પાઠ- 5 ગરીબી

0
1495
CLASS 12 ECONOMICS

પ્રસ્તાવના (Introduction)

ગરીબી અર્થતંત્ર માં પ્રવર્તતા એવી પરિસ્થિતિ છે, જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુતમ જરૂરિયાત પણ સંતોષી શકતો નથી.

મોટા ભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ,આવકની અસમાન વહેંચણી જોવા મળે છે.

ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુતમ જરૂરિયાત જેવી કે પૂરતો પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી.

તો બીજી તરફ ધનિક અને સાધન-સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે ઊચું જીવનધોરણ જીવતા હોય છે.

અર્થતંત્ર માં જોવા મળતી આ આર્થિક સમાનતા ને કારણે સમાજમાં અસંતોષ,અશાંતિ, ઈર્ષ્યા ભાવ  તેમજ વર્ગવિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે.

માનવ વિકાસ અહેવાલ, 1997 મુજબ  આર્થિક વિકાસ તે સાધન છે

ગરીબી નો અર્થ 

  • જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુતમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી.તે પરિસ્થિતિને ગરીબી કહેવાય.
  • જો સમાજનો  મોટો વર્ગ ન્યુનતમ જીવન ધોરણ થી પણ નીચું જીવનધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય.
  • વિશ્વમાં મોટા ભાગના દેશોમાં ગરીબી નું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે. પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ  બદલાતો રહે છે.
  • આ સંદર્ભમાં ગરીબીનાં જુદાં-જુદાં અર્થઘટન ને બે વિભાગમાં વહેંચી શકાય 

(1) ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી

(2) ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી.

ગરીબીનો આવક અભિગમ

  • ગરીબીના આવક અભિગમ મુજબ જીવનજરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચ ની લઘુતમ સપાટી એટલે ગરીબી રેખા.
  • ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુતમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવાય.
  • આમ,આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની  સ્થિતિ છે.
  • ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતાં લઘુતમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે.

પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે.

ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી.

ગરીબીનો આધુનિક અભિગમ

લઘુતમ  સરેરાશ જીવનધોરણના ખ્યાલ માં ખોરાક ઉપરાંત  અન્ય બાબતો જેમ કે કપડા, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે.  

તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિનઆવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો છે.

આધુનિક અર્થશાસ્ત્રીના મતે આવક તે ગરીબીના એક મહત્વનું પાસું છે.

ગરીબી નો પૂરો ખ્યાલ મેળવવા જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)ના માનવ વિકાસ અહેવાલમાં માનવવિકાસ આંક  (HDI) અને માનવ ગરીબી આંક (HPI) ની ગણતરીમાં મુખ્ય ત્રણ બાબતો જ્ઞાન,આરોગ્ય અને સારા  જીવનધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોધણી નો દર (Enrollment ratio), આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુસ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન નો સમાવેશ કરવામાં આવ્યો છે.





 ગરીબીનું સ્વરૂપ (Nature of Poverty)

ગરીબી નો ખ્યાલ ને વધુ સારી રીતે સમજવા અર્થશાસ્ત્રીઓએ ગરીબીને  તેના સ્વરૂપના આધારે બે વિભાગમાં વિભાજિત કરે છે :

 (1) નિરપેક્ષ ગરીબી અને

 (2) સાપેક્ષ ગરીબી.



 નિરપેક્ષ ગરીબી :

  • જીવનની લધુતમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુતમ સપાટી એટલે ગરીબી રેખા.
  • આ ગરીબીરેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે.

