પ્રસ્તાવના (Introduction) :
ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું અને બીનસંગઠિત નાણાકીય માળખું.
સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્વનું ઘટક છે. ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે ચાર ઘટકોનું બનેલું છે. (1) નાણાકીય સંસ્થાઓ (2) નાણાકીય સાધનો (3) નાણાકીય સેવાઓ અને (4) નાણાકીય બજાર.
નાણાકીય બજારમાં મૂડીબજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. મૂડી બજારએ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસ માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે.
જેથી મૂડી બજાર ઔદ્યોગિક સાહસ માટે લાંબાગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિસ્થાન છે મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. નાણાં બજાર ટૂંકાગાળાના સાધનો દ્વારા જેવા કે ટ્રેઝરીબીલ, કોમશીયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતને સંતોષે છે.
નાણાકીય બજારનો ખ્યાલ (Concept of Financial Market):
નાણાકીય બજારમા મુખ્યત્વે મૂડીબજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે. નાણાકીય બજારએ નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે. નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે તેમની બચતોનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું.
નાણાકીય બજારમાં ભાગ લેનારાઓમાં (1) વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કે ઉછીના નાણા મેળવનારા (2) જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા અને (3) નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે.
નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે :
(1) મૂડીબજાર અને (2) નાણાં બજાર. મૂડી બજાર એ લાંબાગાળાની જામિનગીરીઓનું બજાર છે, દા.ત., શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. જ્યારે
નાણાં બજાર એ ટૂંકાગાળાની જામિનગીરીઓનું બજાર છે. દા.ત. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે.
મૂડીબજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે : (1) પ્રાથમિક બજાર અને (2) ગૌણ બજાર.
ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ થાય છે.પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરી ઓનું બજાર છે જ્યારે ગૌણ એટલે કે શેર બજાર જેમાં આ અગાઉ બહાર પાડવામાં આવેલી તેવી જ હયાત જામીનગીરીઓનાં સોદા થાય છે.
નાણાં બજાર (Money Market).
અર્થ અને ખ્યાલ (Meaning and Concept) :
નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનો (અક્યામતો)નું છે. નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનુ બજાર એટલે નાણાં બજા૨.
નાણાં બજારમાં ઉંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે.
ટૂંકા ગાળા માટે નાણાં ઉછીનાં મેળવવાનું અને નાણાંના ધિરાણનું બજાર છે. એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર છે.
બજારમાં બે પક્ષકારો હોય છે, એક તો નાણાંનું ધીરાણ કરનારાઓ અને બીજા નાણાં ઉછીના મેળવનારાઓ નાણાં ધિરનારાઓમા મુખ્યત્વે રિઝર્વ બેંક, વેપારી બેન્કો, સહકારી બેન્કો, શરાફી વગેરેનો સમાવેશ થાય છે; જ્યારે ઉછીના નાણા મેળવનારા ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર વગેરે છે.
નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય :
નાણાં બજારની વ્યાખ્યા :
ટૂંકા ગાળાની નાણાંકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર.
નાણાં બજારની લાક્ષણિકતાઓ (Characteristics) :
(1) નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે : સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર.
(2) ટૂંકા ગાળાની મિલકત કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત એક વર્ષ કે તેથી ઓછી હોય છે.
(3) નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખ-પાત્રતા મહત્ત્વની હોય છે.
(4) નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે. જેમ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ,વેપારી બેન્કો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપની વગેરે
(5) ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનુ બજાર છે. દા. ત., ટ્રેઝરી બિલ, કોલ મની.
(6) આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે. જેમ કે, કૉલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ.
(7) મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે.
(8) નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી પર રહેલો છે.
નાણા બજાર ની લાક્ષણિકતાઓ
- સંગઠિત અને અસંગઠિત એમ બે ભાગ
- પાકતી મુદત એક કે બે વર્ષ
- શાખપાત્રતા અગત્યની છે
- વિવિધ સંસ્થાઓ નું માળખું દા.ત. RBI,વીમા કંપની
- ઝડપથી રોકડમાં રૂપાંતર થઇ શકે છે દા.ત. ટ્રેઝરી બીલ call money
- નાણા બજાર ની પેટા શાખાઓ
- અન્ય સાધનોની તુલનામાં વધુ સલામત
- સફળતાનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાની કામગીરી પર.
સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર (organised Money Market and Unorganised Money Market):
ભારતના નાણા બજારને બે ભાગમાં વહેચી શકાય :
(A) સંગઠિત નાણાં બજાર (B) અસંગઠિત નાણાં બજાર.
