પ્રસ્તાવના (Introduction):
આપણા દેશની અને તેમજ દરેક દેશની ભૌગોલિક હદ નિર્ધારિત હોય છે. દેશની હદની બહાર જવા-આવવા પર કાયદાકીય નિયંત્રણો અને ક્યારેક પ્રતિબંધ હોય છે.
આ પ્રકરણમાં આપણે સમજીશું કે દેશની હદ બહારથી વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજીને વગેરેની આપ-લે થાય તો તે વિદેશવેપાર કહેવાય અને આ વેપારના કેટલાંક અગત્યનાં પાસાઓ વિશે પણ સમજીશું.
આંતરિક વેપાર અને વિદેશ વેપાર (આંતરરાષ્ટ્રીય વેપાર)નો અર્થ
(Meaning of Domestic and International Foreign Trade):
વેપાર એટલે એવી વ્યાવસાયિક પ્રવૃતિ / ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ, સેવાઓ,મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા (Intellectual Property) વગેરેનો વિનિમય થાય છે.
બીજા શબ્દોમાં વેપારમાં આવી વસ્તુઓ – સેવાઓની હેરફેર આવક કે નફા- પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.
કોઈ એક દેશની હદની અંદર થતી વેપાર-પ્રવૃત્તિને આંતરિક વેપાર તથા દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશવેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે.
વિદેશ વેપાર માટેના કારણો
અર્થશાસ્ત્રમાં વેપાર માટેના મુખ્ય કારણો નીચે મુજબના છે :
(1) દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત :
અલગ-અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા – જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.
વળી, બધી જાતનાં ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારનાં સંસાધનનો પણ દરેક દેશ પાસે હોતા નથી. આમ વેપાર ને લીધે ઉત્પાદનમાં વિવિધતા આવે છે.
(2) ઉત્પાદન-ખર્ચ :
સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાના કારણે વસ્તુ અને સેવાનો ઉત્પાદન-ખર્ચ પણ જુદા-જુદા દેશોમાં જુદો હોય છે.
કેટલાંક સાધનોની અછત અને ઊંચી કિમતોના કારણે કેટલીક વસ્તુઓ/ સેવાઓનો ઉત્પાદન-ખર્ચ ઊંચો હોય છે.
(3) ટેકનોલોજીકલ પ્રગતિ :
બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ થઈ હોતી નથી.
અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય છે.તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે છે.
આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એકસરખી કાર્યક્ષમતા ધરાવતો નથી અને આથી દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓ નો વેપાર થાય છે.
(4) શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણ :
દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ હોય છે. વળી, નિયોજનશક્તિની કાર્યક્ષમતા પણ અલગ હોય છે.
તેથી દેશો વચ્ચે શ્રમવિભાજન અને વિશિષ્ટી કરણ જોવા મળે છે.
એટલે કે અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુઓ/ સેવાઓના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો હોવાથી તે દેશ તેવી વસ્તુઓનું વધુ ઉત્પાદન કરે છે અને તેમાં વિશિષ્ટીકરણ કરે છે.
વિદેશ વેપારનું સ્વરૂપ
વિદેશવેપારનુ સ્વરૂપ એટલે વેપાર-પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને અન્ય પ્રવૃત્તિ ઓથી જુદી પાડે તથા તેને અલગ ઓળખ આપે.
વિદેશવેપાર નું સ્વરૂપ તેને અસર કરતાં સંજોગો, તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓના આધારે નક્કી થાય છે.
(1) વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યાવસાયિક ગતિશીલતા ઓછી હોય છે :
વિદેશવેપારમાં નીતિ વિષયક અને સામાજિક કારણોના લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે.
(2) વિવિધતા ધરાવતી ચીજવસ્તુઓનો વેપાર :
વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે, જેથી વિવિધ જીવનધોરણ તથા જીવનશૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગ સંતોષી શકાય.
(3) પડકારજનક સ્વરૂપ :
વિદેશ વેપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, રુચિ, ટેવો, પસંદગીઓ વગેરે હોય છે. આવા બધા અવરોધો પાર કરીને વેપાર કરવાનો પડકાર વેપારીઓ સામે હોય છે.