ગરીબીરેખા:

  • ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દુધ, માખણ વગેરેનુ લઘુતમ પ્રમાણ કે જે જીવનનિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લધુતમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા છે.
  • આ લધુતમ માથાદીઠ વપરાશી ખર્ચ (ગરીબી રેખા) નક્કી કરવા આયોજનની શરૂઆતમાં  ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેર ક્ષેત્ર માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી.
  • દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિ ના આધારે ગ્રામ્ય ક્ષેત્ર માટે 1960-61ની આધાર કિમતે માથાદીઠ માસિક રૂ.15 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક  રૂ. 22.5 નક્કી કર્યો.
  • ત્યાર બાદ આયોજન પંચ દ્વારા પ્રો. ડી. ટી. લાકડા વાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરાયેલ  તજજ્ઞ જુથ એ વર્ષ 1993 માટે 1973-74ની આધાર કિંમતે ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ માસિક  રૂ 49 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક  રૂ 57 વપરાશી ખર્ચ નો અંદાજ મૂક્યો.

ગરીબી રેખાની મર્યાદા

  • ગરીબી  રેખાની ગણતરીની પદ્ધતિ એક મોટી મર્યાદા એ છે કે, તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર,તરીકે લેવામાં આવે છે.
  • પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એ શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા’ ભૂખમરાની રેખા’ બનીને રહી જાય છે.
  • ગરીબીરેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા  પૌષ્ટિક  અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ થવો જોઈએ.
  • આ સંદર્ભમાં ગરીબી માપન ની પદ્ધતિની પુનઃરચના કરવા પ્રો, સુરેશ તેંડુલકર ની અધ્યક્ષતા વાળી સમિતિ એ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો. 
  • સમિતિએ ગરીબી રેખા ને નક્કી  કરતી નવી કાર્યપદ્ધતિ નક્કી કરી, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો  પણ સમાવેશ કરવામાં આવ્યો.
  • આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રો માટે  રૂ 816 અને શહેરી ક્ષેત્રો માટે  રૂ 1000 ગરીબીરેખા તરીકે નક્કી  કરવામાં આવી છે.



  આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેન્ક દ્વારા વર્ષ 2005માં સમખરીદ શક્તિ (PPP)ના આધારે દૈનિક આવક 1.25 ડોલર નક્કી કરી.

જે વર્ષ 1990 માટે 1 ડૉલર હતી અને વર્ષ 2015માં દૈનિક આવક 1.90 ડોલર નક્કી કરવામાં આવી છે.

 






ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ :

 તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-5માં નિરપેક્ષ  ગરીબીનું પ્રમાણ 37.2 % હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9 % થયું હતું.

ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ :

માહિતી અનુસાર 10 ટકા થી ઓછી ગરીબી દર્શાવતા રાજ્યો માં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ,  આંધ્ર પ્રદેશ નો સમાવેશ થાય છે.

જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય રાજયોમાં 10% થી 20 % ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે.

જ્યારે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશમાં 20% થી 30 % અને મધ્યપ્રદેશ, અસમ, બિહાર, ઓડિસા, ઝારખંડ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશમાં પ્રમાણમાં વધુ એટલે કે 30-40 % ગરીબી જૉવા મળી હતી.

વર્ષ 2013માં પ્રકાશિત થયેલ વાર્ષિક અહેવાલ મુજબ ભારતનાં વિભિન્ન રાજ્યમાં સૌથી ઓછી ગરીબી 5.09 % સાથે ગોવા રાજય હતું અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ 39.93 % સાથે છત્તીસગઢ રાજ્યમાં હતું,

સાપેક્ષ ગરીબી :

  • નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લધુતમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરી લધુતમ વપરાશી ખર્ચને ધ્યાન માં લેવાય છે.પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલ માં સમાજમાં વસતા જુદા-જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી ને ધ્યાનમાં લેવામાં આવે છે.
  • સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે ત્યારે ઓછી આવક વાળો વર્ગ વધુ આવક વાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય છે.
  • સાપેક્ષ ગરીબી ના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા-જુદા આવકજુથો માં  વિભાજીત કરી આવકની વહેંચણી ની અસમાનતા ના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે.
  • સાપેક્ષ ગરીબી એ સમાજના  જુદા જુદા આવક જૂથોનો આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે.

ભારત માટે પણ હવે એવી દલીલ ક૨વામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબી નો અભ્યાસ ગરીબી રેખા ને  બદલે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ.



એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજી શકાય. ધારો કે કોઈ એક દેશની વસ્તીને નીચે મુજબ પાંચ આવક જુથો માં વહેચવામાં આવે છે.

જૂથ 1- 0 થી 30 હજાર

જૂથ 2- 30 હજારથી 1 લાખ 
જૂથ 3- 1 લાખથી 3 લાખ
જૂથ 4- 3 લાખથી 10 લાખ

જૂથ 5-10 લાખથી વધુ

ઉપર ના ઉદાહરણ માં જૂથ 2  માં સમાવિષ્ટ વર્ગની આવક ,જૂથ 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં વધુ છે.

તેથી કહી શકાય કે જૂથ 2 કરતા જૂથ 1 માં રહેલ વ્યક્તિઓ પ્રમાણમાં સાપેક્ષ ગરીબ છે.

પરંતુ જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 3, 4, 5 માં સમાવિષ્ટ વ્યક્તિની આવક કરતાં ઓછી છે.

આથી જૂથ 2 ના વ્યક્તિઓ જૂથ 3, 4, 5 માં સમાવિષ્ટ વ્યક્તિઓ ની તુલનામાં સાપેક્ષ ગરીબ કહી શકાય.

સાપેક્ષ ગરીબી કે આવક અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથો ની રચના, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.

ગરીબી ના નિર્દેશકો 

ગરીબી ની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. દેશમાં ગરીબીને દર્શાવતા  વિવિધ પરિબળોને ગરીબી ના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે.

 નીચો માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ :

 માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડ વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિને  દર્શાવે છે.

વિકાસમાન દેશોમા વિકસિત દેશોની તુલનામાં માથા દીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા  ઘણી જ નીચી હોય છે. 

 ભારતમાં વર્ષ 2005ના સ્થિર ભાવે વર્ષ 2014માં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ  725 ડોલર હતું.

જે US માં 31,469 ડૉલર, UK માં 25,828 ડોલર, જાપાનમાં 22, 149 ડોલર હતું.

પાકિસ્તાનમાં તે 603 ડૉલર ખર્ચ જોવા મળતું હતું. ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ US અને UK જેવા વિકસિત દેશોની તુલના એ ઘણું જ ઓછું જોવા મળે છે.

કુપોષણ નું પ્રમાણ :

કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મીનરલ્સ નો સમાવેશ થતો નથી.

વિશ્વમાં ખાદ્ય સુરક્ષા પરિસ્થિતિ, 2015 પરના FAO ના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત (ઓછો ખોરાક મેળવી) વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું,જે ગરીબી નો નિર્દેશ કરે છે.


અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ-દર 🙁 સ્વાસ્થ્ય)

જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા છે.

દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે.

ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે,

બાળ-મૃત્યુ દર એટલે દર 1000 જીવીત જન્મતા બાળકો માંથી એક વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતાં બાળકો નું પ્રમાણ છે.

બાળમૃત્યુ-દર નું પ્રમાણ સ્વાસ્થ્ય સેવાઓ ની ઉપલબ્ધતા, માતામાં શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં  રસીકરણ પોષણક્ષમ આહાર વગેરે બાબતો પર રહેલો છે.

 નોર્વેમાં જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 81.6વર્ષ હતું જે અમેરિકામાં 79.1વર્ષ, શ્રીલંકામાં 74.9 વર્ષ, ચીનમાં 75.8 વર્ષ હતું. જ્યારે ભારતમાં તે 68.0 વર્ષ જોવા મળ્યું હતું.જે ચીન, શ્રીલંકા જેવા દેશો કરતાં પણ ઓછું છે.

બાળ મૃત્યુદર ની બાબતમાં નોર્વેમાં દર હજાર જન્મ લેતાં બાળકોએ બાળ મૃત્યુનું પ્રમાણ 2,અમેરિકામાં 6, શ્રીલંકામાં 9,ચીનમાં 10 જ્યારે ભારતમાં 39 ઘણું જ વધારે કહી શકાય તેટલું છે.

