફાના મહત્તમીકરણનો હેતુ (B) સંપત્તિના મહત્તમીકરણનો હેતુ

(A) નફાના મહત્તમીકરણનો હેતુ (Objective of Profit Maximisation) :

  • નફાનું  મહત્તમીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરવી. કંપનીમા રોકાણ કરનારાઓ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ કંપનીના શેર ખરીદે છે.
  • આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવો જોઈએ અને ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવી જોઈએ.
  • આ સિદ્ધાંત વધુમાં સુચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ. નફાના  મહત્તમીકરણના હેતુ દ્વારા કંપની છે શેરદીઠ કમાણી વધારી શકે છે.


(B) સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ (Objective of Wealth Maximisation): 

  • સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ‘ચોખ્ખા વર્તમાન મૂલ્ય’  તરીકે પણ ઓળખાય છે.
  • ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેરહોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે છે. આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો જ કંપનીએ સ્વીકારવા જોઈએ.
  • સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે.
  • આ અભિગમ રોકડ પ્રવાહના માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાને અવગણવામાં આવે છે.
  • સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનુ  ચોખ્ખું વર્તમાન મૂલ્ય.
  • સંપત્તિનું ચોખ્ખું  વર્તમાન મુલ્ય = સંપત્તિનું વર્તમાન મુલ્ય – સંપત્તિ માટે જરૂરી મૂડીરોકાણ.
  • નાણાકીય સંચાલને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ  કે જેથી કંપનીની સંપત્તિ મહત્તમ બને.
  • જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ ઉપર થશે.
  • શેરબજારમાં શેરનો ભાવ વધશે. પરિણામે શેરહોલ્ડરોની સંપત્તિનું મહત્તમીકરણ થશે. જેના કારણે શેરહોલ્ડરોની મિલકતમાં વધારો થાય છે.
  • નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યો છે.

નાણાકીય સંચાલન ના હેતુઓ

  • નફાના મહતમીકરણ નો હેતુ:
  •  રોકાણકારોનો ડિવિડન્ડ મેળવવાનો હેતુ.
  •  કંપનીએ મહત્તમ નફો કમાવો.
  •  નફાકારક પ્રોજેક્ટ નો સ્વીકાર
  •  કંપની શેરદીઠ કમાણી માં વધારો 
  • સંપતિ ના મહતમીકરણ નો હેતુ : ચોખ્ખું વર્તમાન મૂલ્ય
  • કંપની ની મિલકત સંપત્તિ શેરહોલ્ડરોને સંપત્તિ સર્જે છે.
  •  કંપનીએ સંપત્તિના મૂલ્યમાં વધારો થાય તેવા નિર્ણય કરવા. 
  • રોકડ પ્રવાહના  ખ્યાલ પર આધારિત 
  • રોકડ પ્રવાહ માપદંડ છે
  • સંપતિનું વર્તમાન મૂલ્ય- સંપતિ માટે જરૂરી મૂડીરોકાણ= સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય
  •  સંપતિ મહત્તમ બને તેવા નિર્ણયો લેવા

 જો એવું થાય તો શેર બજારમાં કંપનીના શેરના ભાવ વધે અને શેરહોલ્ડર મિલકતોમાં પણ વધારો.

 

નાણાકીય સંચાલનનું મહત્વ

 (Importance of Financial Management): 

1950 પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રવાહોમાં પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનુ મહત્વ વધ્યું છે.

(1) નાણાકીય જરૂરીયાતોનો અંદાજ :  નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડી કેટલી જરૂરિયાત રહેશે તેનો અંદાજ નાણાકીય સંચાલન મેળવે છે.

(2) નાણાં પ્રાપ્તિ : નાણાકીય સંચાલન મૂડીનાં પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે મૂડી મેળવે છે.

(3) આયોજન અને અંકુશ : નાણાંનો ઉપયોગ કરકસરયુક્ત રીતે થાય તે માટે નાણાંના આયોજન સાથે અંકુશ રાખે છે.

(4) નાણાંની વહેંચણી : જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વહેંચણી કરે છે કે જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાં મળી રહે.

