પાઠ-3 ડિબેન્ચર (PART 2)

0
831
STD 12 SP

પ્રસ્તાવના:

 

આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપની ને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઉભી થતી હોય છે ત્યારે કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે.

  • ડિબેંચર એટલે ઉછીની મૂડી. ડિબેંચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે.
  • જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે અને નિશ્ચિત દરે અને મુદત વ્યાજ ચૂકવવા ખાતરી આપે છે.
  • આ માટે કંપની મિલકતો પર તરતો બોજ (Floating Charge) ઊભો કરે છે.

ડિબેંચરની વ્યાખ્યા:

ડિબેંચર મૂળ લેટિન શબ્દ ‘Debere’ પરથી આવ્યો છે. જેનો અર્થ દેવું થાય છે. તેથી એવું કહી શકાય કે ડિબેંચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે.

ડિબેંચર એ “કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો, કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે: સરફ્રાન્સિસ પામર

ડિબેંચર એ “કંપનીની સામાન્ય માહોરથી  અંકિત થયેલો દસ્તાવેજ છે. જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે, નિશ્ચિત મુદત  પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે, તેના દેવાનો સ્વીકાર કરે છે.

  • ડિબેંચર એ  કંપની ની સામાન્ય મહોર સાથે અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે.
  • જેમાં મુદલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે.
  •  જે માટે કંપનીની મિલકતો પ૨ બોજ ઊભો કરવામાં આવે છે.

આમ, કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબાગાળા માટે ઉછીની મૂડી લેવા માગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે.

  • નિશ્ચિત મુદત પછી ડિબેંચરના નાણાં પરત કરી શકાય છે. કંપની અને  ડિબેંચરધારક વચ્ચે દેવાદાર-લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે.
  • ડિબેંચરધારકને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી. તે કંપની સંચાલનમાં પણ ભાગ લઈ શકતા નથી.

પરંતુ ડિબેંચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે ટ્રસ્ટી. નીમી શકે છે. કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌપ્રથમ ડિબેંચરધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવે છે.

ડિબેન્ચર ના પ્રકાર:

જાહેર જનતા સરળતાથી નાણાં રોકી તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે.  ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્વ આપતા હોય છે. 

ડિબેન્ચર ના પ્રકાર : (1) ગીરો ડિબેન્ચર (2) સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર(3)અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર  (4) બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર.

ગીરો ડિબેન્ચર:

આ પ્રકારના ડિબેંચર બહાર પાડતા કંપની મિલકતો ગીરો મુકી સ્થિર કે અસ્થિર પર બોજ ઉભો કરે છે.

આ મિલકતો સંદર્ભ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં કંપનીએ ડિબેન્ચર  હોલ્ડર્સના  ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે.

કંપનીનું જયારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેચર હોલ્ડર્સનો મિલકતો પર પ્રથમ હક હોય છે.

સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેંચર (Fully Convertible Debenture – FCD ) : 

ડિબેંચર હોલ્ડર્સ સાથે નક્કી થયેલ  કરાર મુજબ નિશ્ચિત સમયમર્યાદાને અંતે જે તે  ડિબેંચરનું ઈક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. કંપની આ  અગાઉ ડિબેંચર ધારકોને બે વિકલ્પ આપે છે.

જેમાં (i) ડિબેંચરના નાણાં પરત લેવા છે કે (ii) તેટલી રકમના ઇકવિટી શેર  લેવા છે. જો ડિબેંચર ધારક FCD વિકલ્પ સ્વીકારે તો

ડિબેંચરધારક તરીકેના હકો કંપની લેણદાર તરીકેના સમાપ્ત થાય છે. અને ઇક્વિટી શેરધારક તરીકેના હકો (માલિકી) પ્રાપ્ત થાય છે.


અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેંચર: (Partly Convertible Debenture -PCD) :

અહિં ડિબેંચરના બે ભાગ ‍ પાડી દેવામાં આવે છે. જેમાં ડિબેચરનો  એક ભાગ સંપૂર્ણ રૂપાંતરીત થાય છે અને બીજો ભાગ બિનરૂપાંતરિત હોય છે.

એમાં રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિનરૂપાંતરીત ભાગ પરત કરવામાં આવે છે.

બિનરૂપાંતરક્ષમ ડિબેંચર (Non-Convertible Debenture – NCD) :

આ પ્રકારના ડિબેંચરનું ઈકવિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી કે આ પ્રકારની કોઇ જોગવાઇ હોતી નથી. કંપની ડિબેચરની મુદત પૂરી થતાં નાણાં પરત કરે છે.