તબીબી સગવડો :

સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોકટરો,નર્સ, કંપાઉડર વગેરે કર્મચારીઓનો  સમાવેશ થાય છે અને તેની અછત સ્વાસ્થ્ય સેવાઓની પ્રતિકુળ અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડોકટરોની અછત જોવા મળે છે.

વિકસતા દેશોમાં દર છ હજારની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે જ્યારે વિકસિત દેશોમાં દર 350ની વસ્તી માટે એક ડૉક્ટર ની સેવા ઉપલબ્ધ છે.

વિકસતા દેશોમાં  દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે. દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એઇડ્સ નો ભોગ  બન્યા છે. એમાંથી 90 % વિકસતા દેશોમાં છે.

પીવાનું પાણી :

જનસમૂહ નું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવા લાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે.

દૂષિત  પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક નો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે.

વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3 % કુટુંબોને નળ દ્વારા શુદ્ધીકરણ સ્રોત થી પીવાનું પાણી ઉપલબ્ધ છે.

8.67 % કુટુંબોને નળ દ્વારા શુદ્ધીકરણ ન કરેલ પાણી, 26 % લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કુવા, હેન્ડ પમ્પ, ટયુબવેલ, ઝરણાં, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે.

શુદ્ધ પીવાના પાણી ની ગેરહાજરીમાં ગંદા પ્રદૂષણ યુક્ત પાણી, દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે.

શૌચાલયની સુવિધા :

ભારતમાં વસ્તી-ગણતરી 2011 ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70 % વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં  રહે છે.

જેમને પાણી જન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્ત્વની છે અને તે માટે શૌચાલયની સુવિધા અગત્યની છે.

ભારતમાં 66 % કુટુંબો મકાન ની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે. જ્યારે બાકીના 34 % કુટુંબો જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે.

રહેઠાણ :

ગરીબી ના નિર્દેશક તરીકે રહેઠાણ અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે. વિકસતા દેશોમાં રહેઠાણ ની તંગી છે.લોકો ગંદી ચાલો અને  ઝુપડપટ્ટીમાં રહે છે. આ પ્રવર્તતી ગરીબીનું માપદંડ છે.

ભારતમાં પૂરતી સગવડતા વાળા મકાનોની તંગી છે.

ભારતમાં 60 કરોડ લોકો સ્વાથ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમ રૂપ એવા નિવાસસ્થાન માં રહે છે.

ભારતમા મોટા ભાગ ના મકાનો એક રૂમની સગવડતા વાળાં છે જે ગરીબી નું એક માપદંડ બને છે.

વીજળીની વપરાશ :

કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્ત્વનું પરિબળ વીજળીની સગવડ છે.

ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે.

આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠઆવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે.

શિક્ષણ :

 વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે બાકીના નિરક્ષર છે.

 શિક્ષણ અને તાલીમ નું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે.

વર્ષ 2011 માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91 % હતો.જ્યારે ભારતમાં તે 74.04 %, નેપાળમાં 60 % અને પાકિસ્તાનમાં 55% જોવા મળ્યો હતો.

 ગરીબ વસ્તી માં શિક્ષણ નું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત, માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતો નથી, અજ્ઞાનતાનું  ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે.


આવક અને સંપત્તિ અસમાન વહેંચણી :

1991ના આર્થિક સુધારા બાદ ના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણી ને કારણે ગરીબાઈ માં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી.

આવક ની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવનધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાણવિહોણાં  તેમજ ગંદા વસવાટોમાં વસતા,

ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્ય ની પાયાની લઘુતમ જરૂરિયાતો થી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. 

 ભારત માટે એવું કહી શકાય કે, ભારતમાં આર્થિક સુધારા થી ઉદ્ભભવેલા લાભો ધનિકોની તરફેણ માં વધુ રહ્યા છે.

આમ, આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતા જે ગાળો (અંતર) જોવા મળે છે તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબી ના નિર્દેશક છે.


બેરોજગારી નો ઉંચો દર:

પ્રવર્તમાન વેતન દરે  કામ કરવાની ઈચ્છા , શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર  કહેવાય.

