પ્રસ્તાવના (Introduction):
પ્રસ્તાવના (Introduction):
- કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.
- જેના અનુસંધાનમાં કંપનીમાં રોકાણ કરવા ઈચ્છતી વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે છે.
- કંપની આવેલી અરજીઓ એકત્રિત કરી તેનું વર્ગીકરણ કરે છે અને શેર ફાળવણી અંગેની નીતિ સંચાલક મંડળ શેરબજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શન કરીને નક્કી કરે છે.
- શેર ફાળવણીનું કાર્ય પૂર્ણ થયા બાદ જે અરજદારોના શેર મંજૂર થયા હોય તેમના નામ સભ્યપત્રક માં નોધવામાં આવે છે.
સભ્યપદ : અર્થ અને વ્યાખ્યા:
અર્થ (Meaning) :
- જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ હોય તે કંપનીના સભ્ય ગણાય છે.
- ટૂંકમાં, સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને તેનું નામ સભ્ય પત્રકમાં હોવું તે આવશ્યક બાબત છે.
વ્યાખ્યા (Definition) :
- કંપની ધારામાં જણાવ્યા મુજબ, જે વ્યક્તિએ કંપનીમાં આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય છે.
સભ્ય અને શેરહોલ્ડર :
સામાન્ય રીતે સભ્ય અને શેરહોલ્ડર શબ્દનો એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં કાયદાની દૃષ્ટિએ સભ્ય અને શેરહોલ્ડર વચ્ચે તફાવત જોવા મળે છે.
વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેરહોલ્ડર ન હોય- સમજાવો
(1)જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી હોય તે તરત સભ્ય બને છે પરંતુ તેણે શેર ખરીદ્યા ન હોય તો પણ સભ્ય ગણાય છે.
(2) બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોએ માત્ર ચોક્કસ રકમ પૂરતી બાંયધરી આપી હોય અને તેઓની પાસે શેર ન હોવા છતાં સભ્ય તરીકે ગણાય છે
(3) જે વ્યક્તિએ પોતાના શેર બીજાના નામે ફેરબદલી કર્યા હોય તો તે શેરહોલ્ડર તરીકે ૨હેતો નથી પરંતુ જયાં સુધી કંપનીના સભ્યપત્રકમા તેનું નામ રદ ન થાય ત્યાં સુધી તે સભ્ય ગણાય છે.
(4) જે કંપની શેર મૂડી ધરાવતી નથી તે કંપનીનાં શેરહોલ્ડર હોતા નથી તેમ છતાં કંપનીના સભ્યો તો હોય છે.
વ્યક્તિ શેરહોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય: સમજાવો
(1) કંપનીના શેર ખરીદનાર વ્યક્તિ શેરહોલ્ડર ગણાય છે. જ્યાં સુધી તે પોતાનું નામ સભ્યપત્રકમાં ન નોંધાવે ત્યાં સુધી કંપનીનો સભ્ય ગણાતો નથી.
(2) શેરહોલ્ડરનું અવસાન થતાં તેના કાયદેસરના પ્રતિનિધિ શેરહોલ્ડર બને છે, પરંતુ જ્યાં સુધી તેમનું નામ સભ્યપત્રકમાં નોંધાવે નહિ ત્યાં સુધી સભ્ય ગણાય નહીં.
સભ્યપદ અને શેરહોલ્ડર વચ્ચેનો તફાવત:
(1)અર્થ:
સભ્ય:જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા કે શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નોંધ થયેલ હોય તે કંપનીના સભ્ય ગણાય છે.
શેરહોલ્ડર:જે વ્યક્તિ કંપનીના શેર ધરાવતી હોય તે કંપનીના શેરહોલ્ડર્સ કહેવાય છે.
(2) સહી:
સભ્ય: જે વ્યક્તિએ આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી હોય તેને સભ્ય તરીકે ગણી લેવામાં આવે છે.
શેરહોલ્ડર: કંપનીના આવેદનપત્રમાં શેરહોલ્ડર ની સહી જરૂરી નથી.
(3) કાયદાકીય હસ્તાંતરણ:
સભ્ય: કાયદેસરનો પ્રતિનિધિ શેર ફેરબદલી પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્યપત્રકમાં નોંધાવે ત્યારે તે સભ્ય ગણાય છે.
શેરહોલ્ડર: કાયદાકીય હસ્તાંતરણ દ્વારા જ્યારે કાયદેસરના પ્રતિનિધિને શેર પ્રાપ્ત થાય ત્યારે તે શેરહોલ્ડર બને છે.
કંપનીનુ સભ્યપદ કોણ મેળવી શકે છે?
કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ જેવા અધિકાર ભોગવે છે.
કાયદાની દૃષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે.