(4) રાજનયિક પ્રયત્નો :
વિદેશવેપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારીના પ્રયત્નો કાકી નથી હોતા.તેમાં દરેક દેશની સરકારોએ રાજનયિક પ્રયત્નો કરવા પડે છે
(5) વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્ય અંગેની અટકળો:
વિદેશવેપારમાં સર્વસ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે. માટે વેપાર કરતા દરેક દેશે પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે.
(6) વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો :
વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે અનેક દેશોએ એટલે કે આમ તો દરેક દેશની સરકારો તથા વિશ્વ વેપાર સંગઠન (WTO World Trade Organization) જેવી સંસ્થાઓએ સાથે પ્રયત્નો કરવા પડે છે.
(7) રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર :
વિદેશવેપારના કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક બાબતોની અસર વધુ પ્રમાણમાં રહેલી હોય છે. દા.ત., વિશ્વ પદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશો વચ્ચે વેપારના સંબંધો બગડે છે.
(8) અત્યંત મોટા પાયાનો વેપાર :
વિદેશ વેપારનું કદ અત્યંત વિશાળ હોય છે. તેમાં અનેક દેશો, અસંખ્ય વસ્તુઓ, અનેક કાયદાઓ, અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે સંકળાયેલા હોય છે.
(9) વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ :
આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશે પોતાના દેશ તેમજ બીજા દેશની અનેક ચકાસણીઓ અને પરવાનગીઓ પાર કરવાની હોય છે .
(10) હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા :
કોઈ એક વસ્તુ કે સેવા અનેક દેશો ઉત્પન્ન કરીને વિશ્વબજારમાં વેચવાના અનેક પ્રયાસો કરતા હોય છે. માટે વેચનારાઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે.
આંતરિક અને વિદેશવેપાર વચ્ચેનો તફાવત
વિદેશવેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતા જુદા હોય છે અને તેમાં અંતરાયો વધુ હોય છે તથા આથી તેમની વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. આ તફાવતના કેટલાક મુદા નીચે જણાવ્યા મુજબ છે:
(1) કદના આધારે તફાવત :
વિદેશવેપારમાં અનેક દેશો, વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ,પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશવેપારનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય છે.
(2) વિવિધ ચલણ અને ચુકવણીની પદ્ધતિઓ :
આતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં જ થાય છે. વળી, પોતાના જ દેશની એક બેંકમાંથી બીજી બેન્કમાં ચૂકવણી કરવાની હોય છે.
પરંતુ વિદેશ વેપારમાં પોતાના દેશના ચલણનું કોઈ સર્વસ્વીકૃત આંતરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે.
હૂંડિયામણ દરોની જાણકારી રાખવી પડે છે,જે-તે દેશના કાયદાઓ મુજબ પરવાનગીઓ લેવી પડે છે.
(3) ભાષા ,સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો :
આંતરિક વેપારમાં વિનિમય એકસમાન ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે.
પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે જુદા હોવાના કારણે કોઈ પણ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે, દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુઓ વેચવી પડે છે.
(4) વાહન-વ્યવહાર ખર્ચનો તફાવત :
વિદેશવેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન-વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે. ઉપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવાના હોય છે જે આંતરિક વેપારની સરખામણીમાં વધુ હોય છે.
(5) હરીફાઇના પ્રમાણમાં તફાવત :
આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તોપણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાના કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી.
દા.ત. જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ (કાર) ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું જ્યાં રોજ નવાં મોડલ, નવાં આકર્ષણો, નવી વિજ્ઞાપન વગેરે જોવા મળે છે.
(6) ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત :
એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેનાં ધોરણો સમાન હોવાના કારણે કોઈક વેચનારને ગ્રાહકના સંતોપનો અંદાજ સહેલાઈથી મળે છે અને તે પ્રમાણેની વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ અને વિજ્ઞાપન તે કરે છે
પરંતુ વિદેશવેપારમાં દરેક દેશમાં આવી બાબતોમાં મોટો તફાવત હોય છે. માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધુ મહેનત કરવી પડે છે. બીજા શબ્દોમાં, આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે. જયારે વિદેશવેપારમાં સહેલાઈથી આ પ્રકારની આગાહી થઈ શકતી નથી.
(7) વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત :
પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોવાથી તેમને વેપાર કરવામાં આવી બાબતોની મુશ્કેલી ઓછી પડે છે.