ભારતમાં 2011 સુધી બેરોજગારીનો દર 9 ટકા ની આસપાસ રહ્યો હતો. વર્ષ 2013-14માં શ્રમબ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી  પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9 % જેટલો જોવા મળ્યો હતો. ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7 % અને શહેરીક્ષેત્રો માટે તે 5.5 % જોવા મળ્યો હતો.






ગરીબીના કારણો 

 

 ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણ નીચે મુજબ છે :

ઐતિહાસિક કારણો

  • ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદી માં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું.
  • વેપાર માં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સિલ્ક,મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું. 
  • પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણની નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી થઈ ગઈ.
  • અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતીક્ષેત્રેની  સ્થિતિ નાજુક બની હતી.
  • એક તરફ ભારતમાં ખેતી વ૨સાદ પર આધારિત હતી ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણ માં ખાસ રસ દાખવ્યો નહિ.
  • બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળ, જમીનદારી- પ્રથા, વધતા જમીન મહેસૂલ, સાંથપ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાપમાલ થતા ગયા અને જમીનધારો, શાહુંકારો અને મોટા વેપારીઓ  દ્વારા અપાતા ધિરાણ વ્યાજ ના બોજા હેઠળ દબાઈ ગયા.
  • ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ  પરિણામે ગરીબી માં વધારો થતો ગયો.



ગ્રામીણ ગરીબી ના કારણો ;

કુદરતી પરિબળો :

  • ભારત શરૂઆતથી ખેતીપ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો એક મોટો  હિસ્સો ગામડાઓમાં ખેતીક્ષેત્ર પર નિર્ભર છે.
  • ભારતમાં ખેતીક્ષેત્રે ઉત્પાદન નો આધાર મુખ્યત્વે કુદરતી પરીબળો જેમ કે  વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલું છે.
  • વારંવાર પડતા દુકાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર, વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે.


વસ્તીવિષયક પરિબળો :

  • ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાને કારણે એક તરફ મૃત્યુ-દરમાં ઝડપથી ઘટાડો થયો અને સામે પક્ષે જન્મ-દરમાં ખાસ ઘટાડો થયો નહિ.
  • જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ-દર જોવા મળ્યો. ઝડપથી વધતી વસ્તીને કારણો માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહિ.
  • બેરોજગારી વધતી ગઈ પરિણામે ગરીબીમાં વધારો થયો.


ગરીબીના આર્થિક કારણો :

શ્રમિક દીઠ નીચી ખેત-ઉત્પાદકતા : 

  • કૃષિક્ષેત્રે સિંચાઈ સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમ ની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ  વગેરેને કારણે ‌‌શ્રમિક દીઠ ખેત-ઉત્પાદકતા નીચી રહે છે.
  • પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે.

જમીન તથા સંપત્તિની અસમાન વહેચણી:

  • ખેતી માટે જમીન ખૂબ મહત્વની છે.ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાને કારણે જમીન માલિકી મુઠીભર જમીનદારો ના હાથમાં હતી.
  • બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેતમજૂરો કે ભાગીયા હતા જેમની પોતાની  જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતીક્ષેત્રે મૂડી રોકાણ માં રસ ન હતો.
  • પરિણામે ખેતીક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત-ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. 


નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ : 

  • ભારતમાં બીજી પંચવર્ષીય યોજના થી આર્થિક વિકાસ ની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું.
  • પરંતુ ગ્રામ્યક્ષેત્રે નાના અને  ગૃહઉધોગો કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખુબ જ મોટો ફાળો આપે છે તેની અવગણના થઇ. તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહ્યું છે. 


ઝડપથી વધતા ભાવો :

  • વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે, યુદ્ધ, દુષ્કાળ નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન-ખર્ચ માં થતો વધારો વગર કારણોસર ચીજવસ્તુઓ અને  સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે.

બેરોજગારીનું ઊંચું પ્રમાણ :

  • ભારતમાં મોટા ભાગ ની વસ્તી ગામડાઓમાં ખેતીક્ષેત્રે પર નભે છે.ખેતીક્ષેત્રે  મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે.
  • ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગો નો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે જે ગરીબીનું કારણ બને છે. 