ડિબેન્ચર બહાર પાડવાની વિધિ :

  • ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટેની ‘ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે.
  • જ્યારે કંપની  ડિબેન્ચર બહાર પાડે ત્યારે તમામ જોગવાઈઓ નું પાલન કરવું અનિવાર્ય છે.
  • જો આ જોગવાઈના પાલનમાં કોઈ પણ ભૂલ  થાય તો કંપની/ જે તે અધિકારી દંડ–સજા ને પાત્ર ગણાય છે.
  • ડિબેન્ચર ધારકોનું હિત ક્યાંય પણ જોખમાય નહિ તે રીતે  ધ્યાન રાખીને કામગીરી કરવી અનિવાર્ય છે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ નીચે પ્રમાણે છે :

(1) ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ : સૌપ્રથમ કંપનીના નિયમન પત્રમાં ડિબેન્ચર  અંગેની જોગવાઇઓનો અભ્યાસ કરવામા આવે છે. ત્યારબાદ કંપની સંચાલક મંડળની સભામાં  ડિબેન્ચર બહાર પાડવા માટે ઠરાવ પસાર કરે છે.

(2) કંપનીની સામાન્ય સભામાં ઠરાવ:

ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે કંપનીની સામાન્ય સભા બોલાવી સભ્યોની સંમતિનો ઠરાવ કરવામાં આવે છે.

(3) સેબી (SEBI)ની મંજુરીડિબેન્ચર બહાર પાડવા સેબીની મંજૂરી મેળવવી પડે છે 

(4) વિજ્ઞાપનપત્ર બહાર પાડવું : જાહેર કંપનીઓએ  ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપનપત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે. 

(5) ડિબેંચર ટ્રસ્ટીઓની નિમણૂક : ડિબેંચરધારકોના  હિતોનું રક્ષણ ક૨વા માટે કંપનીમાં ડિબેંચ૨ ટ્રસ્ટઓની નિમણૂક કરવામાં આવે છે.

(6) બાંયધરી દલાલી સાથે કરાર :  કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાંયધરી દલાલો–સંસ્થાનો સાથે કરાર કરવા માગતા હોય તો તે આ તબક્કે કરવામાં આવે છે. 

(7) શિડ્યુલ્ડ બેન્કમાં ખાતું ખોલાવવું :  કંપની ડિબેંચર ની અરજી અને નાણાં સ્વીકારવા માટે શિડયુલ્ડ બેન્કમાંખાતું ખોલાવવું પડે છે. 

(8) શેરબજારમાં નોંધણીજો  વિજ્ઞાપનપત્રમાં  દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેંચરના ખરીદ-વેચાણ માટે માન્ય શેરબજારમાં અરજી કરે છે.

(9) ડિબેન્ચર વહેચણી પત્રક તૈયાર કરવું : વિજ્ઞાપનપત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડિબેંચર ભરણાની યાદી બંધ થયા પછી આવેલ ડિબેંચર  અરજીના આધારે કંપની સેક્રેટરી ડિબેંચર વહેંચણીપત્રક તૈયાર કરે છે.

(10) ડિબેંચરના  પ્રમાણપત્રો :કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત સમયમર્યાદામાં ડિબેંચર પ્રમાણપત્રો ડિબેંચરધારકોને મોકલી આપવામાં આવે છે.


ડિબેંચર હોલ્ડર ના અધિકારો (Rights of Debenture Holders):

કંપનીમાં ડિબેંચર ધારકોને પણ વિવિધ અધિકારો મળવાપાત્ર થાય છે.

(1) ડિબેન્ચર પર નિર્ધારિત સમયે અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકારો.

(2) ડિબેન્ચરની  સમયમર્યાદા પૂરી થતા નાણાં પરત મેળવવાનો અધિકાર.

(3) કંપની રજીસ્ટર્ડ ઓફીસે રાખવામાં આવેલ દસ્તાવેજોનો અભ્યાસ, તપાસ અને નકલ મેળવવાનો અધિકાર.

(4) કંપની રજિસ્ટર્ડ ઓફીસ જરૂરી ફી ભરી જે-તે સાચી માહિતી મેળવવાનો અધિકાર.

(5) કંપની ડિબેન્ચરધારકો સાથે ટ્રસ્ટ ડીડ/ ટ્રસ્ટ કરાર કરે છે, તેની જોગવાઈઓ મુજબ આ કામગીરી  થાય છે કે કેમ તેની જાણકારી મેળવવાનો અધિકાર છે.