સંગઠિત નાણાં બજાર (Organised Money Market) :
ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે.
નાણાં બજારમાં પુરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફે૨ફાર કરે છે.
સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝીટ, કોલ મની જેવાં નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે.
અસંગઠિત નાણાં બજાર (Unorganised Money Market) :
અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તેના પર કોઈ કેન્દ્રિય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી.
પ્રવૃત્તિઓ પણ કોઈ ધારા-ધોરણ વગર ચાલતી હોય છે.આ નાણા બજાર નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણા ધિરનાર, દેશી બેંકરો, શ્રોફ વગેરેનું બનેલું છે. આ બધાં વચ્ચે સંકલનનો અભાવ હોય છે. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિકાસ પામી છે, જો કે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે.
નાણાં બજારના સાધનો (Instruments of Money Market):
નાણાં બજારનાં સાધનોની પાકતી મુદત એક વર્ષ કે તેથી ઓછી હોય છે. સલામત અને બિન સલામત, બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે.
નાણાં બજારનાં મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે :
(1) ટ્રેઝરી બિલ, (2) કોમર્શિયલ પેપ૨, (3) થાપણનું પ્રમાણપત્ર, (4) કોમર્શિયલ બિલ (5) કોલનોટિસ મની.
ટ્રેઝરી બિલ (Treasury Bills) :
ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે.
સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણા બજાર માટે મહત્વનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણા મેળવે છે.
ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે.
ટ્રેઝરી બિલ શૂન્ય કુપન બોન્ડ છે, કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી, વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પ૨ત કરવામાં આવે છે.
દા. ત., 25,000ના ટ્રેઝરી બિલ, 23, 500માં બહાર પાડવામાં આવે અને પાકતી મુદતે રોકાણકારને મૂળ કિંમતે 25,000 ચૂકવવામાં આવે તો આ બંને રકમ વચ્ચેનો તફાવત રોકાણકાર માટે વળતર કહેવાય. ટ્રેઝરી બિલ‘ T-Bills’તરીકે પણ ઓળખાય છે.
કોમર્શીયલ પેપર (Commercial Papers) :
વિશ્વસ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણાં લોકપ્રિય બન્યા છે.
સૌપ્રથમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી, 1990માં કોમર્શીયલ પેપર બહાર પાડયાં હતાં.
કોમર્શીયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાની વચનચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે.
ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે. ઊંચી શાખપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થા કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે. હસતાંતરણીય સાધન છે, તેથી ફેરબદલીને પાત્ર છે.
કંપનીનો અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછાં સાત દિવસ અને વધુમાં વધુ એક વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે.
કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. તે 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે.
થાપણનું પ્રમાણપત્ર (Certificate of Deposits) :
- થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, હસતાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણા મેળવવાનું સાધન છે.
- શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણ ની રસીદથી થાપણનું પ્રમાણપત્ર તદન અલગ છે.
- થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય છે; જ્યારે બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી અને વેચી શકાતી નથી.
- શિડ્યુલ વેપારી બેન્કોને તેની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ.
કોમર્શિયલ બિલ (Commercial Bills) :
- જયારે શાખથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાખથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે.
- કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે એન ધંધાના વ્યવહારોથી ઉદ્દભવે છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે.
- કોમર્શિયલ બિલના ઘણા પ્રકારો છે. જેમ કે, વિનિમય પત્ર, હૂંડી, આંતરદેશીય બિલ (Inland Bill), માંગણી બિલ (Demand Bill), વિદેશી બિલ (Foreign Bill) વગેરે.
- જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ ‘વેપારી બિલ (Trade Bill) બને છે અને જયારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને છે.
- વેપારી બેક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. જો બેંકને નાણાની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકે છે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30, 60 કે 90 દિવસની મુદત નાં હોય છે.
કૉલ અને નોટીસ મની (Call and Notice Money) :
- વેપારી બેન્કોએ રિઝર્વ બેન્કના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ સિલક જાળવવી પડે છે, જેને રોકડ અનામત કહે છે.
- ઓછામાં ઓછી રોકડ સિલકની જાળવણી માટે એક બેન્ક બીજી બેંક પાસેથી નાણાં ઉછીનાં લે છે.
- બધી જ બેન્કોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્ત્વનું ઘટક બન્યું છે.
- કોલ મની માર્કેટમાં કૉલ મની અને નોટીસ મનીનો સમાવેશ થાય છે. કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવાનું હોતું નથી.
કૉલ મની (Call Money) :
- જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીનાં આપવામાં કે લેવામાં આવે તેને કોલ મની કહે છે.
