Dikri Ghar Ni Divdi Essay In Gujaratri

2
11645
Dikri Ghar Ni Divdi Essay In Gujaratri
Dikri Ghar Ni Divdi Essay In Gujaratri

                          

                        દીકરી ઘરની દીવડી

                      

“દિકરી” શબ્દ કાને પડતાં જ એક કરુણાસભર વ્યક્તિત્વ માનસ પટ પર ઉપસી આવે છે અને સ્નેહનો મહાસાગર ઘૂઘવતો સંભળાય છે.પોતાના વાત્સલ્યથી જિંદગીભર બંને કુટુંબોને ભીંજવતી દીકરીની ત્યાગભાવના ને શબ્દ દેહ  આપવાનું શક્ય નથી.

“આકાશની શોભા  તારાથી હોય છે. નદીની શોભા કિનારાથી હોય છે. ફૂલોની શોભા સુગંધથી હોય છે અને ઘરની શોભા દીકરીથી હોય છે.”પરંતુ કમનસીબે આજે દીકરીને “માથા પરનો બોજ” “ પારકી થાપણ” “ સાપનો ભારો” આવી રીતે માનવામાં આવે છે. ઈશ્વરે કરેલા આ અદ્વિતીય સર્જન પ્રત્યે ભેદભાવ રાખવો તે ખરેખર ઘોર અન્યાય છે.

દીકરાઓ તો હજુ પણ તેમના લગ્ન થયા પછી મા-બાપને તરછોડી દેતા હોય છે પણ દીકરી તો આજીવન માતા પિતા નો આશરો બનીને રહે છે.દીકરાઓ દ્વારા પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા ના દાખલા ઘણા જોવા મળે છે પણ કોઈ દીકરીએ અત્યાર સુધી આવું કર્યું હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. એટલે જ કહે છે કે દીકરો એક કુળને તારે છે તો દીકરી બે- બે  કુળને તારે છે.

Dikri Ghar Ni Divdi Essay In Gujaratri
Dikri Ghar Ni Divdi Essay In Gujaratri

દિકરીના જન્મ થયા બાદ પિતા ને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે તેના હૃદય માં હમેશા છુપાયેલી રહે છે. પિતાનો ચહેરો ઓળખવામાં દીકરી  જેટલી કુશળતા ભાગ્યે જ બીજા કોઈ પાત્રોમાં હોય છે. દીકરી એ પિતાના હૃદયનો ધબકાર છે.જીવનમાં કદી ના રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જ્યારે પોતાની દીકરીને વિદાય આપે ત્યારે ચોધાર આંસુએ રડે છે. કાજલ ઓઝા વૈદ્ય ના શબ્દોમાં કહીએ તો: “બાપના શરીરની બહાર ફરતું હૃદય એટલે દીકરી.” નવો દોર નવા યુગની શાન છે દીકરી, માતા-પિતાની આન બાન અને શાન છે દીકરી.દીકરી એટલે કદી DELETE ન થતી અને સદા REFRESH રહેતી લાગણી. જીવનની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી.

દીકરી મોટી થતાં સર્વપ્રથમ તેની ભૂમિકા બહેનથી શરૂ થાય છે પોતાની બહેન કે ભાઈ સાથે ઉછરતી વખતે તે હંમેશા અન્ય ને ખુશ રાખવા પ્રયત્નશીલ રહે છે. અભ્યાસકાળ દરમિયાન પણ પોતાના ભાઈ-બહેનને તે દરેક પ્રકારે મદદરૂપ થાય છે. “ કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી” જેવા લાગણીસભર લોકગીત ની પંક્તિઓ ભાઇ-બહેનના હેત ને આબાદ રીતે પ્રતિબિંબિત કરે છે.

રાખડી દ્વારા પોતાના ભાઇની રક્ષા ઇચ્છતી બહેન અંતરના આશિષ આપી પોતાના ભાઇનું દીર્ઘાયુષ્ય ઈચ્છે છે.પોતાના ભાઈ-બહેન ને લાડ કરાવવા દરેક દીકરીઓ બધું જ કરી છૂટે છે જરૂર પડે ત્યારે સમાધાન કરે છે ભોગ આપે છે જતું કરે છે, ઘસાય છે અને અગરબત્તીની જેમ પોતે સળગી ને પણ સુગંધ પ્રસરાવે છે આજ દીકરી મોટી થતા માબાપ પ્રત્યે પોતાનું ઋણ અદા કરે છે.