(5) તરલતાની જાળવણી : રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરી તરલતાની જાળવણી કરે છે જેથી ચોક્કસ રોકડ સિલક હાથ ઉપર રાખી શકાય.

(6) આવકની વહેંચણી :નફાનો કેટલો હિસ્સો શેરહોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેચવો અને નફાના કેટલા ભાગનું ધંધામાં પુનઃ રોકાણ કરવું તે નક્કી કરે છે.

(7) ચાલુ મિલકતોનુ સંચાલન: ચાલુ મિલકતોમાં રોકડ, દેવાદારો, માલ સામગ્રી, વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક સિલક વગેરેનો સમાવેશ થાય છે. આ ચાલુ મિલકતોના રોકાણ માટેની નીતિનું ઘડતર કરે છે.

(8) નાણાકીય નિર્ણયો : નાણાકીય સંચાલન મૂડી બજેટ, ડિવિડન્ડ નીતિ, નફાનું પુન:રોકાણ વગેરે અંગે મહત્વના નિર્ણયો લે છે અને આ જુદા જુદા નાણાકીય નિર્ણયો વચ્ચે સંકલન જાળવે છે. દા.ત., ડિવિડન્ડ નીતિ અને નફાના પુન:રોકાણ વચ્ચે સંકલન.

(9) ધંધાની શાખમાં વધારો : ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન મહત્ત્વનું યોગદાન આપે છે. કાર્યક્ષમ નાણાંકીય સંચાલન નાણાકીય અનુકુળતાઓ ઉભી કરે છે જેથી કર્મચારીઓને  પગાર અને લેણદારોને સમયસર ચુકવણી કરી શકાય છે. પરિણામે ધંધાની શાખમાં વધારો થાય છે.

નાણાકીય સંચાલન નું મહત્વ

નાણાકીય અંદાજ કરી નાણા પ્રાપ્તિ નું આયોજન અને નાણાંની વહેંચણી કરવી તરલતાની અને આવકની ચાલુ નાણાકીય ધંધાની સાખમાં વધારો કરવો એ ના સંચાલનનું મહત્વ છે.

Short: નાણાં જરૂરી નાણા પ્રા આયો નાણા વ તરજાળ આવવહે

ચાલુ મિ સંચા નાણા ની ધંધા ની શાખ નાણા સંચા મહ.


નાણાકીય નિર્ણયો (Financial Decisions):

નાણાંકીય સંચાલન નાણાં કાર્ય સાથે સંબંધ ધરાવતું હોવાથી તેને નાણાં કાર્ય તરીકે પણે ઓળખવામાં આવે છે.

આથી આ સંદર્ભમાં નાણાકીય સંચાલનમાં નીચે જણાવેલા મહત્વના ત્રણ પ્રશ્નો અંગે નિર્ણયો લેવાના હોય છે:

(A) રોકાણ સંબંધિત નિર્ણયો

(B) ધિરાણ સંબંધિત નિર્ણયો 

(C) ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો


રોકાણ સંબંધિત નિર્ણયો  (Decisions Related to Investment) : 

  • ધંધાની કાયમી મિલકતોમાં લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે.
  • જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં ભંડોળનું રોકાણ કરવાનું છે તે મિલકતોની પસંદગી અને તેમાં રોકાણ અંગે નિર્ણયો નાણાકીય સંચાલકે લેવા પડે છે.
  • રોકાણ અંગેના નિર્ણયને મૂડી બજેટિંગ કહે છે.રોકાણ અંગેના  નિર્ણયોમાં જોખમનું તત્વ રહેલું છે. 
  • આથી રોકાણ અંગેના નિર્ણયોનુ મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ.

રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો : 

(1) કુલ મૂડીની જરૂરિયાત (2) રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા (3) રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ (4) રોકાણમાં જોખમનું તત્વ (5) રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત (6) રોકાણની આર્થિક ઉપયોગીતા અને તેનું અંદાજિત આયુષ્ય (7) રોકાણ નું મહત્વ (8) મૂડીની માપબંધી (9) ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા.