- કોલ મની એ એક જ દિવસ માટેનો વ્યવહાર છે. કૉલ મની માર્કેટમાં મોટા ભાગે બેન્કો જ ભાગ લેતી હોવાથી તેને “ઇન્ટેર-બેંક-કોલ મની માકેટ’ (Inter-Bank-Call Money Market) કહે છે.
- રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે.
- આથી રોકડની અછત અનુભવતી બેન્ક બીજી બેન્ક કે જેની પાસે વધારાની રોકડ છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે. ટુંકમાં એક દિવસની લોન એટલે કોલ મની.
નોટીસ મની (Notice Money) :
જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીનાં લેવામાં આવે કે આપવામાં આવે તેને નોટીસ મની કહે છે.
મૂડી બજાર (Capital Market):
નાણાકીય બજાર (Financial Market)ની મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય :(1) મૂડી બજાર અને (2) નાણા બજાર, મૂડી બજારમાં બે બજારોનો સમાવેશ થાય છે : (1) પ્રાથમિક બજાર અને (2) ગૌણ બજાર.
મૂડી બજારનો અર્થ (Meaning of Capital Market) :
મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોના ઔધોગીક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે.
ઔદ્યોગિક સાહસો માટે લાંબાગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચરનો વેપાર થાય છે.
મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે જેવી કે ઔધોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ. મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે.
મૂડી બજારની લાક્ષણિકતાઓ (Characterstic):
(1) લાંબા ગાળાના મૂડી ભંડોળ માટેનું બજાર છે.
(2) મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેવી કે, શેર, ડિબેન્ચર વગેરેનો સમાવેશ થાય છે.
(3) ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે.
(4) ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે.
(5) જામીનગીરી જેવી કે શેર, ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થાય છે.
(6) નાણાંકીય મિલકતોને (જામીનગીરીઓ) તરલતા આપે છે.
(7) મૂડી બજાર બે ભાગમાં વહેચાયેલું છે : –
(i) પ્રાથમિક બજાર અને (ii) ગૌણ બજાર.
મૂડી બજાર ની લાક્ષણિકતાઓ
- લાંબા ગાળાના મૂડી ભંડોળનું બજાર
- મૂડી બજાર સાધનોમાં સરકારી જામીનગીરી, દેવાના સાધનો, શેર, ડિબેન્ચર નો સમાવેશ
- ભંડોળનો લાંબાગાળાની જામીનગીરીમાં રોકાણ
- સેબીનું નિયંત્રણ
- શેર ડિબેન્ચર ની માલિકીની ફેરબદલી નાણાકીય મિલકતોને તરલતા પૂરી પાડે
- બે ભાગ પ્રાથમિક અને ગૌણ બજાર.
પ્રાથમિક મૂડી બજાર (Primary Capital Market):
અર્થ (meaning) :
બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર કહે છે. પ્રથમ વખત બહાર પાડવામા આવતી નવી જામીનગીરીઓનાં વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરી ખરીદી શકે છે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર.
પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતાઓ (Characteristics) :
(1) નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે.
(2) નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી શકે છે.
(3) પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ છે. જેવા કે, બુક રનિંગ લીડ મેનેજર ,ભરણાના રજીસ્ટ્રાર , શેર દલાલ વગેરે.
(4) નવી મૂડીનું ભરણું વિજ્ઞાપનપત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે.
ગૌણ બજાર/શેરબજાર (Secondary Market / Stock Exchange):
અર્થ અને સમજૂતી (Meaning and Explanation) :
ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજાર ની રચના 9 જુલાઈ, 1875ના દિવસે “ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બોકસૅ એસોશિયેશન” તરીકે થઈ.જે આજે મુંબઈ શેર બજાર (Bombay Stock Exchange) તરીકે ઓળખાય છે. 1894 માં અમદાવાદ શેર બજાર શરૂ થયું.
કે. એલ. ગર્ગ ના જણાવ્યા મુજબ, ‘શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું સ્થળ.’
શેરબજારની લાક્ષણિકતાઓ (Characteristics):
(1) નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા ;
જામીનગીરીઓના વ્યવહારોમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે.
(2) સરકારની મંજૂરી :
1956ના જામીનગીરી કરાર (નિયમન) ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે.
(3) સંગઠિત બજાર :
હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર છે.
(4) સભ્યપદ :
શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે. શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો (શેર દલાલ) જ શેર બજારમાં સોદા કરે છે.
(5) જામીનગીરીઓનું બજાર :
શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ-વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે.
(6) જામીનગીરી ઓની નોંધણી :
જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય છે.
(7) સંચાલન : શેર બજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે.