જીવંત વ્યક્તિ :
કંપનીનુ સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેનાં કરાર દ્વારા મળે છે. ભારતીય કરારનવ કાયદા મુજબ કરાર કરવા માટે સમર્થ એવી કોઈ પણ જીવંત વ્યક્તિ સભ્ય બની શકે છે.જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે તેવી વ્યક્તિ સભ્ય બની શકે નહી. દા. ત., સગીર, નાદાર, અસ્થિર મગજવાળી વ્યક્તિ.
પેઢીના ભાગીદારો :
ભાગીદારી પેઢી કાયદાની દૃષ્ટિએ ‘વ્યક્તિ’ ન હોવાથી તે સભ્ય બની શકે નહિ. પરંતુ ભાગીદારો વ્યક્તિગત રીતે અથવા સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે.
હિન્દુ અવિભક્ત કુટુંબ :
હિંદુ અવિભક્ત કુટુંબમાં માત્ર કુટુંબનો કર્તા પોતાના કે સંયુક્ત નામે શેર કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે.
ટ્રસ્ટ :
નવા કંપની ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે.
વિદેશી વ્યક્તિ :
અન્ય દેશની કોઈ પણ ભારતીય કંપનીના શેર ધારણ કરી સભ્ય બની શકે છે. પરંતુ જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ કે કટોકટીની જાહેર થાય ત્યારે તે વ્યક્તિ દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે.
સંયુક્ત શેર ધરાવનાર :
- જયારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવે છે.
- જેમના નામ સભ્યપત્રકમાં દર્શાવેલા હોય તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ઉદભવે છે.
- વહીવટી સરળતા ખાતર જેનું નામ પ્રથમ હોય તેના નામે કંપની પત્રવ્યવહાર કરેછે.નોટિસ, ડિવિડન્ડ વૉરંટ, પરિપત્ર, દસ્તાવેજ, શેર પ્રમાણપત્ર તેના જ સરનામે મોકલાવે છે.
અન્ય સંસ્થાઓ :
સહકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળી કે અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ પોતાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે.
કંપની (Company) :
કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ હોવાથી સભ્યપદ મેળવી શકે છે.
કંપની પોતાના નિયમનપત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. જેમાં નીચેની જોગવાઈઓનું પાલન થવું જરૂરી છે
(1) કંપની પોતાના નિયમનપત્રના અનુસંધાન માં જ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે.
(2) ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે,
પરંતુ નીચે જણાવેલ અપવાદરૂપ સંજોગોમાં તે કંપની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે :
(a)શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે ત્યારે.
(b) ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં પણ હિતસંબંધ ન હોય ત્યારે.
(c) આ કાયદાના અમલ પહેલા કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપનીઓ વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે.
સભ્યપદ મેળવવાની રીતો :
કંપનીના શેર ધારણ કરનાર દરેક વ્યક્તિ કે નામ સભ્યપત્રક માં નોંધેલ હોય તે સભ્ય ગણાય છે. કંપનીનું સભ્યપદ મેળવવા માટે જુદી-જુદી રીતો નીચે મુજબ છે :
આવેદનપત્ર માં સહી દ્વારા :
કંપનીના આવેદનપત્રની સ્થાપનાની કલમમાં સહી કરનાર વ્યક્તિ નોંધણીનું પ્રમાણપત્ર મળેથી આપોઆપ સભ્ય બને છે.
શેર ફાળવણી દ્વારા :
વ્યક્તિઓ કંપનીમા શેર ખરીદવા માટે અરજી કરે છે. જેમની અરજી મંજૂર થાય ત્યારે તે અરજદારનું નામ સભ્ય પત્રકમાં નોંધવામાં આવે છે. પરિણામે તે કંપનીના સભ્ય બને છે અને સભ્યપદ પ્રાપ્ત કરે છે.
શેર ફેરબદલી દ્વારા :
જ્યારે કોઇ શેરહોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે ત્યારે શેર ફેરબદલીની વિધિને અનુસરીને શેર ખરીદનાર વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવે છે.
કાયદાકીય હસ્તાંતરણ દ્વારા :
જ્યારે કોઇ શેરહોલ્ડર નું અવસાન થાય કે નાદાર અથવા અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયા દ્વારા ફરજિયાત ફેરબદલી આવશ્યક બને છે.
અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા :
કંપની નિષ્ણાત વ્યક્તિઓને તેમની સેવા કે કામગીરીના મહેનતાણા બદલ પૂર્ણ ભરપાઇ થયેલા શેર અવેજ આપે છે.પરિણામે તે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે અને સભ્યપદ મેળવે છે.
સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીને :
જ્યારે કોઈ સભ્ય પોતાના શેર અન્યને વેચે ત્યારે તેના સભ્યપદનો અંત આવે છે.
