મારો યાદગાર પ્રવાસ તથા
પ્રવાસનુ જીવન ઘડતરમા સ્થાન.
પ્રવાસનો શોખ વિદ્યાર્થી અવસ્થામાં વિકસાવ્યો હોય તો મોટપણે માનવી પ્રવાસ થી કંટાળતો નથી. પ્રવાસ એ તો હૃદય, મન અને આત્માને વિશાળ, ઉદાર અને દ્રઢ બનાવનારી ઉદાર પ્રવૃત્તિ છે.
સાહસિકતા , સહિષ્ણુતા માનવતા, વ્યવહારકુશળતા અને નિયમિતતા જેવા જીવન ઘડતરના મૂલ્યવાન ગુણો પ્રવાસ દ્વારા ખીલે છે છે ,વિદ્યાર્થીઓમાં સૌંદર્ય દ્રષ્ટિ વિકસે છે .સહકારની ભાવના કેળવાય છે.
મુશ્કેલી ને હસતા હસતા પાર કરવાની તાલીમ મળે છે,અને ઝીણામાં ઝીણી બાબતનું પણ ચોકસાઈથી આયોજન કરવાની ટેવ પડે છે.
પ્રવાસથી માનવી ઘડાય છે ,અવનવા અનુભવો કરવાની શક્તિ તેનામાં પેદા થાય છે. પ્રવાસના કારણે માનવીમાં સહિષ્ણુતા અને સહનશીલતાની ભાવના જાગે છે. ભારતીય સંસ્કૃતિમાં તો જૂના સમયથી પ્રવાસનું મહત્વ સ્વીકારાયેલું છે.
વેદોમાં પણ કહ્યું છે:चरैवेति चरैवेति (ચાલતા રહો , ચાલતા રહો) પહેલા પ્રવાસ પગે ચાલીને ખેડાતા ,જેને યાત્રા કહેવામાં આવતી .આજે પ્રવાસનો રેઈન્જ પદયાત્રાથી માંડીને વિમાન યાત્રા સુધી પહોંચ્યો છે !
માનવી ત્રણ વૃત્તિઓ સાથે પ્રવાસ ખેડતો રહે છે. (૧) યાત્રા વૃત્તિ (૨)સહેલાણી વૃત્તિ (૩) પ્રવાસ શ્રુતિ.
અમારી શાળામાંથી બે દિવસોનો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો ,જેમાં તારંગા, અંબાજી અને માઉન્ટ આબુ ના સ્થળો મુખ્ય હતાં .નક્કી કરેલી તારીખે વહેલી સવારે ૬:૦૦વાગે બસ નીકળી અને તરત જ સવારનું અજવાળું ચારે બાજુ ફેલાઈ ગયું .
આસપાસ લીલાછમ ખેતરો પસાર થઈ રહ્યા હતા. સાથે જ પૂર્વમાંથી સૂર્યના કિરણોનો સ્ત્રોત બધે ફેલાવા લાગ્યો.
એકાદ કલાક નયનરમ્ય વિસ્તારોમાં બસ દોડી એટલે અંબાજી આવ્યું. ઉત્તર ગુજરાતમાં અંબાજી માતાનું મંદિર ઉત્તમ યાત્રાધામ તરીકે વર્ષોથી ખ્યાતનામ છે. સમગ્ર મંદિરનું શિલ્પ ,ચોક અને કુંડ વગેરે ની શોભા ભવ્ય લાગી .
ચારે બાજુ ડુંગરોની વચ્ચે સમથળ ભૂમિ પર આવેલું આ મંદિર પ્રાકૃતિક રીતે પણ શોભાને વધારી દેનારું છે .ત્યાં મંદિર પછી આકર્ષણ ગબ્બર નું છે .અમે બધા વિદ્યાર્થી ભાઈ-બહેનો અમારા શિક્ષકો ની આગેવાની હેઠળ શિસ્તબદ્ધ રીતે ઉપર ચઢયા .ચડાણ કપરું અને પડકારરૂપ છે. ક્યારેક તો એકબીજાના હાથનો સહારો પણ લેવો પડતો હતો .