Dikri Ghar Ni Divdi Essay In Gujaratri
Dikri Ghar Ni Divdi Essay In Gujaratri

દિકરીની જિંદગીમાં ત્યાર પછીનો સૌથી મહત્વનો તબક્કો લગ્ન થયા બાદ પત્નીની ભૂમિકા અદા કરવાનો આવે છે તદ્દન અજાણ્યા કુટુંબમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જઈ પારકાને પોતાના બનાવવાની કળા સ્ત્રી માત્ર ને કુદરતી બક્ષિસ છે. આ બલિદાન તથા યોગદાન શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. માથું આદરથી ઝૂકી જાય તેવી સ્વા પર્ણ  ભાવના આ અઘરી ભૂમિકા ભજવતી વખતે પ્રત્યેક દીકરી ચરિતાર્થ કરે છે.

પિતાની જગ્યાએ સસરા, માતા ની જગ્યાએ સાસુ, ભાઈ ની જગ્યાએ દિયર કે જેઠ  બહેન ની જગ્યાએ નણંદ આવા નવા સંબંધોનાં સમીકરણો સુલઝાવવા એ સહેલી વાત નથી. આ એક જબરજસ્ત સમર્પણ છે. એક નવા અને અજાણ્યા વાતાવરણમાં પોતાની જાતને ઓગાળી નાખવી એ કલ્પનાતીત છે.સ્ત્રી જીવનની આ સૌથી કપરી અને પડકારરૂપ ભૂમિકા નું મહત્વ ભારતીય સંસ્કૃતિના પરી પ્રેક્ષ્ય માં ઘણું વધારે છે. ડગલેને પગલે સમાધાન કરી બાંધછોડ કરવાની હોય છે, કડવા ઘૂંટડા ગળી જઈને બધાને ખુશ રાખવાના હોય છે ,સતત સામા પ્રવાહે તરવાનું હોય છે, પારકાનું પ્રેમ સંપાદન કરવો એ નાનોસૂનો પડકાર નથી. સમગ્ર અસ્તિત્વને દાવ પર લગાવવું પડે છે અને અન્યોની ઈચ્છાઓને પોતાની ઇચ્છા બનાવવી પડે છે.

એક હસતી મલકાતી દીકરી ઘરની સજીવતા છે. જેના ચાલવામાં ઝંકાર છે. જેના અસ્તિત્વનો એક આનંદ છે જેના આગમનથી સંપૂર્ણ ઘર સુવાસિત થયું છે પરંતુ એક ઘરની દીવડી ને પ્રગટાવવાને બદલે આપણે ક્યાંક બુઝાવી તો નથી રહ્યા ને? જન્મ દેવામાં માતા જોઈએ, રાખડી બાંધવા બહેન જોઈએ, લાડ લડાવવા મામી જોઈએ, સાથ નિભાવવા પત્ની જોઈએ, વાર્તા સાંભળવા દાદીમાં જોઈએ, પણ આ બધાની પહેલા એક દીકરી તો જોઈશે ને? અને દીકરીને આપણે ક્યાંક દફનાવી તો નથી રહ્યા ને?

સમાજમાં બધાને દીકરાઓ જોઈએ છે પણ દીકરીઓ નથી જોઈતી. એક નગ્ન સત્ય કોઈને કેમ સમજાતું નથી કે દીકરીઓ વગરના સમાજમાં દીકરાઓને પરણાવશું ક્યાં?દીકરીને સાપનો ભારો ગણતા સમાજને મારે એક વેધક પ્રશ્ન પૂછ્યો છે કે તમારા ખાનદાનનો વંશવેલો આગળ વધારવા માટે કોઈ ના ઘરનો સાપનો ભારો તમારા કુટુંબમાં પુત્રવધુ તરીકે હોંશે હોંશે લાવતી વખતે તમારા સમીકરણો કેમ બદલાઈ જાય છે? યાદ રહે જે સમાજે  દીકરા દીકરી માટે જુદા જુદા કાટલાં રાખ્યા છે તેને તેની આકરી કિંમત ચૂકવવી જ પડશે.

અત્યારસુધી દીકરીને સાપનો ભારો કહીને વગોવી છે જો તેનું પ્રાયશ્ચિત કરવું હોય તો હવે આપણે દીકરી ને તુલસીનો ક્યારો કહેવાનું શરૂ કરવું પડશે.