તેની પાસે સભ્યપદ ન હોવા છતાં તે (1) કંપનીના સભ્યપત્રક માં નામ ચાલુ રહેવા દે
(2) પોતે સભ્ય છે તેવો દેખાવ કરે
(3) આભાસી વર્તન દ્વારા સભ્ય તરીકેના હકનો ઉપયોગ કરે અને પરિણામે સભ્ય તરીકેની જવાબદારી ઉદભવે ત્યારે વર્તમાનમાં તે સભ્ય નથી તેવી દલીલ કરે તે માન્ય ગણાતી નથી. કારણ કે કાયદાની દૃષ્ટિએ તેને સભ્ય તરીકેના હક મળતાંનથી, પરંતુ સભ્ય તરીકે જવાબદાર બને છે.
ત્યાગપત્ર નો ઉપયોગ કરીને :
વર્તમાન શેરહોલ્ડરને હકના શેર ખરીદવા માટે મળેલ હકનો સંપૂણૅ કે આંશિક રીતે અન્યની તરફેણમાં જતો કરે ત્યારે ત્યાગપત્રનો ઉપયોગ કરે છે.
રૂપાંતરણ ડિબેન્ચર ધારક દ્વારા:
જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતર પાત્ર ડિબેન્ચર હોય અને નિશ્ચિત મુદતે ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે ત્યારે તે ડિબેન્ચર ધારક ઇક્વિટી શેર ધારણ કરવાથી સભ્ય બને છે અને સભ્યપત્રક માં તેનું નામ દાખલ કરવામાં આવે છે.
સ્વેટ ઇક્વિટી શેર દ્વારા :
કંપની તેના સંચાલકો , કર્મચારીઓ અને વિશિષ્ટ ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે.
આ પ્રકારના શેરધારકનું નામ સભ્યપત્રકમાં નોંધ કરવાથી સભ્યપદ પ્રાપ્ત કરી શકાય છે.
સભ્યપદનો અંત :
જ્યારે કંપનીના સભ્યપત્રકમાંથી સભ્યનું નામ રદ થાય ત્યારે તે વ્યક્તિના સભ્યપદ નો અંત આવે છે. આ અંગેના વિવિધ સંજોગો નીચે મુજબ દર્શાવી શકાય :
શેર ફેરબદલી દ્વારા :
કંપનીનો સભ્ય પોતાના તમામ શેર અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને વેચે ત્યારે શેરની ફેરબદલી પ્રક્રિયાને આધારે શેર વેચનારનું નામ સભ્યપત્રકમાંથી રદ થાય છે. પરિણામે વેચનારનો સભ્યપદનો અંત આવે છે.
શેર જપ્તી દ્વારા :
કંપનીએ શેર પરના હપતા મંગાવ્યા હોય અને નિયત મુદતમાં શેરહોલ્ડર હપતાની રકમ ન ભરે ત્યારે યોગ્ય કાર્યવાહી બાદ તેના શેર જપ્ત કરવામાં આવે છે, પરિણામે તે શેરહોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી રદ થતાં સભ્યપદનો અંત આવે છે.
શેર લિયનના હકનો ઉપયોગ કરે ત્યારે :
કંપનીના નિયમનપત્રમાં શેર લિયન અંગેની જોગવાઈ હોય તો કંપની પોતાની લેણી રકમ વસૂલ કરવા માટે શેરહોલ્ડરને નોટિસ આપે છે જ્યારે કંપની શેર લિયનના હકનો ઉપયોગ કરી પોતાનું લેણું વસુલ કરવા શેરહોલ્ડર ના શેર વેચી દે ત્યારે તેના મૂળ શેરહોલ્ડર ના સભ્યપદ અંત આવે છે.
રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરે ત્યારે :
કંપનીએ રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય અને શરત અનુસાર મુદત પૂરી થતાં કંપની શેર પરત લઇ નાણાં ચૂકવી આપે છે, પરિણામે શેરહોલ્ડરના સભ્ય પદનો અંત આવે છે.
શેર વહેંચણી રદ કરાવે ત્યારે:
કંપની ધારામાં જણાવેલ નિયમિત શેર વહેંચણી માટેની જોગવાઈઓનો ભંગ થતો હોય ત્યારે અસર પામતા શેરધારકો શેર વહેચણી રદ કરાવે છે, જેથી તેઓના સભ્યપદનો અંત આવે છે.
કંપની સમેટી લેવામાં આવે ત્યારે :
કંપની પોતાનો ધંધો બંધ કરે કે સમેટી લે અથવા ફડચામાં જાય ત્યારે કંપનીના અંત સાથે જ સભ્યપદનો અંત આવે છે.
કંપનીઓના સંયોજન/ જોડાણ દ્વારા :
જ્યારે બે કંપનીઓ પૈકી કોઈ એક કંપનીનું બીજી કંપનીમાં સંયોજન થાય અથવા બે કંપનીઓ જોડાણ કરી નવી કંપની સ્થાપે ત્યારે અસ્તિત્વ ગુમાવનાર કંપનીનાં સભ્યોનાં સભ્યપદનો અંત આવે છે.