એક માન્યતા પ્રમાણે આ ગબ્બરના ડુંગરના પોલાણમાં માતાજી હીંચકે હીંચે છે ,તેનો કિચૂડ કિચૂડ અવાજ ભક્તજનોને સાંભળવા મળે છે. અમે પથ્થરો ઉપર કાન દઈને એ અવાજ સાંભળવા પ્રયત્ન કર્યા .બપોરે નીચે પાછા ઉતરી ભોજન કર્યું.
આબુ પ્રાકૃતિક પ્રવાસધામ છે. રમણીય ટેકરીઓની વચ્ચે આવેલું છે. સૌ પ્રથમ અમે નખી તળાવ ઉપર આવ્યા .આટલી ઊંચાઈ પર ભવ્ય એક અદભુત વાત જેવું લાગ્યું.
કેટલાકે શિક્ષકોની મંજૂરી લઈ નૌકા વિહાર કર્યો .તળાવમાંથી દૂર નજર કરતા દેડકા જેવા આકારનો પથ્થર જોયો. ત્યાંથી સ્કેન્ડલ પોઇન્ટ ,અર્બુદા દેવી, અધરદેવી ,અચલગઢ ,દેલવાડાના દેરા અને ગુરુશિખર સુધીનો પ્રવાસ કર્યો.
બીજા પણ અનેક સ્થળોએ જિજ્ઞાસા અને ભક્તિભાવપૂર્વક ફર્યા.સાંજે છ વાગે સનસેટ પોઈન્ટ ઉપરથી સૂર્યને આથમતો સગી આંખે જોવાની મજા કંઈક જુદી હતી .
“ડુંગરા ચઢવા સહેલા ના ,
છતાં શિખરે ચઢી
પ્રકૃતિ દેવીની લીલા ન્યાળવી,
રમ્ય એ ઘડી.”
ત્યાં પવિત્ર વાતાવરણમાં અમને અપૂર્વ શાંતિનો અનુભવ થયો. ઉપર પવનના ભારે સુસવાટા થતાં હતાં . ધીમે ધીમે સૂર્ય પશ્ચિમ દિશામાં નમી રહ્યો હતો .
કેટલોક સમય પૂજા-અર્ચનામા ગાળી ,સૂર્યાસ્ત પહેલા પ્રકૃતિના સૌંદર્યને જોતા જોતા અમે નીચે ઉતર્યા.
આ મારો યાદગાર પ્રવાસ સાબિત થયો .કારણ કે આમ પહેલા તો મેં કદી આ સ્થળો જોયા-જાણ્યા નહતા .આથી મારી જિજ્ઞાસા અને કુતુહલ વૃત્તિથી મને ખૂબ મજા આવી.
આવા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ થકી મને ઘણો જ આનંદ આવ્યો .કદી ન ભૂલાય તેવો અવિસ્મરણીય અનુભવ થયો. કોઈએ સાચું જ લખ્યું છે કે,
“સંભારણા ફરી-ફરી ચીતરે છે ચિત્ર કાંઈ,
ભિનપ છે આંખે અશ્રુની ને ઉષ્ણ શ્વાસ છે.”
આ ટૂંકા પણ મહત્વપૂર્ણ પ્રવાસનું મારા મનમાં સંભારણું રહી ગયું છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ,ગબ્બર ગઢ ,કોટેશ્વર ,મહુડી અને ઇડર નો આ પ્રવાસ મારા માટે ખૂબ જ યાદગાર સાબિત થયો.
કાકા કાલેકટર ના મતે “પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી સગવડ” છતાંય પ્રવાસનો કાર્યક્રમ જો આયોજનબદ્ધ હોય તો કેવી મજા પડે એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો, જે કદાચ હું જીવનભર નહીં ભૂલું ! અંતે મારા મતે પ્રવાસ એટલે,
” ખુશીઓનો સરવાળો ,દુઃખોની બાદબાકી, સંઘર્ષનો ભાગાકાર,
પ્રેમ અને મૈત્રીનું વિસ્તરણ અને જગતની પહેચાણ.”
પ્રવાસનુ જીવન ઘડતરમા સ્થાન.