(8) સભ્યો પર કડક અંકુશ :
સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનુ પાલન કરાવે છે.
(9) વ્યવસ્થાકીય માળખું : શેર બજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે.
(10) શેર બજારનું નિયમન :
ભારતનાં બધાં જ શેરબજારોનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર (નિયમન) ધારા દ્વારા થાય છે.
શેર બજાર ની લાક્ષણિકતાઓ
નોંધાયેલી સરકારની સંગઠિત બજારમાં સભ્યપદ મેળવવા જામીનગીરીના બજારમાં જઈ નોંધણી કરાવવી સંચાલનમાં સભ્યો પર વ્યવસ્થાકીય શેરબજારનું નિયમન શેર બજાર ની લાક્ષણિકતા છે.
Short: નોંધા સર સંગ સભ્ય જામીન બજા નોંધ સંચા સભ્યો વ્યવસ્થા શેર બજાની લાક્ષ.
શેર બજારના કાર્યો :
(1) તરલતા :
જામીનગીરીઓના ખરીદ-વેચાણ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે છે. રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે છે અને વેચી શકે છે.જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો તે શેર બજારનું મહત્વનું કાર્ય છે.
(2) જામીનગીરીઓનું મૂલ્યાંકન :
જામીનગીરીઓની માંગ અને પુરવઠાને આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય બને છે. રોકાણકારો તેમની જામીનગીરીઓનું મૂલ્ય જાણી શકે છે.
(3) બચતોનું મુડીમાં રૂપાંતર :
સમાજની જે વ્યક્તિઓ પાસે બચતો છે અને જામીનગીરીઓમાં રોકાણ કરવા ઇચ્છે છે તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી શકે છે અને વેચી શકે છે. તેમની બચતોનું મૂડીમાં રૂપાંતર થાય છે.
(4) મૂડી સર્જનમાં મધ્યસ્થી :
શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી, પરંતુ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે મંચ પૂરું પાડે છે. મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકે ભૂમિકા નિભાવે છે.
(5) સોદામાં સલામતી :
શેર બજારમાં સોદાઓ નિયમો અનુસાર થાય છે. શેર બજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેમની ભૂમિકા નિભાવે છે. આથી સોદાઓ સલામત રીતે થાય છે.
(6) મૂડી બજારનો વિકાસ : શેર બજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે. આથી મૂડી બજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બને છે.
(7)પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ :
શેર બજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પુરી પાડે છે. જેથી શેર બજારના સભ્યો રોકાણકારોના હિતનું રક્ષણ કરી શકે છે.
(8) સટ્ટા માટે જરૂરી સવલત :
તંદુરસ્ત સટ્ટો શેર બજારને જીવંત રાખે છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય
માળખામાં રહીને જરૂરી સવલતો શેર બજાર પૂરી પાડે છે.
(9) માહિતી પૂરી પાડનાર :
વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તે પ્રકારની માહિતી શેર બજાર પૂરી પાડે છે. દા. ત., જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફાર,જામિનગીરીઓના ખરીદ-વેચાણનો પ્રવાહ વગેરે
માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર, સેબીને ઉપયોગી થઈ પડે છે. આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિના ઘડતરમાં ઉપયોગી થઈ પડે છે.
આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. આથી શેરબજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહે છે.
(10) જામીનગીરીઓની નોંધણી :
કંપની તેની જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય તેમ ઇચ્છતી હોય તો કંપની તેની જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં કરાવે છે. રોકાણકારોને નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે.
(11) રોકાણકારોને માર્ગદર્શન :
નોંધાયેલી કંપનીઓની માહિતી શેર બજાર એકત્રિત કરી જાહેર કરે છે. આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય કરી શકે છે કે કઈ કંપનીની જામીનગીરી- ઓમાંથી રોકાણ પાછું ખેંચવા જેવું છે અને કઈ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા જેવુ છે.
શેરબજારના કાર્યો
તરલતા જામીન મુલ્યાંકન બચતો નું મુડી સર્જનમાં સોદામાં સલામતી રાખી મૂડી બજાર નો વિકાસ કરવો અને સટ્ટા માટે પ્રવૃત્તિઓ કરવા માહિતી પૂરી પાડનાર શેર બજાર ના કાર્યો છે.
Short: તર જામી બચ મૂડી સોદા મૂડી સટ્ટા પ્રવૃત્તિ માહિતી શેર બજારના કાર્ય.
ડિમેટ ખાતાનો ખ્યાલ (Concept of Demat Account):
- ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડરસૅને ભૌતિક સ્વરૂપે જ શેર (Physical Share) આપતી હતી.