રોકાણ સંબધિત નિર્ણયો

  • નાણાકીય સંચાલકે મિલકતોની પસંદગી અને તેમાં રોકાણના નિર્ણયો લેવા પડે
  • રોકાણ અંગેના નિર્ણયોને મૂડી બજેટિંગ કહે છે
  • આ નિર્ણયમાં જોખમ હોવાથી અપેક્ષિત વળતર અને તેના સંદર્ભમાં મૂલ્યાંકન કરવું જોઈએ.
  • મૂડી બજેટની વિવિધ પદ્ધતિઓ પરત આપ વળતર દર વટાવેલ રોકડ પ્રવાહ.

રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો:

  • કુલ મૂડીની જરૂરિયાત
  • મળવાપાત્ર અંદાજિત વળતર દર ચોખ્ખો રોકડ પ્રવાહ 
  • રોકાણમાં જોખમનું  તત્વ 
  • રોકાણ પછી કાર્યશીલ મૂડી ની જરૂરિયાત 
  • રોકાણની આર્થિક ઉપયોગીતા અંદાજિત આયુષ્ય
  •  રોકાણ નું મહત્વ 
  • મૂડીની માપબંધી
  •  ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા.


ધિરાણ સંબંધિત નિર્ણયો (Decisions Related to Financing) : 

રોકાણ અંગેના નિર્ણયો કંપનીની મિલકતો  સાથે સંકળાયેલા છે જયારે ધિરાણ સંબંધિત નિર્ણયો મૂડી માળખા સાથે સંકળાયેલા છે.

 મૂડી માળખાના ચાર પ્રકારો છે (1) ઇક્વિટી શેરનું (2) ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું (3) ઈક્વિટી શેર અને ડિબેન્ચરનું (4) ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવા

મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે.  ઇક્વિટી મૂડી અને દેવાનું  યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડીમાળખું કહે છે.ઇષ્ટતમ મૂડી માળખું ઓછું જોખમી અને મહત્તમ વળતર આપે છે.


ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો (Decisions Related to Dividend) : 

  • ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે જે તેના શેરહોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે.
  • ડિવિડન્ડ એ શેરહોલ્ડરોને તેમનાં રોકાણ ઉપર મળતું વળતર છે. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડ/ચેકમાં જ ચૂકવી શકાય.
  • શેરની ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવાય છે.
  • નાણાકીય સંચાલકે નક્કી કરવાનું હોય છે કે નફાનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલો ભાગ ધંધામાં રાખવો.
  • ધંધામાં રાખી મુકેલી કમાણી (Retained Earning) કંપની માટે નાણાં પ્રાપ્તિનું મહત્ત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે.
  • ડિવિડન્ડની ચુકવણી કંપનીના શેરના બજાર મૂલ્યને  અસર કરે છે. નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે તો નફાનું પુન:રોકાણ (Pulling Back off Profit) ઘટે છે.

બીજી બાજુ, નફાના મોટાભાગનું પુનઃ રોકાણ થાય તો ડિવિડન્ડ માટે ઓછી રકમ  રહે છે.


ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતાં પરિબળો :

(1) ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણતીપાત્ર  નફો (2) ભવિષ્યમાં કમાણીનો અંદાજ (3) પાછલા વર્ષો દરમિયાન કંપનીએ ચૂકવલ ડિવિડન્ડનો દ૨ (1) ધંધામાં નફાના પુન:રોકાણની જરૂરિયાત (5) કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો (6) કંપની પાસે અનામતોનું પ્રમાણ (7) ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન (8) કંપનીના સંચાલકોનું વલણ (9) કરવેરા  નીતિ (10) ધારાકીય નિયંત્રણો (11) કંપનીના શેર હોલ્ડરોની અપેક્ષા (12) મૂડી બજારની પરિસ્થિતિ (13) કંપનીનો વિકાસદર ( 14) કંપનીની તરલતાની પરિસ્થિતિ.

ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો

  • ડિવિડન્ડ શેર હોલ્ડર્સને મળતું વળતર છે.
  •  ફક્ત રોકડમાં જ ચૂકવી શકાય છે.
  •  ચૂકવણીનો આધાર પ્રાપ્ત રોકડ પર.
  •  ડીવીડન્ડનો નિર્ણય સંચાલક પર.
  •  ધંધામાં રાખેલી કમાણી આંતરિક નાણા પ્રાપ્તિનું મહત્વનું સાધન કંપનીના શેરના બજાર મૂલ્ય પર અસર કરે
  •  ડિવિડન્ડ નો મોટો ભાગ વેચાય તો નફાનુ પુનઃરોકાણ ઘટે.

 આનાથી ઊલટું.

ડિવિડન્ડ નિર્ણયને અસર કરતા પરિબળો

  • કંપનીનો વહેંચણી પાત્ર નફો
  •  ભવિષ્યની કમાણીનો અંદાજ
  •  પાછલા વર્ષમા ચુકવેલ ડિવિડન્ડ
  •  નફાના પુનઃરોકાણ ની જરૂરિયાત
  •  કંપનીની વર્તમાન નાણાકીય પરિસ્થિતિ અને જરૂરિયાતો
  •  અનામતનું પ્રમાણ 
  • ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન
  •  સંચાલકોનું વલણ

 કરવેરા નીતિ શેરહોલ્ડરોને અપેક્ષા મૂડી બજાર ની પરિસ્થિતિ કંપનીનો વિકાસ દર તરલતાની પરિસ્થિતિ.


મૂડી માળખું (capital structure ) :

મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદાં જુદાં સ્થાનો જેવાં કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેંચર, અનામતો અને લોન ભંડોળનુ  મિશ્રણ.

આ સંદર્ભમાં ગેસ્ટર્નબર્ગના જણાવ્યા મુજબ, ‘જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે.’

વ્યાખ્યા :

સરળ શબ્દોમાં ‘મૂડી માળખું’ એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઉભી કરવા માટે ઉપયોગમાં લીધેલાં જુદાં જુદાં પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ.

આદર્શ (ઇષ્ટતમ) મૂડી માળખાની લાક્ષણીકતાઓ 

(1) સરળતા : ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દૃષ્ટિએ મૂડી માળખું સરળ બને છે.

(2) નકાકારકતા :કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ

(3) નાણાંની પ્રાપ્યતા : મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિસ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય.

(4) પરિવર્તનશીલતા :કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ જેથી બદલાતા સંજોગોમાં અને જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય.

(5) કરકસર : મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિસ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મુડીની પડતર લધુત્તમ થાય.

(6) સમતુલા : માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જળવાવી જોઈએ.

(7) તરલતા : જવાબદારી કે દેવાંની ચુકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મુડી માળખામાં હોવી જરૂરી છે.

(8) આકર્ષણ : વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ.

(9) સદ્ધરતા : ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય.


મૂડી  માળખાને અસર કરતા પરિબળો 

(A) આંતરિક પરિબળો (Internal factors):

(1) ધંધાનો પ્રકાર : ઉત્પાદન કરતાં વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડી જરૂરિયાત વધુ હોય છે. જયારે વેપારી એકમોમાં  પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. 

(2) ધંધાનું કદ : મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મુડીની જરૂરિયાત રહે છે. નાના કદના ઔદ્યોગિક એકમોને પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત પડે છે. 

(3) ધંધાની કમાણીના અંદાજો : ધંધાની  કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે છે. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઉછીની મૂડી પર આધાર રાખી શકે છે. 

(4) મિલકતનું સ્વરૂપ અને જરૂરિયાત : મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મોટી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. 

(5) સંચાલકોનું વલણ:જે કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તે વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતાં પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે.

(6) નાણાકીય જરૂરીયાતો : ઓછા પ્રમાણમાં મૂડી જરૂરીયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય છે. પરંતુ વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડે છે.

(7) મૂડી જરૂરિયાતનો સમય : જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. બીજી બાજુ, કંપનીને ટૂંકાગાળા માટે મૂડીની  જરૂર હોય તો ડિબેંચર કે પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી મેળવશે.