વિદ્યાર્થીઓના સોનેરી જીવન ઘડતરમાં જે રીતે રમત-ગમતનું તહેવારોનું, સમયપાલનનું , પુસ્તકોનું અને શિસ્તનું મહત્વ છે તેમ દરેક વિદ્યાર્થી કે વ્યક્તિના જીવન ઘડતરમાં પ્રવાસનો શોખ મહત્વનો છે.
પ્રવાસ દિલોદિમાગ અને આત્માને મજબૂત , વિશાળ ને ઉદાર બનાવે છે. સાહસ, સહનશીલતા, નિયમિતતા ,વ્યવહાર કુશળતા, માનવતા જેવા ગુણો પ્રવાસ દ્વારા જ ખીલે છે અને વિકસે છે.
પ્રવાસ પૂર્વે અને પ્રવાસ દરમિયાન ઝીણામાં ઝીણી બાબતો નું ચીવટ ભર્યું ને ચોકસાઇ ભર્યું આયોજન કરવાની ટેવ વિકસે છે. પ્રવાસમાં પડતી મુશ્કેલીઓને હસતા હસતા પાર પાડવાની તાલીમ પણ મળે છે. શિક્ષણમાં કે જીવનમાં સમયાંતરે પ્રવાસ જરૂરી જ છે .
જેમાંથી સહકારની ભાવના કેળવાય છે અને સૌંદર્ય દ્રષ્ટિ નો વિકાસ થાય છે. પ્રવાસના અનેક લાભો છે.પ્રવાસથી પ્રવાસીના શરીરમાં શ્રમ કરવાની અને અનેક પ્રકારની અગવડો સહન કરવાની શક્તિ આવે છે.
પ્રવાસીનું શરીર ખડતલ બને છે, તેને અનેક માણસો ના સત્સંગમાં આવવું પડે છે, એટલે સ્વભાવનું સુંદર દર્શન તે કરી શકે છે, તેની બુદ્ધિ વિકાસ પામે છે, તેના ધાર્મિક અને ઐતિહાસિક વલણો કેળવાય છે.
જે પ્રકૃતિના અનેક રહસ્યો સમજે છે તેનો જનસંપર્ક વધી જાય છે અને તેના પ્રાકૃતિક ,ભૌગોલિક, સામાજિક અને રાજકીય જ્ઞાનમાં વધારો થાય છે. પ્રવાસને લીધે સ્વાસ્થ્ય, વાણિજ્ય વગેરેનો સારો એવો પરિચય થઈ શકે છે.
‘પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન ‘ એ વિષય પર ‘શ્રી ધૂમકેતુ ‘ એ લખ્યું છે કે ‘જે વ્યક્તિમાં શાળા કક્ષાએથી પ્રવાસનો શોખ વિકસે છે તે વ્યક્તિનું વ્યક્તિત્વ ક્રમશ : સોળે કળાએ નીખરતું જાય છે; અને પછી મોટપણે એનો આ શોખ એને નોકરી ધંધામાં ,સાહસ યુક્ત કાર્યો કરવામાં ,જીવનના કોઈપણ પડકારને પહોંચી વળવામાં પરોક્ષ રૂપે ભારે મદદરૂપ થઈ પડે છે.’
શ્રી કાકાસાહેબે તો ત્યાં સુધી કહી દીધું છે કે – ‘જેમ કુંભાર માટીને ઘાટ આપે છે ,તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે. ‘ ટૂંકમાં , પ્રવાસથી માનવીના તનમનની તંદુરસ્તી જ નહીં; એના હૃદયની પ્રસન્નતા અને એના વિચારોની વ્યાપકતા પણ અપેક્ષિત કક્ષાએ સુવિકસિત થાય છે.
પ્રવાસની શૈક્ષણિક કિંમત ઘણી જ છે .જો પ્રવાસ યોજનાબદ્વ હોય અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો વિદ્યાર્થીઓને તે અનેક રીતે લાભદાયી છે. શાળાના જીવનથી કંટાળેલા વિદ્યાર્થીઓને પ્રવાસને કારણે માનસિક તાજગી મળે છે .
વિદ્યાર્થીઓ એકબીજાના ગાઢ સંપર્કમાં આવે છે. તેમનામાં રહેલી શક્તિઓ અને ત્રુટીઓનો સ્પષ્ટ ખ્યાલ આવે છે . શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાની વધારે નિકટ આવે છે.