- આ શેર કાગળ સ્વરૂપે હતા જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા.
- શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ (Transfer Form) ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શૈર કંપનીને મોકલવા પડતા.
- આ બધી વિધિ લાંબી અને કાંટાળાજનક હતી. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરે ને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે.
ડિપોઝીટરી (Depository) સંસ્થાઓ જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે.
ડિમટિરિયલાઈઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્યુટર દ્વારા ઈલેક્ટ્રોનિક ડેટામા રૂપાંતર. આ ડિમટિરિયલાઈઝેશનને ટૂંકાંક્ષરીમાં ડિમેટ (Dermat) તરીકે ઓળખવામાં આવે છે.
ડિમેટ ખાતાનો ખ્યાલ:
- ભૂતકાળમાં શેર કાગળ સ્વરૂપે હતા
- ફેરબદલી માટે ફોર્મ ભરવા પડતા
- વિધિ લાંબી કંટાળાજનક હતી
- આ મુશ્કેલી દૂર કરવા શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરેને e સ્વરૂપે જાળવવામાં આવે છે.
- આ કાર્ય ડિપોઝિટરી સંસ્થાઓ કરે છે
- આમ ભૌતિક સ્વરૂપ ની જામીનગીરીઓ નું કોમ્પ્યુટર દ્વારા e ડેટામાં રૂપાંતર એટલે dematerialisation ટૂંકમાં ડિમેટ
- રોકાણકારોને DEPO સેવા માટે ડીમેટ ખાતું ખોલવું પડે છે
તેના માટે ફોર્મ ભરીને આપવું પડે છે.
ડિપોઝીટરી (Depository):
અર્થ અને સમજૂતી (Meaning and Explanation) :
ભારતમાં કંપનીધારા અન્વયે નોંધાયેલી કંપની ડીપોઝીટરી તરીકે કામ કરી શકે છે. ડિપોઝીટરી કાયદો ઓગસ્ટ, 1996થી અમલમાં આવ્યો. ડિપોઝીટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા સેબી (SEBI) પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે.
ડીપોઝીટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝીટરી કાયદા અને સેબી દ્વારા થાય છે.
સમગ્ર ડિપોઝીટરી પ્રક્રિયામાં ડિમેટ ખાતું અને ડિમટીરિયલાઈઝેશન કેન્દ્ર સ્થાને છે.
ડિપોઝટિરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે.
ભારતમાં હાલમાં બે ડિપોઝીટરી છે :
(1) નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લીમિટેડ (NSDL – National
Securities Depository Limited)
(2) સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL Central Depository Services (India) Limited)
ઉપરોક્ત બંને ડિપોઝીટરીઓ રોકાણકા૨/ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મેધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે. જેને ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ કહે છે. બેન્ક, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરી શકે છે.
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લીમિટેડ
(NSDL-National Securities Depository Limited):
એન.એસ.ડી.એલ એ કંપની ધારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે તેની નોંધણી સેબીમાં 1996 માં થઇ હતી.
એન.એસ.ડી.એલ. ની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે.
એન.એસ.ડી.એલ.ની સ્થાપના કંપની દ્વારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ (Board of Directors) દ્વારા થાય છે.
આ સંસ્થા ડિમટિરિયલાઇઝેશન, રિમટિરિયલાઇઝેશન, ઈલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવા ઓનલાઈન પૂરી પાડે છે.
સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ
(CDSL – Central Depository Services (India) Limited) :
સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (સી.ડી.એસ.એલ.)ની સ્થાપના મુંબઈ શેર બજાર, અને બેંકોના સહયોગથી 1999માં કરવામાં આવી.
સી.ડી. એસ,એલ.નો ઉદેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પુરી પાડવાનો છે.
તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી વખતોવખત તેની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરે છે. સી.ડી.એસ.એલ. સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝીટરી સેવા પૂરી પાડે છે,
ડિપોઝિટરી પર નોંધ:
- આ કાયદો august 1996 થી અમલમાં.
- કામગીરી શરૂ કરતાં પહેલા સેબી પાસેથી નોંધણી પ્રમાણપત્ર લેવું પડે
- DEPO ની કામગીરીનું નિયંત્રણ સેબી દ્વારા.
- સમગ્ર પ્રક્રિયામાં DEMAT ખાતુ DEMTRL કેન્દ્ર સ્થાને.
- ભારતમાં અત્યારે NSDL અને CDSL બે ડિપોઝિટરી છે.
- બંને ડિપોઝિટરી ગ્રાહકને મધ્યસ્થી દ્વારા સેવા પૂરી પાડે છે.