(B) બાહ્ય પરિબળો (External Factors) :

 

(1) મૂડી બજારમાં તેજી-મંદીની પરિસ્થિતિ :મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી  શેરમાં નહિ, પરંતુ ડિબેંચરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. જયારે તેજીના સમયમાં ઊંચા ડીવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઈક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે.


(2) બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર : મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર પાડી ભંડોળ  મેળવવાનું વલણ રહે છે. પરંતુ પ્રવર્તમાન વ્યાજના દરો ઓછા હોય તો મૂડી માળખામાં ડિબેન્ચર ને પણ સ્થાન આપવામાં આવે છે.

(3) મૂડી પડતર -જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ : 

મૂડી ઉભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપનીએ વિજ્ઞાપનપત્ર બહાર પાડવાનો ખર્ચ, બાહેંધરી  કમિશન, દલાલી વગેરે ખર્ચાઓ કરવા પડે છે. 

(4) કાનૂની નિયંત્રણો : મૂડી માળખું પસંદ કરતી વખતે કાનુની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે  જામીનગીરીઓ બહાર પાડી મૂડીભંડોળ મેળવતી કંપનીએ ઈક્વિટીશેર ફરજિયાત બહાર પાડવા પડે છે. 

(5) કરવેરા નીતિ :કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે  છે. 

(6) સંસ્થાકીય રોકાણકારો : વીમા કંપનીઓ, બેન્ક, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. 

(7) વિદેશી સંસ્થાકીય રોકાણકારો: વિદેશી રોકાણકાર સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય. વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર, ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.

મૂડી માળખાને અસર કરતા પરિબળો

આંતરિક: ધંધાનો પ્રકાર કજ કમાણીના અંદાજ મિલ સ્વરૂપ સંચા નું વલણ નાણા મૂડી ની જરૂરિયાતો.

બાહ્ય: મૂડી બજારમાં તેજી મંદી બજારમાં વ્યાજદર મૂડી જામીનગીરી ખર્ચ કાનો નિયંત્રણ કામદાર નીતિ સંસ્થા રોકાણકારો વિદેશી સંસ્થા રોકાણકારો.


કાર્યશીલ મૂડી (Working Capital)

અર્થ અને વ્યાખ્યા (Meaning and Definition) : 

બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ  મૂડીની જરૂર પડે છે. કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર રહે છે.

જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે, કાચો માલ, દેવાદારો, લેણીહૂંડી વગેરેમાં રોકાયેલ રહે છે.

કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહે છે. આથી કાર્યશીલ મૂડીને જીવન-રક્ત (Life-Blood) કહે છે.

વ્યાખ્યાઓ :

  •  લિન્કન, ડોરિસ, સ્ટેવેન્સનાં જણાવ્યા મુજબ, ‘ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપર વધારો એટલે કાર્યશીલ મૂડી.’
  • જે. એસ. મિલના જણાવ્યા મુજબ, ‘ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી.’

કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત

(1)કુલ કાર્યશીલ મૂડી- અર્થ

   કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણીહૂંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરી, બેંક સિલક, રોકડ વગેરેનો સરવાળો.

ચોખ્ખી કાર્યશીલ મૂડી- અર્થ 

ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ.

(2) તરલતાની સ્થતિ: આ ખ્યાલ કંપની ની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી.

ચોખ્ખી કાર્યશીલ મૂડી: આ ખ્યાલ કંપનીની તરલતાની  સ્થિતિ દર્શાવે છે.

(3) નાણાકીય સ્થિતિ અને માપદંડ: કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી.

ચોખ્ખી કાર્યશીલ મૂડી: કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે.

(4) ચાલુ જવાબદારીમાં વધારો:ચાલુ જવાબદારીમાં વધારો કુલ  કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે. 

ચોખ્ખી કાર્યશીલ મૂડી:ચાલુ જવાબદારીમાં વધારો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી.


કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ 

(Characteristics of Working Capital) :

(1) ટૂંકા ગાળાની મૂડી :  કાર્યશીલ મૂડી ટૂંકા ગાળાની મૂડી છે.

(2) ચાલુ મિલકતોમાં રોકાણ :કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓનો ચાલુ મિલકતોમાં સમાવેશ થાય છે.

(3) તરલતા : તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થાય છે.

(4) ઓછું જોખમ : કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી, ટૂંકા ગાળા માટેની અને  સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે તેથી જોખમનું તત્ત્વ ઓછું છે. 

(5) બદલાતું સ્વરૂપ : જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. દા.ત., કાચા માલનું અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં અને તૈયાર માલનું શાખ પર વેચાણ થાય તો દેવાદારોમાં અને રોકડેથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે.

(6) રોજબરોજના ખર્ચા ચૂકવવા : રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ  મૂડીની સતત જરૂર રહે છે.

(7) ઘસારો નહીં :ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી.

(8) ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત : કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર  આધાર રાખે છે. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે.

કાર્યશીલ મૂડી ના લક્ષણો:

ટૂંકા ગાળાની ચાલુ મિલકતો માં તરલતા ઓછું બદલાતો સ્વરૂપ અને રોજના ખર્ચા ઘસારો નહીં ધંધા ના પ્રકાર સ્વરૂપ પ્રમાણે કાર્ય મૂડી ના લક્ષણો.

Short: ટૂંકા ચાલુ તર ઓછું બદ રોજ ઘસા ધંધા કાર્ય મૂડી ના લક્ષ


કાર્યશીલ મૂડીને અસર કરતાં પરિબળો

(1) ધંધાનો પ્રકાર અને સ્વરૂપ : કાર્યશીલ મૂડીની  જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે.દા.ત., જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાખ પર વેચાણ કરવું પડતું હોય તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે. દા.ત., ગેસ કંપની, વિદ્યુત  કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જયારે શ્રમ પ્રધાન ઉદ્યોગમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે.


(2) ધંધાનું કદ : જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે અને જેમ ધંધાનું કદ વ્યાપ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે.


(3) ઉત્પાદન ચક્ર :કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત વધુ રહે છે. દા.ત., સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર રહે છે જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગને ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોવાથી પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે.

(4) ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર : ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. દા.ત., ગરમ કપડાં ઉત્પાદન કરતી કંપનીઓ મોટાભાગે બારે માસ ઉત્પાદન ચાલુ રાખે છે જ્યારે વેચાણ શિયાળાની ઋતુમાં જ થાય છે.


(5) કાચા માલનો સંગ્રહ :કાચા માલના પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતાં હોય કે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત હોય ત્યારે કાચાંમાલના જથ્થાનો સંગ્રહ કરવો પડે છે. આથી કાર્યશીલ મૂડીનુ રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં થાય છે.

(6)શાખનીતિ :તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. પરંતુ શાખ ઉપર વેચાણ નીતિ અપનાવવામાં આવી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે.

(7) ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર :

દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણીહુંડીનાં નાણાં પાકતી તારીખે મળી રહેતાં હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર ઓછી પડે છે. આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે.

(8) સ્ટોક ચલન દર : તૈયાર માલની સ્ટોકનો ચલનદર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે અને સ્ટોક ચલન દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહે છે.

(9) કામગીરીની કાર્યક્ષમતા : ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી અને ઉઘરાણી ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટાડી શકાય છે.

(10) નફા ફાળવણી :ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે કારણ કે ડિવિડન્ડ  રોકડમાં જ ચુકવવું પડે છે. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે.

કાર્યશીલ મૂડી ને અસર કરતા પરિબળો

ધંધાનો પ્રકાર સ્વરૂપ કદ ઉત્પાદન ચક્ર નીતિ માંગ નો પ્રકાર કાચો માલ સંગ્રહ શાખ નીતિ ચાલુ મીનું રોમાં  રૂપાંતર સ્ટોક કામગીરી નફાની કા મૂડી ના પરિબળો.