ગરીબીના સામાજિક કારણો :

શિક્ષણનું નીચું સ્તર : 

  • ભારતમાં ગરીબી માટે એક મહત્ત્વનું કારણ શિક્ષણ, તાલીમ,કૌશ્લીની  ઉણપ છે.
  • શિક્ષણના નીચા સ્તર ને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિક્ષેત્રે નવી ટેક્નોલોજી, નવી ખેત  પદ્ધતિઓ, સંશોધનો, ખેત-ઉત્પાદન ના વેચાણ માટે બજારના લાભ પ્રાપ્ત થતા નથી.
  • આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તર ને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારી ની તકો પણ ઓછી મળે છે. વેતન-દરો નીચા રહે છે તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે.


 લૈંગિક અસમાનતા :

  • ભારતમાં સ્ત્રી-પુરુષ અસમાનતા (લૈંગિક અસમાનતા) શરૂઆતથી જ અસ્તિત્વમાં છે.
  • સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે  સ્ત્રીઓમાં કુપોષણ , ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે છે. જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે. 
  • અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે.


અન્ય કારણો :

યુદ્ધ :

  • ભારતે આઝાદી બાદ પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે.
  • યુદ્ધના સમયમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદન માં ઘટાડો  થાય છે.
  • વારંવાર યુદ્ધનો સામનો કરવાને કા૨ણ ભારતમાં  વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે. આર્થિક વિકાસ નીચો રહ્યો છે અને વધતા ભાવોની સમસ્યા ઉભી થઈ.પરિણામે ગરીબીમાં વધારો  થયો હતો.


 સંરક્ષણ-ખર્ચમાં વધારો :

  • વારંવાર થયેલા  યુદ્ધના કારણે દેશની  સંરક્ષણ ની બાબત વધુ ગંભીર  બની હતી. તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન  વગેરે પાછળના ખર્ચ માં સતત વધારો કરવો પડ્યો છે.
  • સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે અને તેમાં જેટલો વધારો થાય  તેટલો  આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે  છે.


ખામીયુક્ત નીતિઓ : 

  • ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું.
  •  ઝડપી ઔદ્યોગિકીકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ. પરંતુ  આ નીતિ માં દેશની મોટાભાગની વસ્તી જે કૃષિક્ષેત્ર પર નભતી હતી તેની અવગણના કરવામાં આવી.

ગરીબી ઘટાડવાના ઉપાયો 

ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવા, નીચે મુજબના ઉપાયો કરવામાં આવ્યા છે:

ખેતીક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી :

ખેતીક્ષેત્રે શ્રમિકોમાં  ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબીને ઘટાડી શકાય છે.

નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ: 

  • ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદન અને  કુલ રોજગારી માં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો  મોટો છે.
  • આથી જો નાના અને ગૃહ ઉધોગોનો વિકાસ કરવામાં તેમને પ્રોત્સાહન આપવામાં આવે, તો મોટા પાયા પર ગરીબી  નાબૂદ કરી શકાય.


અસંગઠિત ક્ષેત્રનો  વિકાસ :

  • અસંગઠિત  ક્ષેત્રમાં શાકભાજી વેચનાર, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેતમજૂરો, હાથલારી ચલાવનારા વગેરે નો સમાવેશ ક૨વામાં આવે છે.
  • આવા કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થતિ નક્કી કરવી, જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ  કરાઈ છે.

 યોગ્ય કરનીતિનો ઉપયોગ :

  • અર્થતંત્ર માં આવકની  અસમાનતા અને ગરીબી ઘટે  તે રીતે આવકની પૂનઃ વહેંચણી માટે સરકાર  દ્વારા ક૨નીતિનો ઉપયોગ કરવામાં આવે છે.
  • પરિણામે ગરીબોની આર્થિક-સામાજિક સ્થિતિમાં સુધારો થાય છે, આવકની અસમાનતા અને  ગરીબી ઘટે છે. 