ડિપોઝીટરી સેવાઓ (Depository Services) :
(1) ડિમટિરિયાલઈઝેશન અને રિમટિરિયાલાઈઝેશન:
રોકાણકારોની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ડિમટીરિયલાઈઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે.
ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરે છે.પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી.
આ અર્થમાં ડિપોઝીટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક ગણાય, ડિમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારની ઇચ્છા અનુસાર રિમટિરિયલાઈઝેશન પણ કરે છે.
(2) ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી :
ડિપોઝીટરી સેવાને કારણે જામીનગીરીઓની ફરબદલી ઝડપથી થાય છે.કાગળ કામકાજ (Paperwork)માં ઘટાડો થયો છે.
ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થાય છે. દા. ત., બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી (Bad Delivery).
આ ઉપરાંત રોકાણકારને દલાલી ખર્ચ,ટપાલ ખર્ચ, કુરીયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યૂટી વગેરેમાં બચત થાય છે. ડિપોઝીટરીને કારણે ફક્ત એક શેર (Single Share) નો પણ વેપાર થઈ શકે છે.
(3) સોદાની ઝડપી પતાવટ :
ડિપોઝીટરીને કારણે સોદાની પતાવટ ઝડપી થાય છે. ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરે છે.
(4) ગ્રાહકના ખાતામાં નોંધ :
રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઈલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા કરે છે.
(5) ગીરો મુકવાની સગવડ :
જામીનગીરીઓ ગીરો મુકવાની અને જામીનગીરીઓ ઉપર લોન લેવાની સગવડ આપે છે.
(6) ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ :
લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા કોઈ કારણોસર થોડા સમય પૂરતું ખાતું બંધ રાખવું હોય તો ખાતું તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ આપે છે. જરૂરિયાત અનુસર ખાતુ બંધ પણ કરાવી શકાય છે.
(7) માહિતીની નોંધ અને સંગ્રહ :
જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારોની નોંધ ડિમટ ખાતામાં રાખે છે. માહિતી સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે મળી શકે તે રીતે સંગ્રહ કરે છે.
(8) રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી :
શેરબજારમાં થતાં જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવટગૃહ (Clearing House) વચ્ચે કડી તરીકે સેવા આપે છે.
(9) ઇન્ટરનેટ દ્વારા સેવાઓ :
ડિપોઝીટરી તેના ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા વાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડે છે.
જામીનગીરીની ખરીદ-વેચાણ પ્રક્રિયા
(Trading Procedure of securities):
થોડા વર્ષો પહેલા ભારતના શેર બજારોમાં શેર દલાલો નિયત સમયે શેર બજારના ફ્લોર (Floor) ઉપર ભેગા થતા. ફ્લોર પર ખુલ્લી રીતે બુમો પાડી ને (Outcry) અને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા હતા. હવે આ જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને ઑનલાઈન (Online) સ્ક્રીન આધારિત (Screen Based) ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી છે.
ભારતનાં બધાં જ શેરબજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર-ધ-કાઉન્ટર (0.T.C.) એક્સચેન્જ એ તો તેમની સ્થાપનાની શરૂઆતથી જ સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા અપનાવી છે.
મુંબઈ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ રાષ્ટ્ર વ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત (Automated) સ્કીન આધારિત વેપાર પ્રથા દાખલ કરી છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ સ્ક્રીન આધારિત વેપારપ્રથા(NEAT- National Exchange for Automated Trading) તરીકે અને મુંબઇ શેરબજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા(BOLT-BSE Online Trading) તરીકે ઓળખાય છે.
શેરબજારમા જામીનગીરીઓના ખરીદ-વેચાણની પ્રક્રિયા નીચે પ્રમાણે જણાવી શકાય.
(1) ડિમેટ ખાતું ખોલાવવું :
ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ પાસે ડિમેટ ખાતું ખોલાવવું પડે છે કારણ કે ડિમેટ જામીનગીરીઓના જ ઇન્ટરનેટ ઉપર ખરીદ-વેચાણના સોદા થઈ શકે છે.
(2) ખરીદ-વેચાણનો ઓર્ડર :
રોકાણકાર ગ્રાહકે જે જામીનગીરીઓનું વેચાણ કરવાનું હોય તેનો ઓર્ડર દલાલને આપવો પડે છે.
(i) મર્યાદિત ઓર્ડર (Limited Order) કે જે માં ગ્રાહકો નિર્દેશ કરેલી કિંમતે ઓર્ડર નો અમલ થાય છે.
(ii) બજાર ઓર્ડર (Market Order) કે જેમા જામીનગીરીના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર જે છેલ્લા ભાવ જણાવ્યા હોય અથવા બજારમાં જામીનગીરીઓની જે કિંમતે માગણી થતી હોય તે કિમતે ઓર્ડર નો અમલ થાય છે.