Short: ધંધાનો પ્રસ્વ કદ ઉચક્ર ઉની કાચામા શાખ ચાલુ સ્ટોક

કામનફા કા મૂડી ના પરિબળો.


કાયમી મૂડી (Fixed Capital):

અર્થ અને ખ્યાલ (Meaning and  Concept) : 

કાયમી મૂડી એટલે લાંબાગાળાની મૂડી કે જે સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે. 

કાયમી મિલકતો જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર વગેરેમાં રોકાયેલી રહે છે. આમ, કાયમી મૂડીનું અસ્તિત્વ લાંબા ગાળા સુધી ચાલુ રહે છે.


કાયમી મૂડીની લાક્ષણિકતાઓ (Characteristics) :

(1) લાંબો ગાળો : કાયમી મૂડી લાંબા ગાળા સુધી 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે.

(2) વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ:  મોટા ઉદ્યોગો જેવા કે ભારે યંત્ર-સામગ્રી અને રાસાયણિક ઉદ્યોગોમાં કાયમી મૂડીનું પ્રમાણ વધુ હોય છે. વેપારી એકમોમાં કાયમી મૂડીનું પ્રમાણ ઓછું હોય છે.

(3) ઘટકો :  કાયમી મૂડીના ઘટકોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, વાહન, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે.

(4) તરલતા ઓછી :  આ પ્રકારની મૂડી લાંબા ગાળા સુધી કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી સરળતાથી રોકડમાં રૂપાંતર થતું નથી તેથી તરલતાનું પ્રમાણ ઓછું છે.

(5) જોખમ :  કાયમી મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે અને કાયમી મિલક્તો લાંબા ગાળાની હોવાથી તેમાં અપ્રચલિત થવાનું જોખમ રહે છે. 

(6) ઘસારો : કાયમી મૂડી જેમાં રોકાયેલી છે તેવી કાયમી મિલકતો ઉપર ઘસારો ગણાય છે તેથી કાયમી મૂડીની ચોપડે કિંમતમાં ઘટાડો થતો રહે છે.

(7) પ્રાપ્તિસ્થાનો :  કાયમી મૂડીનાં પ્રાપ્તિસ્થાનોમાં ધંધાના સ્થાપકો, ધંધાના માલિકો, વિવિધ પ્રકારની જામીનગીરીઓ, નાણાકીય સંસ્થાઓ અને નફાનું પૂનઃ રોકાણ વગેરે છે. 


કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતાં પરિબળો

 (1) ધંધાનો પ્રકાર અને સ્વરૂપ : ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતાં ઔદ્યોગિક એકમો જેવા કે  વહાણવટા ઉદ્યોગ, લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ, ખનીજ ઉદ્યોગ વગેરેને વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂર રહે છે. સેવા પૂરી પાડતાં એકમોમાં કાયમી મૂડીની જરૂર પ્રમાણમાં ઓછી હોય છે.

(2) એકમનું કદ : નાના કદના એકમોને મોટા કદના ઔદ્યોગિક એકમો કરતાં પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂર રહે છે. ગૃહ ઉધોગને ખાંડ ઉદ્યોગ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ કરતાં ઓછી કાયમી મૂડીની જરૂર પડે છે. જયારે વાહનોનુ ઉત્પાદન કરતા એકમોનું કદ મોટું હોવાથી વધારે પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. 

(3) માલિકી/ભાડાપટ્ટાનો ઉપયોગ : જમીન, મકાન, યંત્રો વગેરે જેવી કાયમી મિલકતો ખરીદવા કરતા ભાડાપટ્ટાથી મેળવવામાં આવે તો તેટલી અંશે કાયમી મૂડીનું રોકાણ ઘટાડી શકાય છે અને કાયમી મૂડીનું જોખમ પણ ઘટાડી શકાય છે.