માનવ મૂડી રોકાણ માં વધારો :

  • વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ-ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ આરોગ્ય અને કૌશ્લ્યવર્ધનમાં મૂડી રોકાણ કરવામાં આવે છે.ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે.

વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ :

  • ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહતદરે ખાઘ પદાર્થો પુરા પાડવા જોઇએ.જેથી ગરીબી માં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય.
  • ભારતમાં આ માટે જાહેર વિતરણ  વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાન દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિમતે પાયા ની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.


રોજગારલક્ષી કાર્યક્રમો :

રોજગારી સર્જન અને ગરીબી નિવા૨ણ એકબીજા સાથે સંબંધિત છે. ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી  મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ છે:

સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમ (IRDP)/ સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના(SGSY)  

  • છઠ્ઠી યોજનામાં ગ્રામીણ ગરીબો માટે વિવિધ  એજન્સીઓ દ્વારા ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા તે બધા કાર્યક્રમોને સંકલિત  કરી 2 ઓક્ટોમ્બર, 1980થી સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમ (IRDP) શરૂ કરવામાં આવ્યો.
  • IRDP નો મૂળ ઉદ્દેશ ગરીબ પરિવારોમાં સ્વરોજગારી ને પ્રોત્સાહન આપવું કે જેથી તેઓ ગરીબીરેખાથી વધુ આવક  પ્રાપ્ત કરી શકે.
  • આ કાર્યક્રમમાં ખાસ લક્ષિત જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેમાં નાના તેમજ સીમાંત ખેડૂતો, ખેતમજૂરો તેમજ ગામડાના  કારીગરોનો સમાવેશ થાય છે.

સ્વરોજગારી માટેના કાર્યક્રમો (IRDP અને અન્ય) કાર્યક્રમો માં નીચે મુજબના કાર્યક્રમોનો સમાવેશ થતો હતો :



(1) IRDP (સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ)

(2) TRYSEM( સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ)

(3) DWCRA (ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોનો  વિકાસનો કાર્યક્ર્મ) 

(4) MWS (10 લાખ કુવાઓની યોજના)

(5) SITARA (ગ્રામીણ કારીગર માટે સુધારેલી  ટુલકીટ પૂરી પાડવી.)

(6) ગંગા કલ્યાણ યોજના

  • 1લી એપ્રિલ, 1999 થી IRDP અને તેની સાથે સંકળાયેલા અન્ય યોજનાઓ ભેગી કરી તેને સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર પોજના (SGSY) નામ આપવામાં આવ્યું.
  • આ યોજનામાં ગામડામોમાં ટચુકડા ઉધોગના  વિકાસ સાથે સ્વસહાય જૂથોને માળખાકીય મદદ, ટેકનોલોજી, ધિરાણ ,ઉત્પાદિત વસ્તુઓ ના બજાર માટેની સુવિધા ગ્રામીણ ગરીબો ને પૂરી પાડવામાં આવે છે.

વેતન રોજગારી કાર્યક્રમો :

  • આ કાર્યક્રમો ગરીબી નાબૂદી માટેની વ્યુહરચનાનો એક ભાગ છે જે બહુ આયામી ઉદેશો  ધરાવે છે.
  • વેતન રોજગારી માટેના કાર્યક્રમો નું લક્ષ્યાંક તેવા ગરીબો હતા જેની પાસે તેમના  ભૌતિક શ્રમ‌ સિવાય આવક નું કોઈ સાધન ન હતુ.
  •  વેતન રોજગારી કાર્યક્રમમાં (1) જવાહર  રોજગાર યોજના

(2) રોજગાર બાંહેધરી યોજના  કાર્યક્રમોનો સમાવેશ થયો હતો.

પ્રધાનમંત્રી રોજગાર યોજના (PMRY) : 

  • 1990 ના દાયકામાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વૃદ્ધિ સ્થિગિત થઈ ગઈ હતી તેમજ જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી  હતી.
  • બીજી તરફ બેરોજગારી-દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. આ પરિસ્થિતિમાં સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ ક૨વામાં આવી.
  • જેનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગારી માટે સાહસ સ્થાપવા મદદ કરવાનો છે.


રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન(2005) (NREGA):

  • વર્ષ 2005માં રાષ્ટ્રીષ ગ્રામીણ રોજગાર ગેરેંટી કાનુન (NREGA) મંજુ૨ કરવામાં  આવ્યો.
  • જેનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ, શહેરી ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક તેમજ નીચલા મધ્યમ એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની  રોજગારી પુરી પાડવાનો છે.
  • વર્ષ 2009માં NREGA ને સુધારીને  મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનુન (MGNREGA)નું સ્વરૂપ આપવામાં આવ્યું.

આવાસ યોજનાઓ : 

  • ભારતના ગામડામોમાં આજે પણ ખુબ મોટા પ્રમાણમાં ગરીબીરેખા  હેઠળ,જીવતાં કુટુંબો અર્ધસ્થાયી કે  કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે.
  • ગરીબો ને યોગ્ય  રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવા ના હેતુથી વર્ષ 1985-86 માં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચે નાં કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગને  મકાન ની સુવિધા પૂરી પાડવા ઇન્દિરા આવાસ યોજના (IAY) શરૂ કરવામાં આવી હતી.
  •  25 જૂન, 2015થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) શરૂ કરવામાં આવી છે.
  • આવાસ યોજનાઓ ગરીબ કુટુંબોને રહેઠાણ ની સુવિધા તો પૂરી પાડે છે. પરંતુ સાથે-સાથે તે રોજગાર સર્જનનું મહત્વનું સ્ત્રોત પણ છે.

ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ : 

  • ભારતમાં ગરીબી અને ઘટાડવાની વ્યુહરચના નો એક ભાગરૂપે વિવિધ  સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
  • અસંગઠિત ક્ષેત્રનાં કામદારો  માટે 9 મે, 2015 થી અટલ પેન્શન યોજના (APY) અમલમાં આવી છે.
  • આ સાથે પ્રધાનમંત્રી સુરક્ષા પોજના હેઠળ 18 થી 70 વર્ષની ઉમરના  વ્યક્તિઓને રૂ 12ના નજીવા પ્રીમિયમે ? રૂ 2 લાખનો અકસ્માત વીમો તેમજ વાર્ષિક રૂ 33ના પ્રીમિયમે રૂ 2 લાખનો જીવન વીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરાઇ છે.
  • ખેતીક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમ થી રક્ષણ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) શરૂ કરવામાં આવી છ.

પ્રધાનમંત્રી  જનધન યોજના :

  • નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્ત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના.
  • આ યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી , જેના પ્રથમ દિવસે જ 1.50કરોડ ખાતા ખોલવામાં આવ્યા.
  • 8 જાન્યુઆરી સુધીમાં તેની સંખ્યા 12.58 કરોડ થઈ. જ્યાં 10,590 કરોડની થાપણ મૂકવામાં આવી.


જનધન યોજના નું મહત્વ અને લક્ષણો : 

  • પ્રતિ વસ્તી બેંકિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક  અસમાનતા ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી.
  • જેના મૂળમાં સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી જ તેના બેન્ક ખાતામાં જમા થાય તે હતો.
  • જનધન યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શૂન્ય સિલક સાથે ખાતું ખોલાવી શકાય છે અને ખાતું  ખોલાવ્યાના પાંચ માસ પછી તેમાંથી રૂ 5000 નો ઓવર ડ્રાફ્ટ મળી શકે છે.
  • આ યોજનામાં 26 જાન્યુઆરી પહેલા ખાતું ખોલાવનાર ને જીવન વીમાનો લાભ પણ આપવાનું જાહેર થયું.
  • પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે નાણાકીય સમાવેશીકરણ  માટેની સર્વગ્રાહી  યોજના ગણવામાં આવી છે. જે બીજી રીતે (માઇક્રો ફાઇનાન્સ) સુક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબી ના મૂળમાં ધા કરવાની યોજના છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here