પરંતુ વિદેશવેપારમાં દરેક દેશની વેરા, કાયદાકીય, પરવાના અંગેની પદ્ધતિઓ પૂરી જાણ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ બને છે.
વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ
- એગ્નસ મેડિસિન (Agnus Maddison) નામના ઇતિહાસકારની શોધ દર્શાવતા ‘વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ’ (World Trade Report) 2013મા દર્શાવ્યું છે કે,
- 1800 મી સદીના મધ્યગાળાથી વિશ્વની વસ્તી 6 ગણી વધી છે. વિશ્વનું ઉત્પાદન 60 ગણું વધ્યું છે. જયારે વિશ્વવેપાર 140 ગણો વધ્યો છે.
- આ રિપોર્ટ મુજબ, વિશ્વમાં વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાથી વેપારને વેગ મળ્યો છે.
- તદુપરાંત પ્રદેશો વચ્ચે રાજનયિક સંબંધોનો વિકાસ થતાં વેપાર વધવા પામ્યો છે.
- છેલ્લા 30 વર્ષોમાં વ્યાવસાયિક (professional) સેવાઓના વેપારમાં દર વર્ષે સરેરાશ 7 ટકાનો વધારો નોંધાયો છે.
- 1980 અને 2011ની વચ્ચે વિકાસશીલ દેશોનો નિકાસમાં ફાળો 34 ટકાથી વધીને 47 % અને આયાતોમાં તેમનો ફાળો 29 ટકાથી વધીને 42 % થયો.
- એશિયાના દેશો આજે વિશ્વવેપારમાં નોંધપાત્ર ભાગ ભજવે છે. છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન વિશ્વ ઉત્પાદનના વૃદ્ધિ-દર કરતા વિશ્વવેપારનો વૃદ્ધિનો દર બમણા પ્રમાણમાં વધ્યો છે.
આ દર્શાવે છે કે વિશ્વમાં વેચાણ-વ્યવસ્થાનો વિકાસ થયો છે.
ભારતમાં વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા
કોઈ દેશના વેપારનાં વલણો જાણવા, તેના વેપાર અંગેનો વિકાસ જાણવા, આંતરરાષ્ટ્રીય ધારણે દેશના વેપાર માટેના પ્રયાસો સમજવા માટે વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા જાણવા જરૂરી છે.
ભારતમાં વિદેશ( આંતરરાષ્ટ્રીય) વેપારનું કદ અને તેમાં થયેલા ફેરફારો
વિદેશવેપારનું (આંતરરાષ્ટ્રીય વેપારનું) કદ એટલે સરળ શબ્દોમાં કહીએ તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મુલ્ય (તથા કુલ જથ્થો).
- પ્રતિ વર્ષ જો આયાત માટે થતી ચૂકવણી અને નિકાસમાંથી થતી કમાણી વધતી જાય, દેશની રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો વધતો જાય તથા વિશ્વવેપારમાં દેશના વેપારનો હિસ્સો વધે તો તે દેશના વેપારનું કદ વધ્યું એમ કહેવાય.
- ભારતમાં 1951 થી 2016 સુધીના સમય ગાળામાં આયાત અને નિકાસ બંનેનું કદ અને તેમનો રાષ્ટ્રીય આવક તથા વિશ્વવેપારમાં ટકાવારી હિસ્સો વધ્યા છે.
- પરંતુ નિકાસના કદ અને વૃદ્ધિના દર કરતાં આયાતનું કદ અને વૃદ્ધિનો દર મોટા ભાગના વર્ષમાં વધુ રહ્યા છે.
- સ્વતંત્રતા પછી શરૂઆતનાં વર્ષોમાં નીચા વિકાસના કારણે ભારતમાં વિકાસલક્ષી આયાતોનું કદ ખુબ નાનું રહ્યું.
- જ્યારે નિકાસ કરવાની ક્ષમતા નીચે હોવાના કારણે નિકાસો નીચી રહી. 1980 પછી જેમ-જેમ ભારતમાં વિકાસ વધતો ગયો તેમ-તેમ મોટા ઉદ્યોગોને ટકાવવા, નિભાવવા અને ફેલાવવા માટેની આયાતો વધતી ગઈ.
- આ ગાળા દરમિયાન દેશમાં આવકોમાં વધારો થતા દેશમાં માંગ વધતી ગઈ અને નિકાસ માટે ઓછું ઉત્પાદન બચતા નિકાસો પ્રમાણમાં નીચી રહી.