(4) સંશોધન ખર્ચ : ઔદ્યોગિક એકમોએ તેમની પેદાશને વધુ ઉપયોગી બનાવવા, ઉત્પાદન પડતર ઘટાડવા, વસ્તુનો આકાર કે રચના આકર્ષક બનાવવા સંશોધન કાર્ય હાથ ધરવું પડે છે. આ બધા ખર્ચ માટે કાયમી મૂડીની જરૂર રહે છે.

(5) અદ્યતન ટેકનોલોજી : સમયના પસાર થવા સાથે ટેકનોલોજી બદલાતી રહે છે. નવા સંશોધનો અને અદ્યતન ટેકનોલોજીના કારણે જૂના યંત્રો દૂર કરી નવા યંત્રો વસાવવા પડે છે. આ માટે કાયમી મૂડીની જરૂર રહે છે. 

(6) સરકારી મદદ અને કરવેરાની નીતિ : ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને જુદા જુદા પ્રાદેશિક વિસ્તારોમાં વિકાસને સમતુલિત બનાવવા માટે સરકારે ઉદ્યોગોને ગ્રાન્ટ કે સબસિડી સ્વરૂપે મદદ કરે છે. દા.ત., સરકાર ઔદ્યોગિક એકમને જમીન અને  ઔદ્યોગિક શેડની સહાય પૂરી પાડે છે, જેથી તેટલે અંશે કાયમી મૂડીની જરૂરિયાત ઘટે છે.

(7) સ્થાપના ખર્ચ : કંપની સ્વરૂપની સરખામણીમાં વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને સહકારી મંડળીનો સ્થાપના ખર્ચ ઓછો હોય છે.કંપનીને દસ્તાવેજ તૈયાર કરવા ખર્ચાઓ કરવા પડે છે જેવાં કે નોંધણી ફી, નિષ્ણાતોની ફી, કાનૂની ખર્ચા વગેરે માટે કાયમી મૂડીની જરૂર રહે છે.


કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત

 (1) કાયમી મૂડી – અર્થ                      

કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, ફર્નીચર વગેરે કાયમી મિલકતોમાં રોકાયેલ મૂડીને કાયમી મૂડી કહે છે.

કાર્યશીલ મૂડી- અર્થ

ચાલુ મિલકતો જેવી કે કાચા માલ અને તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણીહૂંડી વગેરેમાં રોકાયેલી મૂડીને કાર્યશીલ મૂડી કહે છે.

(2) સમયગાળો –  ધંધામાં લાંબા ગાળા માટે રોકાયેલ રહે છે.

કાર્યશીલ મૂડી: ધંધામાં ટૂંકા ગાળા માટે રોકાયેલી રહે છે.

(3) તરલતા – લાંબા ગાળા માટે કાયમી મિલકતો-માં રોકાયેલ હોવાથી તરલતાનું પ્રમાણ નજીવું છે.

કાર્યશીલ મૂડી: ઝડપથી રોકડમાં રૂપાંતર પામે છે. તેથી તરલતાનું પ્રમાણ ઊંચું છે.

(4) જોખમ –  જોખમનું પ્રમાણ વધુ છે.

કાર્યશીલ મૂડી:જોખમ નું પ્રમાણ ઓછું છે.

(5) જરૂરિયાત –  જમીન, મકાન, પ્લાન્ટ અને યંત્રો જેવી કાયમી મિલકતો ખરીદવા માટે જરૂરી છે.

કાર્યશીલ મૂડી: રોજબરોજના ખર્ચાઓ જેવા કે મજૂરી, વેતન અને કાચામાલની ખરીદી માટે જરૂરી છે.

(6) પ્રાપ્તિસ્થાનો – આ મૂડી શેર અને ડિબેન્ચર બહાર પાડીને કે નાણાકી સંસ્થાઓ પાસેથી મેળવાય છે.

કાર્યશીલ મૂડી: આ મૂડી વેપારી શાખ, બેન્ક ઓવરડ્રાફ્ટ, દેશી શરાફો વગેરે પાસેથી મેળવાય છે.

(7)ઘસારો – કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી ઘસારને પાત્ર છે.

કાર્યશીલ મૂડી:   કાર્યશીલ મૂડી પર ઘસારો ગણાતો નથી.





LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here