(3) ઓર્ડરનો અમલ : દલાલને ગ્રાહક પાસેથી ઓર્ડર મળે એટલે દલાલ ઓર્ડરનો અમલ કરે છે. દલાલ શેર બજારમાં ઓર્ડર મૂકે છે. દલાલ પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી ઓનલાઈન ટ્રેડિગ દ્વારા સોદો કરી શકે છે.
(4) કરાર નોંધ (Contract Note) :
ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનું ખરીદ-વેચાણ સોદો થાયપછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તેને કરાર નોંધ(Contract Note) કહે છે.
(5) સોદાની પતાવટ :
જામીનગીરીઓના ખરીદ-વેચાણના સોદાની પતાવટ મુંબઈ શેર બજારમાં પતાવટ ગૃહ દ્વારા થાય છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પતાવટ નેશનલ સિક્યોરિટીઝ (NSCCL – National Securities Clearing Corporation Limited) નિભાવે છે. સોદો કે વેપાર થાય તેના પછીના દિવસે સોદાની પતાવટ થાય છે.
(6) ૨કમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી :
જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તો તે પેટે ૨કમની ચૂકવણી પે -ઈન (Pay-In)ના દિવસ પહેલાં કરવી પડે. શેરનું વેચાણ કર્યું હોય તો પે-ઇનના દિવસ પહેલાં શેરની ડિલિવરી આપવી પડે છે.
પે-ઈન દિવસ એટલે એ દિવસ કે જે દિવસે વેચેલા શેર સોંપણી શેરનો વેચનાર શેર બજારને મધ્યસ્થી મારફત કરે છે. પે-આઉટ દિવસ એટલે જે દિવસે શેર ખરીદનારને શેરની સોંપણી શેર બજાર કરે છે અને શેર વેચનારને તેની રકમ ચૂકવી આપવામાં આવે છે.
(7) સોદાની પતાવટની ગ્રાહકને જાણ :
જામીનગીરી ઓનાં વેચાણના સંજોગોમાં દલાલ ગ્રાહકને બેંક દ્વારા ૨કમની ચુકવણી કરશે અને જામીનગીરીઓની ખરીદીના સંજોગોમાં દલાલ ગ્રાહકના બેન્ક ખાતામાંથી ૨કમની સીધી ચુકવણી કરશે . ડિમેટ ખાતા દ્વારા ગ્રાહક ને સોદા પતાવટની જાણ કરવામાં આવે છે.
શેરબજારમાં જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયા
ડીમેટ ખાતું ખોલાવી ખરીદ-વેચાણ નો(મર્યાદિત બજાર) ઓર્ડર આપવો અને તેનો અમલ કરવો કરાર સોદાની પતાવટ રકમની ચુકવણી કરી સોદાની પતાવટ કરવી.
Short: ડિમેટ ખરીદ- વે મર્યા બજા ઓર્ડર અમલ કરાર સોદા રકમ ચૂ સોદા પતા
સેબી (SEBI- Securities and Exchange Board of India):
સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ધારા, 1992 અન્વયે જાન્યુઆરી 30, 1992ના રોજ સેબી કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી. તેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે.
જયારે તેની પ્રાદેશિક ઓફિસો કોલકત્તા, દિલ્હી અને ચેન્નાઈમાં આવેલી છે.ભારતમાં આવેલા શેરબજારોનું નિયમન કરનારી સેબી કાયદેસરની સંસ્થા છે.
હેતુઓ (Objectives):
(1) જામીનગીરીઓમાં રોકાણ કરનારના હિતોનું રક્ષણ કરવું.
(2) જામિનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું.
(3) જામીનગીરીઓના બજારનું નિયમન કરવું.
કાર્યો( Function):
(1) શેર બજારમા થતા ધંધાનું નિયમન :
સેબી શેર બજારોમાં થતો ધંધો અને શેરબજારોની કામગીરી ઉપર નિયમન રાખે છે.
(2) રોકાણકારોના હિતનું રક્ષણ :
સેબીનું મૂળભૂત કાર્ય જામીનગીરીનોમાં રોકાણ કરનારા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે.
(૩) મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન :
શેર બજારમાં કાર્ય કરતા મધ્યસ્થીઓ જેવા કે મર્ચન્ટ બેંકર,શેરદલાલ, પેટાદલાલ, જામીનગીરીઓના રજીસ્ટ્રાર વગેરેની નોંધણી કરે છે
(4) મ્યુચુઅલ ફંડની નોંધણી અને નિયમન :
મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને તેમની કામગીરીનું નિયમન કરે છે. આ માટે સેબીએ ધારાધોરણો નક્કી કર્યાં છે જેનું પાલન મ્યુચુઅલ ફંડ કરે છે.