- 1991 પછી નિકાસોમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો. વૈશ્વિકીકરણમાં હરીફાઈમાં ટકવા માટે ટેકનોલોજી, પેટ્રોલ વગેરેની આયાતો ઊંચી રહી પરંતુ નિકાસો પણ સારા પ્રમાણમાં વધી.
ભારતના વિદેશ વેપારના સ્વરૂપમા થયેલા ફેરફારો :
- ભારત જે 1951માં ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો તે આગળ વધીને 1980 સુધીમાં વિકાસશીલ બન્યો અને 2000 પછી વિશ્વમાં ઝડપથી વિકસતા દેશ તરીકે ઉભરતા અર્થતંત્ર તરીકેની ઓળખ પામી.
- ઓછા વિકસિત દેશમાં દરેક ક્ષેત્રની આયાતો મોટા પ્રમાણમાં થાય છે.
- 1950 અને 1960ના દાયકાઓમા ભારતમાં નબળી ખેતીના કારણે ભારતમાં અનાજની આયાતો વારંવાર થતી હતી.
- વિકાસલક્ષી આયાતો જેવી કે મશીનો, મૂડી, ટેકનોલોજી, નિષ્ણાતોની સલાહ, સ્પેરપાર્ટસ વગેરેની પણ મોટા પ્રમાણમાં થતી હતી.
- નીચા વિકાસની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસો વધુ હોય છે.
- ભારતમાં ચા, કોફી, શણ, કાચી ધાતુઓ અને ખનીજ વગેરેની નિકાસનું પ્રમાણ વધુ હતું અને ઔધોગિક વસ્તુઓની નિકાસો નીચી હતી.
- જ્યારે દેશ વિકાસશીલ બને ત્યારે અનાજની આયાતો ઘટવા પામે છે અને દેશની નિકાસોમાં પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટે છે અને ઔદ્યોગિક નિકાસોનો હિસ્સો વધે છે.
- ભારતમાં સીત્તેર અને એંશીના દાયકાઓમા આ પ્રકારના વલણો જોવા મળ્યા.
- જેમ કે વચગાળાની વસ્તુઓ, કાચો માલ, સ્પેરપાર્સ, પેટ્રોલ, નવીન ટેકનોલોજી વગેરે વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં વધતી ગઈ. 1991 પછી ભારતમાં આયાતો અને નિકાસોનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાયું.
- ભારતની આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી આયાતો ખૂબ ઓછી થઈ અને મૂડી આયાતો પણ ઓછી થઈ.
- પરંપરાગત નિકાસો જેવી કે ચા, કૉફી, શણ વગેરેનો કુલ નિકાસોમાં હિસ્સો ઓછો થયો અને ઔધોગિક અને બિનપરંપરાગત નિકાસનો ફાળો વધ્યો. દા.ત., સોફ્ટવેરની નિકાસ.
- 1961 માં ખાદ્યવસ્તુઓની આયાતો કુલ વસ્તી આયાતોમાં 19.1 ટકાનો હિસ્સો ધરાવતી હતી જે 2014-15 માં ઘટીને ફક્ત 3.9% થયો.
- 1960-61 માં કુલ વસ્તુ આયાતોમાં મૂડીજન્ય આયાતોનો હિસ્સો 31.7 % હતો, જે ખૂબ ઊંચા હતો જે 2014-15 માં ઘટીને 9.8 % થયો.
- અન્ય નવીન આયાતોનું પ્રમાણ 1960-61 માં 2.2 % હતું, જે 2014-15માં 46.5 % થયું. એટલે કે વિકાસમાં વૈવિધ્યકરણ આવતા નવીન વસ્તુઓની આયાતો વધે છે.
- તે જ રીતે નિકાસોનું સ્વરૂપ પણ બદલાયું છે. સમગ્ર પ્રાથમિક ક્ષેત્રનો વસ્તુનિકાસોમાં ફાળો 1960-61 માં 44.2 % હતો
- જે 2014-15 માં ઘટીને ફક્ત 12.3 % જેટલો રહ્યો, (જેમાં, ચા તથા કૉફીની નિકાસોનો હિસ્સો 19.3 થી ઘટીને 0.2 ટકા નો થયો, શણની નિકાસનો હિસ્સો 21 ટકાથી ઘટીને 0.2 % થયો)
- તેમજ વસ્તુનિકાસમાં ચામડાની નિકાસનો કાળો 1960-61 માં 4.4 ટકાથી ઘટીને 2014-15માં 1.3 % અને કાપડની નિકાસનો હિસ્સો 10 ટકાથી ઘટીને 2 % થયો.