દીકરીને પારકી થાપણ માનવાની આપણી માન્યતા પણ ભૂલ ભરેલી છે કારણ કે દીકરી પારકી થયા પછી એટલે સાસરે વળાવ્યા પછી પણ પોતાના કુટુંબ સાથે પૂરેપૂરા સમર્પણ સાથે જોડાયેલી રહે છે અને દૂર હોવા છતાં પિયર ના સુખ દુઃખ ને  અનુભવી શકે છે. આજના સમયમાં કોઈ વૃદ્ધ માવતર નું મરણ થતાં પુત્ર ન હોય અને પુત્રીઓએ નનામીને કાંધ આપીને અંતિમવિધિ અને તેમના અગ્નિસંસ્કાર કર્યા હોવાના દાખલાઓ પણ જોવા મળે છે. આ રીતે દીકરીઓ માવતર પ્રત્યે પોતાનું ઋણ અદા કરતી જોવા મળે છે.

દહેજપ્રથાના  કુરિવાજ હેઠળ દીકરી સાસરે જાય ત્યારે સાસરિયાઓ એમ પૂછે છે કે વહુ કરિયાવરમાં શું શું લાવી છે? આવો સવાલ કરનાર ને એમ કેમ નથી સમજાતું કે દીકરી વ્હાલના દરિયા જેવા મા-બાપ ઘર, પરિવાર, ગામ આ બધું છોડીને તમારા હૃદય જીતવા આવી છે. આ સત્ય જ્યારે સમાજને સમજાઈ જશે ત્યારે દીકરીના જીવનમાં સુગંધ આવી જશે.

દીકરીનું આટલું મોટું યોગદાન હોવા છતાં આજનો નાસમજ સમાજ દીકરીને ભ્રુણ હત્યા ની ભેટે ચડાવી દે છે. આના લીધે છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા સમાજમાં ઝડપથી ઘટી રહી છે.

ભ્રુણ હત્યા પર સરકારે સખત પગલાં લીધેલા હોવા છતાં પણ ભૃણ હત્યા નો સિલસિલો હજુ સમાપ્ત જ નથી થયો.

આમ સમગ્ર રીતે જોતાં દીકરીઓ ઘરની આધારશિલા છે દીકરી વિના જીવનની કલ્પના કરવી પણ અસંભવ છે. આ સંદર્ભે એમ કહી શકાય કે” સૃષ્ટિનો છે એક જ પોકાર દીકરી બચાવી કરો ઉદ્ધાર”.

Dikri Ghar Ni Divdi Essay In Gujaratri
Dikri Ghar Ni Divdi Essay In Gujaratri

આ નિબંધ માં તેમજ સ્પીચ માં લખી શકાય તેમ જ બોલી શકાય તેવા સુત્રો તેમજ પંક્તિઓ:

લગ્ન પછી દીકરી ઘરની દિવાલ પર પોતાના બંને હાથ કંકુ વાળા કરી થાપા મારે છે ત્યારે ભીત પર બે લાલ ગુલાબ ખીલી ઊઠે છે. આ કેવળ હાથની છાપ નથી પણ હૃદય ની છાપ છે- ફાધરવાલેસ

“દીકરી એટલે ચણ ખાઈને ઉડી જતી ચકલી પછી એ માળા સામું નહીં જુએ પણ એનું સુખ મનમાં મમળાવ્યા કરશે.”

દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી

જોઈ-ન-જોઈ ત્યાં તો વહી જતી રે વન પંખી જેવી-બોટાદ કર

“ઈશ્વરે આપેલા હસ્તાક્ષર એટલે દીકરી”

“બેટી બચાવો બેટી પઢાઓ

અપની સોચ કો આગે બઢાઓ”

“God smiled when he made daughter because he knew he had created love and happiness ever lasting”

આ નિબંધની સાથે સાથે  વિદ્યાર્થીમિત્રો 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ વંદન  ના કાર્યક્રમમાં શાળામાં તમને ખૂબ જ ઉપયોગી થાય તેવી ખૂબ જ સુંદર સ્પીચ  અહીં આપેલી છે. આ સ્પીચ જરૂરથી તૈયાર કરજો.નીચે આપેલી લિંક પર ક્લિક્ કરો.

પંદરમી ઓગસ્ટ નિબંધ

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here