(6) ડિબેંચર હોલ્ડરોને તેના હિતોનું રક્ષણ કરવા માટે  ડિબેંચર  ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર.

(7) કંપનીના સંચાલકો, ડિબેન્ચર હોલ્ડરને અસર કરતા મહત્વના નિર્ણયો લેતા પહેલાં ડિબેંચર છે ટ્રસ્ટી ને વિશ્વાસ માં લેવા પડે છે.

(8) કંપનીએ જે મિલકતની જામીનગીરી/ ગીરો આપેલ  હોય તેની ટ્રસ્ટ કરેલ જોગવાઈ પ્રમાણે સલામતી જળવાય તે જોવાનો અધિકાર છે.

(9) જામીનગીરી પેટે આપેલ મિલકત/ટ્રસ્ટ ડીડની જોગવાઈનો જો ભંગ કરે , શરતોનું પાલન ન કરે તેવા  સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર છે.

(10) સમયાંતરે કંપનીની પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો અધિકાર છે.

(11) કંપની વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રતા ક્રમે પરત મેળવવાનો અધિકાર ધરાવે છે.

 ડિબેંચર ટ્રસ્ટ ડીડ (Debenture Trust Deed):

  • ડિબેંચર એ કંપનીનું દેવું છે, કંપની ડિબેંચર હોલ્ડરોને આ દેવા સામે મિલકતોની જામીન/ગીરો  આપે છે.
  • ભારતીય કંપની ધારા પ્રમાણ કંપની અને ડિબેંચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે અને તેની કંપની રજિસ્ટ્રાર  સમક્ષ નોંધણી કરાવવામાં આવે છે.
  • આમ, કંપની અને ડિબેંચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી આ શરતોના કરારને ટ્રસ્ટ ડીડ,  કે ટ્રસ્ટ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • કંપનીના ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વહેંચાયેલા હોય છે.
  • આ સંજોગોમાં તેમના હિતનું રક્ષણ કરવા માટે  ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિોને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે.
  • જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, આ ડિબેંચર -ટ્રસ્ટીઓ  ડિબેંચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે હિતરક્ષણ માટે કાર્ય કરે છે.
  • કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડ ની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે.
  • ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જો  તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો ડિબેંચર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવી તેમની સહમતી મેળવ્યા પછી જ ફે૨ફા૨ કરી  શકાય છે.

ટ્રસ્ટ ડીડમાં નીચે દર્શાવેલ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે 

ડિબેંચર ટ્રસ્ટ ડીડ ફોર્મ–12 પ્રમાણે ભરવાનું હોય છે.જે નીચે મુજબ છે:

(1) કંપનીની પ્રાથમિક વિગત

(2) ડિબેંચર ઇસ્યુની વિગત

(3) જામીનગીરી/ગીરો મુકેલ મિલકતની વિગત

(4) ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણુક અંગેની વિગતો

(5) જવાબદારી નિભાવવામાં કસુર ઘટનાઓ

(6) કંપની અને બંધનકર્તા શરતો/જોગવાઈઓ

(7) અન્ય બાબતો

– ટ્રસ્ટ ડીડ માં શરતમાં ફેરફાર કર્યા હોય તો તેની વિગતો.

– ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી ચુકવવા કંપની જવાબદાર છે.

–ડિબેંચર ધારોકોની સભા તથા ફરિયાદ વાંધોઓ અને તેનું નિરાકરણ વગેરે…

ડિબેંચર ફેરબદલી ની વિધિ :

ડિબેંચર ફેરબદલીની વિધિ નીચે પ્રમાણે દર્શાવી શકાય :

(1) રજિસ્ટર્ડ  ડિબેંચરની ફેરબદલી માં – તે માટે નિર્ધારિત કરેલ ફોર્મ મેળવવું અને જરૂરી વિગતો ભરેલી,

(2) ડિબેંચર  વેચનાર અને ખરીદનાર બંને પક્ષકારોના નામ, સરનામા, ડિબેંચરની વિગત, પ્રમાણપત્ર નંબર,ક્રમ,  ડિબેંચર ની સંખ્યા અને ડિબેચરની કિંમતની વિગતો દર્શાવવામાં આવે છે અને બંને પક્ષકારોને તેમાં સહી કરવી પડે છે.