- તેની સામે તૈયાર કપડાઓની વસ્તુનિકાસમાં હિસ્સો જે 1960-61 માં 0.1 % જેટલો જ હતો તે 2014-15 માં વધીને 5.4 % થયો.
- બધી જ ઉત્પાદિત વસ્તુઓનો કુલ વસ્તુનિકાસમાં હિસ્સો જે 1960-61 માં 45.3 % હતો તે 2014-15માં વધીને 66,7 % જેટલી થયું.
- પેટ્રોલને લગતી નિકાસોનો કુલ વસ્તુનિકાસમાં ફાળો 1960-61 માં 1.1 % જ હતો, જે 2014-15માં 18.5 % જેટલો થયો.
ભારતમાં વિદેશ વેપારની દિશામા આવેલા ફેરફારો
વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ, અલગ-અલગ દિશાના પ્રદેશો સાથે વેપાર કરવા માટે કોઈ દેશ પાસે
- વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ.
- અનેક દેશો સાથે સારા રાજકીય સબંધો/ રજનયિક સબંધો હોવા જોઈએ.
- અનેક પ્રકારના રાજનયિક પ્રયત્નો કરવાની તૈયારી જોઈએ.
- વેચાણ-વ્યવસ્થા અને વેપાર-વ્યવસ્થાપન માટેની આવડત તથા ટેકનોલોજી હોવા જોઈએ.
- વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન હોવું જોઈએ.
UK સાથેની આયાતો
- સ્વતંત્રતા પછી ભારતનો મોટા પ્રમાણનો વેપાર UK સાથે થતો હતો. કારણ કે સ્વતંત્રતા પહેલાં UK સાથે આપણો વેપાર સ્થપાયેલ જ હતો.
- 1960-61 માં ભારતની કુલ આયાતોમાંથી 19 % આયાતો UK થી આવતી હતી, જે 2007 પછી ઘટીને 2 ટકાથી ઓછી થઈ ગઈ.
USA સાથેની આયાતો
- સ્વતંત્રતા પછી આપણે અમેરિકા (USA) પર અનેક પ્રકારની આયાત માટે નિર્ભર રહ્યા હતા.
- 1960-61 માં વસ્તુઓ અને સેવાઓની કુલ આયાતોમાં USA થી 29 % આયાતો થઈ હતી, જે 2007 પછી ઘટીને 8 ટકાથી નીચી થઈ ગઈ.
OPEC દેશો સાથેની આયાતો
- OPEC થી આયાતનું પ્રમાણ વસ્તુઓની કુલ આયાતમાં વધ્યું કારણ કે ઔદ્યોગિકીકરણ અને વિકાસ વધતાં પેટ્રોલની (ખનીજ તેલની) આયાત વધી. (OPEC – ખનીજતેલની નિકાસ કરતા દેશોનું જૂથ)
વિકાસશીલ દેશો સાથેની આયાતો
- રશિયા સાથે ભારતના મૈત્રીસંબંધો હતા અને સ્વતંત્રતા પછી રશિયાથી ઊંચા પ્રમાણમાં આયાતો થતી હતી જે 1980 પછી રશિયા માં થયેલી આર્થિક કટોકટીના કારણે ઘટી ગઈ.
- આમ, પરંપરાગત ભાગીદારો ઇંગ્લેન્ડ અને રશિયા સાથે વેપાર ઘટ્યો પરંતુ વિકાસશીલ દેશો સાથેનો આપણો વેપાર વધ્યાં, ખાસ કરીને એશિયા, મધ્ય એશિયા અને આફ્રિકાના વિકાસશીલ દેશો સાથે આપણો વેપાર વધ્યો છે.
- 1960-61માં વસ્તુઓની કુલ આયાતોમાંથી .8 % જેટલી આયાતો વિકાસશીલ દેશોમાંથી આવતી હતી, જે 2007-08માં 32 % જેટલી થઈ અને 2014-15 માં 59 % જેટલી થઈ.