(5) કપટયુક્ત વેપાર બંધ કરાવવો:
શેર બજારોમાં જામીનગીરીઓમાં થતો કપટયુક્ત વેપાર બંધ થાય તે માટે જરૂરી પગલાં લે છે.
(6) દલાલોની નોંધણી રદ કરવી :
જે શેર દલાલ સેબીએ નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાનું પાલન ન કરે અને સેબીને જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જાય તો તેમની નોંધણી રદ કરે છે.
(7) કંપનીઓના જોડાણ (Merger) અને હસ્તગત (Takeover)નું નિયમન કરવું :
રોકાણકારોનું હિત જળવાય તે માટે કંપનીઓના જોડાણ અને હસ્તગત ઉપર નિયમન રાખે છે, નાના રોકાણકારના જોખમે કંપનીઓનું જોડાણ અને હસ્તગત ન થાય તે માટે સેબીએ માર્ગદર્શિકા બહાર પાડી છે.
(8) જાહેર ભરેણાંના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ :
નવી કંપની પ્રથમ વખત મૂડી ભરણું લઈને અથવા વર્તમાન કંપની મૂડી ભરવા માટે બજારમાં આવતી હોય તો બંને માટે અલગ-અલગ માર્ગદર્શિકા ઓ બહાર પાડી છે.
(9) સ્વનિયમન :
શેર બજારના મધ્યસ્થીઓ દ્વારા સ્વનિયમન થાય તે માટે સેબી પ્રયત્નશીલ રહે છે. મધ્યસ્થીઓ તેમના ધંધાદારી મંડળો તે માટે પ્રોત્સાહન આપે છે.
(10) શેર બજારોની કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી:
નિયમનો, નિયંત્રણો અને વિવિધ માર્ગદર્શિકાઓ દ્વારા શેર બજારની સ્થિરતા અને કાર્યક્ષમતા જાળવે છે.
(11) ચોપડાઓની તપાસ :
જામીનગીરીઓ બહાર પાડનાર કંપની, ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ અને લાભાર્થી માલિકના ચોપડાઓની જરૂર જણાય તો તપાસ કરે છે.
(12) શેર બજારનું નિરીક્ષણ અને તપાસ :
શેરબજાર ઉપર લાદવામાં આવેલા નિયમોનું પાલન થાય છે કે નહિ, શેર બજારની વ્યવસ્થા પદ્ધતિ અને કામગીરી સેબી કાયદા અનુસાર ચાલે છે કે નહિ તેના સંદર્ભમાં સેબી નિરીક્ષણ અને તપાસ કરી શકે છે. જરૂર જણાય તો શેર બજારના મધ્યસ્થીઓની પૂછ-પરછ, તપાસ અને હિસાબોનું ઓડિટ કરે છે.
(15) માર્ગદર્શિકાઓ : શેર દલાલ અને પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર, ડિબેન્ચરના ટ્રસ્ટીઓ, કંપની દ્વારા જામીનગીરીઓ પરત લેવા (Buy Back Securities) વગેરે અંગે વખતોવખત સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે.
(14) વાર્ષિક અને સામયિક અહેવાલ મેળવવા :
શેર બજારની કામગીરી અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવવા માટે શેર બજારો પાસેથી વિવિધ પત્રકોના સ્વરૂપમાં અહેવાલ મેળવે છે.
(15) સંશોધન કાર્ય :
ઉપરોક્ત બધા જ કાર્યો અસરકારક રીતે કરી શકાય તે હેતુથી સેબી સંશોધન કાર્ય હાથ ધરે છે.
સેબીના કાર્યો:
શેરબજારમાં રોકાણકારોના મધ્યસ્થીઓ ની મ્યુચ્યુઅલ ફંડની કપટયુક્ત વેપાર દલાલોની નોંધણી રદ કરવી.
કંપનીઓનું જોડાણ જાહેર ભરણાંમાં કરી સ્વ નિયમન શેરબજારોની ચોપડાઓ ની તપાસ કરી તેનું નિરીક્ષણ કરવું પછી માર્ગદર્શિકા બહાર પાડી વાર્ષિક સામાયિક અહેવાલ મેળવવા સંશોધન કાર્ય કરવું sebi ના કાર્યો છે.
Short: શેર બજાર રોકાણ મધ્ય મ્યુચ્યુ દલાલો કંપની જોડાણ જાહેર સ્વ શેર ચોપડા તપાસ વાર્ષિક માર્ગ સંશો સેબી કાર્યો.