(3) ડિબેંચર વેચનારે પોતે સ્વૈચ્છિક રીતે ડિબેંચર વેચેલ છે તે જણાવી બીજી સહી કરવી પડે છે.

(4) ડિબેંચર પ્રમાણપત્ર અને ફેરબદલી ફોર્મ કંપનીની રજીસ્ટર ઓફિસ રજૂ કરવામાં આવે છે.

(5) કંપની સેક્રેટરી ફોર્મની વિગત અને પ્રમાણપત્ર ચકાસણી કરીને નમૂના સહીની સરખામણી કરે છે.

(6) પ્રવર્તમાન કાયદા અનુસાર જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે કે કેમ તેની તપાસ કરી ફેરબદલી રજિસ્ટરમાં નોંધ કરશે.

(7) કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેરબદલીની  મંજૂરી અંગે ચર્ચા કરી ફેરબદલી મંજુરી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે.

(8) સંચાલકમંડળના ઠરાવના આધારે સેક્રેટરી  ડિબેન્ચર પ્રમાણપત્રમાં ખરીદનારનું ,નામ દાખલ કરે છે અથવા  નવું ડિબેંચર પ્રમાણપત્ર તૈયાર કરી ડિબેન્ચર ખરીદનારને તે મોકલી આપે છે.

શેર અને ડિબેન્ચર વચ્ચે નો તફાવત:

(1) અર્થ:

શેર: જોઈન્ટ સ્ટોક કે કંપની પોતાની  માલિકીની મૂડી ને નાના-નાના ભાગોમાં વહેંચે છે. આ દરેક ભાગને શેર કહે છે.

ડિબેન્ચર: જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તેને ડિબેન્ચર કહે છે.

(2) મૂડી:શેર એ કંપનીની માલિકીની મૂડી છે.

          ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે.

 

(3)વળતર: કંપની નફામાંથી વળતર તરીકે શેર પર ડિવિડન્ડ આપે છે.

              કંપની ડિબેન્ચર  પર વળતર તરીકે વ્યાજ આપે છે.




(4) વળતરનો દર: શેરમા  ડિવિડન્ડનો દર અનિશ્ચિત છે.

                      ડિબેન્ચર પર વ્યાજનો દર નિશ્ચિત હોય છે. નફો થાય કે ન થાય વ્યાજ  ફરજિયાત ચૂકવવું પડે છે.


(5) માલિકી: શેરહોલ્ડર એ કંપનીનો માલિક છે.

                ડિબેન્ચર હોલ્ડરએ કંપનીનો લેણદાર  છે.


(6) જોખમ: શેરમાં જોખમનું પ્રમાણ વધારે જોવા મળે છે.

               ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે.

(7) મતાધિકાર:  શેરમાં મતાધિકારનો હક મળે છે.

                  ડિબેન્ચરમાં મતાધિકારનો હક મળતો નથી.

(8) સ્ટેમ્પ ડયુટી: કંપનીમાં શેર ફેરબદલી ઉપર ઓછી સ્ટેમ્પ ડ્યુટી  ઓછી ભરવી પડે છે.

ડિબેન્ચરની ફેરબદલીમા  સ્ટેમ્પ ડ્યુટી ભરવી વધુ ભરવી પડે છે.

(9) નાણાં પરત મેળવવા:કંપની જ્યાં સુધી કાયદેસર રીતે  હયાત છે ત્યાં સુધી શેરના નાણાં પરત કરી શકાતા નથી. કંપની વિસર્જન સમયે સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો હક મળે છે.

ડિબેન્ચરના પ્રકાર મુજબ કંપની નાણા પરત કરી શકે છે. કંપની વિસર્જનસમયે નાણાં પરત મેળવવાનો પ્રથમ હક મળે છે.

(10) મૂડીમાંથી ચુકવણી: કંપનીની મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ આપી શકાતું નથી.

ડિબેન્ચર પરનું વ્યાજ જોગવાઈ પ્રમાણે  મૂડીમાંથી આપી શકાય છે.

(12) અંકુશ: શેર હોલ્ડરો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવે છે.

ડિબેંચરધારકો કંપનીના વહીવટ પર  અંકુશ ધરાવતા નથી. પરંતુ તેમના હિતના રક્ષણ માટે ડિબેંચર ટ્રસ્ટીની  નિમણૂક કરી શકે છે.

(13) કંપની વિસર્જન માગણી: શેર ધારક વિસર્જન ન માગણી કરી શકતો નથી.

        ડિબેંચરધારક કંપની વિસર્જન ની  માગણી કરી શકે છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here