UK સાથેની નિકાસો
- 1960-61 માં UK તરફની વસ્તુઓના કુલ નિકાસોમાંની 26.8 % નિકાસો થતી હતી જે 2007-8 પછી ઘટીને 4 ટકાથી નીચી ગઈ.
USA સાથેની નિકાસો
તે જ સમયગાળા દરમિયાન અમેરિકા ખાતે થતી વસ્તુનિકાસની ટકાવારી 16 ટકાથી ઘટીને 12.7 % થઈ.
રશિયા સાથેની નિકાસો
રશિયા ખાતેની વસ્તુનિકાસોમાં ટકાવારી 4.5 ટકાથી ઘટીને 0.6 % થઈ.
OPEC દેશો સાથેની નિકાસો
OPEC ખાતે થતી આપણી વસ્તુનીનિકાસોની ટકાવારી 1960-61 માં 4.1 % હતી જે ત્યાર પછીના સમયમાં વધવા પામી અને 2007-8 પછી 16 ટકાથી વધુ થઈ.
વિકાસશીલ દેશો સાથેના વસ્તુનિકાસોની ટકાવારી 14.8 ટકાથી વધી અને 42.6 ટકાથી વધુ થવા પામી.
2014-15 માં એશિયાના દેશો ખાતે આપણી વસ્તુનિકાસોમાંની 50 % જેટલી નિકાસ થઈ હતી. આમ, અલગ-અલગ દેશો સાથે અને દિશામાં વેપાર વિકસાવવા ભારતે સફળ પ્રયત્નો કર્યા છે.
લેણદેણની તુલાનો ખ્યાલ :
લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે.
અર્થ : વર્ષ દરમિયાન દેશની ભૌતિક (દશ્ય) અને અભૌતિક (અદ્શ્ય) આયાત – નીકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા.
(ભૌતિક કે દશ્ય ચીજો એટલે વસ્તુઓ અભૌતિક કે અદશ્ય ચીજો એટલે સેવાઓ)
લેણદેણની તુલાને બે બાજુ, એટલે કે જમાબાજુ અને ઉધારબાજુ હોય છે. વિદેશો પાસેથી થતી બધીજ આવકો જમાબાજુએ નોંધાય છે અને વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ ઉધારેબાજુએ નોંધાય છે.
લેણદેણની તુલાના પ્રકારો :
લેણદેણની તુલા (1) સમતોલ અને (2) અસમતોલ હોય છે.
- સમતોલ તુલામાં જમા અને ઉધારબાજુના સરવાળા સમાન હોય છે. અસમતોલ તુલામાં જમા અને ઉધારબાજુના સરવાળા સરખા હોતા નથી.
- જ્યારે જમાબાજુનો સરવાળો ઉધારબાજુના સરવાળા કરતા વધુ હોય તો લેણદેણ તુલામાં પુરાત છે એમ કહેવાય.
- જ્યારે ઉધારબાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતા વધુ હોય, તો લેણદેણ તુલામાં ખાધ છે એમ કહેવાય.
લેણદેણની તુલાના ખાતાઓ
લેણદેણની તુલામાં બે ખાતા હોય છે. : (1) ચાલુ ખાતુ (2) મૂડી ખાતું
(1) ચાલુ ખાતું : આ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે.
(i) ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય :
વેપારતુલાનો અર્થ
કોઈ એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક સ્વરૂપની વસ્તુઓની આયાત અને નિકાસ ના મુલ્યોની હિસાબી નોંધનું સરવૈયું એટલે વેપારતુલા.
આમ વેપારતુલા એટલે વસ્તુ વેપાર ( દૃશ્ય વેપાર) ની તુલા
- ભૌતિક વસ્તુઓની નિકાસકમાણી જમાબાજુ અને ભૌતિક વસ્તુઓની આયાત પાછળનો ખર્ચ ઉધારબાજુ નોંધાય છે.
- આ વિભાગના સરવાળાને વેપારતુલા કહેવાય છે.
- દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતા વધુ હોય, તો વેપારતુલામા ખાધ આવે છે અને તેથી ઊલટું હોય તો વેપારતુલામાં પુરાંત નોંધાય છે.
(ii) અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે.
(i) અને (ii)ના સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલા કહેવાય છે.
(2)
મૂડી ખાતુ :
- આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વહેવારોનું મૂલ્ય નોંધાય છે જેવા કે બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ વગેરે તથા સ્થાયી મૂડીરોકાણ.
- ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણદેણની તુલા કહેવાય છે.
લેણદેણની તુલાને અસર કરતાં પરિબળો :
લેણદેણની તલાને અસર કરતાં પરિબળો એટલે કે દેશમાં આયાત, નિકાસ, મૂડીની હેરફેર, સાધનની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરેને અસર કરતાં પરિબળો.
આવા પરિબળોના કારણે તુલામાં પરાંત અથવા ખાધ આવી શકે છે. આવો પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર પર આધારિત હોય છે. આવાં કેટલાંક પરિબળો નીચે મુજબ જણાવી શકાય.
- હુંડિયામણનો દર
- વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશોમાં કિંમત
- વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા
- અનિવાર્ય આયાતો
- દેશના આર્થિક વિકાસનું સ્તર
- વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશ
- વેપારને આધાર આપતી સવલતો જેમ કે વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, અન્ય આંતર માળખાકીય સુવિધા ઓ વગેરે.
હુંડિયામણના દરનો ખ્યાલ :
- જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય છે ત્યારે તેઓ ભારતના ચલણ રૂપિયા માં ત્યાં ખરીદી કરી શકતા નથી.
- તેમણે રૂપિયા નું જે-તે દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે.
- તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે-તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ચલણમાં કરવી પડે. આ ઉદાહરણો ભારતની વિદેશી હૂંડિયામણ માટેની માંગ દર્શાવે છે.
- તે જ પ્રમાણે વિદેશીઓ ભારતના રૂપિયા ની માંગ કરી શકે.આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંકો પાસે અથવા ચલણના કાયદા માન્ય વેપારીઓ પાસે જઈને પોતાના દેશની ચલણ અને અન્ય ચલણમાં રૂપાંતર કરાવે છે.
- આ પ્રકારનું રૂપાંતર જેતે સમયે પ્રવર્તતા કોઈ ચોક્કસ દરે થાય છે. આવા દરને હૂંડિયામણનો દર કહેવાય.
- જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હૂંડિયામણનો દર.
- એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હૂંડિયામણનો દર.
કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે વિદેશી ચલણના એક એકમની પોતાના દેશના ચલણામાં વ્યક્ત થતી કિમત એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણના જેટલા એકમો ચૂકવવા પડે તે કિંમત.
દા.ત., US $ 1 = રૂપિયા 60ના હૂંડિયામણ દરનો અર્થ એવો થાય કે US $ 1 ખરીદવા માટે ભારતીય નાગરિકે રૂપિયા 60 ચૂકવવા પડે છે.
જ્યારે ભારત માટે હૂંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું ગણાય.
કારણ કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે હવે વધુ રૂપિયા આપવા પડે.એટલે કે વિદેશી ચલણની કિંમત મોંધી થાય અને ભારતના રૂપિયા નું મૂલ્ય ઓછું થાય.
પહેલા US $ 1 = રૂપિયા60 દર ઊંચો થવાથી US $ 1 = રૂપિયા 65.
તેમજ જ્યારે ભારત માટે હૂંડિયામણનો દર નીચો થાય ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે.
ક્યારેક ખુલ્લા બજારમાં હૂંડિયામણના દરોમાં ફેરફાર થાય છે, તો ક્યારેક કોઈ દેશની સરકાર આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા તેમ કરે છે.
ભારત માટે હૂંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય, તો ભારતમાં આયાતોની માંગ ઘટે છે અને નિકાસ વધવા પામે છે.
જયારે US $1 ની કિંમત રૂ 60 થી રૂ 65 થાય તો આયાતકારે US $1 ની વસ્તુની આયાત માટે રૂ 65 ચુકવવા પડે છે. જેના માટે અગાઉ ફક્ત રૂ 60 ચૂકવવા પડતા હતા. માટે આયાતો ઓછી થવા પામે છે.
કોઈ વિદેશી વેપારીને $1 ખર્ચીને પહેલા રૂ 60 ની વસ્તુ મળતી હતી જ્યારે હવે $1 ખર્ચીને રૂ 65ની વસ્તુઓ મળે છે. માટે નિકાસો વધવા પામે છે. ભારત માટે હુંડિયામણ દર ઘટે તો તેથી ઊલટું જોવા મળે છે.