પરિણામે એકબીજાને સમજતા થાય છે. વિદ્યાર્થીઓમાં સ્વાવલંબનની ટેવ પડે છે .જુદી જુદી મૂશ્કેલીઓ અને અડચણો નો સામનો કેવી રીતે કરવો તેનો તેમને ખ્યાલ આવે છે તેનાથી વિદ્યાર્થીઓમાં સંશોધનની દ્વષ્ટિએ કહેવાય છે ,અને સાહસિક જીવનનો આનંદ મળે છે.
પ્રવાસનો શોખ એક બાજુ ,વ્યક્તિના સર્વાંગી વિકાસમાં અને સુસંવાદી જીવન ઘડતરમાં નોંધપાત્ર ફાળો આપે છે ; તો બીજી બાજુ,પ્રવાસ દ્વારા મળતું અનેકવિધ પ્રકારનું નામ વ્યક્તિના દિલોદિમાગ પર , કદી ન ભૂંસાય એ રીતે અંકિત થઈ જાય છે.
કેમ કે , પ્રવાસથી મળતું જ્ઞાન પુસ્તકિયા જ્ઞાન જેવું શુષ્ક અને નિરાશ નથી હોતું; એ તો જીવંત અને અનુભવજન્ય હોય છે. પ્રવાસ દ્વારા પ્રાપ્ત થતા વિવિધ રંગી અનુભવોથી મનુષ્યને જે પાયાની કેળવણી મળે છે તે વર્ષોના શેક્ષણિક અભ્યાસથી પણ નથી મળતી.
પ્રવાસ પછી એ કુદરતી સૌંદર્યધામનો હોય, ઐતિહાસિક સ્થળનો હોય કે કોઈ ધાર્મિક તીર્થસ્થાન નો હોય એ માનવીની દૃષ્ટિને બનાવે છે ; અંતર્મુખીપણુ દૂર કરી એને બહિર્મુખી બનાવે છે.
એની સંકુચિત વિચારસરણીને વિશાળ ફલક પર વિસ્તૃત કરી આપે છે. પ્રવાસ દ્ધારા થતા આંતરિક આનંદનું મુલ્ય રૂપિયા કે પૈસામાં અાંકી શકાતું નથી. પ્રવાસ માનવીના જીવનને રસસભર અને સુંદરતમ બનાવે છે.
શિક્ષણમાં રહેલું પ્રવાસનું આ મહત્વ હવે સૌને સમજાવા લાગ્યું છે, એટલે તેનો લાભ લેવા માટે પ્રયત્નો પણ થાય છે .શાળાઓમાં ઘણી રજાઓ મળે છે, એ બધાનો ઉપયોગ જો પ્રવાસમાં કરવામાં આવે તો તેેથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ, સમજ અને બુદ્ધિનો વિકાસ થાય છે .
રેલવે વિભાગ પણ આવા પ્રવાસો માટે મુસાફરીના દરમાં રાહત આપે છે. માધ્યમિક શાળઓમાં વિધાર્થી ઓની સત્ર ફી લેવામાં આવે છે. તેમાંથી પણ પ્રવાસ પાછળ થતો ખર્ચ કરી શકાય છે.
કોઈ પણ સ્થળનો પ્રવાસ ગોઠવતાં પહેલા જો એ પ્રવાસની સંપૂર્ણ યોજના કરવામાં આવે, વિદ્યાર્થીઓને શિક્ષકો તરફથી યોગ્ય માર્ગદર્શન અને જે જે સ્થળોની મુલાકાત લેવાની હોય તે તે સ્થળોની મુલાકાત શક્ય બને તે માટે અગાઉથી જરૂરી પરવાનગી મેળવવામાં આવે તો આ પ્રશ્ન ખૂબ લાભપ્રદ થયા વિના રહે નહીં.
વિદ્યાર્થીઓમાં નોંધ રાખવાની ટેવ પાડવામાં આવે અને જો તેમની સ્વાધ્યાય અને અવલોકન શક્તિ ને વેગ આપવામાં આવે તો તેનો વધારેમાં વધારે લાભ ઉઠાવી શકાય તેમ છે.